હેલ્થ ટિપ્સઃ કફ - શ્વાસ - ખાંસી - મસામાં રાહત આપે છે ઇલાયચી

Saturday 13th November 2021 06:21 EST
 
 

એલચી કે ઈલાયચીને સામાન્ય ભાષામાં નાની ઈલાયચી પણ કહેવામાં આવે છે. તે તીખા અને આંશિક રીતે મધુરરસ યુક્ત, સ્વભાવમાં ઠંડી અને પચવામાં હલકી છે. તે પચ્યા પછી પણ તીખો રસ જ ધરાવે છે. તે વાયુનો નાશ કરનારી છે. તે કફ, શ્વાસ, ખાંસી, મસા અને મૂત્ર કરતી વખતે થતી પીડાને દૂર કરનારી છે. તે ભોજનમાં રૂચિ વધારે છે. જોકે ગર્ભવતી સ્ત્રીઓએ ખૂબ ધ્યાનપૂર્વક તેનો પ્રયોગ કરવો. વૈદ્યકીય સલાહ અને માર્ગદર્શન હેઠળ તેનો અનેકવિધ પ્રકારે ઉપયોગ કરી શકાય. જેમ કે,
• ચક્કર આવતા હોય તો છાલ સાથે જ ઉકાળો બનાવીને ગોળ સાથે પીવાથી આરામ મળી શકે છે.
• શરીરમાં દુખાવો થતો હોય તો એલચી, હિંગ, જવખાર અને સિંધવ મીઠાનો ઉકાળો લેવાથી રાહત થાય છે.
• શ્વાસમાંથી દુર્ગંધ આવતી હોય તો મોઢામાં એલચી રાખવાથી કે ધીમે ધીમે ચાવવાથી તે દૂર થાય છે.
• માથાના દુખાવામાં એલચીયુક્ત ચા પીવાથી રાહત થાય છે.
• ઉલટી થતી હોય અથવા તો સવારના સમયે ઉબકા આવતા હોય તો કેળાની સાથે ઈલાયચી ખાવાથી આરામ મળી શકે છે.
• કિડનીના રોગોમાં તેને તરબૂચના બીજ સાથે ખાવાથી મૂત્રની માત્ર વધે છે.
• શરીરમાં તાકાત રહે તે માટે એલચી, બદામનું ચૂર્ણ અને જાવંત્રીને માખણમાં મિક્સ કરીને સાકર સાથે લેવું.
• એલચીનાં બીજને પાણીમાં ઉકાળીને તેની ચા બનાવીને પીવાથી ડિપ્રેશનમાં રાહત મળી શકે છે.
• મૂત્ર કરતી વખતે પીડા થતી હોય તો આંબળાનાં રસ સાથે કે દહીંના પાણી સાથે તેનું ચૂર્ણ લેવાથી ફાયદો થાય છે.
• ગેસ થયો હોય ત્યારે ઈલાયચી, આદુ અને વરિયાળી ત્રણેને સરખા ભાગે લઇ એક કપ હૂંફાળા ગરમ પાણીમાં લેવું અને થોડી હિંગ મેળવીને લેવાથી આરામ મળે છે.
• મસામાંથી લોહી પડતું હોય ત્યારે એલચીનાં બીજ, નાગકેસર, વાંસકપૂર અને જાયફળનું ચૂર્ણ સાકર અને ઘી સાથે લેવું.
• મળ ક્યારેક ઘટ્ટ અને ક્યારેક પ્રવાહી અવસ્થામાં આવતો હોય ત્યારે માખણ સાથે એલચીનું ચૂર્ણ લેવાથી આરામ મળી શકે છે.
• મૂત્ર સાથે ચીકાશ આવતી હોય તો એલચી અને હિંગનું ચૂર્ણ દૂધ સાથે લેવું.
• હેડકી આવતી હોય ત્યારે ૨-૩ ઇલાયચીને પાણીમાં ગરમ કરી તેને ફુદીનાના ૪-૫ પાન સાથે લેવાથી રાહત મળે છે.
• ગળામાં દુખતું હોય ત્યારે ઈલાયચીના બીજનું ચૂર્ણ અને ખૂબ થોડો તજનો પાવડર ગરમ પાણીમાં મિશ્ર કરવો. મિશ્રણ થોડુંક ઠંડું પડ્યા બાદ લેવાથી ફાયદો થાય છે.
• ઇલાયચીને પિપ્પરીમૂળ સાથે ઘીમાં મેળવીને ખાવાથી હૃદય માટે લાભકારી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter