હેલ્થ ટિપ્સઃ દવાઓની એલર્જી અને આડઅસરો

Saturday 05th October 2019 15:04 EDT
 
 

ભારત હોય કે બ્રિટન એલોપેથિક દવાઓ વિશે ખૂબ જ ખોટી માન્યતાઓ પ્રવર્તે છે. તે બહુ ભારે હોય છે, ગરમ પડે, રિએક્શનો આવે, વગેરે વગેરે. જોકે એ પણ સત્ય હકીકત છે કે આ જ દવાઓ અત્યારે વિશ્વમાં જાત જાતની બીમારીઓનું નિવારણ કરી રહી છે. ઈમરજન્સીમાં તો એલોપેથિક સારવારનો કોઈ વિકલ્પ જ નથી. આમ દવા ખરાબ નથી, પરંતુ તેના સેવનમાં નિયત બાબતોની કાળજી ન લેવાતા તે નુકસાનકારક સાબિત થાયછે. એલોપેથિક દવામાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે ડોક્ટરની સલાહ મુજબ જ સારવાર ચાલુ રાખવી જોઇએ નહીં તો તે બેધારી તલવારનું કામ કરી શકે છે. દવાઓની આડઅસરો એટલે શું? જે તે રોગની સારવાર માટે અપાતી દવા સંબંધિત બીમારી તો મટાડે છે, પણ સાથોસાથ તે બીજી વધારાની નુકસાનકારક અસરો દર્શાવે છે. આ આડઅસરો મુખ્યત્વે બે પ્રકારની જોવા મળે છે.
(૧) દવાઓના ઔષધીય ગુણોની બીજાં અંગો પર જોવા મળતી આડઅસર
મુખ્ય રોગિષ્ઠના અંગ પર અસર કરતી દવા જુદાં જુદાં અંગોમાં જુદી જુદી આડઅસરો ઉત્પન્ન કરે છે. જેમ કે, દમની દવાથી બાળકના હૃદયના ધબકારા વધી જાય કે ઉત્તેજિત થઈ જાય છે. કેટલીક દવાઓ લાંબો સમય લેવાથી નુકસાન કરે છે. જેમ કે, વાઈની દવાથી પેઢા ફૂલી જાય છે. તો વળી કેટલીક દવાઓ ભૂલમાં કે જાણીજોઈને વધારે ડોઝમાં લેવામાં આવે તો ‘પોઈઝનિંગ’ થઈ શકે છે.
દવાઓનું પાચન અને શોષણ આંતરડામાં થતું હોય ત્યારે કેટલીક વખત તે ઉત્તેજિત થવાથી ઝાડા થાય છે. જેમ કે, ‘એમ્પીસીલીન’થી થતા ઝાડા, વળી કેટલીક દવાઓ લીવરનો સોજો હોય તો નુકસાન કરે છે, જેમ કે ‘એરીથ્રોસીન’. તો વળી, કેટલીક દવાઓ કિડની ફેઈલ હોય ત્યારે અપાતી નથી જેવી કે જેન્ટામાયસીન.
કેટલીક દવાઓથી માનસિક ઉત્તેજના થાય છે, તો વળી, કેટલીકથી હતાશા જોવા મળે છે. આ ઉપરાંત કેટલીક દવાઓ લોહીના રેડ બ્લડ સેલને નુકસાન કરે છે, તો કેટલીક અસ્થિમજ્જાને નુકસાન કરે છે. કોઈક વખત દમનો હુમલો પણ આવી શકે છે. ચામડી પર આડઅસરોથી લાલ ચાઠાં, ખંજવાળ અને ચકામાં થઈ શકે છે. લાંબો સમય દવાઓ ચાલુ રાખવાથી તાવ આવી શકે છે જેને ‘ડ્રગ ફીવર’ કહેવામાં આવે છે. આમ, આવી અનેક આડઅસરોને ધ્યાનમાં રાખીને જ ડોક્ટરે દર્દીને દવા આપવી જોઈએ.
(૨) દવાઓને લીધે થતું એર્લિજક રિએક્શન
દવાથી થતી આડઅસરોના તમામ કેસોમાંથી ફક્ત ૬થી ૧૫ ટકા કેસોમાં જ એલર્જીની અસરો જોવા મળે છે. જે જુદાં જુદાં સ્વરૂપે જોવા મળે છે. ચામડી પર મુખ્યત્વે લાલ ચાઠાં, ચકામા, ખંજવાળ અને શીળસરૂપે એલર્જી દેખાય છે. કેટલીક વખત મોટા દાણા ઉપસીને અંદર પાણી ભરાય છે. સલ્ફર જેવી દવાઓથી ચામડી ઉપર કે અંદરના ભાગે સોજો આવે તેવું બની શકે છે.
દવાઓની એલર્જીનું સૌથી ખતરનાક સ્વરૂપ છે ‘એનાફાયલેક્સીસ’ જે જીવલેણ નીવડી શકે છે. પેનિસીલીન જેવાં ઈંજેક્શન આપ્યા પછી તરત જ દર્દીને ચચરાટ, ધ્રુજારી, પરસેવો છૂટવો, ચક્કર અને ઊલટીઓ ચાલુ થાય છે. થોડા સમયમાં તો દર્દી શોકમાં જઈને બેભાન થઈ જાય છે અને જો યોગ્ય સારવાર ન મળે તો જીવ ગુમાવે છે. આમ, ભાગ્યે જ જોવા મળતું આ એક ખતરનાક રિએક્શન છે.

સારવાર કઇ રીતે શક્ય છે?

કોઇ પણ દવાની આડઅસર જણાય કે તરત જ તે બંધ કરવી. તેના ગ્રૂપની બીજી દવાથી પણ આ આડઅસર થઈ શકે છે, તેથી ગ્રૂપ જ બદલી નાખવું અને દર્દીની ફાઈલ પર તેની નોંધ કરવી.
દવાઓ બંધ કરતાં જ શીળસ, લાલ ચાઠાં વગેરે આપોઆપ મટી જાય છે, પરંતુ ડોક્ટરની સલાહ મુજબ યોગ્ય સારવાર જરૂરી છે. દવાની આડઅસર દેખાય કે તરત જ નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.

દવાઓની આડઅસરો કઇ રીતે અટકાવી શકાય?

• દર્દીને કોઈ પણ દવા આપતા પહેલાં તેના ઘરમાં કોઈને એલર્જી છે કે નહીં અને દર્દીને ભૂતકાળમાં કોઈ એલર્જી થઈ છે કે નહીં તેની માહિતી ચોક્કસ મેળવવી.઼

• કોઈ પણ દવાની આડઅસરોની દર્દીને અને સગાંને જાણ કરવી. દર્દીને લિવર કે કિડનીની કોઈ બીમારી હોય તો ડોક્ટરનું ખાસ ધ્યાન દોરવું.

• પેનિસીલીન કે આયર્ન જેવાં ઇંજેક્શનો આપતી વખતે પહેલાં ચામડી પર ટેસ્ટ ડોઝ કરવો. ૨૦ મિનિટ પછી જો કોઈ એલર્જી ન જણાય તો જ પૂરો ડોઝ આપવો.

• બાળકોના હાથમાં આવે તેવી રીતે કોઈ પણ દવાઓ રાખવી નહીં. કોઈ વખત ભૂલમાં બાળકને પોઈઝનિંગ થઈ શકે છે.

• જાતે દવા લેનારને કે કેમિસ્ટની સલાહથી દવા લેનારને સ્પષ્ટ ના પાડવી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter