સુભાષકથાઃ અંતિમ અધ્યાય (ભાગ-૧)

મૃત્યુનું મહામંથન?

વિષ્ણુ પંડ્યા Wednesday 16th March 2016 06:34 EDT
 
 

આ નવલકથા...
ઇતિહાસ અને વ્યક્તિ એકબીજા વિના જીવી શકે નહીં તે વાત જમાનાથી સિદ્ધ થયેલી છે. અહીં પ્રયાસ છે આપણા પોતાના રાષ્ટ્રનાયક તરીકે સુસ્થાપિત નેતાજી સુભાષચંદ્ર બોઝના અંતિમ દિવસોની નવલકથાનો. ગુજરાતીમાં કેટલાક પ્રયોગો થયા તેમાં આ એક ઉમેરો છે. સુભાષબાબુ તેના નાયક છે. સાવ નજીકના ઇતિહાસનું પાત્ર હોવા છતાં એક એવી જિંદગી જીવી ગયા જેમાં મનુષ્યનાં તમામ રંગો વિખરાયેલા છે. પુણ્ય પ્રકોપ, પ્રચંડ સંઘર્ષ, પરમ પ્રેમ અને પ્રેરક દેશપ્રીતિ... એટલે સુભાષબાબુ. પણ રહસ્ય તેમની જિંદગીનો એક અદ્ભુત અને ઉકેલી ના શકાય તેવો હિસ્સો છે!
ઐતિહાસિક વ્યક્તિને નવલકથામાં આલેખવી એ ઘણી રીતે પડકારરૂપ છે. ઘટના, સંવાદ, વર્ણન અને તથ્ય એકબીજામાં ભળી જાય તો ઇતિહાસને ય ન્યાય આપી શકાય. આ પહેલાં ‘ઉત્તિષ્ઠિત, ગુજરાત!’ નવલકથામાં મેં ૧૮૯૨માં ગુજરાતમાં વિવેકાનંદની યાત્રાને આલેખી ત્યારે જે મથામણ થઈ તેનાથી અધિક અનુભવ આ નવલકથામાં થયો છે.
પત્રકારત્વ, ઇતિહાસ, સંશોધન અને લેખન, અધ્યાપન, રાજકીય અને સાર્વજનિક વિશ્લેષણ... આ બધાની વચ્ચે થયેલો ‘ઇતિહાસ-કેન્દ્રી નવલકથા’નો પ્રયોગ સહુને ગમશે તેવી આશા છે...

હા. દુનિયાના તખતા પર આવી ઘટના ભાગ્યે જ બને છે, બની છે. નેતાજી સુભાષચંદ્ર બોઝનું સાવ અચાનક ૧૯૪૫ના ઓગસ્ટના છેલ્લા અઠવાડિયે અવસાન જાહેર થયું હતું, વિમાની દુર્ઘટના પછી છેક આઠ દિવસે! ખરેખર એ ઘટના સાચી હતી? તેને માટે ભારત સરકારે ત્રણ તપાસ પંચ નિયુક્ત કર્યા, અમેરિકા અને બ્રિટિશ જાસૂસી તંત્રની સમિતિઓ રચાઈ તે પછી પણ નિશ્ચિત ના થયું કે આપણા આ વીર દેશનાયકે કયાં અને ક્યારે અંતિમ શ્વાસ લીધા હશે? અને કેવા સંજોગોમાં? બીજાં વિશ્વ યુદ્ધના ભીષણ દિવસોમાં? સરમુખત્યાર જોસેફ સ્ટાલિનની ‘ગુલાગ’ જેલમાં? સામ્યવાદી શ્રમ છાવણીમાં? ચીની ક્રાંતિના ઓછાયે? કયાં? કે પછી સ્વાધીન ભારતમાં એક અજાણ સન્યાસી તરીકે? જવાહરલાલ નેહરુની સ્મશાનયાત્રામાં ઉપસ્થિત રહ્યા પછી? ડો. રાધાકૃષ્ણનને રશિયામાં મળ્યા બાદ? તાશ્કંદ કરારની સાથે વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી રશિયાથી તેને ભારત લઈ આવવા માંગતા હતા ત્યારે? કે પછી શોલમારી આશ્રમ અને ફૈઝાબાદના ખંડેરમાં ભગવાનજી તરીકે ગુમનામ સાધુની જિંદગી વિતાવી તે સાચું.

આવી કથા - દંતકથાઓ હજુ ઉમેરાતી જ રહી છે. ૧૮૫૭માં વીર વિપ્લવી નાના સાહેબના અજ્ઞાતવાસ જેવી જ તેમની અંતિમ સફર રહી. ભારત સરકારના છેલ્લા તપાસ પંચના અધ્યક્ષ મનોજ કુમાર બેનરજીએ ઊંડા સંશોધન પછી જે નિષ્કર્ષ તારવ્યો તે તેમના જ શબ્દોમાં -
‘તમામ પ્રમાણો અને તથ્યોની તપાસ પછી તપાસ પંચ એવા અભિપ્રાય પર પહોંચ્યું છે કે ૧૭ ઓગસ્ટ, ૧૯૪૫ના સાઈગોનથી કરી રહેલા સુભાષચંદ્ર બોઝે મિત્રદેશો (અમેરિકા, બ્રિટન, ફ્રાંસ)ની આંખમાં ધૂળ નાખીને છટકી જવામાં સફળતા મેળવી હતી. આમ કરવા માટે નેતાજીનું વિમાની અકસ્માતમાં મોત, મૃતદેહના અંતિમ સંસ્કાર વગેરેનો ભ્રમ ઊભો કરવા માટે જાપાન સરકાર અને નેતાજીના સાથી હબીબુર રહમાન સક્રિય રહ્યા અને સફળ થયા. તેમ કરવામાં બે તબીબો પણ સામેલ હતા. તેમના કહેવાથી એસ. એ. અય્યરે અહેવાલ તૈયાર કર્યો તેમાં આઝાદ હિન્દ ફોજની સંમતિ મેળવવામાં આવી...’
તો, આ અંધારપટ અને ઊભી કરાયેલી વિમાની અકસ્માત દુર્ઘટના પછી સુભાષ ક્યાં ગયા? શું તેમણે ખરેખર રશિયામાં જવાનું પસંદ કર્યું? સ્ટાલિને તેમની સાથે સંમત થવાને બદલે શ્રમછાવણીમાં પૂરી રાખ્યા અને ભારતના તત્કાલીન વડા પ્રધાન તેમજ રશિયામાં તે વખતના ભારતીય રાજદૂત સિવાય કોઈને ખબર નહોતી? શું રશિયાથી છટકીને તે ચીન પહોંચ્યા હતા? ત્યાંની જનક્રાંતિમાં માર્ગદર્શન પૂરું પાડ્યું? કે ભારત આવીને સન્યાસી તરીકે જીવ્યા?
ઓગસ્ટની ૧૫મીએ ભારત આઝાદ થયું અને સુભાષે ઇરાવતી નદીના કિનારે તેમ જ આરાકાનના જંગલોમાં જે રક્તરંજિત સંઘર્ષ કર્યો તેમાં આપેલો નારો ‘ચલો દિલ્હી’ સફળ થયો ત્યારે તે ક્યાં હતા? શોનાન (સિંગાપુર)થી રંગુન થઈને છેક ઇમ્ફાલ સુધી તેમની ફોજે બલિદાની અધ્યાય રચ્યો તેના પરિણામે પ્રાપ્ત સ્વાધીનતાના સુપ્રભાતે આ દેશનાયક ક્યાં હશે?
સવાલોનો હિમાલય એવો ને એવો છે. કોઈ સંશોધનનો આરોહી તેને પહોંચી શક્યો નથી તેનું કારણ? કારણ એ કે આ બંગ-જન પોતે જ એક વિરલ માટીનો ઘડાયેલો હતો. એકલો દેશભક્ત, રાજનીતિજ્ઞ, મહાસભાનો અધ્યક્ષ, યુવા હૃદયનો દિગ્ગજ, સાહસિક પ્રવાસી, ઉત્તમ વક્તા, હિટલર અને મુસોલિનીને પણ વિચાર કરતા કરી મુકનાર, એક મોટી સેનાનો નાયક, બ્રિટિશ સત્તાને માટે સહુથી ‘ભયાનક રાજદ્રોહી’, બ્રિટિશ ચોપડે યુદ્ધ અપરાધી, ૧૭ વખત બ્રિટિશ જેલવાસી, અધ્યાત્મનો ઊંડો અહેસાસ કરનાર અને પ્રચંડ આશાવાદી... આ બધાથી ઉપરની એક અજબ પ્રકૃતિ અને નિયતિનું તે પ્રતિક હતા. સુભાષને કોઈ એકાદ સામાન્ય ચોકઠામાં બેસાડી શકાય તેવું વ્યક્તિત્વ જ નહોતું. નહિતર આઝાદ હિન્દ ફોજનો રણનાદ નેતાજીને માટે જાપાની જનરલ વડા પ્રધાન એમ કહે કે મને તેમના ચહેરા પર ભગવાન બુદ્ધની છાયા દેખાય છે?
એટલે તો તેમનું મૃત્યુ પણ ભારતીય ઇતિહાસનું એક મહાકાવ્ય છે, કહો કે ‘સુભાષ-ચરિત માનસ’ છે. જેને વ્યક્ત કરનારો મહાકવિ તુલસીદાસ હજુ મળવો બાકી છે. તેમના પર અત્યાર સુધીમાં ૨૫૦થી વધુ ગ્રંથો લખાયા છે. બંગાળીથી માંડીને જર્મની ભાષા સુધીમાં. ગુજરાતમાં તેજસ્વી પત્રકાર અમૃતલાલ શેઠનું સ્મરણ થાય, ગુણવંતરાય આચાર્યે લખેલી જીવની યાદ આવે, જયમલ પરમાર અને નિરંજની વર્માની કલમ સાંભરે, મેઘાણી તેમના છેલ્લા દિવસોમાં જે નવલકથા લખવાના હતા તે તેમના અવસાનને લીધે ના લખી. તેમાં સમર્થ સુભાષનું અચૂક આલેખન હોત. ખ્યાત નવલકથા ‘ઝેર તો પીધા છે...’ના લેખકે તો ત્રીજા ભાગમાં નેતાજી અને તેમની ફોજના બલિદાનને કેવળ અન્યાય જ કર્યો છે અને પૂર્વગ્રહો મંડિત કર્યા છે...
અઘરું તો છે જ આ બંગાળના પરમ ભાગ્ય લલાટની લિપિ ઉકેલવાનું. બીજા પ્રદેશો અને પ્રજા કરતા તે અલગ છે, તેજસ્વી છે, રહસ્યમયી છે! અહીં જ બંકિમચંદ્ર નવલકથા ‘આનંદમઠ’નું એક પ્રકરણ લખતા તેમાં એવું ગીત રચી બેઠા જે સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદોનું પ્રિય ગીત થયું. હાથમાં ગીતા અને હોઠ પર વંદે માતરમ્... એ સંઘર્ષ યુગની પહેચાન છે. ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, ચટ્ટગ્રામના શહીદો માસ્ટરદા સૂર્યસેન, નિર્મલ લાલા, પ્રીતિલતા વ્દેદાર, ત્રિપુરા સેન, વિધુ ભટ્ટાચાર્ય, વિનોદ દત્ત, અર્ધેન્દુ દુસ્તદાર, શશાંક દત્ત, પ્રભાષ બલ, મોતીલાલ કાનુંન્ગો, ગણેશ ઘોષ, અંબિકા ચક્રવર્તી, અમરેન્દ્ર નાંદી, દેવ પ્રસાદ... આ નામો ઇતિહાસના અંધારામાં અલોપ થઈ ગયા. કવિ નઝરૂલ ઇસ્લામે ગયું ‘આમી ચિર બિદ્રોહી ઓશાંત!’
રવીન્દ્રનાથે જન ગણ... ગાયું. શરદબાબુએ ‘પથેર દાબી’ નવલકથામાં સવ્યસાચી જેવું ક્રાંતિકાર પાત્ર રચ્યું. અરવિંદ-બારિન્દ્ર ઘોષ બાંધવો, અને વિવેકાનંદ-નૃપેન્દ્રનાથ બાંધવો ઉજ્જવળ પ્રકાશના સ્તંભ બન્યા. શાંતિ અને સુનીતિ, વીણા દાસ અને ઉજ્વલા... આ પણ તેજસ્વિનીઓ... સાવ નજીકના સમયમાં સત્યજિત રાયનું સ્મરણ થાય... જીવનાનંદ દાસ અને શંકર જેવા સર્જકો અને બાંગ્લાદેશનું સંતાન તસલીમા નસરીન!
આ રક્ત અને સંસ્કૃતિ ભૂમિના મહાનગર કોલકતાના એલ્ગીન માર્ગ પર આવેલા નિવાસેથી નજરકેદ સુભાષ નીકળ્યા... અને ૧૯૪૨થી ૧૯૪૫થી અને ૧૯૪૫થી આજ દિવસ સુધીની સુભાષ સફરનો એક વળાંક સ્વીન્દ્રનાથે આલોકિત કરી આપ્યો હતો. આ શબ્દોમાં...
સુભાષચંદ્ર
હું બંગ કવિ છું.
બંગાળ તરફથી ‘દેશનાયક’ પદ માટે તમને પસંદ કરી રહ્યો છું.
ગીતામાં કહ્યું છે કે શુભ અને સત્યની સુરક્ષા માટે અને ખરાબીના વિનાશ માટે કોઈ રક્ષકનો આવિર્ભાવ થાય છે.
દુર્ગતિની આ પળે જ્યારે આખુ રાષ્ટ્ર ગૂંચવાયેલું હોય ત્યારે પીડિત દેશના આંતરિક વેદનામયી પોકાર પર જ આવે છે દેશના અધિનાયક, સેનાપતિ!
ઘણા સમય પહેલા એક દિવસે અને એક જનસભામાં મેં બંગાળી સમાજના અનાગત સેનાપતિના ઉદ્દેશને સાર્થક કરવા માટે તમારા સુધી મારો ‘વાણીદૂત’ મોકલ્યો હતો.
આજે -
ઘણા વર્ષો પછી વળી એક ક્ષણે બંગ દેશનું પ્રત્યક્ષ વરણ કરી રહ્યો છું.
- રવિન્દ્રનાથ.
કેવો અભિષેક સુભાષ માટે વારંવાર થયો હતો! ભારત વિભાજનના લોહીલુહાણ દિવસોમાં ગાંધીજીએ કહ્યું હતુંઃ ‘કાશ આજે મારો પુત્ર સુભાષ મારી પાસે હોત!’ રાસબિહારી બોઝ તો ગદર પાર્ટીના દિવસોથી વિપ્લવી નાયક હતા. સિંગાપુરથી તેમણે ‘ત્રીસ લાખ એશિયનોનું નેતૃત્વ’ કરવા સુભાષને જર્મનથી બોલાવ્યા. સુભાષ આવ્યા અને એક લાખ પચાસ હજારની આઝાદ હિન્દ સરકાર તેમજ સેના બનાવી. અરે, પછીથી નાગાલેન્ડનો નેતા અન્ગામી ઝાપુ ફીઝો સ્વતંત્ર ભારતના નેતાઓની નીતિને લીધે અલગાવવાદી બની ગયો હતો, પણ ૧૯૪૩માં તો તેણે નેતાજીનું નેતૃત્વ સ્વીકારીને ઇમ્ફાલને આઝાદ કરાવવામાં ભાગ લીધો હતો! આઝાદ હિન્દ ફોજના હજારો સૈનિકો શસ્ત્રો અને અનાજના અભાવ છતાં લડતા રહ્યા અને બ્રિટિશ લશ્કરની લાલચ સામે જવાબ આપ્યો - ગુલામી કી રોટી સે આઝાદી કા ઘાંસ અચ્છા હૈ... કવિ કરસનદાસ માણેકે તે બલિદાનોને ગીતમાં વ્યક્ત કર્યુંઃ ‘ગુલામીએ દીઠું એક સપનું ગુલાબી...’
મૃત્યુ પૂર્વ સુભાષચંદ્ર ઐતિહાસિક અધ્યાય રચી ગયા. એક આખી નવી આઝાદ ભારત સરકાર રચી. રંગુન અને તેની રાજધાની, બેંક, ચલણ, રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત, વહીવટનું નિર્માણ થયું. આંદામાન અને નિકોબાર તો ૧૯૪૩માં જ આઝાદ બન્યા. તેને શહીદ દ્વીપ અને સ્વરાજ દ્વીપ નામ નેતાજીએ આપ્યાં. દુનિયાના અનેક દેશોએ આ સરકારને માન્યતા આપી.
કેવી હતી નેતાજીની મનોસૃષ્ટિ? અંતિમ સમયે તેમની પત્ની એમિલી શેન્કલ અને પુત્રી અનિતાને મળી શક્યા કે કેમ? રંગુન છોડ્યું ત્યારે પેલા વિમાનપ્રવાસ પૂર્વે જ તેમણે સાથીઓને કહ્યું હતુંઃ ‘હું તો લડવા માટે જન્મ્યો છું, વળી પાછી એક લડાઈ કરીશ...’
શું સુભાષ એક વધુ સંઘર્ષ કરી શક્યા હતા? ઇતિહાસના પાના પર તેમના જેવો કોઈ અધ્યાય ભારતીય નેતાનો રચાયો નથી એટલો તો કહ્યું કે આપણે આ મહાનાયકના મૃત્યુનું મહામંથન કરવું છે. આ પાના પર ઘણા સમયથી સરકારો પોતાના હસ્તક રાખીને બેઠેલી ગુપ્ત ફાઈલો જાહેર કરે તેવી માંગણી હતી. એ કેવું કે પોતાના રાષ્ટ્ર નાયકની જિંદગી વિષે સરકારો પાસે પ્રજાએ માંગણી કરવી પડે? શું સરકાર પ્રજાની પ્રતિનિધિ નથી? બંગાળ સરકારે તેમની પાસે પડેલી ફાઇલો સાર્વજનિક કરી પણ તેમાં ખાસ કશું મળતું નથી, હવે ભારત સરકાર આ ફાઇલો જાહેર કરી રહી છે. આશંકા એ છે કે અગાઉ કેટલીક મહત્ત્વની ફાઇલો જ નષ્ટ કરી દેવામાં આવી છે, તો પછી...
ચાલો, મથનની મહાયાત્રા તરફ કદમ માંડીએ. (ક્રમશઃ)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter