શું ભોજન બાદ લિવરના ભાગે દુઃખે છે? તો સાવધાન...

Saturday 03rd August 2019 06:41 EDT
 
 

ઘણાં લોકોને અચાનક કોઇ કારણ વગર પેટમાં દુઃખાવો થતો હોય છે. ભૂખ ઓછી લાગતી હોય છે. અથવા તો જમ્યા બાદ લિવરના ભાગમાં દુખાવો થતો હોય છે. જો આવું થતું હોય તો ચેતવા જેવું છે. લિવર પેટમાં ડાબી તરફ પાંસળીઓની અંદરની તરફ હોય છે. તેની બાજુમાં જ ડાયફ્રામ હોય છે જે છાતી અને પેટના ભાગને અલગ કરે છે. લિવરનું વજન એકથી સવા કિલો જેટલું હોય છે. પુરુષોની સરખામણીએ મહિલાઓનું લિવર દસથી પંદર ટકા નાનું હોય છે.
લિવરનું કાર્યઃ લિવરનું મુખ્ય કાર્ય પાચન અને શરીરની સુરક્ષા કરવાનું હોય છે. મતલબ કે લિવરમાં કેટલાય પ્રકારના એન્જાઇમ્સ હોય છે, જે ભોજનને પચાવવામાં મદદરૂપ થાય છે. આપણે ખોરાક વાટે જે પોષકતત્ત્વો લઇએ છીએ તેને શરીરના દરેક હિસ્સામાં પહોંચાડવાનું કાર્ય લિવર કરે છે. પાચનક્રિયા દરમિયાન શરીરમાં એમોનિયા ગેસ બને છે. જેને લિવર યુરિયામાં બદલીને યુરિન વાટે શરીરમાંથી બહાર કાઢે છે. લિવરમાં એલ્બુમીન નામના પ્રોટીન બને છે, જેનાથી શરીરને ઊર્જા પ્રાપ્ત થતી હોય છે. આ પ્રોટીનની ઉણપથી શરીરમાં સોજા ચડી જાય છે.
દુઃખાવાનું કારણઃ ભૂખ ન લાગવી, જો ભોજન કરો તો તરત લિવરની જગ્યાએ દુઃખાવો થવો, વજનમાં ઘટાડો થવો, પેટમાં શૂળ ઉપડી હોય તેવું લાગે, વધારે પડતો ગેસ થવા માંડે, ઓડકાર આવે, ભોજન પચે નહીં, શરીર દિવસે દિવસે પાતળું થવા માંડે, શરીરમાં ખંજવાળ આવે, સ્ટૂલ સફેદ કલરનું આવવા લાગે વગેરે લક્ષણો લિવરમાં મોટી તકલીફ હોવાના છે. આ સમસ્યાને નાનીસૂની સમસ્યા ગણીને અવગણો નહીં. આ માટે તરત જ ટેસ્ટ કરાવડાવો. આપણા શરીરમાં લિવર એવો ભાગ છે જેનો થોડો કે વધુ હિસ્સો ખરાબ થાય તો તેને સારવાર થકી ફરી કાર્યરત કરી શકાતો નથી.
જીવનશૈલીમાં બદલાવ લાવોઃ મોટા ભાગે લિવરની તકલીફમાં આપણી ખરાબ જીવનશૈલી જવાબદાર હોય છે. તેમાં સુધારો લાવો. બનેતેટલું વધારે પાણી પીવો. ફેટી લિવરથી બચો. સોડા, સોફ્ટ ડ્રિંક્સ, આલ્કોહોલ શક્ય હોય ત્યાં સુધી ટાળો. વ્યાયામ કરો, અને ભારે ભોજન કરો તો તેને પચાવવા માટે ચાલો પણ ખરા.
નુકસાનકારક બાબતઃ આલ્કોહોલ લેવાની આદતથી જ મોટા ભાગે લિવર ફેલ થતું હોય છે. આ ઉપરાંત વધારે પડતું વજન. વજન વધતાં ફેટી લિવરની સમસ્યા સર્જાય છે. તેના કારણે પણ લિવરની તકલીફ સર્જાય છે. બિનઆરોગ્યપ્રદ ભોજનથી પણ તકલીફ થતી હોય છે. આથી બને ત્યાં સુધી બિનઆરોગ્યપ્રદ ભોજનથી દૂર રહેવું સારું. લિવર તમારા આખા શરીરની કાળજી રાખે છે. શારીરિક તંદુરસ્તી જાળવી રાખે છે. આથી જો તમે લિવરની કાળજી નહીં લો, તો શરીર થોડા સમયમાં જ કથળી જશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter