જાપાનમાં ઉર્જાનો ખર્ચ ઘટાડવા કર્મચારીઓને હલકા વસ્ત્રો પહેરવાની છૂટ

Saturday 25th May 2019 09:20 EDT
 
 

ટોક્યોઃ જાપાન સરકારે કાર્યસ્થળ પર ઉર્જા બચાવવા માટે અનોખું પગલું ભર્યું છે. આ માટે તેણે કર્મચારીઓને હલકા અને કેજ્યુઅલ વેર પહેરવાની છૂટ આપી છે. આ માટે કુલ કેજ્યુઅલ વેર કેમ્પેઇન શરૂ કરાયું છે. ગત સપ્તાહે ગોલ્ડન વીક પૂર્ણ કર્યા બાદ જાપાનના વિવિધ મંત્રાલયો અને સરકારી ઓફિસના કર્મચારીઓ સૂટ-બૂટ-ટાઈને બદલે પારંપારિક કરિયુશી શર્ટ પહેરી ઓફિસ પહોંચ્યા હતા.
જાપાનના જીવનશૈલી મંત્રાલયના પ્રમુખ શિનજી ઇસોબના કહેવા અનુસાર, આ અભિયાનનો ઉદ્દેશ ગ્લોબલ વોર્મિંગના પડકારનો સામનો કરવાનો છે. જે અંતર્ગત સરકારી અને ખાનગી ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓને પોતાની મરજી મુજબના કપડાં પહેરવાની છૂટ આપી છે. તે ટી-શર્ટ, પોલો શર્ટ અને કોઈ પણ ફુટવેર પહેરી શકે છે. ઓફિસના એર-કન્ડિશનરનું તાપમાન પણ ૨૮ ડિગ્રી કરાયું છે. તેનાથી ઓછું કરી શકાશે નહીં, જેનાથી વીજ ખર્ચ ઘટે છે. આ અભિયાન સપ્ટેમ્બર માસ સુધી ચાલશે.
તમામ કોમર્શિયલ સ્થળો અને કેફેમાં પણ આ અભિયાન ચાલશે. અહીં લોકોને ગ્રીન કર્ટન લગાવવા પણ પ્રોત્સાહિત કરાયા છે. ઘટાદાર વૃક્ષો પણ લગાવાશે. સુપર માર્કેટ અને ડિમાર્ટ મેન્ટલ સ્ટોર પણ અભિયાનમાં સ્વેચ્છાએ જોડાઇ શકશે. ઇસોબના કહેવા અનુસાર, આ ફરજિયાત નથી. મોટા ભાગના લોકો એસીનું તાપમાન વધારીને રાખે છે. આપણે કાર્બન ડાયોક્સરાઇડના ઉત્સર્જનમાં તો ઘટાડો કરી શકીએ નહીં, પરંતુ આવી નાની-મોટી પહેલથી આસપાસનું વાતાવરણ જરૂર શુદ્ધ કરી શકીએ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter