બહુવિધ ઉપયોગી અખરોટ

સદાબહાર સ્વાસ્થ્ય

Saturday 10th March 2018 03:55 EST
 
 

એક સમયે અખરોટ શિયાળાના ઠંડીના દિવસોમાં જ વધુ ખવાતા હતા, પરંતુ હવે તે બારેમાસ ખવાય છે. કાજુ, બદામ, પિસ્તા જેવા સૂકા મેવાની સાથે અખરોટનું પણ ભોજનમાં આગવું મહત્ત્વ છે. અખરોટની મીઠાઈ, અખરોટનો આઇસ્ક્રીમ, ઉપરાંત અખરોટના અનેક વ્યજંનો બજારમાં ઉપલબ્ધ છે. મજબૂત કોચલામાંથી કાઢ્યા બાદ મગજ જેવા આકાર ધરાવતા ખરા અર્થમાં મગજ માટે પોષક છે.

અંગ્રેજીમાં વોલનટ, હિન્દીમાં અક્ષોટ, અખરોટ તથા પહાડી પીલુ તરીકે અને ગુજરાતીમાં અખરોટ તરીકે ઓળખાતો આ સૂકો મેવો સહુથી વધુ શક્તિદાયક ખાદ્યપદાર્થ છે. અખરોટની ઉત્પતિ વિશે કોઈ ચોક્કસ માહિતી તો મળતી નથી પણ વૈજ્ઞાનિકો અખરોટને જગલાન્સ રેઝિયા નામના છોડનું ફળ માને છે. આ છોડ પહેલા ઇરાન અને એની આસપાસના દેશોમાં જ ઊગતો હતો, પણ સમયાંતરે એને પશ્ચિમના દેશોમાં લઈ જવામાં આવ્યો. ત્યાંથી કેટલાક સાહસિક વેપારીઓ આ છોડને અમેરિકા અને ઓસ્ટ્રેલિયા લઈ ગયા. આ છોડના નામ પરથી જ અખરોટનું વૈજ્ઞાનિક નામ ‘જગલાન્સ રેઝિયા’ પાડવામાં આવ્યું.

અખરોટના ઉત્પાદનમાં અમેરિકા પછી ભારત, રશિયા અને ઇંગ્લેન્ડનો ક્રમ આવે છે. ભારતમાં અખરોટના વૃક્ષો હિમાલયની આસપાસના પ્રદેશોમાં મોટા પાયે જોવા મળે છે. ઉત્તર ભારતમાં અને સવિશેષ તો જમ્મુ-કાશ્મીરમાં અખરોટની ખૂબ જ વિશાળ પાયા પર ખેતી કરાય છે. કાશ્મીરીની આજીવિકામાં અખરોટની ખેતીનું મહત્ત્વનું પ્રદાન છે.

અખરોટના ઝાડની ઉંમર લગભગ બે હજાર વરસ જેટલી હોય છે. એક તંદુરસ્ત અખરોટનું ઝાડ સો કિલોગ્રામથી માંડીને પાંચસો કિલોગ્રામ સુધીના ફળ એક વરસમાં પેદા કરે છે. અખરોટના વૃક્ષની ઊંચાઈ આમ તો ૧૫થી ૨૫ મીટરની હોય છે, પણ જો એ વૃક્ષ આપમેળે ઊગી નીકળ્યું હોય તો એની ઊંચાઈ ૩૦થી ૪૦ મીટર સુધીની પણ જોવા મળે છે. અખરોટના ઝાડને જલદી ફળ આવતા નથી. ઝાડ વધે અને ફળે-ફૂલે એમાં લગભગ ૧૫ વરસનો સમય વીતી જાય છે.

અખરોટના ઝાડના પાન લાંબા, લંબગોળ અને કાંગરીવાળા હોય છે. એ પત્તાને અડકતાં એકદમ જ કડક લાગે છે. અખરોટના ઝાડ પર ફૂલ આવવાની શરૂઆત ચૈત્ર-વૈશાખ મહિનામાં થાય છે. આ ફૂલ સફેદ રંગના અને ખૂબ જ નાના-નાના હોય છે. ઝાડના ફૂલ આગળના ભાગે ગુચ્છામાં આવે છે. અખરોટના ઝાડમાં આવતા નર અને માદા ફૂલ અલગ અલગ વિકાસ પામે છે. અખરોટનું ફળ ઝાડ પર આવવાનો આધાર નર અને માદાના ફૂલ એક સાથે ખીલે છે કે કેમ એના પર રહે છે. ફૂલ આવ્યા પછી ધીમે ધીમે ફળ ઊગવા માંડે છે.

અખરોટના ફળ મીંઢળ જેવા અને બે ભાગમાં વહેંચાયેલા હોય છે. અખરોટના કાચા ફળમાં દૂધ જેવો ચીકણો ભાગ જોવા મળે છે જે સમય જતાં વાંકાચૂકા ખાડાવાળો અને મગજ જેવા આકારનો બની જાય છે. કાચું ફળ જ્યારે પાકે ત્યારે બહારની છાલ પણ એકદમ કડક બની જાય છે અને છાલને તોડીને જે મગજ જેવા આકારનું ફળ નીકળે છે એ સ્વાદમાં મીઠું હોવાથી ખાવાના ઉપયોગમાં લેવાય છે. અખરોટને તોડીને તરત જ ખાવામાં આવે તો પણ જેમ જેમ દિવસો વીતતા જાય છે એમ એમ ફળમાં કડવાશ આવતી જાય છે અને અંદરનું ફળ પણ ધીમે ધીમે કોહવાવા માંડે છે.

રોમન લોકો અખરોટને બદામથી પણ શ્રેષ્ઠ ગણે છે. અખરોટના ફળ પાકવાની વાત તડકાની તીવ્રતા પર આધાર રાખે છે. ફળ જ્યારે પાકી જાય છે ત્યારે જમીન પર પડી જાય છે. ક્યારેક ક્યારેક જો તડકાની બરાબર અસર ન થાય તો એના તૂટવાની રાહ જોવાતી નથી અને અમુક સમયે એને તોડી લેવામાં આવે છે. જો આ રીતે ફળને તોડી ન લેવાય તો એ સડવા લાગે છે.

અમેરિકામાં બ્લેક વોલનટના નામે ઓળખાતી અખરોટની એક જાત પેદા થાય છે. આ કાળા અખરોટનું ઝાડ ૪૫ મીટર જેટલું ઊંચું હોય છે. કાળા અખરોટની લાકડીઓ ખૂબ જ મજબૂત હોવાથી અનેક જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. આ લાકડીઓમાંથી ફર્નિચર અને બંદૂકના કુંદા બનાવવામાં આવે છે, જે ખૂબ જ ટકાઉ હોય છે.

પોષણની દૃષ્ટિએ જોઇએ તો અખરોટ અનેક તત્ત્વોથી ભરપૂર છે. એમાં વિટામિન ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. એક માન્યતા પ્રમાણે અખરોટમાં શરીરને કામ કરતું રાખવા માટેના તમામ તત્ત્વો છે. અખરોટમાં આયર્ન છે. આ તત્ત્વ શરીરમાં લોહીનું પરિભ્રમણ ઝડપી રાખવામાં ખૂબ ઉપયોગી છે. આયર્નના અભાવને કારણે થતાં એનિમિયા જેવા રોગ અટકાવવામાં પણ અખરોટ ખૂબ ઉપયોગી થઈ પડે છે. મેગ્નેશિયમ નામનું તત્ત્વ જે શરીરમાં લોહની ગતિને નિયમિત રાખે છે, એ પણ અખરોટમાં સારા એવા પ્રમાણમાં રહેલું હોય છે. મેગ્નેશિયમ જો પૂરતા પ્રમાણમાં ન લેવામાં આવે તો શરીરમાં બેચેની અને સાંધાના દુ:ખાવા જેવી તકલીફો ઊભી થાય છે. મેન્ગેનીઝ નામનું એક ક્ષાર તત્ત્વ પણ અખરોટમાં પૂરતા પ્રમાણમાં રહેલું છે. આ તત્ત્વ જ્ઞાનતંતુઓમાં ચેતન લાવવાનું, રોગની સામે લડવાનું અને શરીરને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે. જુદા-જુદા વિટામિનો જે શરીરને ખૂબ જ ઉપયોગી છે એ પણ અખરોટમાં રહેલા છે.

વિટામિન-બી અને વિટામિન-એફ અખરોટમાં સારા એવા પ્રમાણમાં રહેલા છે. વિટામિન-બીની ઊણપથી બેરીબેરી જેવો રોગ થાય છે. જે અખરોટના સેવનથી મટી શકે છે. આ ઉપરાંત અખરોટના સેવનથી વિટામિન-બી પૂરતા પ્રમાણમાં મળી રહેતું હોવાથી જ્ઞાનતંતુઓ પણ સારી રીતે કામકાજ કરી શકે છે. વિટામિન-એફની ઉણપથી શરીરનું વજન ઘટવું, ગભરામણ થવી, ભૂખ ન લાગવી અને નબળાઈ લાગવી એવી અનેક તકલીફો થાય છે. અખરોટના ઉપયોગથી આ તકલીફોને સારા એવા પ્રમાણમાં દૂર કરી શકાય છે.

અખરોટના ખોરાકથી આ વિટામિનની ઊણપ દૂર કરી શકાય છે. એક સંશોધન મુજબ અખરોટમાં, પ્રોટીન, ચરબી, તૈલી પદાર્થો અને કાર્બોહાઈડ્રેટ એટલા પ્રમાણમાં હોય છે કે આ તત્ત્વોની હાજરી અખરોટને શરીરમાં વ્યવહાર ચલાવવા માટેનું ઉપયોગી ફળ બનાવી દે છે. અખરોટના ફળની મીઠાશ પણ એમાં રહેલા કાર્બોહાઈડ્રેટને આભારી છે. અખરોટનું ફળ એટલે કે અખરોટની કડક છાલને તોડતા અંદરથી જે ગર્ભ નીકળે એ બાળકો માટે ખૂબ જ લાભકર્તા છે.

આયુર્વેદમાં અખરોટના ફળને નિર્દોષ બતાવાયું છે. બાળકોના શરીરના વિકાસ માટે, એમની બુદ્ધિ, શક્તિ અને સ્ફૂર્તિ વધે એના માટે અખરોટનો ઉપયોગ જરૂરી ગણવામાં આવ્યો છે. અખરોટના ફળને લેપ તરીકે જ્યાં દાદર થઈ હોય ત્યાં લગાડવામાં આવે તો ખૂબ જ ફાયદો કરે છે. વિજ્ઞાનીઓના મતે જો દરરોજ ૩૦થી ૫૦ ગ્રામ અખરોટ રોજ ખાવામાં આવે તો મગજ બળવાન બને છે અને મગજની તકલીફો દૂર થાય છે.

ફળ જ નહીં, છાલ, પાંદડા, મૂળિયા પણ કામના

અખરોટના ફળ સિવાય તેના ઝાડની છાલ, એના પાંદડા, અખરોટની છાલ અને અખરોટના છોડના મૂળિયા પણ અનેક રીતે ઉપયોગી છે. રશિયન વિજ્ઞાનીઓના મતે અખરોટના બધા ભાગોમાં ઝેર ભરેલું હોય છે, પણ આ ઝેર માનવી માટે અમૃતની ગરજ સારે છે. અખરોટના પાંદડાના અર્કમાંથી હોમિયોપેથિક દવાઓ બને છે. અખરોટના છોડના મૂળિયામાંથી દાંતના રોગોની દવાઓ બનાવાય છે. કેટલાક લોકો પાનનો ઉકાળો બનાવી એનાથી ગુમડા અને ફોલ્લીઓને સાફ કરતા હોય છે.

રશિયાના કેટલાક વિસ્તારોમાં અખરોટના પાનને પાણીમાં ઉકાળીને ચાની જેમ પીવાનો રિવાજ છે. આ વિસ્તારોના રહેવાસીઓ અખરોટના લીલા પાંદડાને પાણીમાં ઉકાળીને સૂકવી દે છે ત્યાર પછી એ પાંદડાને દાણાની જેમ વાટી નાખી ચાની જેમ પીએ છે. આ પાણી પીવાથી નશો થાય છે, પણ આ ઉકાળો બ્લડ પ્રેશર, અપચો અને પેટના અનેક રોગોનો રામબાણ ઇલાજ થઈ પડે છે.

અખરોટના પાંદડાના પાણીથી કોગળા કરવાથી દાંતનો દુ:ખાવો અને દાંતના બીજા રોગો મટી જાય છે. આ જ પાણીને ઠંડુ કરીને એનાથી આંખો ધોવાથી આંખોની શક્તિ વધે છે.

અનેક રોગોના ઉપચારમાં લાભકારક

લાખ દુ:ખો કી એક દવા જેવા અખરોટના વૃક્ષની છાલ પણ અનેક રોગોના ઉપચારમાં ઉપયોગી છે. વૃક્ષની છાલને પાણીમાં ઉકાળીને એના કોગળા કરવામાં આવે તો ગળાના અનેક દર્દો દૂર થાય છે.

ઉત્તર પ્રદેશ અને પંજાબ બાજુ તો અખરોટની છાલને દાંતણની જેમ ચાવીને દાંત સફેદ અને ચકચકિત રાખવામાં આવે છે. હોઠ લાલ રંગના રાખવા માટે પણ અખરોટની છાલનો ઉપયોગ સ્ત્રીઓ કરતી હોય છે.

ઘણા લોકો અખરોટની છાલને બાળીને એની રાખનો પાવડર બનાવે છે. આ પાવડર દાંત ઉપર ઘસવાથી દાંતની મજબૂતાઈ વધે છે. કેટલીક વાર આ પાવડરને ખાંડ સાથે ખાવામાં આવે છે. જેનાથી ડાયાબિટીસ જેવા રોગોમાં રાહત મળે છે. અખરોટના વૃક્ષની છાલ ગુમડા પર લગાવીને ગુમડાની પીડા ઓછી કરાય છે.

અખરોટના વૃક્ષનું લાકડું પણ ઉપયોગી

આ જ છાલ રંગકામમાં અને દવા બનાવવાના ઉપયોગમાં પણ આવે છે. અખરોટની લાકડાની ખાસિયત એ છે કે પાણી લાગવા છતાંય એમાં સડો લાગતો નથી. આથી જ હોડીઓ અને શિકારા બનાવવામાં અખરોટનાં લાકડાંનો ઉપયોગ થાય છે. કાશ્મીરના દલ સરોવર અને જેલમ નદીમાં આવેલા બધા હાઉસબોટ અને શિકારાઓ અખરોટની લાકડીના બનેલા છે.

આ બધા કરતાંય સહુથી મજાની અને આપણા ફાયદાની વાત એ છે કે બીજા બધા સૂકા મેવા કરતા અખરોટ પ્રમાણમાં સસ્તા છે. આટઆટલી ખૂબીઓ અને ગુણો ધરાવતા અખરોટની મજા માણવાનું બહુ મોંઘુ પડતું નથી. પણ જોજો, ક્યાંક ટીવી પર આવતી જાહેરખબરના પહેલવાનને જોઈને તમે પણ દાંત વડે અખરોટ તોડવાનું પરાક્રમ કરતા નહિ. ક્યાંક કોઈ કડક અખરોટ આવી ગયું તો અખરોટ તો તૂટીને બહાર નહિ આવે, પણ તમારા દાંત જરૂર બહાર આવી જશે! અખરોટથી બુદ્ધિ વધે કે ન વધે પણ દાંત તો ન જ ઘટવા જોઈએ!


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter