બ્રિટિશરો માટે દૈનિક આહારમાં માત્ર ૧,૬૦૦ કેલરીની મર્યાદા રાખવા સલાહ

Wednesday 10th January 2018 06:20 EST
 
 

લંડનઃ બ્રિટનમાં દાયકાઓથી પુરુષો માટે દૈનિક ભોજનમાં ૨,૫૦૦ કેલરી અને સ્ત્રીઓ માટે દૈનિક ૨,૦૦૦ કેલરી લેવાની ગાઈડલાઈન્સ ચાલતી આવી છે. કસરત કરનારા લોકો ભોજનમાં આનાથી વધુ કેલરી લેતાં હોય છે. પરંતુ, સરેરાશ પુખ્ત લોકો વધુ આહાર લેતાં હોવાથી મેદસ્વિતાનું પ્રમાણ વધતું જાય છે તેને ધ્યાનમાં લઈ પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) દ્વારા જારી નવી ગાઈડલાઈન્સમાં પુરુષ અને સ્ત્રી, બંને માટે દૈનિક ૧,૬૦૦ કેલરીની કડક મર્યાદા રાખવા જણાવાયું છે.

બ્રિટિશરો માટે માર્ચમાં અમલી થનારી આ નવી સલાહમાં બ્રેકફાસ્ટમાં ૪૦૦ કેલરી તેમજ લંચ અને ડિનરમાં ૬૦૦-૬૦૦ કેલરી લેવાનો સમાવેશ થાય છે. જે લોકો નવી ગાઈલાઈન્સ અનુસરે તેમને દિવસમાં ૨૦૦ કેલરી ધરાવતાં સ્નેક્સની છૂટ આપવામાં આવી છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અત્યારે લોકો સરેરાશ ૩૦૦ કેલરી વધુ લેતાં હોય છે, જેના કારણે ધીરે ધીરે વજન વધતું જાય છે. નેશનલ ઓબીસિટી ફોરમના ટેમ પ્રાયના જણાવ્યા અનુસાર આ પગલું લોકો વધુ પડતો ખોરાક લેતાં હોવાનું સમજાવવા માટે છે. કોળિયાનું કદ દિવસે અને દિવસે વધતું જાય છે. નવી ગાઈડલાઈન્સ મુજબ બ્રિટિશરોને સેન્ડવિચ બાર, કોફી શોપ્સ અને રેસ્ટોરાંમાં સાવચેતી રાખવા જણાવાશે, જ્યાં કોળિયાની સાઈઝ મોટી રહે છે. અગાઉ તો, બહાર ભોજન લેવાનું કદીક જ બનતું હતું પરંતુ, આધુનિક જીવનશૈલીમાં લોકો માટે બહાર જમવું આદત બની ગઈ છે.

પશ્ચિમ યુરોપના કોઈ પણ દેશની સરખામણીએ બ્રિટિશ સ્ત્રી અને પુરુષ માટે ઓબીસિટી દર સૌથી વધુ એકસરખો ૨૭ ટકા છે. આ કટોકટી હલ કરવામાં નિષ્ફળતા બદલ સરકારની ભારે ટીકાઓ થઈ છે. સરકારની યોજનામાં આહારમાં ખાંડનું પ્રમાણ ઘટાડવા તથા કોળિયા નાના કરવા ખાદ્ય ઉત્પાદકો સાથે સ્વૈચ્છિક સમજૂતીઓ કરાઈ હતી. વિજ્ઞાપનો પર કોઈ અંકુશ મૂકાયો નથી. PHE દ્વારા નવી 'કેલરી ગાઈડલાઈન્સ – વન યુ ન્યુટ્રિશન કેમ્પેઈન'નો આરંભ માર્ચ મહિનામાં થશે અને પુખ્ત લોકોને ‘૪૦૦-૬૦૦-૬૦૦’નો નિયમ યાદ રાખવા જણાવાશે. PHE સત્તાવાળાઓ આરોગ્યપ્રદ બ્રેકફાસ્ટ અને મર્યાદા અનુસાર લંચના વિકલ્પો માટે કોફી શોપ ચેઈન્સ અને સુપર માર્કેટ્સ સાથે વાતચીત કરી રહ્યા છે. જોકે, મોટા ભાગના લોકપ્રિય વિકલ્પો કુલ કેલરી મર્યાદાથી વધુ જ છે. ઉદાહરણ જોઈએ તો, બ્રેકફાસ્ટ ગ્રેનોલાના મોટા બાઉલમાં જ ૫૦૦ કેલરી આવે છે. જ્યારે, મફીન્સ અને લેટ્ટેની ૬૦૦ કેલરી હોય છે. સેન્ડવિચ, ક્રિસ્પ્સ અને હળવાં પીણાંના લન્ચમાં ૭૦૦ કેલરી અને ભારતીય ટેક-અવે લંચમાં ૧,૩૦૦ કેલરી હોય છે.

આંકડા અનુસાર બ્રિટનમાં ૪૫થી ૫૪ વયજૂથના લોકોમાં ૭૧ ટકા પુખ્તો ઓવરવેઈટ કે સ્થૂળ હોય છે. જ્યારે ૨૫ ટકા ઊંચા બ્લડ પ્રેશરથી પીડાય છે અને ૧૯ ટકા લોકો કસરત કરતા નથી. આમાં મોટા ભાગના લોકોને ડાયાબીટીસ, વિવિધ પ્રકારના કેન્સર, હૃદયરોગો, સ્ટ્રોક્સ, લિવર ફેઈલ્યોર અને ડીમેન્શિયાનું જોખમ વધારે રહે છે.

 

ભારતીય આહાર અને કેલરીનું પ્રમાણ

વાનગી                  વજન-નંગ                             કેલરી

રોટલી                    ૧ નંગ/૨૫ ગ્રામ                    ૧૦૦

ઘીવાળી ફૂલકા રોટલી          ૨ નંગ                        ૧૪૦

બાજરાની રોટી                  ૧ નંગ                         ૯૭

પરાઠા                           ૧ નંગ                        ૨૮૦

ભાખરી મોણવાળી                ૧ નંગ                      ૧૬૬

પૂરી                             ૧ નંગ/૧૫ ગ્રામ              ૭૦

ઘીવાળો ખાખરો                ૧ નંગ/૨૫ ગ્રામ             ૧૦૪

ભાત                            ૧ વાટકી ૫૦ ગ્રામ           ૧૭૫

મગની દાળની ખીચડી         ૧ વાટકી                     ૧૫૩

ગુજરાતી દાળ                   ૧ વાટકી                    ૧૧૫

ગુજરાતી કઢી                    ૧ વાટકી                    ૬૮

બટાકાનું શાક                   ૧ વાટકી                    ૧૩૬

ગોળ                            ૧ ટે. સ્પૂન                   ૭૬

ઘી                               ૧ ટે.સ્પૂન                    ૮૫

મેથીના મૂઠિયા                 ૧ નંગ                        ૪૮

ઢોકળા                          ૨ નંગ                       ૮૫

ઉંધિયું                          ૧ વાટકી                     ૧૯૮

ચણામસાલા                     ૧ વાટકી                   ૨૩૧

સમોસા                         ૧ નંગ                       ૨૫૬

પકોડા                           ૧ નંગ                      ૨૦૦


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter