હાઇ બ્લડપ્રેશરને નાથ્યા વગર છૂટકો નથી

Monday 26th April 2021 12:33 EDT
 
 

આજે વિશ્વની વસતીના લગભગ ચોથા ભાગના લોકો હાઈ બ્લડપ્રેશરની તકલીફથી પીડાય છે અને રોજેરોજ આવા રોગીઓની સંખ્યા વધી રહી છે. આ સમયે રોગના ઉપચાર સંદર્ભે પાયાની બાબતો જાણવી એટલા માટે અનિવાર્ય છે કે કોઈ પણ ઉપચાર પદ્ધતિની દવાઓ લેવાતી હોય, ગમેતેટલાં લાંબા સમય સુધી દવાઓ લેવાની ચાલુ રાખવામાં આવે પણ જો ખાનપાન અને આચારવિચારના સિદ્ધાંતોની ઉપેક્ષા કરવામાં આવે તો પરિણામ શૂન્ય છે.
સૌપ્રથમ તો તબિયત સંદર્ભે તમને જે કંઈ નાનામાં નાની ફરિયાદ રહેતી હોય એની અવગણના ન કરવી. ક્યારેક તદ્દન સામાન્ય જણાતા લક્ષણો વખત જતાં ગંભીર સમસ્યાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. નજીવા લક્ષણો પણ શરીરની અંદર ચાલી રહેલી સમસ્યાના સંકેતો આપતા હોય છે. આવા સંકેતો તમને રોગ સ્થિતિ પર ધ્યાન આપવાનું સૂચન કરે છે.
સમસ્યાના લક્ષણો ક્યા?
માથા, બોચી (Neck) અને આંખોમાં થતો દુઃખાવો, વિશેષ કરીને માથાનું ભારેપણું, કપાળ પરનો પરસેવો, હાથની ધ્રુજારી, હૃદયમાં ભાર, છાતીના ધબકારા વધી જવા, એકાગ્રતા (Concentration)નો અભાવ, યાદશક્તિ ઘટવી, થોડોક શ્રમ કરવાથી લાગતો થાક, રાત્રે વારંવાર પેશાબ માટે જવું, રાત્રે અચાનક ઊંઘ ઊડી જવી, આંખ, હાથ અને પગ પર રહેતાં સોજા - આ બધાં સામાન્ય જણાતા લક્ષણોનો હાઈબ્લડપ્રેશર સાથે સીધો સંબંધ છે. આવા લક્ષણો તરફ દુર્લક્ષ ન રાખતાં ત્વરિત બ્લડપ્રેશર મપાવી તબીબી સલાહ લેવી જરૂરી છે. આમ કરવાથી વેળાસર નિદાન થઈ ઉપચારની તક મળશે. આવી કાળજી લેવાથી આંખોનો અંધાપો, મૂત્રપિંડની વિફળતા, સ્ટ્રોક, હેમરેજ, પક્ષઘાત (Paralysis), હાર્ટફેઈલ જેવી ઘાતક રોગોવસ્થા નીવારી શકાશે.
વધુ પડતું નમક છે ખતરનાક
બીજી અગત્યની વાત નમકના વધુ પડતા વપરાશને નિયંત્રિત કરવાની. સામાન્ય રીતે પુખ્ત વયની વ્યક્તિને નમકની જરૂરીયાત રોજીંદા ક્રમે માત્ર અડધાથી એક ગ્રામ (આશરે એક નાની ચમચીનો પાંચમો ભાગ) જેટલી છે. અરે, આટલું નમક તો આપણે શાકભાજી, ફળો, ધાન્ય કઠોળ અને પીવાના પાણીમાંથી પ્રાકૃતિક રીતે મેળવી લઈએ છીએ. તો પછી સ્વાદને આધીન થઈ હાઈ બ્લડપ્રેશરને શું કામ આમંત્રણ આપવું?
આપણે ગુજરાતીઓ નમકને શરીરની જરૂરિયાતથી નહિ પણ સ્વાદેન્દ્રિયને વશ થઈ ખાવા ટેવાયેલા છીએ. રોજના ભોજનમાં આપણે જરૂર કરતાં ઘણું વધુ નમક ખાઈને અસંખ્ય રોગોને જાણે-અજાણે આમંત્રણ આપીએ છીએ. અથાણા, પાપડમાં તો નમક છે જ, સાથે છાશ, કચુંબર અને છેવટે ભાત, રોટલીમાં પણ નમક નાખવાનું ચૂકતા નથી અને એમાં પણ કોઈ કસર બાકી હોય એમ ડાઈનિંગ ટેબલ પર ટેબલ સોલ્ટ રાખતાં થઈ ગયા છીએ જે આહારમાં નમકનો અતિરેક છે.
શરીરમાં જ્યારે વધારાનું નમક જમા થાય છે ત્યારે એનો નિકાલ કરવા માટે કિડનીની કાર્યક્ષમતા પર બોજો વધે છે. એક તબક્કે કિડની કામ કરવામાં અસફળ થાય ત્યારે શરીરમાં વધુ પાણીનો સંગ્રહ થવાની લોહીની નળીઓ પર દબાણ વધે છે. આ જ નમક લાંબા ગાળે રક્તનલિકાઓનો સંકોચ કરી વળી પાછું બ્લેડપ્રેશર વધારવાનું કામ કરે છે અને સાથે-સાથે હાથ-પગના સોજા તથા જ્ઞાનતંતુને ખોરવી નાખવા જેવી વણમાગી ભેટ આપતું જાય છે. પાયાની બીજી શરતનું પાલન કરવાથી થતાં ફાયદાનું ઉદાહરણ કેટલાક મેડિકલ રિસર્ચ સેન્ટરે તાજેતરમાં પૂરું પાડ્યું છે.
હાઈ બ્લડપ્રેશરના ૧૩૦ દર્દીઓને ત્રણ મહિના સુધી માત્ર નિયંત્રિત નમકના ડાયટ પર રાખી, તે પૈકીના ૧૨૫ જેટલા દર્દીના બ્લડપ્રેશરનો આંક નીચો લાવવામાં સફળતા સાંપડી છે.
સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું જ રહ્યું
ત્રીજી અને સૌથી મહત્વની બાબત છે સ્ટ્રેસ મેનેજમેન્ટ. આ સ્ટ્રેસ (તનાવ) એટલે વળી શું? સાયકોલોજીસ્ટ અને શારીરિક, માનસિક કે કાલ્પનિક પરિબળો સામે માણસની ઉત્તેજનાત્મક પ્રતિક્રિયા તરીકે વર્ણવે છે.
તમે જુઓ કે આજના ભાગદોડભર્યા યુગમાં સામાન્ય માણસે જીવનની પ્રાથમિક જરૂરીયાત સંતોષવા માટે પણ કેટલો સંઘર્ષ કરવો પડે છે? ડગલે ને પગલે સ્પર્ધામાં રહેતો માણસ સદાય સ્ટ્રેસનો અનુભવ કરે છે. આ સ્ટ્રેસ માણસના મન અને શરીર પર રોગજન્ય અસરો છોડી જાય છે. સ્ટ્રેસ વખતે શરીરમાં, ACTH, કોર્ટીસોલ અને એડ્રિનાલીન જેવા હોર્મોનના સ્રાવ ઉત્તેજીત થાય છે જે હાઈબ્લડપ્રેશરનું કારણ બને છે.
મનઝરૂખાથી અંતરાત્મામાં ડોકિયું કરો. ભય ક્રોધ અને ઈર્ષ્યાના મૂળિયા ઉખેડીને ફેકીં દો. હળવો વ્યાયામ તથા ઊંડા શ્વાસોચ્છશ્વાસની કસરત કરવી, મનગમતી કળાત્મક પ્રવૃત્તિ તથા વિનોદવૃત્તિ કેળવી, પૂરતી ઊંઘ લઈ અને વ્યસનને ત્યાગી સ્ટ્રેસથી દૂર રહો. જીવમાત્ર માટેનો સદ્ભાવ કેળવી સમ્યક દૃષ્ટિએ જગતને જુઓ. આ સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. આટલી પાયાની કાળજી લો અને પછી જૂઓ, હાઈ બ્લડપ્રેશર કેવું અંકુશમાં રહે છે...


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter