સ્ટ્રોકમાંથી સાજા થવામાં ટેકનોલોજી ભારે મદદરૂપ

બ્રેઈન સ્ટ્રોક પછી તત્કાળ નિદાન અને સારવારનું મહત્ત્વ છે.

Wednesday 25th January 2023 06:38 EST
 
 

માનવીના મગજ માટે લોહીનો સતત પૂરવઠો મળતો રહે તે અતિ આવશ્યક છે. જો મગજમાં કોઈ ગાંઠ, ક્લોટ અથવા રક્તવાહિની તૂટી જવાની સમસ્યા સર્જાવાથી લોહીનો પૂરવઠો મળતો બંધ થાય કે ઘટી જાય ત્યારે બ્રેઈન સ્ટ્રોક આવે છે. સ્ટ્રોક આવ્યા પછી સારવાર મેળવવામાં પસાર થતી પ્રત્યેક મિનિટ સાથે આપણા મગજના આશરે 2 મિલિયન ન્યુરોન્સ- ચેતાકોષનું મોત થાય છે જેના પરિણામે કાયમી નુકસાન થઈ શકે છે અને ગંભીર હાલતમાં સ્ટ્રોક જીવલેણ પણ નીવડી શકે છે. જોકે, દર્દીને તત્કાળ ઓપરેશનની કે ડ્રગ્સની જરૂર છે તે જાણવાનું ભારે મુશ્કેલ બની રહે છે અને તેના માટે નિષ્ણાત ડોક્ટર્સની જરૂર પડે છે.

સ્ટ્રોકના પેશન્ટ પર તત્કાળ સર્જરી કરવાની જરૂર છે કે નહિ તે ડોક્ટરોને જણાવતી જીવનરક્ષક ટેકનોલોજીના કારણે NHS પેશન્ટ્સમાં રીકવરીનું પ્રમાણ ત્રણ ગણું વધી ગયું છે. બે વર્ષ અગાઉ આરોગ્યસેવામાં દાખલ કરાયેલી Brainomix e-Stroke ક્રાંતિકારી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સિસ્ટમથી બ્રેઈન સ્ટ્રોકના 111,000થી વધુ દર્દીઓને લાભ થયો છે. આ ટેકનોલોજી હોસ્પિટલમાં આવતા સ્ટ્રોક પેશન્ટ્સના બ્રેઈન સીટી સ્કેન્સનું વિશ્લેષણ કરી એક મિનિટથી ઓછાં સમયમાં સ્ટ્રોકના પ્રકાર, તેની તીવ્રતા અને સૌથી યોગ્ય સારવારની ઓળખ કરી લે છે. આ પછી, ડોક્ટર્સ દર્દી માટે ક્લોટ્સને ઓગાળતી કે તોડતી ડ્રગ્સ અથવા સર્જરી વિશે નિર્ણય લે છે. આ ટેકનોલોજીના કારણે દર્દીના હોસ્પિટલમાં આગમન અને તેની સારવાર વચ્ચે લાગતો સરેરાશ 140 મિનિટનો સમય ઘટીને 79 મિનિટ થઈ ગયો છે. ઝડપી સારવાર મળવાથી સ્ટ્રોકના દર્દીને કોઈ મોટી ખામી કે અશક્તિ વિના સાજા થવાનું પ્રમાણ 16 ટકાથી વધીને 49 ટકા થઈ ગયું છે. ઈંગ્લેન્ડમાં દર વર્ષે સ્ટ્રોકના 85,000 દર્દી હોસ્પિટલમાં દાખલ થાય છે.

Brainomix AI સિસ્ટમ માનવીની નજરમાં ન આવે તેવી બ્રેઈન સ્કેન્સની પેટર્ન્સને ઓળખી શકે છે જેના પરિણામે સારવારમાં અચોક્કસતા અને વિલંબને દૂર કરી શકાય છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સિસ્ટમ તત્કાળ મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી સર્જરી કરવાની જરૂર છે કે નહિ તેના વિશે ડોક્ટરને એલર્ટ કરે છે. આ સર્જરી બ્લડ ક્લોટ્સ દૂર કરે છે અને મગજને લોહીનો પૂરવઠો પુનઃ સ્થાપિત કરે છે. સ્ટ્રોકના આશરે 10 ટકા દર્દીઓને આ પ્રોસીજરથી ફાયદો થાય છે પરંતુ, મગજની ધમનીમાં રહેલા બ્લડ ક્લોટનું ચોક્કસ નિદાન અને ત્વરિત નિર્ણય પર આધાર રાખવાનો હોવાથી માત્ર બે ટકા દર્દી પર આવી સર્જરી થાય છે. જોકે, આર્ટિફિશિયલ ટેકનોલોજીના કારણે થ્રોમ્બેક્ટોમી સર્જરી થતી હોય તેવા પેશન્ટ્સની સંખ્યા બમણી થઈ શકી છે.

ઈંગ્લેન્ડના 20 સ્ટ્રોક નેટવર્કમાંથી 11 નેટવર્કમાં Brainomix AI સિસ્ટમ ગોઠવવામાં આવી છે. જેના વડે દેશના તમામ વિસ્તારોને આવરી લેવાયા છે. અને તમામ સ્ટ્રોક સ્પેશિયાલિસ્ટ્સ એકબીજાની નજીક આવી ગયા છે જેનો લાભ સ્ટ્રોક પેશન્ટ્સને મળે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter