વોકિંગના એકાદ-બે નહીં, પણ 6 પ્રકાર છે

Thursday 02nd January 2025 02:03 EST
 
 

વોકિંગને સૌથી સારી એક્સરસાઈઝ માનવામાં આવે છે, જે દરેક ઉંમરના લોકો માટે સરળ છે. પરંતુ શું તમે જાણો છો કે ચાલવાના પણ અલગ-અલગ પ્રકાર છે? જેમાંથી પ્રત્યેક પ્રકાર આપણા સ્વાસ્થ્યને લાભ આપે છે. જેમાં હૃદયને સ્વસ્થ રાખવાથી લઈને માનસિક સ્વાસ્થ્ય સુધારવા સુધીના લાભ મળી રહે છે. તમે જે પ્રકારનું વોકિંગ પસંદ કરો છો, તમને તે પ્રકારનો સ્વાસ્થ્ય લાભ મળી રહે છે. અહીં છ પ્રકારના વોકિંગ અંગે જાણકારી આપવામાં આવી છે અને એ પણ જણાવાયું છે કે આ પ્રકાર કોના માટે વધુ લાભદાયક છે.
ઝડપી ચાલવું (Brisk walking)
સ્પીડમાં ચાલવું એટલે એક એવો પ્રકાર જેમાં તમે ચાલતા ચાલતા વાત તો કરી શકો પણ ગાઈ ન શકો. જે તમારા હૃદય અને ફેફસાંને મજબૂત કરવાની બેસ્ટ રીત છે. સ્ટડી દ્વારા જાણવા મળ્યું છે કે સપ્તાહમાં 5 વખત અને દિવસમાં ઓછામાં ઓછું 30 મિનિટ સુધી ઝડપી ચાલવાથી બ્લડપ્રેશર, બેડ કોલેસ્ટ્રોલ ઘટી શકે છે અને એકંદર સ્વાસ્થ્ય સુધરી શકે છે. એક સ્ટડી અનુસાર, જે લોકો નિયમિત ચાલે છે તે લોકોમાં ઓછું બ્લડ પ્રેશર હોય છે, સ્ટ્રોકનું જોખમ ઓછું હોય છે અને ઓવરઓલ ફિટનેસ સારી રહે છે. જેથી તમારે એક કલાકમાં 3-4 માઈલ ઝડપી ચાલવાનું લક્ષ્ય રાખવું જોઈએ.
પાવર વોકિંગ (Power walking)
પાવર વોકિંગ એ બ્રિસ્ક વોકિંગનું ઉત્તમ વર્ઝન છે. જેમાં ઝડપી ગતિ (4-5 માઈલ પ્રતિ કલાકની ઝડપે લગભગ 1 માઈલ ચાલવું) અને હાથની મૂવમેન્ટનો સમાવેશ થાય છે. પાવર વોકિંગ કરવાથી સામાન્ય વોકિંગની સરખામણીએ વધુ કેલરી બર્ન થાય છે, જેથી તે વેઇટ મેનેજમેન્ટ માટે ઉત્તમ વિકલ્પ બને છે. એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે 5 માઈલ પ્રતિ કલાકની સ્પીડથી એક માઈલ ચાલવાથી એટલી જ એનર્જી બર્ન થાય છે, જેટલી એ જ સ્પીડથી એક માઈલ જોગિંગ કરવાથી થાય છે. વધુ કેલરી બર્ન કરવા માટે રેગ્યુલર અને પાવર વોકિંગ વચ્ચે થોડો બ્રેક રાખો.
ઉલટું ચાલવું (Walking backwards)
પાછળની તરફ ચાલવું (રેટ્રો વોર્કિંગ) શરીરના બેલેન્સને વધારી શકે છે, પોશ્ચર સુધારી શકે છે અને તમારા ઘૂંટણો પરનું પ્રેશર ઘટાડી શકે છે. એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, ટ્રેડમિલ પર ઊલટું ચાલવાથી બેલેન્સ, ચાલવાની ગતિ અને હૃદય-ફેફસાના સ્વાસ્થ્યમાં સુધાર થાય છે. સાથે જ સ્ટડી સૂચવે છે કે આ એક્સરસાઇઝ સ્ટ્રોક રિહેબ માટે વેલ્યુએબલ સાબિત થઈ શકે છે. આ કસરત એક સુરક્ષિત સમથળ જમીન શરૂ કરો અને તમને આત્મવિશ્વાસ વધે તેમ તેમ તમારી ગતિને વધારો.
ટ્રેલ વોકિંગ (Trail Walking)
ટ્રેલ્સ એટલે કે અસમાન જમીન પર ચાલવું તમને નેચર સાથે જોડે છે. તેમજ બેલેન્સ અને કો-ઓર્ડિનેશનમાં સુધારો કરે છે. વર્ષ 2016માં પબ્લિશ થયેલા એક અભ્યાસ અનુસાર, કસરત અને પ્રકૃતિમાં સમય વિતાવવાના સંયુક્ત લાભ હાઇકિંગને હેલ્થ અને વેલ બીઇંગને બુસ્ટ કરવાની પરફેક્ટ એક્ટિવિટી બનાવે છે. ટ્રેલ્સની ખાડા ટેકરાવાળી સપાટી મસલ્સને સ્ટેબલ કરે છે. કોર સ્ટ્રેન્થ સુધારે છે અને જોઈન્ટ હેલ્થ પણ સુધારે છે. જોકે, ઈજાથી બચવા માટે સારા શૂઝ પહેરો અને યોગ્ય લોકેશન પર વોકિંગ શરૂ કરો.
નોર્ડિક વોકિંગ (Nordic walking)
નોર્ડિક વોકિંગમાં પોતાને આગળ વધારવા માટે ખાસ રીતે ડિઝાઇન કરાયેલા પોલ્સનો ઉપયોગ કરવાનો રહે છે. આ ટેક્નિક તમારા શરીરના ઉપરી હિસ્સાને એક્ટિવ રાખે છે. આમ તમારા પગ સાથે તમારા હાથ, ખભા અને કોર પણ કામ કરે છે. નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનમાં પબ્લિશ એક સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, ‘નોર્ડિક’ વોકિંગ પારંપરિક વોકિંગની સરખામણીએ શરીરના ઉપરના મસલ્સની તાકાતમાં વધુ લાભ પૂરા પાડે છે. કાંડા પર વધુ જોર ન પડે તે માટે એર્ગોનોમિક ગ્રીપવાળા હલકા પોલનો ઉપયોગ કરો. આ વોકિંગ કરવાથી શરીર મજબૂત થવાની સાથે મેન્ટલ પીસનેશ પણ મળે છે. જેથી આ સ્ટાઈલ ખૂબ પોપ્યુલર છે.

દરરોજ મોર્નિંગ વોક કરવાથી થતા ફાયદા
• બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે
• હૃદય રોગનું જોખમ ઓછું થાય છે
• વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે
• બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે
• માનસિક તણાવ દૂર થાય
• શરીરમાં ચરબીના થર જામતા નથી, જેથી વજન ઘટે છે
• વજન ઘટાડવા ચાલવું એ સારો ઉપાય છે, જેથી દરરોજ ચાલવું જોઈએ
• રોજ વોક કરવાથી શરીરની માંસપેશીઓ મજબૂત બને છે
• ચાલવાથી શરીરનાં હાડકાં અને જોઈન્ટ મજબૂત થાય છે
• ચાલવાથી ઓસ્ટિયોપોરોસિસને રોકી શકાય છે
• ચાલવાથી પાચનશક્તિ મજબૂત બને છે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter