હેલ્થ ટિપ્સઃ બ્રેસ્ટ કેન્સરને દૂર રાખશે આ ખોરાક

Saturday 16th November 2019 05:09 EST
 
 

સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધતું જાય છે, પરંતુ કેટલીક સાવચેતી અને યોગ્ય પ્રકારના ખાનપાનથી તેના જોખમને ઘટાડી શકાય છે.
સિઝનલ બેરીઝઃ સ્વાદમાં અત્યંત મધુર એવાં સ્ટ્રોબેરી, રાસબેરી જેવાં સિઝનલ બોરમાં એલેજિક એસિડ હોય છે. જે બ્રેસ્ટ કેન્સર થતું અટકાવવામાં મદદરૂપ બને છે. તે અન્ય પ્રકારના કેન્સરને અટકાવવામાં પણ મદદરૂપ બને છે.
દાડમઃ આયર્ન અને એન્ટિ-ઓક્સિડન્ટ્સથી ભરપુર દાડમ હૃદયરોગ અને બ્રેસ્ટ કેન્સરને થતું અટકાવે છે. દાડમના દાણા ચાવીને ખાવા સહુથી વધુ હિતાવહ છે, પણ જો દાણા ન ચાવવા હોય તો તેનો એક ગ્લાસ જ્યુસ પીવો પૂરતો છે.
પીળા અને કેસરી ફળ-શાકભાજીઃ ગાજર, તરબૂચ, નારંગી, કોળું, યલો કેપ્સીકમ જેવાં પીળાં-કેસરી રંગના ફળો અને શાકભાજીમાં બીટા કેરોટિન નામનું તત્ત્વ રહેલું છે. બીટા કેરોટિન એક ખૂબ શક્તિશાળી એન્ટિ-ઓક્સિડન્ટ છે જે બ્રેસ્ટ કેન્સરને જન્માવતાં તત્ત્વો સામે લડત આપે છે. રોજિંદા આહારમાં પીળા રંગનું એક ફ્રૂટ કે શાક નિયમિત લેવામાં આવે તો બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ ઘટે છે.
દાળ અને કઠોળઃ જ્યારે સ્ત્રીઓ મેનોપોઝની ઉંમરે પહોંચે છે ત્યારે તેમના શરીરમાં ખરાબ એસ્ટ્રોજનનું પ્રમાણ વધે છે, જેનાથી બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ વધે છે. તુવેર, ચણા, અડદ, મસૂર જેવી વિવિધ દાળોમાં એવું ફાઈબર છે જે શરીરમાંથી આ ખરાબ એસ્ટ્રોજનને દૂર કરે છે. આથી ખોરાકમાં જુદી જુદી દાળ, છડ્યા વગરના ચોખા, જવ, સોયાબીન, વાલ વગેરેનો રોજિંદા આહારમાં સમાવેશ કરવાથી બ્રેસ્ટ કેન્સરના જોખમ સામે રક્ષણ મળે છે. ફાઇબરવાળો ખોરાક લેવાથી આંતરડાની કાર્યક્ષમતા વધે છે અને પાચનક્રિયા સુધરે છે, કબજિયાતની તકલીફ દૂર થાય છે. હાઇ ફાઇબર (રેસાયુક્ત) ખોરાક લેવાથી શરીરમાંથી કચરો અને ઝેરી તત્ત્વો ઝડપથી દૂર થાય છે.
અખરોટઃ આ એક એવું સુપર ફૂડ છે, જેમાં પોષક તત્ત્વોનો ભંડાર છે. અખરોટમાં ઓમેગા-૩ ફેટી એસિડ છે, જે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ (એચડીએલ) ઓછું કરી સારા કોલેસ્ટ્રોલ (એચડીએલ)નું પ્રમાણ વધારે છે અને એ રીતે હૃદયરોગ સામે રક્ષણ આપે છે. તેમાં એન્ટિ-ઇન્ફલેમેટરી ઘટકો છે જે શરીરમાં થતી ટ્યુમર સામે લડી તેને ખતમ કરે છે. આમ તે કેન્સર સામે લડત આપે છે. તમે અખરોટને તમારા બ્રેકફાસ્ટમાં સામેલ કરી શકો અથવા સાંજે નાસ્તામાં પણ લઈ શકો
કસરતઃ હેલ્ધી ડાયેટ ઉપરાંત રોજ કેટલીક સાદી હળવી કસરતો પણ કેન્સરનો ખતરો ઘટાડે છે. દરરોજ ૨૦ મિનિટ ચાલવાની કસરત, સ્વિમિંગ, જોગિંગ, સ્ટ્રેચિંગ કે અન્ય એરોબિક્સ કસરત શરીરમાં રક્ત પરિભ્રમણ વધારે છે. ઓક્સિજનનું પ્રમાણ વધારે છે, વજનને નિયંત્રણમાં રાખે છે. આથી નિયમિત વ્યાયમ કરવાનું ન ભૂલશો. આ સાથે ધૂમ્રપાન અને આલ્કોહોલના સેવનથી દૂર રહેશો.
યાદ રહે, બ્રેસ્ટ કેન્સરની શરૂઆત સ્તનમાં નાની ગાંઠના સ્વરૂપે થાય છે. તેથી નિયમિતપણે તમારા સ્તનની જાતતપાસ કરતા રહો. તેમાં ક્યાંય પણ ગાંઠ જેવું જણાય કે નિપલમાંથી કોઈ અનિચ્છનીય સ્ત્રાવ થતો જણાય તો તરત તમારા ડોક્ટરનો સંપર્ક કરો. પ્રારંભના તબક્કે જ જો બ્રેસ્ટ કેન્સરની જાણ થઈ જાય તો તેમાંથી સંપૂર્ણપણે સાજા થઈ શકાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter