ઘરમાં વર્કઆઉટ વધવા સાથે તેના સંબંધિત ઈજાઓ પણ વધી

Saturday 16th May 2020 01:44 EDT
 
 

લંડનઃ કોરોના મહામારીમાં લોકડાઉનના કારણે લોકો ઘરમાં જ કસરત- વર્કઆઉટ કરતા થયા છે ત્યારે તેને સંબંધિત ઈજામાં પણ વધારો થયો છે. આના પરિણામે લોકો ઈન્ટરનેટ-ગૂગલ પર સામાન્ય ઈજાઓ વિશે ખાખાંખોળા કરવા લાગ્યા છે. fit4thefight દ્વારા નવા સંશોધન અનુસાર કડક લોકડાઉનના છ સપ્તાહમાં ઘૂંટણમાં દુઃખાવાની ઈજા વિશે ૪૭૧ ટકા અને ઘૂંટીમાં મચકોડ વિશે શોધમાં ૨૬૭ ટકાનો વધારો થયો છે. 

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ૨૩ માર્ચથી યુકેમાં લોકડાઉન જાહેર કર્યા પછી લોકોની હેફેર પર ભારે નિયંત્રણો આવી ગયા છે. લોકો ફિટનેસ જાળવવા માટે જીમ્નેશિયમ્સમાં વર્કઆઉટ કરવા જઈ શકતા નથી અને ઘરમાં જ Strava, નાઈકે ટ્રેઈનિંગ ક્લબ અને મેપ માય રન જેવી ફિટનેસ એપ્સના આધારે કસરત કરે છે. જોકે, આના પરિણામે ઈજાઓમાં પણ વધારો થયો છે. કોરોના વાઈરસના ચેપના ભયે લોકો આવી નાની-મોટી ઈજાઓ માટે હોસ્પિટલ્સમાં જવાના બદલે ઈન્ટરનેટ પર નિષ્ણાતો પાસેથી તેનું નિરાકરણ શોધવા લાગ્યા છે. પ્રેસ અપ્સ, સ્ક્વેટ્સ સહિતના હોમ વર્કઆઉટ્સમાં બ્રિટિશરો અયોગ્ય પોશ્ચર રાખતા હોવાથી અને યોગ્ય દબાણની ટેકનિકના અભાવે સ્વાભાવિક રીતે જ સાંધાઓમાં દુઃખાવાની તકલીફો વધે છે. આના લીધે, કમરના નીચલા ભાગે પીડાની સમસ્યાની પૂછપરછમાં ૧૫૭ ટકાનો વધારો થયો છે.

બ્રિટિશરો માત્ર દોડવા સહિતની હળવી કસરતો માટે જ પાર્કમાં દિવસમાં એક વખત જઈ શકે છે. દોડવા દરમિયાન પીડામાં પણ વધારો થવાથી શિન સ્પ્લિન્ટ્સની પૂછપરછ ૧૯૪ ટકા તેમજ સ્નાયુ ખેંચાઈ જવા વિશે ૮૦ ટકા વધી છે. fit4thefight ઈનિશિયેટિવના સ્થાપક અને સીઈઓ એન્થની ફ્રેન્કલિન કહે છે કે લોકડાઉનના નિયમોના પાલન સાથે બ્રિટિશરો કસરત કરે છે તે સારું છે પરંતુ, પ્રોફેશનલ્સના માર્ગદર્શન અને સાધનોના અભાવે ઈજાનું પ્રમાણ વધી જાય છે. લોકોએ ફિટનેસ પ્રોફેશનલ્સ અને પર્સનલ ટ્રેઈનર્સ પાસેથી સલાહ મેળવવી જોઈએ.  


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter