સુભાષકથાઃ અંતિમ અધ્યાય (ભાગ ૧૦)

સુભાષે ગાયુંઃ ચંચલ સાગર, વિંધ્ય હિમાચલ, નીલ યમુના ગંગા!

Wednesday 11th May 2016 06:39 EDT
 
 

અબનીની આંખોમાં તો સા-વ ઇન્કાર! સુભાષચંદ્ર? અહીં ક્યાંથી હોય? પણ હતા તો તે જ. બંગાળમાં તેમને મળવાનું થયું હતું, પછી માનવેન્દ્રનાથ રાય સાથે વારંવાર આ ‘પ્રતિભાસૂર્ય’ વિશે ચર્ચા થતી. વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે તો જવાહરલાલને પત્ર લખીને ફરિયાદ કરી કે સામ્યવાદી ઇન્ટરનેશનલમાં આમંત્રિત કરવા છતાં સુભાષ આવ્યા નહીં. લાગે છે કે તે પણ ભારતના બૂર્ઝવા યુવા નેતા જ છે.
પણ, સાઈબીરિયાની ભૂમિ પર ભૂતકાળ નષ્ટ થઈ ગયો અને બન્ને ભેટી પડ્યા. અવની મુખરજી કહેઃ સુભાષ, તમે સાચા પડ્યા. લેનિનના સામ્યવાદના વિરોધાભાસોને અમે પચાવી ના શક્યા. વીરેન્દ્રને તો મારી નાખવામાં આવ્યો. સ્તાલિને ‘શુદ્ધિકરણ’નો અમલ શરૂ કર્યો છે, મારા જેવા ૧૮૪ સામ્યવાદીઓ તેના ચોપડે છે. એક પછી એકને તોપના ગોળે ઊડાવી દેવાય છે. મારો વારો પણ આવવામાં વાર નથી...
અવની આટલું તો માંડ બોલી શક્યા. બન્ને બંગાળીમાં બોલતા હતા એટલે આસપાસના કોઈને કશું સમજાયું નહીં. સમજાયું તે હતું અવની મુખરજીના ચહેરા પરનું ઉદાસ વાદળું! તેની આંખો ભરાઈ આવી હતી. સુભાષે તેમને ગળે લગાવ્યા, પીઠ પર હાથ ફેંરવતાં કહ્યુંઃ આપણા માટે તો શસ્યશ્યામલા ભારત માતાનો ખોળો જ વિચારોનો ઝૂલો - એમ મેં તે વર્ષોમાં કહ્યું હતું...
‘પણ અહીં, તમે?’
‘હા. દેશભક્તિની નિયતિનો એક વધુ પડાવ.’
‘જાપાને શરણાગતિ સ્વીકારી લીધી અને સ્તાલિનનો વિજય થયો.’
‘આપણા માટે આ લોકોનો જય-પરાજય ગૌણ છે, ભારતનો જય મહત્ત્વનો છે...’
‘શું સ્તાલિન તમને મદદ કરશે?’
‘કદાચ. અને જો તેમ થાય તો તમે અહીં નહીં હો, બંગાળમાં પાછા ફરશો...’
‘ત્યાં જઈને શું કરીશ? સામ્યવાદ તો ભસ્માસુર સાબિત થઈ ગયો...’
‘ભારત તો અસ્તિત્વ ધરાવે છે ને? જુઓ, તમારા રોયને ય પક્ષે કાઢી મૂક્યા, તે હવે ભારતની જેલમાં છે...’
‘અને હું અહીં! મારો પુત્ર ‘ગોગા’ મોસ્કોમાં દુભાષિયાની નોકરી કરે છે. રશિયન માતા અને રશિયન પત્ની સાથે છે! સુભાષઃ ‘હું તમારી સાથે... પણ મારા માટે કોઈ જેલ સમર્થ નથી, મારે ભારતની આઝાદીનો સૂર્ય લાલ કિલ્લા પર ચઢિને નિહાળવો છે...’
‘ગોડ બ્લેસ યૂ...’ ઇશ્વરને નકારનારો બિરાદર સુભાષને માટે ઇશ્વરના આશીર્વાદ વ્યક્ત કરતો જોઈને શિદેઈની આંખમાં પણ આંસુ આવી ગયાં.
એ આંખમાં મૃત્યુની ભીષણ છાયા સુભાષે જોઈ. શિદેઈને ય લાગ્યું કે આ માણસ...
તે વધુ વિચારી ન શક્યો.
ત્રીજા દિવસે ખબર મળ્યાંઃ અવની મુખરજીને ગોળીએ ઉડાવી દેવાયો છે!
•••
આજે સુભાષ કંઈક અલગ લાગ્યા, શિદેઈને. ગઈકાલે રાતે તે જોસેફ સ્તાલિનને મુલાકાત માટે પત્ર લખવાના હતા, શિદેઈ તે પત્ર મંચુરિયા-સાઇબીરિયાના ઇન-ચાર્જ રશિયન સેનાપતિને પહોંચાડશે એવું નક્કી થયું હતું.
પોતાના હસ્તાક્ષરોમાં લખેલો પત્ર તેમણે શિદેઈને આપ્યો.
શિદેઈ કહેઃ ‘તમને આ જાલિમ સરમુખત્યારથી મળવાનો ડર નથી લાગતો?’
સુભાષ હસ્યા. ‘આ સરમુખત્યારો પોતાના માટે વિશેષ સમજ અને સ્પષ્ટતા ધરાવતા હોય છે, શિદેઈ. બસ, તેના મનના કોઈક ખૂણા સુધી પહોંચવું જોઈએ પછી એ તમને સ્વીકારે છે. એવું ના બને તો તેની આત્મસુરક્ષાનો ડર તમારી પર તૂટી પડે! વીરેન્દ્ર અને અવનીનું આવું જ બન્યું છે ને?’
શિદેઈઃ હિટલર અને મુસોલિનીને તો તમે મળ્યા હતા, તેના વિશે શો અભિપ્રાય રહ્યો? અમે જાપાનીઓ ઊંચો અભિપ્રાય ધરાવતા નથી તે બંને માટે.
સુભાષ હસ્યાઃ ‘મને જાપાનીઝ’ રાજવી હિરોહિતો અને પ્રધાનમંત્રી જનરલ તોજો - સૌથી પ્રામાણિક રાજનેતા લાગ્યા...’
શિદેઈના હોઠ ધ્રૂજ્યા. જાપાની પ્રણાલિકા પ્રમાણે તેમણે હિરોહિતોની સ્મૃતિમાં માથું ઝૂકાવ્યુંઃ ૧૫ ઓગસ્ટ, ૧૯૪૫ના જ રાજવી હિતોહિતોને આત્મસમર્પણનું દૂર્ભાગ્ય વેઠવું પડ્યું.
સુભાષઃ હા. જાપાનની સમગ્ર પ્રજા તેમના હૈયે વસેલી હતી. એટલે તો મેક આર્થરે કહ્યું કે તેમને હવે ‘યુદ્ધ અપરાધી’ જાહેર કરીએ તો જાપાનને કબજે કરવા બીજા દસ લાખ સૈનિકોની જરૂર પડશે! ડહાપણ એ છે કે તેમને યુદ્ધ અપરાધી જાહેર ન કરવા.
‘- પણ જનરલ તોજોને...’
સુભાષે નિઃશ્વાસ નાખ્યોઃ હા, આ દૂરદૃષ્ટા માણસનું અસ્તિત્વ રોળાઈ ગયું. એશિયામાં જાપાન-ભારત સાથે મળીને બ્રિટિશ સામ્રાજ્યવાદની સામે મજબૂત બની શકે એ તેમનો દૃઢ મત હતો... આઝાદ હિન્દ સરકાર અને આઝાદ હિન્દ ફોજને તેમણે તુરત માન્યતા આપી હતી. અજબ સ્ફૂર્તિવાન અને સ્વાભિમાની દેશભક્ત...
શિદેઈઃ ‘શરણાગતિ નહીં, મોત’ એવા નિશ્ચય સાથે સપ્ટેમ્બર, ૧૯૪૫ના તેણે પોતાના શરીરને જાતે ગોળીથી વીંધી નાખવાનો પ્રયાસ કર્યો...
સુભાષઃ પ્રિય પત્નીને તેણે તે દિવસે હાઈકુ લખીને અર્પિત કર્યું હતું!
શિદેઈને એ હાઈકુ કંઠસ્થ હતું, તે ગણગણ્યોઃ
ઓહ, નિહાળજે
કેવી ખીલી છે ચેરી
નેં ચૂપચાપ ખરી પડી!
સુભાષઃ લોકશાહી પ્રેમી ગણાતી ક્રૂર બ્રિટિશ સરકાર તેને નહીં છોડે, ફાંસી કે તોપના ગોળે જ ઊડાવી દેશે. મારા દેશના - ગાંધીજી સહિતના - મહાનુભાવો જ્યારે બ્રિટિશ સત્તા અને પ્રજામાં તફાવત માને છે ત્યારે મારે તેમને એ જ કહેવું પડ્યું છે, ક્યાંય સૂર્યાસ્ત ન થવાનાં અભિમાને બ્રિટનને શોષક અને અમાનવીય બનાવી દીધું છે... તેનો ભરોસો ના કરાય.
શિદેઈઃ ‘...પણ મને એ કહો ને કે એડોલ્ફ હિટલર વિશે તમારો મનોભાવ કેવોક બંધાયો હતો?’
સુભાષ ક્ષણભર ચૂપ થઈ ગયા. હિટલર સાથેની મુલાકાતનું સ્મરણ થઈ આવ્યું. ૧૯૩૩ના ઉનાળામાં - કોલકાતા મહાનગર નિગમના પૂર્વ મેયર તરીકે તેમણે જર્મનીને મુલાકાત લીધી ત્યારે હેર હિટલરનો ઉદય થઈ ચૂક્યો હતો. હિટલરના ‘નાઝીવાદ’ના પ્રખર વિચારક રોઝેનબર્ગનું ‘ધ મિથ ઓફ ટ્વેન્ટીએથ સેંચ્યુરી’ પુસ્તકની ચારે બાજુ ચર્ચા હતી. લોકો હિટલરના ‘મેન કામ્ફ’ની સાથે આ પુસ્તક પણ ખરીદતા અને ભાવિ જર્મનીનો રાજકીય નકશો અનુમાન કરતા! સુભાષ ત્યારે હિટલરની ભારત વિશેની ખોટી માન્યતાઓમાં સુધાર આવે તે માટે મળવા માગતા હતા! પણ એ શક્ય ન બન્યું તો બર્લિનથી વિયેના જઈને ઇટાલી પહોંચ્યા. એશિયાટિક સ્ટુડન્ટ્સ કોંગ્રેસનાં અધિવેશનમાં બીજા સરમુખત્યાર બેનિતો મુસોલિનીને સાંભળ્યો, અને તેની સાથે બે વાર મુલાકાત થઈ. મુસોલિની - હિટલરથી અધિક-ભારતની સ્વતંત્રતા માટે સહૃદયી હતો. સુભાષે ત્યાં શહીદો માટેનો ‘ફાસિસ્ટ હોલ’ જોયો, તુરંત બંગાળના યુવકોની શહાદત યાદ આવી અને પાછા ફર્યા ત્યારે ‘શહીદ ખંડ’ની પરિકલ્પનાનો અમલ કર્યો. હેર્મન ગોરિંગે ત્યારે એક રોમન અખબારમાં મુલાકાત આપતાં ગાંધીજીને ‘બોલ્શેવિક એજન્ટ’ ગણાવેલા, સુભાષે તરત તેનો ઉગ્ર વિરોધ કરતો પત્ર લખ્યો અને કહ્યું કે ગાંધીને દેશ-દુનિયાના તમામ સામ્યવાદીઓ ધિક્કાર છે, તે બોલ્શેવિક દલાલ કઈ રીતે હોઈ શકે? બીજી વાર - માર્ચ, ૧૯૩૪માં જર્મની જવાનું થયું ત્યારે ભારતીય યુવા વિદ્યાર્થીઓની ‘નીગ્રો’ જેવી સ્થિતિ સામે આર્થિક વિભાગના પ્રધાન કુર્ત સ્માઇતને સાફ સાફ કહ્યું ભારત-જર્મની વચ્ચેના સંબંધો સુધારવા તમારે નીતિ અને માનસિકતા કે માન્યતામાં ફરક કરવો પડશે. કુર્તે આ વાત હિટલર સુધી પહોંચાડવાનું વચન આપ્યું. વળી પાછી એક જ મહિનામાં જ મુસોલિનીની મુલાકાત! મુસોલિનીએ ત્યારે જ પૃચ્છા કરી કે તમારું પુસ્તક લેખન ક્યાં સુધી પહોંચ્યું?
‘The Indian struggle - 1920 - 1934’ શીર્ષકે આ પુસ્તક થોડા સમયમાં જ પ્રકાશિત થયું, તેના પ્રથમ વાંચકોમાંનો એક મુસોલિની યે હતો! ૧૯૩૫માં સુભાષે પોતે તેને એક પ્રત મોકલી આપી હતી.
જર્મનીના હિટલરનો ગઢ ત્યાં સુધી પહોંચવું આસાન નહોતું. ભારત પ્રત્યે તેમની કોઈ ખાસ સહાનુભૂતિ પણ નહોતી. રિબેનટ્રોપ હિટલર - શાસનનો સૌથી મજબૂત રાજકારણી હતો. હિટલર સુધી સુભાષ અને ભારતના ગમા-અણગમા તેમ જ ક્રિયા-પ્રતિક્રિયાની વિગતો પહોંચાડવાની જવાબદારી તેણે સંભાળી હતી. એ વારંવાર સુભાષને મળતો અને સ્વતંત્રતા માટેના સાર્થક પ્રયાસો માટે મદદરૂપ થતો. ‘ગદ્દર’ પાર્ટીના કેટલાક નેતા - મોહમ્મદ અજિત સિંઘ, લાભ સિંઘની સાથે સુભાષની મુલાકાત કરાવી આપી. આમાંનો મોહમ્મદ તો ભારે ખતરનાક નિવડ્યો! તેણે એક પત્રમાં ઇટાલિયન - જર્મન નેતાઓને તો ‘સુભાષ કંઈ કરી નહીં શકે, હું જ નેતા છું’ એવો પ્રલાપ કર્યો, એટલું જ નહીં પણ સુભાષની સાથે પુસ્તકનું કામ કરનારાં એમિલી શેન્કલને ‘જર્મન જાસુસ’ ગણાવી. ગદર પાર્ટીમાં આ માણસને જરીકેય મહત્ત્વ અપાયું નહોતું તેની તક આ રીતે ઝડપી લેવા માગતો હતો.
આવો જ કડવો અનુભવ ભગતરામ તલવારનો હતો. કાબુલમાં - કોલકાતાથી ભૂગર્ભ પ્રવાસ દરમિયાન - તલવારે જે મદદ કરી તેનું વળતર માગતો હોય તે રીતે એ રશિયન સરકારનો એજન્ટ બનીને જર્મનીને સત્તાવાળાઓને તેમ જ સુભાષને તેમના ‘હિતેચ્છુ મિત્ર’ તરીકે ગેરરસ્તે દોરવાનો પ્રયાસ કરતો રહ્યો.
૧૯૪૨ના ૨૯ મેના દિવસે ‘પુરાણા ક્રાંતિકાર’ સરમુખત્યાર એડોલ્ફ હિટલર સાથે પોતાની મુલાકાત થઈ તેની વિગતો સુભાષને બરાબર યાદ હતી. શિદેઈ તે ઘટનાને રસપૂર્વક સાંભળી રહ્યો.
કોઈને ય ભરોસો નહોતો કે એડોલ્ફ હિટલર સાથેની મુલાકાત કેવાં પરિણામ લાવશે? ગોબેલ્સ, રિબેન સ્ટ્રોપ, હિમલર, હિન્દુ-મુસ્લિમ સવાલને ઊઠાવનારો મોહમ્મદ શિદેઈ, ‘ઇન્ડિયા ઓફિસ’ના સાથીદારો, જેની હિટલરે પછીથી હત્યા કરાવી નાખેલી તે એડમ વોન ટ્રોટ... આ તમામની પ્રતિક્રિયાઓ આશંકાના પડછાયા સાથેની હતી. એમિલી શેન્કલે પણ હિટલર વિશે ઉમળકો દાખવ્યો નહીં, બીજી તરફ ભારતના સામ્યવાદીઓ તો ‘જર્મન એજન્ટ’ અને બ્રિટિશરો ‘ક્વિઝલિંગ’ કહીને સુભાષને ધિક્કારી રહ્યા હતા... આવા સંજોગોમાં હિટલર - સુભાષની મુલાકાત થઈ.
હિટલરના મુખ્ય દુભાષિયા અધિકારી પી.ઓ. સ્મિડ્ટની નોંધ પ્રમાણે-
‘૩૦ મે, ૧૯૪૨.
વર્તુળાકાર ટેબલની આસપાસ ખુરશીઓ અને એક છેડા પર હેર હિટલરની ખુરશી. સૂચના મંત્રી ડો. એડમ ટ્રોટ, ઉપનિદેશક એલેક્ઝાંડર બર્થ, સ્ટેટ સેક્રેટરી વિલ્હેમ કેપ્લર, વિદેશ મંત્રી રિબેન ટ્રોપ, પ્રચાર નિષ્ણાત ગોબેલ્સ અન્ય ખુરશીઓ પર ગોઠવાયા. ભોંય-તળિયું લાકડાંનું અને દિવાલ પર એકાદ વિશાળકદનું ચિત્ર, ઓછાં અજવાળાંમાં સન્નાટો!
સુભાષ સમયસર પહોંચી ગયા હતા. આવ્યો એડોલ્ફ હિટલર. દુનિયાના તખતાને ધ્રૂજાવી રહેલો સરમુખત્યાર. ન જાણે કેટ કેટલી કથા-દંતકથાઓ, ધિક્કાર અને સ્વાગતની પ્રતિક્રિયાઓ તેની આસપાસ વણાઈ ગઈ હતી. આજે તે એક ભારતીય રાષ્ટ્રવાદી નેતાની સાથે - ઘણા લાંબા સમય પછી મંજૂરી સાથે - મળવાનો હતો. એ આવ્યો, સૌ સન્માન માટે ઉભા થયા. પરિચય એલેકઝાંડર બર્થે આપ્યો, મિસ્ટર સુભાષચંદ્ર બોઝ...
સુભાષને આ ઇન્સાન જટિલ લાગ્યો પણ તેની ટૂંકી મૂછો નીચેના હોઠ પર આત્મવિશ્વાસ દેખાતો હતો. ચમકતી આંખે તેણે સુભાષ સામે જોયું પછી કહ્યુંઃ મેં તમારો મુસદ્દો જોયો છે.
‘ધન્યવાદ, માન્યવર!’
‘માન્યવરની જરૂર નથી. હિટલર જ કહો તો ચાલશે.’
‘આભાર.’ સુભાષ પાસે તો ઘેરો, રણકતો અવાજ હતો. ક્યાંય ઉત્તાપ નહીં, તીવ્રતા નહીં, અસ્પષ્ટતા નહીં.
હિટલરઃ તમને દેશની આઝાદી માટે મદદ મળશે.
પછી કહેઃ ‘પણ જલદી નહીં! સમય લાગશે. પરિસ્થિતિ સમસ્યાગ્રસ્ત છે.’
તેની વાત સાચી હતી. ભારતનો વિચાર પ્રાથમિક જગ્યા લઈ શકે તેમ નહોતો અને સુભાષ ભારત-કેન્દ્રી હતા.
‘એવું નથી કે કશું નહીં કરીએ, કરીશું.’ દોડતા રથનું ચક્ર ક્યારેક અવાજ કરે તેવી વાતચીતની શૈલી!
‘આ જ સમય છે જ્યારે ભારત આઝાદ થઈ શકે.’ સુભાષ બોલ્યા.
‘હું જાણું છું.’
‘આવા સમયે બ્રિટન પર ચોટ લગાવવામાં આવે તો તે ઝૂકી જવા તૈયાર થશે.’
‘સમજી શકું છું... પણ તો યે થોડો વધુ સમય જરૂરી છે...’ કહીને તેણે મિસ્ટર ટ્રોટની
સામે જોયું.
હિટલર પાસે માહિતી હતી કે ટ્રોટ સુભાષની વધારે નજીક હતો.
‘હા. આ વાત મેં સુભાષચંદ્રને સમજાવી છે...’
સુભાષઃ મિસ્ટર હિટલર, હું જાણું છું કે પરાધીન દેશનો હું પ્રતિનિધિ છું. મારે મારા દેશને સ્વાધીન કરવો છે, તેને માટે આનાથી યોગ્ય સમય બીજો નહીં મળે. હું સમય ગૂમાવવા માગતો નથી. વોર્સો-કરાર પછી તમને દેશને નવી આશાનો સમુદ્ર આપ્યો, હું તેવું કરવા માગું છું... એટલે ત્વરિત નિર્ણય માટે
ઉત્સુક છું.’
ગોબેલ્સઃ ...તો તમે નાઝીવાદને સ્વીકારીને જર્મન પગલાંને ઉચિત માનો છો?
સુભાષ કહેઃ તમારે આવો નિરર્થક સવાલ જ કેમ કરવો પડ્યો, મિસ્ટર ગોબેલ્સ? ભારતની આઝાદી મારો ઉદ્દેશ છે જેમ તમારો ઉદ્દેશ દુશ્મનોને પરાસ્ત કરવાનો છે.
હિટલર આ બંગાળી, વિશ્વાસસભર નેતાને જોઈ રહ્યો. કહ્યુંઃ ‘યુ આર રાઇટ, મિસ્ટર બોઝ.’
‘આભાર ફ્યુહરર હિટલર.’
‘આભારની જરૂરત ક્યાં છે? આ તો અમારી ફરજ છે...!’ હિટલરનાં આ વિધાનથી સૌ સ્તબ્ધ બની ગયા. શું બાહોશ રાજકારણી સરમુખત્યારે પોતાની ચાલ બદલાવી હતી કે પછી પ્રામાણિકપણે માની રહ્યો હતો, ભારતની આઝાદીમાં?
સુભાષઃ મારી એક વધુ વિનંતી છે!
સુભાષ કંઈ બોલે ને પહેલાં રિબેન ટ્રોટના ચહેરા પર ગભરામણ પેદા થઈ. શું સુભાષ સાચ્ચે જ પોતાની વાત કહેશે? અને જો હેર હિટલરનો પિત્તો જશે તો.
સુભાષ શાંત - પણ દૃઢ અવાજે - બોલ્યાઃ ‘મેન કામ્ફ’માં ભારત વિશેનું તમારું મંતવ્ય
ઠીક નથી.
હિટલરે લખ્યું હતું પુસ્તકમાં કે ભારત આઝાદી મેળવવાના પ્રયાસોમાં નિષ્ફળ રહેશે. કોઈ વધુ શક્તિશાળી સૈનિકી-સત્તા જ બ્રિટનને પરાજિત કરી શકે ત્યારે ભારત આઝાદ થઈ શકે.
ફરી વાર સૌ સ્તબ્ધ. હિટલરનો જ્વાળામુખી ફાટી પડે તેવો અંદેશો દરેકના ચહેરા પર હતો. માત્ર સુભાષ ટેબલ પર બે હાથ ટેકવીને સ્વસ્થતાપૂર્વક પ્રતિભાવ માટે તૈયાર હતા.
હિટલરે ધારદાર નજરે સુભાષ તરફ જોયું ને કહ્યુંઃ મિસ્ટર બોઝ, તમે ફોજી વ્યક્તિ લાગો છો... દેશ તમારી પ્રાથમિકતા છે... મને પસંદ છે. તમે કહ્યું તે વિશે જરૂર વિચારીશ અને નિર્ણય લઈશ.
બધાના ચહેરા પર ‘હા-શ’ દેખાઈ. હવે હિટલરનો વારો હતો. ‘મિસ્ટર બોઝ, સ્વાધીનતા માટે દેશની પોતાની ભાષા હોય છે... ભારતની-’
સુભાષે ડોકું ધૂણાવીને હકારમાં જવાબ આપ્યો. હિટલર ખુરશી પરથી ઊભો થયો. સુભાષની સાથે હાથ મેળવ્યા અને વિદાય આપી.
(ક્રમશઃ)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter