સુભાષકથાઃ અંતિમ અધ્યાય (ભાગ-૧૧)

ઇતિહાસ-લેખક અરવિંદ ઘોષને ગાંધીજીએ દુઃખપૂર્વક પૂછયુંઃ આ દિવસોમાં મારો પુત્ર સુભાષ અહીં હોત!

Wednesday 18th May 2016 06:36 EDT
 
 

સુભાષ બેઠક ખંડમાંથી નિકળી ગયા પછી હિટલરે કહ્યુંઃ મિસ્ટર ટ્રોટ, તારી વાત સાચી છે. આ માણસ માથું ઝૂકાવીને વાત કરે તેવો નથી. અરધી દુનિયાની આંખમાં ધૂળ નાખીને તે અહીં પહોંચ્યો છે. તેના વિદ્રોહી સ્વરથી ભારતમાં બ્રિટિશરોની ખિલાફ સંઘર્ષનો વિસ્તાર થઈ જશે... હી ઇઝ નોટ એમ. કે. ગાંધી, હી ઇઝ ચંદ્ર બોઝ!
અને પછી અધિકારીઓને સૂચના મળી તે મુજબ જર્મનીમાં ભારતીય આઝાદીના જંગ માટેનું કાર્યાલય ધમધમી ઊઠ્યું. ‘તેને નિરાશ કરશો નહીં. પૂરતી સગવડો આપો. યુદ્ધકેદીઓની વચ્ચે સક્રિય થવા દો... પ્રચારતંત્રમાં મદદ કરો. રેડિયોની સ્થાપના કરવામાં મદદ કરો... જે કામ નેહરુ કે ગાંધી નહીં કરી શકે તે આ બોઝ કરશે, બ્રિટિશ રાજનેતાઓમાં ફફડાટ પેદા કરવાનું!’
...અને સુદૂર, સમુદ્રની પેલી પાર ભારતવાસીઓના હૃદયાકાશને ગાજતું-ગરજતું કરનારો, પ્રચંડ સંકલ્પને દોહરાવતો અવાજ આઝાદ હિન્દ રેડિયો પરથી પ્રસારિત થયોઃ ‘હું સુભાષ, મારા દેશ બાંધવો, બર્લિનથી બોલી રહ્યો છું!’
હતાશ નિરાશ ભ્રમિત સાર્વજનિક જીવન પર વીજચમકારો થયો, અંધારાંને ભેદીને, વીજ સરખી આશાનો સંચાર થયો, આઝાદી! ભારતની આઝાદી!!
શિદેઈ સુભાષની ચમકતી આંખોને નિહાળી રહ્યો. સ્થળ-કાળ-સ્થિતિને ભૂલીને આદર્શબદ્ધ સુભાષ મુક્તિના પથ પર ગતિ કરતા અનુભવી રહ્યા હતા, પોતાને. શિદેઈનો હાથ પકડીને કહેઃ શિદેઈ, મારી ફોજની ઝાંસી-રાણી સેનાની તેજસ્વિનીઓ ઇરાવતી નદીના કિનારે કૂચકદમ કરતી ગાતી તે છે અમારું રાષ્ટ્રગીત, ધ્વજગીત, કૂચગીત, સંઘર્ષગીત-
પછી તેમના હોઠ પર એ ગીતના સ્વરો ઊઠ્યાઃ
શુભ સુખ ચૈનકી બરખા બરસે
ભારત ભાગ્ય હૈ જાગા.
પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા
દ્રાવિડ, ઉત્કલ, બંગા.
ચંચલ સાગર, વિંધ્ય હિમાલય
નીલ યમુના ગંગા.
તેરે નિત ગુણ ગાયે,
તુઝ સે જીવન પાયે
સબ તન પાયે આશા
સુરજ બનકર જગ પર ચમકે
ભારત નામ સુભાગા.
લાલ કિલે પર ગાડ કે
લહરાયે જા, લહરાયે જા!
જય હો, જય હો, જય હો
જય, જય, જય, જય હો!
સબ કે દિલમેં પ્રીત બસાયે
તેરી મીઠી વાણી,
હર સૂબે કે રહનેવાલે
હર મઝહબ કે પ્રાણી,
સબ ભેદ ઔર ફર્ક મિટા કે
સબ ગોદ મેં તેરી આ કે
ગૂંથે પ્રેમ કી માલા,
સૂરજ બન કર જગ પર ચમકે
ભારત નામ સુભાગા,
જય હો, જય હો, જય હો
જય, જય, જય, જય હો!
સુબહ સબેરે પંખ પખેરૂ
તેરે હી નિત ગુણ ગાયે,
બસ ભારી ભરપૂર હવાયેં
જીવન મેં ઋત લાયે!
સબ મિલકર હિંદ પુકારે
જય આઝાદ હિન્દ કે નારે,
પ્યારા દેશ હમારા,
સૂરજ બન કર જગ પર ચમકે
ભારત નામ સુભાગા,
જય હો, જય હો, જય હો,
જય, જય, જય, જય, જય હો!
શિદેઈએ પણ આ ગીતમાં પોતાનો સૂર મિલાવ્યો... જાણે કે આઝાદ સેના આરાકાનના અરણ્ય અને ઇરાવતી નદી પાર કરીને આગેકદમ કરી રહી હતી. સેનાપતિ હતા સુભાષ!
•••
‘આજે તો મને ઝાંસી રાણી સેના’ અને ‘આઝાદ હિન્દ ફોજ’ વિશે કંઈક કહો, ચંદ્ર બોઝ! ’ શિદેઈ બારી બહારનાં બરફીલાં આકાશ તરફ નજર નાખ્યા પછી સુભાષને કહી રહ્યા હતા.
સુભાષ તો ઇચ્છતા હતા પાછલા રણસંગ્રામનું આત્મકથ્ય લખવા માટે. ચતુર શિદેઈએ ના પાડી. ‘તેમ કરવાથી સરમુખત્યાર સુધી ગલત સંદેશો પહોંચે તો...’
‘તો વીરેન્દ્ર-અવની જેવી નિયતિનો દરવાજો!’ સુભાષ હસ્યા હતા. તેમને ફાંસી-ગોળીની ચિંતા કે ડર નહોતા. આ દિવસો ગુલામ ભારતને માટે દુવિધાના અરણ્યમાં આગ પ્રસરાવી રહ્યા હતા. બેંતાળીસની ‘કરેંગે યા મરેંગે’ ચળવળમાં અસંખ્ય ભારતીયોએ ભાગ તો લીધો પણ તે કરૂણ રીતે નિષ્ફળ ગઈ હતી. વિન્સ્ટન્ટ ચર્ચિલ માથું ધૂણાવીને ભારતની આઝાદી માટે ના પાડી ચૂક્યો હતો. કેબિનેટ મિશન અને ભારત-વિભાજનનાં વાદળાં ઘેરાઈ ચૂક્યાં, જાણે કે પરસ્પર લોહિયાળ બની જાય તેવાં વિભાજિત ભારતને તેઓ છોડવા માગતા હતા! જનાબ મોહમ્મદઅલી જિન્નાહ અને મુસ્લિમ લીગે તો પોતાનો ‘એકશન પ્લાન’ પણ જાહેર કરી દીધો... આવા વસમા અને વિપરિત સંજોગોમાં સંપૂર્ણ સ્વાધીન ભારતનું નેતૃત્વ કરી શકે તેવો દૂરથી યે કોઈ સંકેત નહોતો. સ્વયં જવાહરલાલે કહ્યું, ‘હવે વધુ સમય જેલોમાં ગાળવાનું નહીં બને. અમે થાકી ગયા છીએ...’ સરદાર વલ્લભભાઈ પક્ષને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ‘એક ભાગલાથી વાત પૂરી કરવી છે કે વધુ વિભાજનો જોઈએ છે?’ સમાજવાદી ‘બોલકા નેતા’ઓને ગાંધીજીએ કહ્યુંઃ ‘મારી પાસે આ સ્થિતિનો સામનો કરે તેવા લોકો ક્યાં છે?’ જૂન, ૧૯૪૭ના ગાંધીજીએ વેદના ઠાલવીઃ ‘આજે હું એકલો પડી ગયો છું... મારું અર્થઘટન ખોટું છે. ભાગલા સ્વીકારી લઈએ તો શાંતિ સ્થાપી શકાશે, તેવું સરદાર અને જવાહરલાલ બંનેને લાગે છે. કિંમત ચૂકવીને મેળવેલી આઝાદીનું ભાવિ અંધકારમય નીવડવાનું છે, હું ઇશ્વરને પ્રાર્થના કરું છું કે એ જોવાને માટે ઇશ્વર મને જીવતો ન રાખે...’
ઇતિહાસ-લેખક અરવિંદ ઘોષને આ કપરા દિવસોમાં ગાંધીજીએ પૂછયું હતુંઃ ....પણ મારો પુત્ર સુભાષ અહીં ક્યાં છે? કાશ, તે અહિં હોત!
સુભાષ બારી બહારનાં રશિયન આકાશને નિહાળી રહ્યા હતાં. અસ્પષ્ટ ભવિષ્ય જેવું જ મલિન. ‘સુભાષ, તમે- તમે જ- સ્તબ્ધ ભારતમાં આશાની જ્યોતિ પ્રકટાવી શકો... અમારા રાજવી હિરોહિતોએ મૃત્યુ પૂર્વે તમને સંદેશો મોકલ્યો હતો, તે યાદ છે ને? ’ શિદેઈએ કહ્યું. હિરોહિતો જેવા સમ્રાટે કહેલા શબ્દો.
સુભાષને હૃદયસ્થ હતાઃ ‘આ સમય મહાઆપત્તિનો છે. હું દુશ્મનોના હાથે બેઈજ્જત થવાનું પસંદ નહીં કરું, અનંત સમાધિમાં વિલીન થઈ જઈશ. તમે પણ ચારેતરફથી શત્રુઓથી ઘેરાયેલા છો. બ્રિટિશ હિંસક શ્વાનમંડળી તમારી તલાશમાં છે. તે શોધીને તમને પીંખી ન નાખે એવી ઈચ્છા વ્યક્ત કરું છું... આ સમય જ એવો ખરાબ છે કે કોઈનો યે ભરોસો ના થઈ શકે. મારો અભિપ્રાય છે કે રશિયા ન જશો. અજ્ઞાતવાસના અંધારામાં મારો-તમારો પરમાત્મા તમને સુરક્ષિત રાખે. ભારત દેશની આઝાદી તમને ઇચ્છે છે...’
સુભાષ બોલ્યાઃ ‘હા, શિદેઈ, વિશ્વયુદ્ધની બે છાવણી ભલે રહી. બ્રિટન – અમેરિકા – ફ્રાન્સની સાથે રશિયાએ ભળવું એ ઐતિહાસિક નાદાની હતી. ફ્યુહરર હિટલરનો રશિયા સાથેનો સંઘર્ષ પણ બેમતલબ હતો. પરંતુ શિદેઈ, ઇતિહાસ અને ભૂગોળ ઘણી બધી વાર એક બિંદુ પર એકબીજાની સાથે એવાં ભળી જાય છે કે દુશ્મન-દોસ્તની પરિભાષા યે બદલી જાય! તેઓ – ભારતના ડાબેરીઓ, બ્રિટિશ રાજકારણીઓ, અમેરિકન સત્તાવાદીઓ, અરે, મારા પૂર્વ સાથીઓ પણ ‘સુભાષ જાપાનનું કઠપૂતળું છે, એમ માની રહ્યા છે, મનાવી રહ્યા છે...’
શિદેઈએ પંડિત જવાહરલાલનું બ્રિટિશ પ્રચારતંત્રે ઉપયોગમાં લીધેલું વાક્ય યાદ કર્યુંઃ ‘જો સુભાષ તેની સેના લઈને લડવા આવશે તો તેની સામે લડવામાં હું પ્રથમ હોઈશ.’
સુભાષે મ્લાન હાસ્ય કર્યુંઃ મારું, જીવન-મરણ સમર્પણનું છે, યુદ્ધ પણ સ્વાધીનતા માટે. બીજો કોઈ માર્ગ જ નથી... હાર્યા વિના, થાક્યા વિના. યાદ છે શિદેઈ, પાંચમી જૂન, ૧૯૪૨ના બેંગકોકના રાજમાર્ગ પર મારા ભારતીય જવાનોએ કયું ગીત ગાયું હતું?
તે ગણગણ્યાઃ
ચલ ચલ રે નૌજવાન
કહના મેરા માન.
યહ હૈ જિંદગી કા કારવાં
આજ યહાં, કલ વહાં,
ફિર ભી હમેં આ રહી હૈ નિંદ.
કબ તક ગુજરેંગે યે દિન
હમ ન ચલે અપને ઘર
તો કૌન ચલેગા? કૌન ચલેગા?
મૌકા હૈ આસાન,
કર લો એક જબાન,
રુકના તેરા કામ નહીં
ચલના તેરી શાન!
શિદેઈઃ પાંચમી જૂન, ૧૯૪૨.
સુભાષઃ અરે વાહ! આ તારીખ પણ યાદ છે... તને?
શિદેઈઃ કેમ ન હોય? તેના બે મહિના પછી મુંબઈના ગોવાલિયા ટેન્ક પરથી ગાંધીજીએ આજ વાત કરી, ‘ક્વિટ ઇન્ડિયા... ભારત છોડો.. કરેંગે યા મરેંગે!’ જાણે, તેમનામાં તમારો – સુભાષનો – આત્મા પ્રવેશી ગયો ના હોય! ’
બંને બદલાતા રક્તરંજિત ઇતિહાસની ધારામાં સંમિલિત થઈ ગયા, જાણે! બંનેના દિમાગમાં એક સાથે, મ્યાંમારના મોરચે, ઇરાવદી નદીના કિનારે, આરાકાનનાં જંગલોમાં અને પોપાની પહાડી વચ્ચે ખેલાયેલા આઝાદ હિન્દ ફોજના રણસંગ્રામની તસવીરો રચાતી રહી.
શિદેઈએ કહ્યુંઃ ભારતના સ્વાતંત્ર્ય ઇતિહાસમાં પહેલી જ વાર રચાયેલી ઝાંસી રાણી રિજેમેન્ટનો કેવો ગૌરવભર્યો, લોહી અને થકાવટથી લથપથ રસ્તો હતો...
સુભાષની આંખોમાં ભાવવિભોર દૃશ્યો છલકાયાં.
કેવા ભીષણ સંજોગોમાં ‘મહિલા હાથમાં બંદૂક’નું સપનું ઘડાયું હતું?
હા. જાપાન જવા માટેની, દરિયાઈ ભીષણ ભૂગર્ભ સફર દરમિયાન આબિદ હસન સફરાનીને સુભાષ સંઘર્ષની રણનીતિ અને આયોજનનો મુસદ્દો લખાવી રહ્યા હતા. એશિયન લડાઈમાં મહિલા પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે એની નોંધ લખવાની આવી ત્યાં તો સબમરીન ખળભળી ઊઠી. શત્રુઓ આ સફરનો અંદાજ મેળવી ચૂક્યા છે. ચાલકોએ ક્યાંક ભૂલ કરતાં સમુદ્રના પેટાળમાંથી સપાટી પર આવી જતાં દુશ્મન સૈન્યોની સબમરીનોને ખબર પડી ગઈ. તે ધસમસતી આવવા માંડી. ઓહ, હમણા સળગતા બોંબ અને શસ્ત્રો ફેંકાશે. કેપ્ટને સમુદ્રની ભીતર પહોંચવાની તૈયારી તો કરી પણ તે એટલું આસાન નહોતું. સૌના જીવ તાળવે ચોંટી ગયા – બસ, બધું ખતમ!
આ સંજોગોમાં સુભાષ શાંત અને દૃઢ ચિત્તે કહેતા હતાઃ હસન, મેં જે બીજો મુદ્દો કહ્યો – નારી સેનાનો, તે લખ્યો કે નહીં?
હસનના હૃદયના ધબકારા વધી ગયા હતા, હાથ ધ્રૂજતા હતા... માંડ શબ્દો નિકળ્યાઃ મુઝે માફ કરો, નેતાજી! બ્રિટિશ સબમરીને તો નજીક આવીને ગોળાકાર ઘેરો ઘાલ્યો... ડૂબી રહ્યા છીએ કે તરી રહ્યા છીએ, તેની ખબર જ નહીં! એક મોટો ધક્કો પણ જહાજને લાગ્યો. બચવાનો કોઈ આરો જ ક્યાં હતો? સળગતી પરિસ્થિતિનો અંદાજ હોવા પછી યે સુભાષ કહેતા હતાઃ ‘અપમાન અને મૃત્યુની વચ્ચે ભારતીય સ્ત્રીએ મોતને જ પસંદ કર્યું છે. હાથમાં તલવાર લઈને ઝાંસી રાણીની જેમ પરાક્રમપૂર્વક જંગે મેદાનમાં તે મૃત્યુનું વરણ કરતી આવી છે...’
સુભાષે એ પળને યાદ કરતાં કહ્યુંઃ શિદેઈ, ઝાંસી રાણી સેનાની સ્થાપનાનું સત્ય સાબિત કરવા માટે જાણે કે એ વિનાશિકામાંથી અમારો અદ્ભુત બચાવ થઈ ગયો!
‘-અને, રચાઈ આઝાદ હિન્દ ફોજની એક મહિલા પાંખ.’ શિદેઈના હોઠ પર એ વીરાંગનાઓના નામો પણ હતાંઃ ડો. લક્ષ્મી સ્વામીનાથન, શ્રીમતી ચિદમ્બરમ, માનવતી પાંડેય, જાનકી અત્તી નહાપ્પન, ડી. કલ્યાણી અમ્મા, પી. નારાયણી કુટ્ટી, શકુંતલા ગાંધી, બેલા મુખરજી, રમા મહેતા, જી. કૃષ્ણવેણી, મેમી સાન્યાલ, લક્ષ્મી સેનગુપ્તા, લક્ષ્મી અગરવાલ, નેઉ રોય (રાણી ભાદુરી), અરુણા-માયા ગાંગુલી, પ્રતિમા સેન, ડો. ગૌરી ભટ્ટાચાર્ય, મમતા મહેતા, કરુણા ગાંગુલી, શાંતિ – અંજલિ ભગિની, લાવણ્ય ચટ્ટોપાધ્યાય, ક્ષિપ્રા સેન, પ્રતિમા પાલ, મનોરંજિતમ થિવર, શ્રીમતી ચંદ્રન, જાનકી દાવર, પાર્વતી દાવર, ઋક્ષ્મણિ દેવી, શાંતિ ભૌમિક, પુનમ્મા રાસમ્મા, શકુંતલા સેમ્યુઅલ, ગુરુપદેશ કૌર, સત્યવાન કૌર, અઝીઝા બેગમ...
ન બે-મ્યાન છૂરી કદી
ઝાલી જાણી
બની એવી અબળાઓ
અંબા ભવાની,
અધૂરી રહી મુક્તિ કેરી ઉજાણી,
ફરી માણવા આવી
ઝાંસીની રાણી!
ખલકને દિસે વીરકહાણી
આ ખ્વાબી,
ગુલામીએ દીઠું એક
સપનું ગુલાબી!
સુભાષ એ સ્મૃતિથી ગદ્ગદિત થઈ ગયાઃ ‘યાદ છે, શિદેઈ? જાનકી દાવર?’
શિદેઈઃ હા. અદ્ભુત મહિલા. ડિટેચમેન્ટ કમાન્ડર તરીકે તેનો પ્રભાવ સૌને પ્રેરિત કરતો... તેની બહેન – પાર્વતી – રેજિમેન્ટમાં. જાનકી પાસે કર્મ અને કલમની જુગલબંધી હતી, તેણે રણમોરચે એક દૈનંદિની લખી હતી...
સુભાષઃ વિદ્રોહી કન્યાની ડાયરી...
શિદેઈઃ હા. તેની એક પ્રત મારી પાસે જળવાયેલી છે!
સુભાષે ઉત્સુકતાથી પૂછયુંઃ ખરેખર? પણ એ મળે ક્યાંથી?
શિદેઈ હસ્યો. થોડીવાર બહાર જઈ પોતાની છાવણીમાંથી તેની હસ્તપ્રત લાવ્યો... કહેઃ ‘આ રહી એ અગ્નિપોથી!’
ભારતીય સ્વાધીનતાની રક્તરંજિત કહાણી, જે અ-જાણ બર્મીઝ જંગલો, નદીઓ, મેદાનો અને પહાડોમાં આલેખાઈ હતી, તેની તેમાં અભિવ્યક્તિ હતી. સુભાષ પોતાના પૂર્વ-પરાક્રમીઓના શબ્દોને ઉકેલતા રહ્યા...
‘અમારા નેતાજી જ્યાં જાય ત્યાં કહેતા, ‘કરો સબ ન્યોચ્છાવર, બનો સબ ફકીર.’
જાણે કબીર જ ન કહી રહ્યો હોય- જે ઘર ફૂંકે આપનો, ચલે હમારી સાથ...’
ભૂખ, દુઃખ, પ્યાસ, લોહી, બલિદાન...
સુભાષ કહેતાઃ મારી પાસે આપવા જેવું આટલું જ છે. હા, તૂમ મુઝે ખૂન દો... મૈં તુમ્હે આઝાદી દૂંગા! સિંગાપુર, બેંગકોક, શાંગહાઈ, કૌલાલમપુર, સાઇગોન, પિનાંગ – બધે ભારતીયોની ભીડ ઉમડતી. રંગુનના હબીબ સાહેબે પોતાની પાસેની તમામ સંપત્તિ ચરણે ધરી દીધી, એક કરોડ, ત્રીસ લાખ રૂપિયા. બદલામાં શું માગ્યું? રણમોરચે જવા માટેનો ખાખી ગણવેશ! ભૂપેન્દ્ર ચૌધરી, જ્યોત્સ્ના ચૌધરી – આખી જિંદગીની કમાણી અડતાલીસ લાખ રૂપિયા, એન્જિનિયર બી. ઘોષે પોતાનું કારખાનું, હીરાબેન બેટાઈ – છેક દ્વારિકાથી આવીને વસેલાં – પતિ હેમરાજ બેટાઈની સાથે સમગ્ર સંપત્તિ. નિઝામીના સત્તાવીસ લાખ... ‘ડાકાર મત ડાકલે, પાષાણેર ઓ અશ્રુ ઝરે! ‘હૃદયથી બોલાવો તો પત્થરની આંખ પણ ભીંજાઈ જાય!’ તો પછી આ તો સંપૂર્ણ સમર્પિત સુભાષ! એક ઘરકામ કરનારો છોકરો ફૂલદાની આપી ગયો! નેતાજીએ તેનું નિલામ કર્યું તો એક લાખ પચીસ હજાર ડોલર મળ્યા! બેંકોકમાં ગોપાલકો આવ્યા. પહેલાં ખિસ્સામાં હતા તે બધા રૂપિયા, પછી બીજા દિવસે જીવનદોર સરખી ગાય-ભેંસ-બકરીઓ લઈને આવ્યા! જનરલ ચેટરજીએ હસતાં હસતાં નેતાજીને વાત કરી તો કહેઃ ભાવનાનો સવાલ છે. આપણા જવાનોને તેનું દૂધ પીવડાવીશું અને પેલી ભિક્ષુકા? કમાઈ હતી ભીખમાં, ત્રણ રૂપિયા. તૂટેલા ફાટેલાં કપડાં સાથે આવી કતારમાં ઊભો રહી ગઈ. વારો આવ્યો તો જાળવીને રાખેલી નોટો અર્પિત કરી દીધી! ‘મારી પાસે આટલું જ છે... નેતાજી!’
(ક્રમશઃ)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter