હીઅરિંગ એઈડથી ફાયદો છતાં ઓછાં લોકો દ્વારા તેનો ઉપયોગ

ડો. નવનીત શાહ FRCS DLO Wednesday 14th August 2019 08:32 EDT
 
 

એક સંશોધન અનુસાર પાછલી જિંદગીમાં હીઅરિંગ એઈડ (શ્રવણયંત્ર)નો ઉપયોગ મગજને વૃદ્ધ થવાનું મંદ બનાવે અને ડિમેન્શિયા-સ્મૃતિભ્રંશ સામે રક્ષણ આપે છે. સંશોધનના તારણો જણાવે છે કે જે લોકો સાંભળવાની વયસંબંધી સમસ્યા માટે હીઅરિંગ એઈડનો ઉપયોગ કરે છે તેઓ શ્રવણયંત્રનો ઉપયોગ નહિ કરનારાની સરખામણીએ માનસિક કામગીરી વધુ સારી રીતે કરી શકે છે. શ્રવણયંત્ર લગાવનારાઓના મગજ તે લોકો સરેરાશ આઠ વર્ષ યુવાન હોય તે રીતે કામગીરી કરતા જણાય છે.
અગાઉના અભ્યાસોએ બહેરાશને મધ્ય વય અને પાછલી જિંદગીમાં ડિમેન્શિયા-સ્મૃતિભ્રંશના વધતાં જોખમ સાથે સાંકળી હતી કારણકે બહેરાશ સંભવતઃ સામાજિક એકલતા તરફ દોરી જાય છે. યુનિવર્સિટી ઓફ એક્સટર ખાતે ડિમેન્શિયા નિષ્ણાત ક્લાઈવ બેલાર્ડ કહે છે કે,‘આનો સંદેશ એ છે કે જો તમને શ્રવણયંત્રની જરૂર હોવાની સલાહ આપવામાં આવી હોય તો તમારા માટે કામ આપે તેવાની શોધ કરવી જોઈએ. ઓછામાં ઓછું તેનાથી તમારી સાંભળવાની ક્ષમતા વધશે અને તમારું મગજ તીક્ષ્ણ રાખવામાં પણ મદદ મળશે.’
હીઅરિંગ ડોગ્સ ફોર ડેફ પીપલ ચેરિટી સંસ્થા અનુસાર બ્રિટનમાં લગભગ સાત મિલિયન લોકો એવાં છે જેમને હીઅરિંગ એઈડ્સથી ફાયદો થઈ શકે પરંતુ, આશરે બે મિલિયન લોકો જ તેનો ઉપયોગ કરે છે. યુકેમાં આશરે ૮૫૦,૦૦૦ લોકો ડિમેન્શિયાની હાલત સાથે જીવે છે અને તેમાંથી આશરે ૩૦૦,૦૦૦ લોકોને ડિમેન્શિયાનું નિદાન થવાનું જ બાકી છે એટલે કે તેમને ડિમેન્શિયા હોવાની ખબર જ નથી.
ડિમેન્શિયાનું ઉચ્ચ જિનેટિક જોખમ ધરાવતાં લોકો નિયમિત કસરત, યોગ્ય આહાર, માત્ર મધ્યમ શરાબપાન તેમજ ધૂમ્રપાનથી તદ્દન અળગાં રહેવા સહિતની તંદુરસ્ત જીવનશૈલી સાથે અલ્ઝાઈમર જેવી સ્થિતિને ટાળવાની તકમાં વધારો કરી શકે છે. પ્રોફેસર બેલાર્ડ હવે એવું સૂચન પણ કરે છે કે બીમારીને દૂર રાખવામાં પણ હીઅરિંગ એઈડ્સ મૂલ્યવાન શસ્ત્ર બની શકે છે.
બહેરાશ અને ડિમેન્શિયા વચ્ચેની કડી હજુ બરાબર સમજી શકાઈ નથી. પ્રોફેસર બેલાર્ડ કહે છે કે,‘ એક તર્ક-પરિકલ્પના એવી છે કે સાંભળવાની ક્ષમતા સાથે સંકળાયેલા સેન્સરી નર્વ સેલ્સ (સંવેદક ચેતાકોષ) નિષ્ક્રિય બની જાય છે ત્યારે મગજમાં તેની સાથે પરસ્પર આંતરક્રિયા કરનારી અન્ય ચેતાઓને પ્રભાવિત કરી નિષ્ક્રિયતા તરફ દોરી જાય છે અને ધીમે ધીમે ઝરણાં કે આગળ વધતા તરંગોની માફક વિસ્તરે છે. અન્ય તર્ક એવો છે કે બહેરાશના કારણે સામાજિક એકલતા અથવા હતાશા સર્જાય છે, જે ડિમેન્શિયા માટે જાણીતા જોખમી પરિબળો હોવાનું આપણે જાણીએ છીએ. આ જોખમ સામે રક્ષણ મેળવવામાં હીઅરિંગ એઈડ્સ મદદ કરી શકે તે વિચાર રોમાંચક છે પરંતુ, આ દિશામાં વધુ મજબૂત સંશોધનો કરવાની જરૂર છે.’
જે લોકો હીઅરિંગ એઈડ્સનો ઉપયોગ કરે છે તેઓ મોટા ભાગે સમૃદ્ધ હોય છે અને તંદુરસ્ત લાઈફસ્ટાઈલ્સ ધરાવતા હોય છે. આ બંને પરિબળો સંજ્ઞાનાત્મક (cognitive) ક્ષીણતા સામે રક્ષણ આપે છે. યુનિવર્સિટી ઓફ એક્સટર અને કિંગ્સ કોલેજ, લંડન દ્વારા કરાયેલા નવા સંશોધનમાં ૫૦ અથવા વધુ વયના ૨૫,૦૦૦ લોકોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. સંશોધન હેઠળના લોકોને બે જૂથમાં વહેંચી દેવાયાં હતાં. એક જૂથ હીઅરિંગ એઈડ્સ સાથેના લોકોનું હતું હતું જ્યારે બીજા જૂથના લોકો હીઅરિંગ એઈડ્સનો ઉપયોગ કરતા ન હતા. બંને જૂથો પર બે વર્ષ દરમિયાન વાર્ષિક સંજ્ઞાનાત્મક પરીક્ષણો કરવામાં આવ્યાં હતાં. હીઅરિંગ એઈડ્સ સાથેના જૂથના લોકોએ કાર્યશીલ યાદદાસ્ત અને ધ્યાનના પરિબળોનું મૂલ્યાંકન કરતી કામગીરીમાં સારો દેખાવ કર્યો હતો. તેમનો રીએક્શન આપવાનો સમય પણ ઝડપી જણાયો હતો. નિષ્ણાતો દ્વારા સમીક્ષા કરાયા વિનાના આ પરિણામો લોસ એન્જલસ ખાતે અલ્ઝાઈમર્સ એસોસિયેશન ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં રજૂ કરાયાં હતાં.
યુનિવર્સિટી ઓફ નોટિંગહામના અને સંશોધન સાથે નહિ સંકળાયેલાં રેબેકા ડેવીએ જણાવ્યું હતું કે તારણો નાના અભ્યાસો સાથે સહમત થાય છે. તેમણે કહ્યું કે,‘સમગ્ર વિશ્વમાં સ્વતંત્રપણે હાથ ધરાયેલા અનેક સંશોધનો આ સંદેશ સાથે સહમત થાય છે કે જેમને આવશ્યક હોય તેવા લોકો માટે હીઅરિંગ એઈડ્સ સંજ્ઞાનાત્મક રીતે લાભકારી હોય છે અને હીઅરિંગ એઈડ્સ મોટા ભાગનો સમય તો ટેબલના ડ્રોઅરમાં જ પડી રહે છે, જે વ્યક્તિ માટે નુકસાનકારી જ રહે છે.’
સંશોધન સાથે નહિ સંકળાયેલા માન્ચેસ્ટર મેટ્રોપોલિટન યુનિવર્સિટીના લ્વીડ ઓર્ટોન પણ કહે છે કે બહેરાશ અને સંજ્ઞાનાત્મક ક્ષીણતા વચ્ચે સીધો સંબંધ હોવા વિરુદ્ધ એક દલીલ એવી છે કે જીવનના શરૂઆતના કાળમાં બહેરાશ સાથેના લોકોમાં દેખીતી રીતે જ આવી કોઈ કડી જોવાં મળતી નથી. તેઓ કહે છે કે,‘ હીઅરિંગ એઈડ્સ (વયસંબંધી બહેરાશ ધરાવતા દર્દીઓમાં) કામ કરતા હોય તે પાછળનું કારણ એ હોય કે પાછલી જિંદગીમાં સાંભળવાનું ગુમાવવું પડે તેનાથી જીવનમાં સામાજિક એકલતા વ્યાપે છે જ્યારે યુવાન લોકો સાંકેતિક ભાષાઓ અને વાતચીતનો આધાર અવાજ-ધ્વનિ ન હોય તેવા સામાજિક જૂથોને વિકસાવે છે.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter