હેલ્થ ટિપ્સઃ ઝડપથી દોડશો તો કમરની ચરબી અને હાર્ટ એટેકનું જોખમ ઘટશે

Sunday 03rd October 2021 05:04 EDT
 
 

કમરની આસપાસની વધારાની ચરબી હૃદયરોગ, ડાયાબિટીસ અને કેટલાક ખાસ પ્રકારના કેન્સરનું કારણ બની શકે છે. તબીબી નિષ્ણાો આ અંગે એક યા બીજા સમયે ચેતવણીનો સૂર ઉચ્ચારતા રહ્યા છે, અને લોકો પણ આ વાતને ગંભીરતાથી લેતા થયા છે જેથી વધુ પડતું વજન ઘટાડવાના મામલે જાગૃતિ વધી છે. લોકો વજન, અને ખાસ તો કમર આસપાસની ચરબી ઘટાડવા માટે અનેક પ્રયાસો કરતા જોવા મળે છે ત્યારે ધ બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટસ મેડિસિનના એક અભ્યાસનું તારણ જાણવા જેવું છે.
આ અહેવાલ અનુસાર, હાઇ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગથી આ ચરબીને ૨૯ ટકા વધારે ઘટાડી શકાય છે. આ માટે ૮થી ૧૦ વખત ૨૦ મીટર સુધી સ્પીડમાં રનિંગ કરવાથી બહુ ફરક પડે છે. આ સિવાય ઝડપથી દોડવાની શરૂઆતમાં થોડુંક દોડીને થોડુંક ચાલીને ફરી થોડુંક દોડવાની પદ્ધતિ પણ અપનાવી શકાય છે.
આ કન્સેપ્ટની શરૂઆત એથ્લેટિક્સના ચર્ચિત કોચ અને ઓલિમ્પિયન જેફ ગૈલોવેએ કરી હતી. નવેસરથી દોડવા માટે કે પછી ફરીથી શરીરને દોડવાલાયક બનાવવા માટે આ ઉપાય બહુ કારગત સાબિત થાય છે.
યોગ્ય રનિંગ કરવા માટે આ ત્રણ પગલાઓનું અનુસરણ કરશો તો બહુ ઝડપથી ફાયદો થશે.
• ૧૫ મિનિટનું વોર્મઅપ જરૂર કરોઃ ફાસ્ટ રનિંગ શરૂ કરતાં પહેલાં લગભગ ૧૦થી ૧૫ મિનિટ સુધી વોર્મઅપ જરૂર કરો. આ માટે જોગિંગ કરી શકો છો કે પછી મેદાનમાં ધીમી ગતિથી રાઉન્ડ લગાવી શકો છો. તેનાથી ક્રેમ્પ આવવાની શક્યતા બહુ ઓછી રહે છે.
• દોડવાની યોગ્ય રીતને જાણોઃ દોડતા સમયે ધ્યાન રાખો કે જમીન પર પહેલાં પંજો ટચ થાય અને આગળનો પગ સીધો સામે આવે. તેમજ હાથ ઝડપભેર આગળ પાછળ થાય. જો તમે દોડવાની નવીસવી શરૂઆત કરી રહ્યા હો તો રનિંગના ચારથી પાંચ સેટ જ કરો અને દરેક સેટ પછી જરૂરી આરામ ચોક્કસ કરો.
• હાર્ટરેટની ક્ષમતાને ધ્યાનમાં રાખોઃ દોડતા સમયે તમારો હાર્ટરેટ ૮૦ ટકાથી વધારે ના હોવો જોઇએ. તમારો મેક્સિમમ હાર્ટરેટ જાણવા માટે ૨૨૦માંથી હાલની ઉંમરને બાદ કરો. એટલે કે ૪૦ વર્ષની વ્યક્તિના મેક્સિમમ હાર્ટરેટ ૨૨૦-૪૦ = ૧૮૦ હશે. આ હિસાબે ૮૦ ટકા ક્ષમતાથી વધારે ના હોવી જોઇએ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter