ડ્રોન દ્વારા કિડનીની ડિલિવરી! ૧૦ મિનિટમાં પાંચ કિમીનો પ્રવાસ

Friday 17th May 2019 07:48 EDT
 
 

ન્યૂ યોર્કઃ વિશ્વમાં પ્રથમ વખત અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સેન્ટરમાં ડ્રોનના માધ્યમથી સફળતાપૂર્વક કિડનીની ડિલિવરી કરાઇ છે. અંતર માત્ર પાંચ જ કિલોમીટરનું હતું, પરંતુ આ સફળ પ્રયોગે માનવઅંગોના ઝડપી પરિવહન માટે એક અનોખો અને ઝડપી વિકલ્પ પૂરો પાડ્યો છે.
ડ્રોન સાથે જોડાયેલા એક સીલબંધ કાર્ગો ડબ્બામાં કિડની રાખવામાં આવી હતી. અને આ કાર્ગો ડબ્બાને લાંબા અંતરની યાત્રા માટેના ખાસ ઉપકરણમાં મુકાયો હતો. આ ઉપરાંત ડ્રોન સાચા રસ્તે આગળ વધી રહ્યું છે કે નહીં તે નક્કી કરવા માટે તેને સતત જીપીએસથી ટ્રેક કરવામાં આવ્યું હતું. ડ્રોને ૪૦૦ ફૂટની ઉંચાઈએ ઉડીને માત્ર ૧૦ મિનિટમાં પાંચ કિલોમીટરનું અંતર કાપી કિડની દર્દી સુધી પહોંચાડી આપી હતી. ત્યાર બાદ બાલ્ટીમોરની ૪૪ વર્ષીય મહિલા કે જેઓ છેલ્લા આઠ વર્ષથી ડાયાલિસીસના સહારે જીવન પસાર કરતા હતા તેમના પર કિડનીનું સફળ ઓપરેશન કરાયું હતું.
કિડની ટ્રાન્સપ્લાન્ટેશનનું સફળ ઓપરેશન કરનારા ડોક્ટરે આ ઘટનાને મેડિકલ ક્ષેત્રની નવી પહેલ સમાન ગણાવી હતી. ડોક્ટર જોસેફે જણાવ્યું કે ડ્રોનની મદદથી ઝડપથી માનવ અંગોની ડિલિવરી કરી શકાશે જેથી વિલંબ નહીં થાય અને અંગની કાર્યક્ષમતા જળવાઈ રહેશે. વધુમાં તેમણે આ ટેકનોલોજી દ્વારા ભવિષ્યમાં ૫૦થી ૧૫૦ કિમી દૂર પણ સફળતાપૂર્વક માનવ અંગો મોકલી શકાશે તેવી આશા વ્યક્ત કરી હતી. ડોક્ટરના મતે હાલમાં ચાર્ટર પ્લેન કે વ્યાવસાયિક ફ્લાઈટ દ્વારા માનવ અંગોનું પરિવહન કરવામાં આવે છે જેમાં સમય ખૂબ લાગે છે અને તે ખર્ચાળ પણ છે. જ્યારે ડ્રોનની મદદથી ઓછા ખર્ચે સફળતાપૂર્વક માનવ અંગોની હેરફેર કરી શકાશે.
એક અહેવાલ મુજબ ૨૦૧૮માં અમેરિકામાં ૧.૧૪ લાખ લોકો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટેની લાઈનમાં હતા. સ્કેલા નામની એક મહિલાએ એક કંપનીની સ્થાપના કરી છે જે ઓર્ગન શિપમેન્ટની વિગતોની દેખરેખ રાખે છે અને તેણે પોતાની સિસ્ટમને ઉબેર-લાઈક સર્વિસ સાથે જોડી છે જેથી ખર્ચમાં ઘટાડો થવાની આશા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter