હેલ્થ ટિપ્સઃ નાના-મોટા સહુને સતાવતી દાંતની સમસ્યાનું નિવારણ

Saturday 29th May 2021 07:02 EDT
 
 

જરૂરી નથી કે દાંતની સમસ્યા અમુક ઉંમર બાદ જ થાય, નાની ઉંમરે પણ દાંતની અને પેઢાની સમસ્યા થવા લાગતી હોય છે. જો તમે દાંતની યોગ્ય સફાઇ નહીં કરો તો તેની સમસ્યાનો સામનો કરવો જ પડશે. મોઢાની યોગ્ય સફાઇને અભાવે દાંત ખરાબ થઇ જવા, પેઢામાંથી લોહી નીકળવું, દાંતનો દુખાવો થવો, દાંતમાં સડો થવો તેમજ મોઢામાંથી વાસ આવવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. તમારા પેઢામાંથી લોહી નીકળતું હોય તો તમારે દિવસમાં બે વાર બ્રશ કરવું જોઈએ કારણ કે તે જિંજિવાઇટિસનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. જોકે શરીરમાં વિટામિન સીની ઊણપ થવાથી પણ ઘણી વખત પેઢામાંથી લોહી નીકળતું હોય છે.
• જ્યારે કોઈ વ્યક્તિને દાંત અથવા પેઢામાંથી લોહી આવે છે ત્યારે એવું કહી શકાય કે તે વ્યક્તિ સરખી રીતે બ્રશ નહીં કરતી હોય. બ્રશ નહીં કરવાની સાથે શરીરમાં વિટામિન સીની ઊણપ હોય તો પણ આવું થતું હોય છે.
• ૧૮થી ૬૫ વર્ષની વયના લોકોએ દરરોજ ૪૦ મિલિગ્રામ વિટામિન સીનું સેવન કરવું જરૂરી છે. વિટામિન સી શરીરમાં સંગ્રહિત કરી શકાતું નથી. તેથી તમારે દરરોજ તેની જરૂર પડે છે. આમ વિટામિન સીયુક્ત ખોરાક રોજ ખાવો.
• નારંગી, મોસંબી, લીંબુ, આમળા, કીવી જેવાં ખાટાં ફ્ળ તેમજ પપૈયાં, બ્લેક કરન્ટ, કેપ્સિકમ, સ્ટ્રોબેરી, બ્લેકબેરી, બ્લૂબેરી, રાસબરી, બ્રોક્લી અને કેળું ખાવાથી દાંતની સમસ્યામાં ફાયદો થાય છે.
• સવારે કાળા તલ ખૂબ ચાવીને ખાઈને ઉપર થોડું પાણી પીવાથી દાંત મજબૂત બને છે.
પેઢામાંથી લોહી નીકળતું હોય તો અજમાવો આ ઉપાય
• કડવા લીમડાનાં પાનમાં એન્ટિ ઓક્સિડેન્ટ, એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે. તેનાં પાનનો રસ કાઢીને પેઢા પર લગાવી ૫ મિનિટ બાદ નવશેકા પાણીથી કોગળા કરી લો. દિવસમાં બે વાર આ ઉપાય કરવાથી પાયોરિયા જડમૂળથી દૂર થઈ જાય છે.
• નારિયેળ, તલ અથવા લવિંગના તેલથી પેઢા પર હળવા હાથે મસાજ કરવાથી પણ ફાયદો મળે છે. આનાથી મોઢામાં રહેલા બેક્ટેરિયા પણ સાફ થઈ જાય છે. આના માટે કોઈ પણ તેલ વડે ૧૦-૧૫ મિનિટ પેઢા પર મસાજ કરો. પછી નવશેકા પાણીથી કોગળા કરી લો.
• મીઠામાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ સેપ્ટિક ગુણ હોય છે. આથી તે પાયોરિયાની સમસ્યામાં તરત આરામ આપે છે. આ માટે ૧ ગ્લાસ ગરમ પાણીમાં ૧ નાની ચમચી મીઠું મિક્સ કરીને દિવસમાં બે વાર આ પાણીથી કોગળા કરો. આનાથી પેઢામાં દુખાવો, સોજો અને લોહી નીકળવાની સમસ્યા દૂર થઈ જશે.
• હળદરમાં એન્ટિ બેક્ટેરિયલ, એન્ટિ વાઇરલ, એન્ટિ ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. એવામાં આ પાયોરિયાની સમસ્યાને ઠીક કરે છે. તેના માટે હળદરમાં થોડાં ટીપાં પાણીનાં મિક્સ કરીને પેઢા પર મસાજ કરો. પછી પાણીથી કોગળા કરી લો. આનાથી પેઢામાં દુખાવો, સોજો અને લોહી નીકળવાની સમસ્યા દૂર થઈ જશે.
• હિંગને પાણીમાં ઉકાળીને તેના કોગળા કરવાથી દાંતનો દુખાવો મટે છે.
• તલના તેલનો કોગળો મોઢામાં દસ-પંદર મિનિટ ભરી રાખો અને પછી તેને થૂંકી નાંખો. બાદમાં સાદા પાણીથી કોગળા કરી લો. આનાથી પાયોરિયા તો મટશે જ, દાંત પણ મજબૂત બનશે.
• ફુલાવેલી ફ્ટકડીનો પાઉડર દાંતના પેઢા પર દબાવવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
• તેલ, લીંબુનો રસ અને મીઠું મેળવી દાંતે ઘસવાથી દાંતનો દુખાવો, દાંતની પીળાશ અને દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter