પ્રતિષ્ઠિત મેગેઝિન ‘ફોર્બ્સ’એ 2024ના પ્રારંભે કરેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે, લગભગ 34 ટકા લોકો નવા વર્ષે વજન ઘટાડવાનો સંકલ્પ લે છે, જેમાંથી 80 ટકા લોકો તેને પૂરો કરી શકતા નથી. અભ્યાસમાં જોવા મળ્યું કે, કેટલાક એવા કારણો છે જેમાં સુધારો ન થવાને કારણે વજન ઘટાડવું મુશ્કેલ હોય છે કે ફરીથી વધી જાય છે. જેમ કે - જો તમે ખૂબ જ ઝડપથી વજન ઘટાડવાનો પ્રયાસ કરો છો તો તેના ફરીથી વધવાની સંભાવના વધુ રહે છે. આવો, આજે જાણીએ વજન ઘટાડવામાં અવરોધરૂપ આવા જ પાંચ મુખ્ય કારણો અને તેમાં સુધારાની રીત અંગે...
1) વજન ઘટાડવાની ઉતાવળઃ
અમેરિકાની નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસીનનું રિસર્ચ જણાવે છે કે, મહિનામાં લગભગ 2થી 3.5 કિલો વજન ઘટાડવું આદર્શ છે. જો તમે આ ગતિ જાળવીને વજન ઘટાડો છો તો શરીરને તાકાત આપતા ટિશ્યુ નબળા પડતા નથી. સાથે સાથે જ ફરીથી વજન વધવાની સંભાવના ઘટે છે. આજકાલ બહુ જાણીતા બનેલા કીટો કે ફેડ જેવા ડાયટ પ્રોગ્રામ તમારું વજન તો ઝડપથી ઘટાડે છે, પરંતુ ઈચ્છાશક્તિ નબળી પડતાંની સાથે જ વજન વધવાનું શરૂ થઈ જાય છે.
• શું કરવું જોઇએ? દર મહિને 2થી 3 કિલો વજન ઘટાડવાનું લક્ષ્ય નક્કી કરો. તેનાથી સાતત્ય અને મોટીવેશન લાંબા સમય સુધી જળવાઈ રહેશે.
2) ડાયટમાં અચાનક બદલાવ
ડાયટિંગ કે કસરત શરૂ કરતાં જ મોટાભાગના લોકો ડાયટમાં અચાનક ફેરફાર કરી દે છે. જેમ કે - ગળ્યું ખાવાનું સદંતર બંધ કરવું. બાફેલું ભોજન જ ખાવું વગેરે, વગેરે. જોકે આર્કાન્સાસ યુનિવર્સિટીનો અભ્યાસ કહે છે કે તમે જ્યારે રોજિંદા ભોજનથી દૂર થાઓ છો તો મનપસંદ ભોજન વધુ પ્રમાણમાં ખાવાની ઈચ્છા પ્રબળ બની જાય છે.
• શું કરવું જોઇએ? કોઈ પણ મનપસંદ ફૂડને છોડતાં પહેલાં ફાયદાકારક વિકલ્પ પસંદ કરો, જેથી આ ફૂડના ક્રેવિંગથી બચી શકો.
3) અપૂરતી ઊંઘ અને સ્ટ્રેસ
સ્લીપ ફાઉન્ડેશનના રિપોર્ટ અનુસાર તમે જ્યારે પૂરતી ઊંઘ લેતા નથી તો ભૂખ અને પાચન સંબંધિત તંત્ર પ્રભાવિત થાય છે. આનાથી હોર્મોન્સમાં પરિવર્તન આવે છે. જેમ કે, થ્રેલિન હોર્મોન વધવા લાગે છે. તેનાથી તમને વધુ ભૂખનો અહેસાસ થાય છે. ખાસ વાત એ છે કે, તેમાં પણ તળેલું-મસાલેદાર અને આરોગ્યને નુકસાનકારક ભોજન લેવાની ઈચ્છા વધી જાય છે. આવું જ મેન્ટલ સ્ટ્રેસ વધવાના કારણે પણ થાય છે. આથી હંમેશા માનસિક તણાવને નિયંત્રણમાં રાખો.
• શું કરવું જોઇએ? નિયમિતપણે સાતથી નવ કલાકની ઊંઘ લો. તમારા ડેઇલી રુટિનમાં ડીપ બ્રિધિંગ, યોગ વગેરેનો સમાવેશ કરો. આનાથી તમારો મેન્ટલ સ્ટ્રેસ તો ઘટશે જ સાથે સાથે સારી ઊંઘમાં પણ તે મદદરૂપ બનશે.
4) આનુવાંશિક પરિબળો પણ એક કારણ
કેટલાક લોકોમાં માતા-પિતાના સ્થૂળ હોવાને કારણે એવા જીન્સ આવે છે જે વજન વધારે છે કે પછી એવા જીન્સ ઘટી જાય છે જે સંતોષ આપે છે. આવા વ્યક્તિને સરેરાશ વ્યક્તિની સરખામણીએ વધુ ભૂખ લાગે છે. બોડી ફેટને કાબુમાં રાખતા જીન્સની ભિન્નતાને કારણે પણ વજન વધે છે. આવા લોકોમાં સ્થૂળતા માટે આનુવાંશિક કારણો જવાબદાર હોય છે.
• શું કરવું જોઇએ? જિનેટિક સ્ક્રીનિંગ કરાવી શકો છો. જો સ્થૂળતાનું કારણ હોર્મોન છે તો તેનું સ્ક્રિનિંગ અવશ્ય કરાવો.
5) માત્ર કસરત પર નિર્ભરતા
સિક્સ પેક એબ્સ બનાવવાનું લક્ષ્ય ભલે ન હોય, પરંતુ વજન ઘટાડવા માટે માત્ર કસરત પર આધારિત ન રહો. હાર્વર્ડ યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર તમે દિવસ દરમિયાન જે કેલરી તમે બર્ન કરો છો, તેનો 65થી 70 ટકા હિસ્સો આરામ દરમિયાન બર્ન થાય છે. જેને રેસ્ટિંગ એનર્જી એક્સપેન્ડિચર કહે છે. કસરતની સાથે થોડું ફૂડ પણ એનર્જીનો વપરાશ વધારે છે તે હંમેશા યાદ રાખો.
• શું કરવું જોઇએ? નટ્સ, ડેરી પ્રોડક્ટ, જુદા જુદા પ્રકારની દાળ, ઈંડા વગેરેને ભોજનમાં સામેલ કરો. આવા ખાદ્ય પદાર્થોને પચાવવા માટે શરીરને વધુ ઊર્જા વાપરવી પડે છે. અને હા, દરરોજ બેથી ત્રણ લીટર પાણી પીવું પણ ફાયદાકારક છે.