ફનફેક્ટ્સઃ ગરમ પ્રવાહી પીઓ... ઠંડા થઈ જાઓ

Sunday 25th April 2021 04:57 EDT
 
 

ગરમ પ્રવાહી પીવાથી ઠંડક મેળવવાની વાતને ઘણા લોકો વિરોધાભાસી માને તે સ્વાભાવિક છે પરંતુ, ગરમાગરમ દિવસમાં ગરમ ચા, કોફી અથવા પાણી પીવાથી ખરેખર તમને ઠંડા થવામાં મદદ મળી શકે છે. આનુ મુખ્ય કારણ એ છે કે ગરમ પીણું પીવાથી તમને પરસેવો વધારે થશે અને તમારા શરીરમાં ધીરે ધીરે ઠંડક પ્રસરી જશે તેમ જર્નલ એક્ટા ફીઝિયોલોજિકા - Acta Physiologicaમાં પ્રસિદ્ધ એક અભ્યાસ જણાવે છે. પરસેવો એ શરીરનું એરકંડીશનર છે. અભ્યાસના લેખક વિજ્ઞાની ઓલી જયનું કહેવું છે કે ગરમ પીણું શરીરના તાપમાન કરતાં વધુ ગરમ હોય છે. આથી, તમારા શરીરની ગરમીમાં વધારો થાય છે. આ વધારાની ગરમી પરસેવો થવાની પ્રક્રિયાને વધારે છે. આ પરસેવાનું બાષ્પીભવન થવા સાથે તમે પ્રવાહી થકી શરીરમાં જે ગરમી વધારી હોય તેના કરતાં વધુ ઠંડક મળે છે.
આરોગ્યની સંભાળની મજેદાર ટીપ
આદુ અથવા અદરક ખાવાના ઘણા લાભ છે. સદીઓથી સ્નાયુઓ ખેંચાવા કે અપચાથી માંડી પેટ ફૂલવા સહિત અનેક શારીરિક મુશ્કેલીમાં આદુ હાથવગો ઉપાય છે. આયુર્વેદ તો આદુને પ્રકૃતિનું વરદાન ગણાવે છે ત્યારે ઈન્ટિગ્રેટિવ મેડિસીન ઈનસાઈટ્સમાં પ્રસિદ્ધ એક અભ્યાસ મુજબ આદુમાં રહેલા જિન્જરોલ્સ અને શોગાઓલ્સ જેવા સંયોજનો પાચનક્રિયામાં મદદ કરે છે તેમજ આંતરડાના હલનચલનને ઉત્તેજિત કરે છે. આદુમાં રહેલા પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્, આયર્ન, કેલ્શિયમ જેવા પોષક તત્વો આપણા શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. આદુનો રસ પીવાથી શરીરનું રુધિરાભિસરણ સુધરે છે. મહિલાઓને માસિક સ્રાવ દરમિયાન પણ તે ઉપયોગી નીવડે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter