‘અંગદાન’ માટે નવો કાયદોઃ ઈનકાર નહિ કરો તો સંમતિ માની લેવાશે

Wednesday 06th March 2019 01:36 EST
 
નવ વર્ષની મૃતક કેઈરા બોલ (જમણે)નાં હાર્ટનું દાન ૧૧ વર્ષના મેક્સ જ્હોન્સનને કરાયું હતું. આ બંન્નેના નામ પરથી કાયદાનું નામ ‘Max and Keira's Law’ રખાયું છે. કાઈરાનાં અંગોથી ચાર વ્યક્તિને જીવનદાન મળ્યું હતું.
 

લંડનઃ ઈંગ્લેન્ડમાં ‘અંગદાન’ માટે નવી વ્યવસ્થા અમલમાં આવી રહી છે, જે અનુસાર જે વ્યક્તિ પોતાને સ્પષ્ટપણે અંગદાનમાંથી બાકાત નહિ રાખે તે સિવાય તમામ લોકોએ અંગદાનની સંમતિ આપી હોવાનું માની લેવાશે. ‘મેક્સ એન્ડ કેઈરા’સ લો’ કરીકે ઓળખાનારા કાયદાને હવે હાઉસ ઓફ લોર્ડ્સની સંમતિ પણ પ્રાપ્ત થઈ છે. યુકેમાં ઓપ્ટ-આઉટ ઓર્ગન ડોનેશન સિસ્ટમને ૨૦૧૫માં અપનાવીને વેલ્સ પ્રથમ દેશ બન્યો હતો. આંકડા અનુસાર યુકેમાં આશરે ૬,૦૦૦ લોકો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે વેઈટિંગ લિસ્ટમાં છે. અવયવની તંગીના કારણે ટ્રાન્સપ્લાન્ટની રાહ જોવામાં દરરોજ ત્રણ વ્યક્તિ મોતને ભેટે છે.

વડા પ્રધાન થેરેસા મેએ ગત ઉનાળામાં જાહેર કરેલી યોજના અનુસાર વ્યક્તિ અસંમત હોવાનું જાહેર કરે તે સિવાય ઓર્ગન ડોનેશન માટે બધા સંમત હોવાનું માની લેવાશે. ગયા વર્ષે લોર્ડ ફિલિપ હન્ટ તેમજ સાંસદો જ્યોફ્રી રોબિન્સન અને ડાન જાર્વિસ દ્વારા રજૂ કરાયેલું આ બિલ હાઉસ ઓફ કોમન્સમાં પસાર થયું હતું અને હવે હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા તેને સંમતિ મળી જતાં મોટો અવરોધ દૂર થયો છે. હવે ક્વીનની સત્તાવાર સંમતિ મળવા સાથે તેનું કાયદામાં રૂપાંતર થશે. નવી સિસ્ટમ એપ્રિલ ૨૦૨૦થી અમલી બની જશે તેવી ધારણા છે.

નવ વર્ષની કેઈરા બોલ નામની છોકરીએ દાન કરેલા હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ મેળવનાર ૧૧ વર્ષના બાળક મેક્સ જ્હોન્સનના નામ પરથી કાયદાનું નામ ‘Max and Keira's Law’ રખાયું છે. કેઈરાનું મોત ૨૦૧૭માં માર્ગ અકસ્માતમાં થયું હતું. ચેશાયરના વિન્સફોર્ડનો રહેવાસી મેક્સ હૃદયના સ્નાયુના રોગ કાર્ડિયોમયોપથીથી પીડાતો હતો. મેક્સ માટે ૨૦૧૮માં જીવનરક્ષક શસ્ત્રક્રિયા કરાઈ તે અગાઉ તેને સાત મહિના પમ્પ સાથે જોડાયેલો રખાયો હતો. કેઈરાનાં અવયવોએ ચાર વ્યક્તિને જીવનદાન આપ્યું છે. તેનું હૃદય મેક્સને અપાયું હતું જ્યારે ૩૦ વર્ષના પુરુષને તેની કિડની, નવ વર્ષથી રાહ જોતી ૫૦ વર્ષીય મહિલાને બીજી કિડની તેમજ એક નાના બાળકને પેન્ક્રિયાસ અને લિવરનું દાન કરાયું હતું.

હાલમાં, ઈંગ્લેન્ડની પુખ્ત વ્યક્તિએ મૃત્યુ પછી અંગદાન કરવું હોય તો નેશનલ રજિસ્ટરમાં તેની નોંધ કરાવવાની રહે છે. નવી ઓપ્ટ આઉટ સિસ્ટમમાં ઓર્ગન ડોનેશન કરાવવું ન હોય તો પરિવારજનોને આખરી તક અપાશે. આ નિયમ જે લોકો માનસિક રીતે સંમતિ આપવા સક્ષમ હોય તેવા લોકોને જ લાગુ પડાશે. વેલ્સમાં ચાર વર્ષ અગાઉ આ વ્યવસ્થાનો કાયદો અમલી થયાં પછી વધુ પ્રમાણમાં લોકો અને પરિવારો અંગદાન માટે સંમત થયા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter