‘જીનિયસ’ બંગાળી બ્યૂટી ભાષા મુખરજીનાં શિરે ‘મિસ ઈંગ્લેન્ડ’નો સૌંદર્યતાજ

સૌપ્રથમ બ્રિટિશ ભારતીય મિસ ઈંગ્લેન્ડ ભાષાનો ૧૪૬ પોઈન્ટ આઈક્યૂ ઃ હવે તે મિસ વર્લ્ડ સ્પર્ધામાં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરશે

Wednesday 07th August 2019 03:07 EDT
 
 

લંડનઃ મૂળ ભારતીય અને ડર્બીમાં રહેતી ૨૩ વર્ષીય ભાષા મુખરજીએ ૧લી ઓગસ્ટને ગુરુવારે સૌંદર્ય સ્પર્ધાની ફાઈનલમાં ‘મિસ ઈંગ્લેન્ડ’નો ખિતાબ જીત્યો હતો. પ્રથમ બ્રિટિશ ભારતીય મિસ ઈંગ્લેન્ડ ભાષા ૧૪૬ પોઈન્ટ આઈક્યૂ સાથે સત્તાવાર ‘જીનિયસ’ છે. ભાષાએ યુનિવર્સિટી ઓફ નોટિંગહામમાંથી મેડિકલ સાયન્સની તેમજ મેડિસીન એન્ડ સર્જરીની એમ બે અલગ બેચલર ડિગ્રી મેળવી છે. ફાઈનલના બીજા દિવસે એટલે કે શુક્રવારે જ તેણે લિંકનશાયરના બોલ્ટનની એક હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર તરીકેની નોકરી શરૂ કરી દીધી હતી. મિસ ઈંગ્લેન્ડ સ્પર્ધાની વિજેતા બનતાં હવે તે મિસ વર્લ્ડ સ્પર્ધામાં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરશે. વધુમાં, તેને મોરેશિયસની હોલિડે ટ્રીપ પણ મળશે.

સ્પર્ધાની ફાઈનલ અગાઉ ભાષાએ જણાવ્યું હતું,‘ કેટલાંક લોકો માને છે કે સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેનારી યુવતીઓ માત્ર સુંદર જ હોય છે, પરંતુ અમે એક ઉમદા હેતુ માટે કાર્યરત છીએ.’ અમે માત્ર સુંદર છીએ ત્યાં જ વાત પૂરી થતી નથી, પરંતુ, અમે અમારી પહોંચ અને પ્રભાવનો ઉપયોગ કોઈક સારા કાર્ય માટે થાય તેવો પ્રયત્ન કરીએ છીએ. હું મેડિકલ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ત્યારે મારી સૌંદર્ય કારકિર્દીની શરૂઆત થઈ હતી.

ભાષાનો જન્મ ભારતમાં થયો હતો. તે ૨૦૦૪માં નવ વર્ષની હતી ત્યારે માતા મધુમિતા, પિતા દુર્ગા દાસ અને ભાઈ આર્ય સાથે તેનો પરિવાર કોલકાતાથી યુકેના સ્વિન્ડોનમાં આવીને વસ્યો હતો. ભાષાએ કહ્યું હતું કે, ‘સ્કૂલમાં હું ટીચરોની ખૂબ લાડકી હતી. મારા ક્લાસમાં સૌથી બુદ્ધિશાળી હોવાં બદલ હું આઈન્સ્ટાઈન એવોર્ડ જીતી હતી. GCSE રીઝલ્ટ્સમાં પણ હું સ્કૂલમાં ટોપર હતી. આ દેશમાં હું નવી હતી અને મારે ઘણી સ્કૂલો બદલવાની થઈ હતી તેથી એક બાળક તરીકે હું એકાકી હતી. બધા હંમેશા મને ‘ન્યૂ કીડ’ કહેતા. જોકે, હું અભ્યાસ અને સ્પર્ધાઓમાં વિશેષ ધ્યાન આપતી અને મને હંમેશા કંઈક નવું શીખવાની ધગશ રહેતી હતી.’ ભાષા ઈંગ્લિશ, બંગાળી, હિન્દી, જર્મન અને ફ્રેન્ચ લેંગ્વેજ પણ જાણે છે.

ડોક્ટર અને બ્યૂટી ક્વિન થઈને જ ભાષા અટકી નથી. તેણે ૨૦૧૭માં પોતાની ચેરિટીની સ્થાપના કરી હતી. તેનો ‘ધ જનરેશન બ્રીજ’ પ્રોજેક્ટ વૃદ્ધોની એકલતાને દૂર કરવા માટે કાર્યરત છે. ભાષાએ જણાવ્યું હતું કે,‘અત્યારે હું ખૂબ ઉત્સાહિત છું અને મિસ ઈંગ્લેન્ડની ફાઈનલ બાદ મારે સવારે ૪ વાગ્યાની ટ્રેન પકડીને મારે જોબના પહેલા દિવસ માટે હોસ્પિટલમાં પ્રવેશ માટે પહોંચવાનું છે. સ્પર્ધામાં ભાગ લઈને મને ખૂબ આનંદ થયો. અમારું એક સારું ગ્રૂપ બન્યું છે. બધા એકબીજાને મદદરૂપ થાય તેવા મિત્રો છે.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter