કોરોના વાયરસ કપડાં પર ૯ કલાક તો મોબાઇલ પર ૯ દિવસ સુધી જીવતો રહી શકે

Sunday 22nd March 2020 07:52 EDT
 
 

ન્યૂ યોર્કઃ એક તરફ કોરાના વાઇરસ (કોવિડ-૧૯)એ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે બીજી તરફ તેના પર સતત રિસર્ચ ચાલી રહ્યા છે. હવે નિષ્ણાતોએ કોરાના અંગે એવું તારણ કાઢયું છે કે કપડા પર કોરોના વાઇરસ ૯ કલાક સુધી જીવતો રહી શકે છે જયારે મોબાઇલમાં ૯ દિવસ સુધી સંક્રમણ ફેલાવી શકે છે. ચીનના વુહાનથી ફેલાયેલો વાઇરસ કેવી રીતે ફેલાય છે અને કેટલા કલાક સુધી જીવતો રહી શકે છે એ જાણવાની ઉત્સુકતા વધતી જાય છે. આ સમયે અમેરિકાના સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને તેના સંશોધનનું તારણ રજૂ કરતાં જણાવ્યું હતું કે કોરોના વાઇરસ શરીર બહાર ૯ દિવસ સુધી જીવતો રહી શકે છે.
આ વાઇરસ મેટલ પર ૧૨ કલાક સુધી જયારે ચામડી પર માત્ર ૧૦ મીનિટ જ જીવતો રહી શકે છે. આથી જ તો કોઇ પણ મેટલ કે સંક્રમિત વસ્તુને સ્પર્શ કર્યા પછી હાથ ધોઇને ઇન્ફેકશનથી મુકત થઇ શકાય છે. કોરોના વાઇરસ મોબાઇલ સ્ક્રીન પર ૪૮ કલાક અને જો મોબાઇલની બેક પેનલ પ્લાસ્ટિકની હોય તો વાઇરસ સૌથી વધુ ૯ દિવસ સુધી જીવતો રહી શકે છે. જોકે મોબાઇલની બેક પેનલ મેટલની હોય તો વાઇરસ ૧૨ કલાક જીવતા રહી શકે છે. આથી જ તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ મોબાઇલને પણ સ્વચ્છ રાખવાની સલાહ આપી છે.
કોરોના વાઇરસ અંગે સંશોધન કરી રહેલા નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો મોબાઇલ કોઇ કોરોના વાઇરસથી સંક્રમિત વ્યકિતએ ટચ કર્યો હોય તો તેનાથી પણ વાઇરસ ફેલાઇ શકે છે જયારે કપડાં પર વાઇરસ વધુમાં વધુ ૯ કલાક સુધી જીવતો રહી શકે છે. પરંતુ જો કપડાં તડકે સૂકવવામાં આવે તો સૂર્યપ્રકાશની ગરમીથી વાઇરસ કમજોર પડી જાય છે, જેથી ચેપ લાગવાની શકયતા ઘટે છે. કોરોના વાઇરસને ઉંચું તાપમાન માફક આવતું ન હોવાથી જે દેશમાં ગરમીનો પારો ૩૫ ડિગ્રીથી ઊંચો જશે ત્યાં તેનો નાશ થવા લાગશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter