હૃદયને રાખીએ ધબકતું...

સદાબહાર સ્વાસ્થ્ય

Saturday 23rd September 2017 08:49 EDT
 
 

આકાશમાં વાદળાં ઘેરાય એટલે આપણે સમજી જઈએ છીએ કે હવે વરસાદ આવશે. એ જ રીતે શરીર પર કોઇ રોગ હુમલો કરવાનો પ્રયત્ન કરે તે પૂર્વે જ નાની-મોટી તકલીફો દ્વારા શરીર એની ચાડી ખાવાનું શરૂ કરી દે છે. ૨૯ સપ્ટેમ્બરે ‘વર્લ્ડ હાર્ટ ડે’ છે એટલે આજે હૃદયની બીમારીની વાત કરીએ.

આપણે દોડધામભર્યા જીવનમાં નાનીમોટી ફરિયાદો પ્રત્યે બેદરકારી દાખવીએ છીએ, કામચલાઉ રાહત આપતી દવાઓ લઈએ છીએ. પરિણામે બીમારી ગંભીર રૂપ ધારણ કરે છે અને ક્યારેક મોતના મુખમાં ઘસડી જાય છે. નિષ્ણાત કાર્ડિયાક સર્જન જણાવે છે કે ભારતીયો હૃદયરોગનું પ્રમાણ આશ્ચર્યજનક રીતે વધી રહ્યું છે. જે રોગ ૫૦ કે ૬૦ વર્ષની ઉંમરે થવો જોઈએ એ હવે ૨૦થી ૩૦ વર્ષની ઉંમરમાં થતો જોવા મળી રહ્યો છે.’ આમ તો હૃદયમાં થતાં રોગો અનેક છે, પરંતુ એમાં મુખ્યત્વે હૃદયની નળીઓ સાંકડી થવી, હૃદયના વાલ્વને લગતા રોગો અને જન્મજાત થતાં હૃદયના રોગનો સમાવેશ થાય છે.

હૃદયની નળીઓ સાંકડી થવીઃ હૃદયના કુલ રોગોની સરખામણીએ અડધોઅડધ કેસો હૃદયની નળી સાંકડી થવાના જોવા મળે છે. એના લીધે એન્જાયના પેક્ટોરિસ, હાર્ટ એટેક, હાર્ટ ફેઇલ્યોર અને દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. હાર્ટ એટેક આવે ત્યારે દર્દીની બાયપાસ સર્જરી, એન્જિયોગ્રાફી, પેસમેકર અથવા તો સ્ટેન્ટ મૂકાય છે. કયા દર્દીને શેની જરૂર છે એ તો દર્દીના હૃદયની સ્થિતિ જોઈને ડોક્ટર જ નક્કી કરે છે.

હૃદયની માવજત ખોડખાંપણઃ ઘણાં બાળકોને જન્મજાત મુખ્યત્વે હૃદયની બે પ્રકારની તકલીફ હોય છે. એક તો ફેફસાંમાં લોહી ઓછું પહોંચે છે અને બીજા પ્રકારમાં ફેફસાંમાં લોહી વધારે પડતું જાય છે. આવી પરિસ્થિતિમાં બાળકની ઓપરેશન વડે જ યોગ્ય સારવાર કરી શકાય છે.

ઇન્ટરવેન્શલ કાર્ડિયોલોજીસ્ટ્સ કહે છે કે દુનિયાના તમામ દેશો કરતાં સૌથી ઓછી ઉંમરે એટલે કે ૧૫થી ૨૦ વર્ષની વ્યક્તિમાં હાર્ટ એટેક આવવાનું પ્રમાણ ભારતમાં વધારે છે. આનું મુખ્ય કારણ સ્ટ્રેસફુલ લાઇફ છે.

દરેક બીમારીને દૂર કરવા માટે હવે અદ્યતન સારવાર ઉપલબ્ધ છે. એ જ રીતે હૃદય સંબંધિત રોગ ન થાય એ માટે અને જો થાય તો તે પછી એની સારવાર શક્ય છે. જેમાં એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ જેવા વિકલ્પો છે. ઓપરેશનમાં પણ અવનવી ટેકનિક આવી છે. જે દર્દીને હાર્ટએટેક આવી ચૂક્યો હોય કે જેમના હાર્ટનું પમ્પિંગ વીક થઈ ગયું હોય એવા દર્દીના હૃદયમાં ટ્રિપલ ચેમ્બર પેસમેકર મૂકાય છે. જે વ્યક્તિના ધબકારા અનિયમિત બની ગયા હોય એવા દર્દીનો જીવ બચાવી શકાય એવું અદ્યતન ટેક્નોલોજીયુક્ત ઓટોમેટિક ઇમ્પ્લાન્ટેબલ કાર્ડિયોવર્ટર ડિફાઇબ્રિલેટર નામનું મશીન આવ્યું છે. આ મશીનથી દર્દીને શોક દ્વારા નવજીવન આપી શકાય છે. જોકે દરેક વખતે આવું અશક્ય છે. આરામદાયક જીવન માટે આપણે ભાગદોડ કરીએ છીએ, પણ તે પામી શકીએ છીએ ખરા? જો ખરા અર્થમાં જીવવા માંગતા હો, તો જીવનશૈલીમાં પરિવર્તન લાવો. ૨૫ વર્ષ પછી નિયમિત બોડી ચેકઅપ કરાવો જેથી રોગ થતાં પહેલાં જ ડામી શકાય.

હૃદયના વાલ્વના રોગઃ ઘણા લોકોને રુમેટિક ફિવર આવે છે. જે હૃદયના વાલ્વને નુકસાન કરે છે. વાલ્વ સાંકડો હોય, લીક થાય કે વાલ્વમાં છિદ્ર હોય તો તેની સારવાર થઈ શકે છે.

કાર્ડિયાક અરેસ્ટઃ લોકો કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેકને એક માને છે. હાર્ટ એટેકમાં રક્તવાહિની સંકોચાવાથી એમાં બ્લોકેજ થાય છે. એથી લોહીનું પરિભ્રમણ સારી રીતે થતું નથી. જ્યારે કાર્ડિયાક અરેસ્ટમાં હૃદય બંધ થઈ જવાથી વ્યક્તિ મૃત્યુ પામે છે.

હાર્ટએટેકઃ લક્ષણો અને કારણો

હૃદયરોગના હુમલામાં જો થોડી સાવચેતી રાખી દર્દીને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવે તો ગંભીર પરિણામોને ટાળી શકાય છે.

હાર્ટ એટેકનાં લક્ષણો ક્યા હોય છે? પરસેવો વળવો • ગભરામણ થવી • ઊલટી કે ઊબકા આવે • ચક્કર આવવાં • ડાબા હાથ અને ખભામાં દુખાવો થવો • કમરમાં પણ દુખાવો થઈ શકે • ધબકારા વધી જવા • પેટ ઉપરના ભાગમાં ભાર લાગવો • નબળાઈ લાગવી • શ્વાસ લેવામાં તકલીફ થવી.

હૃદયરોગ થવાનાં કારણો ક્યા હોય છે? • હાઇકોલેસ્ટરોલ • હાઇ બ્લડપ્રેશર • ડાયાબિટીસ • ધૂમ્રપાન • આનુવંશિક પરિબળો • માનસિક તણાવ • હતાશા • બેઠાડું જીવન • મેદસ્વિતા.

પ્રાથમિક સારવારઃ ઘરમાં કે તમારી આસપાસ કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે, તો તાત્કાલિક દર્દીને નજીકની હોસ્પિટલમાં લઈ જાવ. એ દરમિયાન એસ્પિરિનની ગોળીના ટુકડા કરી દર્દીના જીભની નીચેના ભાગમાં મૂકવા. તે ઝડપથી લોહીમાં ભળી હૃદયને કામ કરવામાં પડતી તકલીફમાં ઘટાડો કરે છે અને દર્દીની જીવાદોરી લંબાવે છે.

વર્લ્ડ હાર્ટ ફેડરેશનનાં અગત્યનાં સૂચનો

શારીરિક પ્રવૃત્તિમાં વધારોઃ હૃદયરોગ માટે જવાબદાર રિસ્ક ફેકટર્સ જેવાં કે ડાયાબિટીસ, સ્થૂળતા, લોહીનું ઊંચું દબાણ વગેરે પણ બેઠાડું જીવન જીવતા લોકોને વધુ પ્રમાણમાં થાય છે. દરરોજ ૩૦થી ૪૦ મિનિટની કસરત અથવા રમતગમત હૃદયરોગના જોખમમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. શારીરિક પ્રવૃત્તિ જેમ કે ગાર્ડનિંગ, ઘરકામ, સીડીનો ઉપયોગ કરવો વગેરે પણ હૃદયરોગને ઘટાડવા માટે ફાયદાકારક છે. શાળાઓ તથા સરકાર દ્વારા દરેક વિદ્યાર્થીને રમતગમતમાં ભાગ લેવા બદલ વિશેષ પુરસ્કાર અને પ્રોત્સાહન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તો આ દિશામાં નક્કર પરિણામો મળે. યોગ, પ્રાણાયામ તથા જીવનશૈલી વિશે તાલીમ મળે તે જરૂરી છે.

સ્વાસ્થ્યપ્રદ આહારઃ ઇન્સ્ટન્ટ અથવા રેડીમેડ ખાદ્યપદાર્થોમાં મીઠું, તેલ કે ફેટ, ટ્રાન્સફેટ્સ, પ્રિઝર્વેટિવ્સ તથા કેલરીનું વધારે પ્રમાણ સ્વાસ્થય માટે હાનિકારક છે. લીલા શાકભાજી તથા ફળો વધારે લેવાય તો હૃદયરોગનું પ્રમાણ ઘટે છે. બાળકોને નાનપણથી યોગ્ય આહાર પસંદ કરતા શીખવો.

તમાકુ-ધૂમ્રપાનનો ત્યાગઃ ધૂમ્રપાન-તમાકુ લેનાર દર બે વ્યક્તિએ એક વ્યક્તિ તમાકુને કારણે થતા રોગનો ભોગ બને છે. જેમ કે કેન્સર, હૃદયરોગ, ફેફસાંની બમારી ઇત્યાદિ. ધૂમ્રપાન કે તમાકુનો તાત્કાલિક અને સંપૂર્ણ ત્યાગ હૃદયરોગનું જોખમ ૪૦થી ૫૦ ટકા જેટલું ઘટાડે છે. તમે ધૂમ્રપાન કરતા હો તો છોડો. જરૂર પડે તો તબીબી માર્ગદર્શન અથવા વ્યસનમુક્તિ પ્રોગ્રામની સહાય લો.

રિસ્ક ફેક્ટર્સ જાણી કાબૂમાં રાખોઃ ૩૫ વર્ષની ઉંમર પછી દરેક વ્યક્તિએ દર વર્ષે તબીબી તપાસ કરાવીને બ્લડ સુગર, લોહીનું દબાણ, કોલેસ્ટેરોલ, વજન (બીએમઆઇ) વગેરે વિશે જાણકારી મેળવવી જોઈએ. જરૂર જણાય તો યોગ્ય જીવનશૈલી તથા દવાઓની મદદથી તેને કાબૂમાં રાખવા જોઈએ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter