કોરોના હૃદયરોગ, ડાયાબિટીસના દર્દીઓ માટે વધુ જીવલેણ

Wednesday 25th March 2020 07:19 EDT
 
 

બૈજિંગઃ ચીનમાં સંશોધકો ૭૨,૦૦૦ દર્દીઓનો અભ્યાસ કર્યા બાદ એવા તારણ પર આવ્યા છે કે, કોવિડ-૧૯થી સંક્રમિત થયા બાદ મૃત્યુ પામેલામાં ૧૦.૫ ટકા દર્દી હૃદયરોગના દર્દી હતા. જ્યારે ડાયાબિટીસના દર્દીઓને કોરોનાનો ચેપ લાગે તો મૃત્યુ દર ૭.૩ ટકા અને ગંભીર શ્વસનતંત્રના રોગ હોય એવા લોકોમાં કોરોનાને કારણે મૃત્યુ દર ૬.૩ ટકા હતો! વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ હાલમાં જ એવા દિશાનિર્દેશ કર્યા હતા કે જે લોકો કોરોનાના શિકાર જલ્દીથી થઇ શકે એમ હોય તેવા લોકોએ ટોળાંથી દૂર રહેવું. ઉપરાંત બીમાર માણસો સાથે સંપર્ક વખતે વિશેષ કાળજી રાખવી. દુનિયાભરમાં સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યામાં વધારા થઈ રહ્યો છે.

જોકે અભ્યાસમાં વય કે લિંગ અંગે કોઈ અલગ તારણ કાઢવામાં આવ્યું નથી. એ કારણથી વય અને લિંગને કારણે આ વાઇરસની કોને વધુ અસર થાય એ જાણી શકાતું નથી. વાઇરસનો ચેપ દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે, ત્યારે કોઈ પણ વ્યક્તિને ચેપ લાગી શકે છે. ચેપ લાગ્યા બાદ જેમના મોત થાય છે, તેમાં બહુધા વૃદ્ધો અથવા બીજા રોગના દર્દીઓની સંખ્યા વધુ હોય છે.

કોરોનાથી થતો મૃત્યુદર ૨.૩ ટકા

ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના સંશોધકોએ ૭૨,૩૧૪ દર્દીઓને ચકાસ્યા હતા અને તેમનું ક્લિનિકલી નિદાન ‘કોવિડ-૧૯’ના સંક્રમિત તરીકે થયું હતું. આ દર્દીઓમાં સરેરાશ મૃત્યુ દર તો ફક્ત ૨.૩ ટકા જ હતો. પરંતુ દર્દીઓ વૃદ્ધ હોય કે બીજા રોગોથી પીડાતા હોય એવા લોકોમાં મૃત્યુ દર ઘણો જ ઊંચો જોવા મળ્યો હતો.

કયા રોગના દર્દીનો મૃત્યુદર કેટલો ?

મૃત્યુ પામનારા દસમાંથી એક વ્યક્તિ હૃદયરોગથી પીડાતો હતો. એ બાદ ડાયાબિટીસના દર્દીઓમાં મૃત્યુદર વધુ જોવા મળ્યો હતો. કોરોના વાઇરસથી મૃત્યુ પામનારા ૧૩.૬ લોકોમાં એક ડાયાબિટીસનો દર્દી હોય છે. મતલબ કે કોરોનાથી સંક્રમિત હોય એવા દર્દીઓના મૃત્યુદરમાં ડાયાબિટીસના દર્દીઓ ૭.૩ ટકા હોય છે. ઉપરાંત કોરોનાથી મૃત્યુ પામનારાઓ ૧૫.૮ લોકોમાંથી એક મૃતક શ્વસનતંત્રના રોગથી પીડાતો હોય છે. મૃતકમાંથી ૬ ટકા હાઇ બ્લડપ્રેશરથી પીડાતા હોય છે. જ્યારે કેન્સરના દર્દીઓમાં મૃત્યુ દર ૫.૬ ટકા જેટલો હોય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter