સૂકામેવાની યાદીમાં મોખરાનું સ્થાન ધરાવતી બદામ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ જો તેને પલાળ્યા વિના ખાવામાં આવે તો નુકસાન થઈ શકે છે. બદામમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, જે તત્વો શરીરને લાભ કરે છે પરંતુ આ લાભ શરીરને ત્યારે મળે છે જ્યારે બદામને પલાળીને ખાવામાં આવે. બદામને રાત્રે પાણીમાં પલાળી સવારે ખાવાથી ઘણા પોષક તત્વોને પચાવવા સરળ થઈ જાય છે. બદામને પાણીમાં પલાળવાથી તેનો સ્વાદ મીઠો થઈ જાય છે અને તે સોફ્ટ પણ થઈ જાય છે. કેટલાક લોકો બદામને પલાળ્યા વિના પણ ખાય છે.
• પાચનની સમસ્યા: બદામમાં ફાઇબર હોય છે જે પાચન માટે સારું છે પરંતુ બદામને પલાળ્યા વિના ખાવાથી પાચનતંત્ર સંબંધિત સમસ્યા થઇ શકે છે. કાચી બદામ ખાવાથી પેટ ફુલવું, ગેસ અને કબજિયાત થઈ શકે છે.
• પોષક તત્ત્વોનું ઓછું અવશોષણ: બદામમાં ફાઈટીક એસિડ જેવા પોષક તત્વો હોય છે, જેને શરીર સરળતાથી અવશોષિત કરી શકતું નથી. જો બદામને પલાળવામાં આવે તો ફાઈટીક એસિડ તૂટી જાય છે અને તેના પોષક તત્વોને શરીર સારી રીતે અવશોષિત કરી શકે છે.
• દાંતને નુકસાન: બદામ કઠોર હોય છે અને તે ચાવવામાં મુશ્કેલી કરી શકે છે. જો તમે બદામને પલાળ્યા વિના ખાવ છો તો તેનાથી દાંતને નુકસાન થઈ શકે છે. પલાળવાથી બદામ નરમ થઈ જાય છે અને તેને ચાવવી સરળ થાય છે જેના કારણે દાંત પર દબાણ ઓછું પડે છે.
• એલર્જીનું જોખમ: કેટલાક લોકોને બદામ કાચી ખાવાથી એલર્જી પણ થઈ જતી હોય છે. જો બદામને આખી રાત પાણીમાં પલાળી રાખવામાં આવે તો તેમાં એલર્જી ઉત્પન્ન કરતા તત્વો ઓછા થઈ જાય છે જેના કારણે એલર્જી થવાનું જોખમ પણ ઘટી જાય છે.