હેલ્થ ટિપ્સઃ ચલના હી જિંદગી હૈ... સદાબહાર સ્વાસ્થ્ય માટે નિયમિત ચાલો

Saturday 01st February 2020 07:31 EST
 
 

તમે ક્યારેક વડીલોને પૂછજો કે યુવાવસ્થામાં તેમની દિનચર્યા કેવી રહેતી હતી. ટીવી-મોબાઇલ, ઇન્ટરનેટ વગેરના સમયમાં તેમનો નિત્યક્રમ કેવો રહેતો હતો? જવાબમાં તેઓ સવારે પાંચ વાગવાથી લઇને રાત સુધીનું એવું રૂટિન જણાવશે કે આપણને નવાઇ લાગે કે આ લોકો એક દિવસમાં આટલાં બધાં કામ કઇ રીતે કરી લેતા હશે? બીજી બાજુ આપણી પેઢીના લોકો સાથે વાતચીત કરશો તો જણાશે કે તેમનો નિત્યક્રમ કેવો છે. સવારે ઊઠીને નાહીને તૈયાર થઇને ઓફિસ જવાનું અને ઓફિસથી આવીને થોડો સમય પરિવાર સાથે પસાર કરીને સૂઇ જવાનું. વીકેન્ડમાં મિત્રો અને પરિવાર સાથે સાંજે બહાર ફરી આવવાનું. બસ, તે સિવાય આપણી પાસે બીજી કોઇ પ્રવૃત્તિ કરવા માટે ભાગ્યે જ સમય બચતો હશે.
હવેના સમયમાં નોકરીનો સમયગાળો લાંબો થઇ ગયો છે, વળી વર્કપ્લેસ પણ એટલું દૂર હોય કે આવવા-જવામાં જ આપણો ઘણો સમય નીકળી જતો હોય છે. આ કારણે શરીરની જરૂરી કાળજી લેવાનું આપણે મોટાભાગે ભૂલી જતાં હોઇએ છીએ અથવા તો તેની તરફ આંખ આડા કાન કરી નાખતા હોઇએ છીએ. જ્યારે શરીર તમારી પાસે આ બેદરકારીનો જવાબ માંગે ત્યારે એવું થાય કે આના કરતાં યોગ્ય સમયે થોડું ધ્યાન રાખી લીધું હોત તો સારું હતું. પણ તે સમયે ઘણું મોડું થઇ ગયું હોય છે. અલબત્ત, આપણે માનીએ કે હાલના તબક્કે આપણી પાસે સમયનો અભાવ હોય છે, પણ વધારે નહીં તો સવારે અથવા રાત્રિના સમયે તમે તમારા શરીરને તંદુરસ્ત રાખવા અને સ્વાસ્થ્યને મજબૂત બનાવવા એકાદ કલાક તો કાઢી જ શકો છો અને આ એક કલાક દરમિયાન તમારે કોઇ અઘરી કસરત નથી કરવાની, માત્ર ચાલવાનું જ છે, અને ચાલીને તમારા શરીરના સ્વાસ્થ્યને મજબૂત બનાવવાનું છે. ચાલવાથી થતા લાભો વિશે અહીં આંકડાઓ સાથે સમજાવ્યું છે, જેથી ચાલવાની કસરત શરીર માટે કેટલી ફાયદાકારક છે તેનો તમને ખ્યાલ આવી શકે.
• નિયમિત ૨થી ૫ મિનિટ ચાલવાથી અચાનક આવતા મૃત્યુનું ૩૩ ટકા જોખમ ઘટી જાય છે.
• ૫થી ૧૫ મિનિટ ચાલવાથી તમારી કાર્યક્ષમતા ૬૦ ટકા વધી જાય છે, તમે સ્ફૂર્તિથી તમારું કામ કરી શકો છો.
• ૧૫થી ૨૦ મિનિટ ચાલવાથી બ્લડ સુગર ઘટે છે.
• ૨૦થી ૩૦ મિનિટ ટહેલતા ટહેલતા કુદરતી સૌંદર્ય જોઈને ચાલવાથી નિરાશાજનક વિચારો ઘટી જાય છે.
• ૩૦થી ૩૫ મિનિટ ચાલવાથી હૃદયની બીમારીનું જોખમ ઘટી જાય છે.
• ૪૦થી ૫૦ મિનિટ ચાલવાથી હાઈપર ટેન્શન ઘટે છે.
• ૧૫૦ મિનિટ સ્લો મોશનમાં ચાલવાથી કસરત કે જિમ કરતાં પણ વધુ ફાયદો થાય છે.
• અઠવાડિયામાં ૩ દિવસ ૪૫ મિનિટ ચાલવાથી યાદશક્તિ વધે છે.
• ચાલતી વેળા અંગૂઠાને મુઠ્ઠીની અંદર રાખી ચારે આંગળીઓ વડે હળવું દબાણ આપીને ચાલવાથી બ્લ્ડપ્રેશર કંટ્રોલમાં રહે છે.
આમ જો ફ્ક્ત ચાલવાથી જ આટલા બધા ફાયદા મળતા હોય તો શા માટે ન ચાલવું જોઈએ? તો ચાલો, આજથી જ ચાલવાનું શરૂ કરી દઈએ અને ઘણા બધા રોગમાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ જરૂરથી કરીએઅ ને બીજાને પણ આ ફાયદા વિશે જરૂરથી જણાવીએ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter