હાઇપરટેન્શનઃ ઉપેક્ષા ભારે પડી શકે છે

સદાબહાર સ્વાસ્થ્ય

Wednesday 12th April 2017 08:05 EDT
 
 

લોહી સમગ્ર શરીરમાં પરિભ્રમણ કરતું રહે છે. આ લોહીની નળીઓમાં લોહીના પરિભ્રમણને કારણે એક દબાણ ઊભું થાય છે જે હંમેશાં કન્ટ્રોલમાં હોવું જરૂરી છે. જો એ ઘટી કે વધી જાય તો પ્રોબ્લેમ ઊભા થઈ શકે છે. જો એ ઘટી જાય તો એને લો બ્લડ-પ્રેશર કહે છે, જ્યારે વધી જાય તો એને હાઈ બ્લડ-પ્રેશર કહે છે. મહત્વની વાત એ છે કે હાઈ બ્લડ-પ્રેશર એક સાઇલન્ટ તકલીફ છે. એને કોઈ ખાસ ચિહનો ન હોવાના કારણે વ્યક્તિને રેગ્યુલર ચેકઅપ વગર ખબર પડતી નથી કે પોતે કોઈ તકલીફ ભોગવી રહી છે.

ઘણાં રિસર્ચ સાબિત કરી ચૂક્યાં છે કે હાઇપરટેન્શનના દરદીઓના માથે કાર્ડિયાક પ્રોબ્લેમ થવાનું રિસ્ક ૨૦ ટકા જેટલું વધારે રહે છે. આ કાર્ડિયાક પ્રોબ્લેમ મૃત્યુ માટેનું સૌથી પહેલા નંબરનું કારણ બની ગયું છે ત્યારે હાઇપરટેન્શન પ્રત્યેની બેદરકારી આપણને પોસાય એમ નથી. દરદીને ખબર જ હોતી નથી કે તેને હાઇપરટેન્શન છે અને આ વાતની ખબર પડે છે ત્યાં સુધીમાં તો રોગના કારણે તેના શરીરમાં ઘણું નુકસાન થઈ જાય છે.

તાજેતરમાં બહાર પડેલા કાર્ડિયોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયાના એક રિસર્ચ અનુસાર જેટલા લોકોને હાઇપરટેન્શન છે એમાંના ૬૦ ટકા દરદીઓ જાણતા જ નથી કે તેમને આ રોગ છે. ત્રણમાંથી એક કામકાજી માણસને હાઇપરટેન્શનની તકલીફ હોઈ શકે છે, પરંતુ મોટા ભાગના લોકો ખુદ જાણતા જ નથી કે તેમને હાઇપરટેન્શન કે જેને હાઈ બ્લડ-પ્રેશર પણ કહે છે એ રોગ છે. ૭૪,૫૨૦ લોકો પર થયેલા તબીબી અભ્યાસમાં ૧૮ વર્ષથી લઈને ૬૦ વર્ષ સુધીના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

હાઇપરટેન્શન

હાઇપરટેન્શન એક એવી બીમારી છે, જે આજકાલ ખૂબ કોમન ગણાય છે અને આ કોમન બીમારી ઘણા ઘાતક રોગો જેમ કે હાર્ટ-એટેક કે બ્રેઇન-સ્ટ્રોક માટે જવાબદાર બને છે. આથી માણસનું અંગ ફેલ થઈ શકે છે જેમ કે કિડની-ફેલ્યર. હાઇપરટેન્શનને સામાન્ય રીતે સમજીએ તો શરીરમાં હૃદય ધબકે એટલે લોહીની નળીઓમાંથી પસાર થઈને લોહીનું પરિભ્રમણ થાય છે. આ લોહી એ નળીઓ પર જે દબાણ આપે છે એને બ્લડ-પ્રેશર કહે છે. એનાં બે રીડિંગ હોય છે. એક એ રીડિંગ જેમાં લોહીની નળીઓ પર આવતું સૌથી વધુ પ્રેશર અને બીજું સૌથી ઓછું પ્રેશર એમ બન્ને રીડિંગ માપવામાં આવે છે. સામાન્ય રીતે ૧૨૦/૮૦નું પ્રેશર હોવું જરૂરી છે. આથી વધે તો એ ચિંતાનું કારણ હોઈ શકે છે.

જો વ્યક્તિનું માથું ભારે થઈ જતું હોય, ગરદનમાં દુખાવો રહેતો હોય, ચાલવામાં હાંફી જવાતું હોય તો તેને હાઇપરટેન્શન હોવાની શક્યતા રહે છે. જોકે મહત્વની વાત એ છે કે ઘણા લોકોને રોગ થાય ત્યારે આ ચિહનો દેખાય જ એવું જરૂરી નથી. એના નિદાન માટે રેગ્યુલર ચેકઅપ જરૂરી છે.

રોગના કોઇ લક્ષણો નથી

સાઇલન્ટ કિલર તરીકે ઓળખાતો આ રોગ પોતે જ વ્યક્તિને મૃત્યુ સુધી પહોંચાડતો નથી, પરંતુ એ એવા રોગોને નિમંત્રે છે જેને લીધે વ્યક્તિનું મૃત્યુ થવાની શક્યતા વધી જાય છે. આમ તો લોહીની નસો આખા શરીરમાં ફેલાયેલી હોય છે અને વધેલા પ્રેશરને કારણે શરીરમાંના જે અંગની નસો પર વધુ અસર થાય એ અંગ ડેમેજ થવાની શક્યતા વધી જાય છે. જોકે મુખ્યત્વે એ ચાર અંગો પર વધુ અસર કરે છે.

બ્લડ-પ્રેશરમાં વધઘટના કારણે મુખ્યત્વે મગજ, હૃદય, આંખ અને કિડની પર અસર થાય છે. ખાસ કરીને મગજમાં સ્ટ્રોક આવી શકે છે કે હેમરેજ થવાની શક્યતા વધી જાય છે. હૃદયમાં એટેક આવી શકે છે, કિડની ફેલ થઈ શકે છે અને આંખમાં રેટિના પર એટલે કે આંખના પડદા પર અસર થાય છે. ખાસ કરીને રેટાઇનલ હેમરેજ થવાની શક્યતા વધી જાય છે જેની અસર વિઝન પર પડે છે.

લાઇફ-સ્ટાઇલમાં બદલાવ જરૂરી

જેટલી મોટી સંખ્યામાં ભારતીયો હાઇપરટેન્શનનો શિકાર બની રહ્યા છે તે દર્શાવે છે કે જિનેટિકલી આપણે આ રોગ સાથે સંબંધ ધરાવીએ છીએ. આથી જ આપણી નાનકડી ભૂલ આપણને આ રોગની ખૂબ નજીક લઈ જાય છે. ખાસ કરીને જમવામાં મીઠાનો એટલે કે નમકનો વધુ પ્રયોગ, બેઠાડુ જીવન, ઓબેસિટી, વધતું જતું સ્ટ્રેસ, એક્સરસાઇઝનો અભાવ, ડાયાબિટીસ વગેરે આપણને બ્લડ-પ્રેશરના પ્રોબ્લેમની વધુ નજીક લાવે છે અને એક વખત લોહીની નસો પર અસર થવાનું શરૂ થઈ ગયું એ પછી વ્યક્તિને આ રોગનો ભોગ બનતાં અટકાવી શકાતી નથી. જેમના ઘરમાં આ રોગ છે તેમણે ખાસ તેમની લાઇફ-સ્ટાઇલ માટે સતર્ક રહેવું જરૂરી છે.

ડાયાબિટીસ સાથે સંબંધ

ડાયાબિટીસ અને બ્લડ-પ્રેશર બન્ને રોગ એક સાથે ધરાવતા હોય એવા ઘણા દરદીઓ ભારતીય પરિવારોમાં જોવા મળે છે. આ બન્ને રોગો વચ્ચેનું રિલેશન સમજાવતાં તબીબી નિષ્ણાતો કહે છે કે ડાયાબિટીસના જેટલા પણ દરદીઓ છે એ બધાને બ્લડ-પ્રેશર થવાની શક્યતા ઘણી વધારે છે અથવા કહીએ કે એવા ખૂબ ઓછા લોકો જોવા મળે છે જેમને ફક્ત ડાયાબિટીસ હોય પરંતુ બ્લડ-પ્રેશર ન હોય. જો એવા લોકો મળે જેમને ફક્ત ડાયાબિટીસ જ હોય, બ્લડ-પ્રેશર નહીં તો સમજવું કે તેમનું આ શરૂઆતનું સ્ટેજ છે અને ભવિષ્યમાં તેમને બ્લડ-પ્રેશર થવાની શક્યતા ભારોભાર રહે છે. બ્લડ-પ્રેશરમાં હંમેશાં એવું હોતું નથી એટલે કે દરેક બ્લડ-પ્રેશરના દરદી પર ડાયાબિટીસનું રિસ્ક હોય જ એવું જરૂરી નથી, પરંતુ ડાયાબિટીસના દરદી પર બ્લડ-પ્રેશરનું રિસ્ક ઘણું વધારે હોય છે.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter


અમારા માટે અમૂલ્ય છે આપનો અભિપ્રાય

વાચક મિત્રો,

યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પત્રકારત્વનો અભ્યાસ કરી રહેલાં દિપાલી લિંબાચીયા હાલમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’માં અખબાર પ્રકાશન ક્ષેત્રે કામગીરીનો અનુભવ મેળવી રહ્યા છે. તેમણે વાચકોની પસંદ-નાપસંદ, તેમને ગમતા વિષયોની જાણકારી મેળવવા એક નાનકડી પ્રશ્નોતરી તૈયાર કરી છે. આપ આપના કિંમતી સમયમાંથી થોડીક મિનિટો ફાળવીને આ પ્રશ્નોત્તરીના જવાબ આપશો તો અમે આપના આભારી થઇશું.

- પ્રશ્નોત્તરીનો ઓનલાઇન જવાબ આપવા માટે ક્લિક કરો આ વેબલિન્કઃ http://www.abplgroup.com/AAA-Assets/R-D/Dipali-Limbachia


- તંત્રી