તમારી ત્વચાને બનાવશે ચુસ્ત-દુરસ્ત રાખશે ફેસિયલ યોગ

Thursday 09th March 2023 00:15 EST
 
 

વૃદ્ધાવસ્થા ન આવવાં છતાં, ચહેરા પર થોડી ઘણી કરચલીઓ જણાય કે ત્વચા લચી પડેલી જણાય તે ચિંતાજનક છે. ત્વચાને ચુસ્ત અને દુરસ્ત રાખવા લોકો બોટોક્સના ઈન્જેક્શન્સ લેતા પણ અચકાતા નથી. જોકે, આવાં ઈન્જેક્શન્સ જોખમી ગણાય છે ત્યારે ઘણા લોકો યુવાન દેખાવા માટે ફેસિયલ યોગનો ઉપયોગ કરે છે જેનો લાભ બોટોક્સ કરતાં પણ વધુ જણાવાય છે. પરંતુ, આ તમારે નિયમિત અને યોગ્ય રીતે કરવા પડે છે તો જ તેનો સારો લાભ મેળવી શકાય છે.
ફેસિયલ યોગ કેવી રીતે કરશો?
ચહેરા માટેની યોગ કસરતની શરૂઆત સ્વરોના ઉચ્ચારથી કરીએ. અંગ્રેજી ભાષાના સ્વર A, E, I, O, U અથવા ગુજરાતી ભાષાના આઠ સ્વર – અ, આ, ઈ, ઇ, ઉ, ઊ,એ, ઐ, ઓ, ઔ, અં અને અઃ ને એવી રીતે બોલો કે તમારા ચહેરા અને ગરદનના સ્નાયુઓ ખેંચાણ અનુભવે. શરૂઆતમાં આ દરેક સ્વરો દિવસમાં 10-10 વખત બોલવા જોઈએ અને ધીરે ધીરે વધારીને દિવસમાં 20-30 વખત સુધી લઈ જાઓ. તમારા ચહેરામાં તણાવ લાવવા આ સંપૂર્ણ કસરત છે.
 બીજી કસરત એ છે કે તમારી મુઠ્ઠી બંધ કરો અને તમારી હડપચી નીચે મૂકો. હવ તમારું મોં ખોલવા પ્રયાસ કરો અને નીચેથી તમારી મુઠ્ઠીથી ઉપર દબાણ કરી મોં બંધ કરવા પ્રયાસ કરો. આ કસરત ડબલ ચીન નાબૂદ કરવામાં મદદરૂપ બનશે. તમે આ કસરત કરવાની શરૂ કરશો તે પછી તમારા જડબા - જોલાઈન પર દબાણ અનુભવાશે અને તદ્દન સુરખ જોલાઈન કોને પસંદ ન આવે?
 તમારી આંખની નીચે અને કપાળમાં કરચલીઓ દેખાતી અટકાવવા માટે પરફેક્ટ કસરત જોઈએ. તમારા બંને હાથ કપાળ પર આમનેસામને એવી રીતે મૂકો કે કોઈ સ્નાયુ હાલી શકે નહિ. હવે તમે આશરે 10 વખત જોશપૂર્વક આંખો મીંચકાવો - ઝપકાવો. આવી રીતે આંખ મીંચકાવવાની કસરતથી આંખના સ્નાયુઓ મજબૂત થશે.
 તમારી આંખના સ્નાયુઓને મજબૂત બનાવવા માટે પણ એક કસરત કરી શકાય. તમારી આંખની બંને તરફ એટલે કે એક બહારના ખૂણા અને એક અંદરના ખૂણામાં રહે તેમ તમારી અંગૂઠા તરફની આંગળી- તર્જની અને મધ્ય આંગળીને ગોઠવો. હવે આંખમીચામણાં કરતા રહો. આ કસરત દિવસમાં 10 વખત કરવી જોઈએ.
 આપણે જ્યારે બાલ્યાવસ્થામાં હોઈએ ત્યારે ભરાવદાર કે ગોળમટોળ ગાલ ખૂબ સુંદર લાગે છે પરંતુ, વય વધવાની સાથે તેની ચિંતા શરૂ થઈ જાય છે. આ ગોળમટોળ ગાલ લબડી પડે છે ત્યારે તેને ખેંચાણ આપવા ગાલને બીજી તરફ ખેંચો. એક રીતે ગાલને કિસ કરવાનો પ્રયાસ કરજો. આનાથી તમારા ગાલના સ્નાયુઓ ખેંચાય છે અને તેમને કઠણ અને મજબૂત બનવામાં મદદ મળે છે.
 આપણને બધાને લાફિંગ લાઈન્સ અથવા સ્મિતરેખાઓની ચિંતા થતી રહે છે. આપણે જેમ મોટા થઈએ તેમ આ રેખાઓ વધુ દેખાતી થાય છે. લાફિંગ લાઈન્સને ઘટાડવા માટેનો સારો ઉપાય તમારી રેખાઓ પર તમારી આંગળીઓને મજબૂતપણે ગોઠવવાનો છે. આ પછી, તમારું સ્મિત જેટલું પહોળું થાય તેમ હસજો અને આ વખતે તમારા હોઠને દૂર રાખવાનું યાદ રાખજો. આવી સ્થિતિ 5-10 સેકન્ડ માટે રાખો અને આ કસરત 20-25 વખત કરજો. આના કારણે, તમારા ગાલની આસપાસની કરચલીઓ દૂર કરવામાં અને તમારા ગાલને ઊંચા કરવામાં મદદ મળશે.
 તમે જ્યારે રોજ મોશ્ચરાઈઝરને લગાવતા હો ત્યારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેને ખાસ કરીને ગાલ અને ગરદન પર નીચેથી ઉપરની તરફ લઈ જવું જોઈએ. જો તમે આનાથી વિપરીત એટલે કે ઉપરથી નીચેની દિશામાં કરશો તો તમારી ચામડી નીચેની તરફ ખેંચાશે અને લચી પડશે. તમે બીજી કસરત પણ કરી શકો છો જેમાં તમારે બંને અંગૂઠા હડપચી પર મૂકવાના છે અને આંગળીઓના ઉપયોગથી તમારા ગાલને ઉપરની દિશામાં લઈ જતા હોય તેમ લમણાં (temples) સુધી મસાજ કરવાના છે. આ તમે પાંચ વખત કરજો. આનાથી તમારી લાફિંગ લાઈનને લીસી બનાવવામાં મદદ મળે છે અને લોહીના પરિભ્રમણને વધારે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter