સુભાષકથાઃ અંતિમ અધ્યાય (ભાગ-૨૭)

તો પછી નેતાજી ક્યાં ગયા? આ મહાનાયકનાં પગલાં કઇ તરફ દોરાયાં?

Wednesday 05th October 2016 07:27 EDT
 
 

નાનાસાહેબ ગોરેને જનતા સરકારે ઇંગ્લેન્ડના રાજદૂત બનાવ્યા હતા. તેમણે તો લોર્ડ માઉન્ટબેટનને ય પત્ર લખ્યો અને પૂછ્યું ઃ ‘લોર્ડ વેવેલ પાસેથી તમે સત્તાની જવાબદારી સંભાળી હતી એટલે તે સમયનું ઘણું સ્મરણમાં હશે. શું આપ સુભાષચંદ્ર બોઝના અકસ્માત પર કોઈ પ્રકાશ પાડશો? ભારતમાં અત્યારે ય આશંકા છે કે બોઝ રશિયામાં હોવાની માહિતી આપને, રશિયન સરકારને અને નેહરુને હતી. છતાં તમે ચૂપ રહ્યા કેમ કે બ્રિટિશ લોકો જૂના મિત્રની સાથે સંઘર્ષ ટાળવા ઈચ્છે છે. અને નેહરુ ચૂપ હતા કેમ કે એક પ્રતિદ્વંદ્વીને ઈચ્છતા નહોતા.’
૧૦ માર્ચ, ૧૯૭૮ના માઉન્ટબેટને જવાબ વાળ્યોઃ ‘મારા સંગ્રહમાં સુભાષચંદ્ર બોઝનાં મૃત્યુ વિશે કોઈ અધિકારિક જાણકારી નથી.’
ચતુર ગોરો રાજનીતિજ્ઞ જિંદગીનાં પાછલા વર્ષોમાં કબાટમાં રખાયેલાં હાડપીંજરને ખૂલ્લા કરવાથી ડરતો હતો.
૧૯૭૮માં જ સમર ગુહાની કિતાબ ‘નેતાજીઃ ડેડ ઓર અલાઇવ?’ આવી. એક પછી એક તથ્યોની તેમાં સામગ્રી હતી. કોઈ તેનો ઇનકાર કરી શકે તેમ નહોતું.
સમર ગુહા મળ્યા વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈને. સ્વભાવ મુજબ પહેલાં તો ગુહાને ખખડાવી કાઢ્યા. તમે આ શું લઈને બેઠા છો કે સુભાષ જીવતા છે. જીવતાં છે... જીવતા હો તો ? ૧૯૪૬માં જ ભારત વાપસ આવ્યા હોત; ને નહેરુ-સરદાર કોઈ તેમનું સ્થાન લઈ ન શક્યું હોત!
સંસદમાં ચર્ચા ચાલી તો મોરારજીભાઈએ સમર ગુહાની પ્રશંસા કરી અને કહ્યું કહ્યું કે હવે ત્રીજી વાર તપાસથી શું વળશે?
સમર ગુહા તો જવાબમાં ઊભા થયા અને કહ્યુંઃ કોઈ તપાસની જરૂર નથી. હું ઈશ્વરના સોગંધ ખાઈને કહું છું કે નેતાજી જીવંત છે...
સંસદ સ્તબ્ધ!
ગુહાએ થોડાક મહિનાઓ પછી ૧૯૭૮ની એક તસવીર પત્રકારો સમક્ષ પ્રસ્તુત કરી. ‘જયપ્રકાશજીએ પણ તે જોઈ અને ખુશ થયા છે’ એમ કહીને અન્ય નેતાઓનાં નામ આપ્યા પણ ગુહા પોતે જ આ તસવીરી માયાજાળમાં ફસાઈ ગયા હતા. તે માત્ર ફોટોગ્રાફીક ટેક્નિક હતી.
પછી ‘ભારત રત્ન’ વિવાદ ઊઠ્યો. સુભાષબાબુ અને સરદાર પટેલ - બે નામો હતો. બોઝ પરિવારે આ મરણોપરાંત સન્માનનો ઇન્કાર કર્યો.
સરદારના વારસદારોએ સ્વીકાર્યો. ૧૯૯૮માં અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન બન્યાં. રાજસ્થાન અદાલતે પણ નેતાજી-રહસ્ય પર કંઈક થવું જોઈએ તેવી ટિપ્પણી કરી હતી. ૧૪ એપ્રિલ, ૧૯૯૯ એક નવું તપાસ પંચ નિયુક્ત કરવામાં આવ્યું.
નવાં-ત્રીજાં તપાસ પંચની યે એક અજીબ કહાણી હતી, પરદા પાછળ અને નજર સામે કેટકેટલા રંગ પૂરાયા તેને માટે?
‘ભારતરત્ન’ના સન્માનથી કેન્દ્ર સરકારે નેતાજીને નવાજવાની ઘોષણા કરી કે તુરત બંગાળની હાઇ કોર્ટના વકીલ બિજાન ઘોષે અવાજ ઉઠાવ્યોઃ નેતાજીનાં મૃત્યુનો વિવાદ પહેલા ઉકેલો! ૧૯૯૩માં સર્વોચ્ચ અદાલતમાં યાચિકા દાખલ થઈ. ચાર વર્ષ તેમાં વીતી ગયાં. ૧૯૯૭માં જસ્ટિસ સુજાતા મનોહર, જી. બી. પટનાયકની બેંચે ગમગીન સ્વરે કહ્યું કે સરકારે તો ભારત રત્ન એનાયત થશે એવી ઘોષણા કરી દીધી. હવે શું? ‘મરણોપરાંત સન્માન’ શબ્દનું ઔચિત્ય શોધવું જરૂરી નથી. એ પણ આવશ્યકતા નથી કે ૧૮ ઓગસ્ટે સુભાષ મૃત્યુ પામ્યા તેનું તથ્ય કે સત્યના સાબિત કરવા માટેની કોઈ સામગ્રી પણ છે કે નહીં! આ એક વ્યાપક મુદ્દો છે અને રહેશે કે સુભાષ જીવિત છે કે નહીં...
આ ચુકાદાનાં વાદળોની વચ્ચે જાદવપુર યુનિવર્સિટીનાં વિદુષી સંશોધક ડો. પૂરબી રોયની મથામણે તવારિખ રચી. તેમના પતિ સ્વ. કલ્યાણ શંકર રાય સામ્યવાદી નેતા હતા. શ્વસુર કિરણશંકર રાય નેતાજીના નિકટવર્તી સાથીદાર. તેમની પાસે રશિયાથી જાણકારી આવવી શરૂ થઈ કે અરે, ૧૯૪૫ પછી તો સુભાષ અહીં હતા.
અહીં, રશિયામાં!!
ફોરવર્ડ બ્લોકના ડો. ચિત્તા બસુ, જયંત રાય, પૂર્વ સૈનિક અને તત્કાલીન રશિયન એકેડેમી ઓફ નેચરલ સાયન્સના અધ્યાપક એલેકઝાન્ડર કોલેસનિકોવ અને પૂરબી રોય કોલકતામાં એકઠાં થયાં. દસ્તાવેજોનો ખડકલો કંઈક બીજી દિશાનાં અંધારાને ખોલતો હતો.
વોરિશિલોવ.
મિકોયાન.
મોલોતોવ.
વિશુન્સ્કી.
આ બધાં રશિયન પાત્રોની વચ્ચે એક મુદ્દાનો પત્રવ્યવહાર થયો હતો, તે નેતાજીના રશિયન-નિવાસ વિશે!
કોલેસનિકોવે તો કહ્યુંઃ મિત્રો, ભારત સરકારે રશિયાના પુરાલેખ તપાસવા જોઈએ. જુઓ, આ મારો લેખ રશિયન અખબારમાં છપાયો છે, ‘Destiny and death of Chandra Bose.’ ભારત-રશિયા સંબંધોનું સૌથી રહસ્યભર્યું કેન્દ્રબિંદુ જ આ ઘટના છે... સોવિયત સંઘની સરકાર ખામોશ છે...
ચિત્તા બસુ મોસ્કોથી આ સામગ્રી લઈને આવ્યા પણ લોકો સમક્ષ પ્રસ્તુત કરે તે પહેલાં એક રેલ-દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા.
પરંતુ પૂરબી રોયે દૃઢતાથી વાતને આગળ ધપાવી. ‘ભારત સરકાર મારા રશિયામાં કરવાનાં સંશોધનને માટે એક ભલામણ પત્ર લખી આપે... હું જઈશ... દુરસુદુર રશિયામાં ભ્રમણ કરીને ભાળ મેળવીશ કે આપણા નેતાજીની નિયતિ શું હતી?’
ભારત સરકારનું મૌન અને સરકારી બાબુઓનું શુકરટણ કે ભારત સરકારે માન્યું છે કે નેતાજી ૧૮ ઓગસ્ટ, ૧૯૪૫ના વિમાની દુર્ઘટનામાં માર્યા ગયા છે એટલે આવી તપાસનો કોઈ અર્થ નથી. આમાં લાગણી વધુ છે, તર્ક જરીકેય નથી!
વળી પાછી સર્વોચ્ચ અદાલતમાં વાત આવી. ન્યાયમૂર્તિઓએ સ્પષ્ટ કહ્યું કે રેંકોજી દેવળમાં પડેલાં અસ્થિ પાછા લાવતાં પહેલાં એ તો નક્કી કરો કે એ ખરેખર નેતાજીના જ અસ્થિ છે ખરાં? બીજો ચુકાદો તો નવી તપાસનો સંકેત આપતો હતો...
એપ્રિલ, ૧૯૯૮માં અટલ બિહારી વાજપેયી દેશના વડા પ્રધાન બન્યા. સમર ગુહા સાથે તેમની અંગત મૈત્રી હતી અને સુભાષ-તથ્ય જાણવા તેઓ પણ આતુર હતા. ૧૪ એપ્રિલે નવા તપાસ પંચની વિધિસર ઘોષણા થઈ.
મનોજકુમાર મુખરજી, સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ - જેમણે મુંબઈ, લખનૌમાં પણ મુખ્ય ન્યાયમૂર્તિ પદે કાર્ય કર્યું હતું - તેમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા. આ તપાસનો એક વર્ગ તરફથી વિરોધ થયો, મજાક ઉડાવવામાં આવી. ‘ધ ટેલિગ્રાફ’ના તંત્રીલેખમાં એમ. જે. અકબરે (૨૮ માર્ચ, ૨૦૦૦) આકરી ભાષામાં લખ્યું કે નવી તપાસની જરૂરત જ ક્યાં છે? આ તો નાણાની બરબાદી છે અને સત્ય છૂપાવવાનો રસ્તો છે!
કથિત ઇતિહાસકારો પણ આ વિરોધગીતમાં જોડાયા. જેએનયુના અધ્યાપકો તેમાં આગળ હતા. સામ્યવાદી રંગની ઇમારતમાં ક્યાંક પોપડા ઉખડવા માંડે એવો તેમને ડર હતો. વર્ષોથી જાપાન - જર્મની - બોઝને ફાસિસ્ટ અને નાઝીવાદી કહેવાની રસમ થોભાવી દેવી પડે તેવાં તથ્યો બહાર આવે તો? તેમને મન તો હિન્દુસ્તાનની ગતિ - પ્રગતિ - મુક્તિના મસિહા માત્ર જવાહરલાલ હતા ને!
તપાસ પંચે અનેકોને તપાસ્યા. ડો. સહગલે ગૂંચવાડા સાથે કેટલાક સંકેતો આપ્યા. લોર્ડ માઉન્ટબેટનને જવાહરલાલ નેહરુએ મોકલેલા સંદેશા વિશે સ્પષ્ટ જણાવ્યું કે નેતાજીને ભારતની બહાર જ ક્યાંક રાખવાની એ સાજીશ હતી, આંતરરાષ્ટ્રીય સાજીશ.
પણ કેન્દ્ર સરકારના સરકારી વિભાગો કોઈ રીતે સહયોગ કરવા તૈયાર નહોતા. જે ફાઈલોની પંચે વારંવાર માંગ કરી તેનો નઠોર જવાબ જ મળતો હતો - અમે એક સીમા સુધીની સામગ્રી જ આપી શકીએ તેમ છીએ.
બાકીની સામગ્રી પર શું તેમનો ઇજારો હતો? કે ‘લકીરના ફકીર’ બનીને સરકારી અફસરો જડતાપૂર્વક વર્તી રહ્યા હતા? કે પછી નેતાજી-રહસ્ય ખૂલ્લું ન પડે તે માટે કોઈ પરિબળ કામ કરી રહ્યું હતું?
વિદેશ ખાતું પોતાની વાત પર કાયમ રહ્યું, તાઇવાન સાથે આપણાં રાજનયિક સંબંધો નથી અને તેની પાસે કોઈ દસ્તાવેજો પણ નથી!
ખરેખર?
રાષ્ટ્રપતિ ચેન શૂઈ બિયનને નેતાજી સંશોધનમાં ગળાડૂબ પત્રકાર અનુજ ધરે પત્ર લખ્યો તો પ્રચાર વિભાગના મંત્રીએ જણાવ્યું કે ૧૮ ઓગસ્ટ, ૧૯૪૫ના તાઇકોહુ વિમાન મથકે કોઈ વિમાની અકસ્માત જ થયો નહોતો. દસ્તાવેજોમાંથી મળતી માહિતીના આધારે અમેરિકન વિમાન સી-૪નો અકસ્માત સપ્ટેમ્બર ૧૯૪૫માં થયેલો, એ માઉન્ટ ટ્રાઇડેંટ પાસેના
તોયતુંગ વિસ્તારમાં થયો, તેમાં ૨૬ યુદ્ધ કેદીઓ હતા... સુભાષ નહીં!
તપાસ પંચે આ સૂચનાના આધારે તપાસ શરૂ કરી. ભારત સરકારે કોઈ સંપર્ક જ ના કર્યો. અરે, તેમની ફાઇલોમાં કથિત દુર્ઘટનાના જાપાની દસ્તાવેજો જ નહોતા મળતા એમ પંચને જણાવી દેવાયું. તાઇવાનને ભારત સરકારે માન્યતા આપી નથી એટલે તેમની સાથે સીધો પત્રાચાર થઈ શકે નહીં એવું જ આ દિલ્હીના તોતા-બાબુઓ જણાવતા રહ્યા. મુખરજી પંચે જાતે જ તાઇવાનના અફસરોની સાથે સંપર્ક સાધવાનો નિર્ણય લીધો, એટલે વિદેશી ખાતું ગુસ્સાથી લાલચોળ થયું, આવી ગુસ્તાખી? જે કરીશું તે અમે કરીશું! પંચે ફરી વાર પૂછયું ત્યારે એ જ જવાબ મળ્યો કે તપાસમાં કંઈ હાથ લાગ્યું નથી. તાઇવાનના રાષ્ટ્રીય અભિલેખાગારમાં કોઈ દસ્તાવેજ જ નથી...
મુખરજી ઇચ્છતા હતા કે તેઓ જાતે તાઇવાન જઈને તપાસ કરે. પણ જવા કોણ દે? છેવટે મહાપ્રયત્ને મુખર્જી ૨૦૦૬માં તાઈવાન પહોંચ્યા. તેમનો ઇરાદો દૃઢ હતો કે ભલે સરકારો બદલી હોય (એનડીએ પછી યુપીએ), નેતાજી વિશે સોંપેલા કાર્યને મારે પ્રામાણિકતા અને નિષ્ઠાપૂર્વક પૂરું કરવું જ છે. ન્યાયાધિશમાં બેઠેલા ‘બંગાળી માણુષ’નો આ સંકલ્પ અને ઇરાદો હતો. ભારે સમજાવટ અને ધીરજથી રાહ જોયા બાદ તેમને ૧૮ ઓગસ્ટ, ૧૯૪૫નું અંતિમ સંસ્કારોનું રજિસ્ટર શોધીને આપવામાં આવ્યું.
પાક્કો દસ્તાવેજ.
જાપાની ભાષા.
૨૫ પાનાં.
૨૭૩ લોકોનું વિવરણ. જેમાં જાપાની, અંગ્રેજ અને ચીની લોકો સામેલ હતા.
આ તમામ મૃતદેહોની ૧૭ ઓગસ્ટ, ૧૯૪૫થી ૨૭ ઓગસ્ટ, ૧૯૪૫ની વચ્ચે સ્મશાનગૃહમાં અંતિમવિધિ થઈ હતી. કેટલાકને દફનાવાયા. કેટલાકના અગ્નિ સંસ્કાર કરાયા.
જાપાની નિષ્ણાતે આ દસ્તાવેજો ઉકેલ્યા અને જણાવ્યુંઃ
‘આમાં કોઈ સુભાષ બોઝનું નામ નથી. આમાં કોઈ જનરલ શિદેઈનું નામ નથી.’
આમાં કોઈ મેજર તાકીજાવા સામેલ નથી. કોઈ વિમાન જ અઢારમીએ દુર્ઘટનાગ્રસ્ત થયું નહોતું!
...તો પછી આ દુર્ઘટનાની દંતકથા આટલા દીર્ઘ સમય સુધી ચાલતી કેમ રહી?
કોણે ચાલતી રહેવા દીધી?
તપાસ પંચના અધ્યક્ષ મનોજ મુખરજી કાચી માટીના માણસ નહોતા. અગાઉના તપાસ પંચોની નજર સામે તો જવાહરલાલ અને તેમનો વંશ હતો, ભલભલા લોકો તેમાં પીગળીને મીણબત્તી થઈ ગયા હતા એટલે સત્ય સુધી પહોંચવાનું માંડી વાળવામાં આવ્યું હતું.
આ ન્યાયમૂર્તિ તેમના પ્રતાપી પૂર્વજની જીવનસંધ્યાનાં રહસ્ય સુધી પહોંચીને દેશ, દેશવાસી અને ઇતિહાસ, ત્રણેયને ન્યાય આપવા મથી રહ્યા હતા.
તેમણે એક પછી એક કોકડું ઉકેલવા માંડ્યું.
ડો. તેનાયોશી યોશોમીએ તપાસ પંચ સમક્ષ એવું કહ્યું હતું કે નેતાજીનાં દુર્ઘટનામાં મૃત્યુ થયાનું પ્રમાણપત્ર પોતે આપ્યું હતું. તેમાં ‘કટા કના’ નામ આપવામાં આવ્યું હતું, જેનો જાપાની ભાષામાં ‘ચંદ્ર બોઝ’ અર્થ થતો હતો. ૧૯૫૫માં જાપાન સરકારે ભારતને જણાવ્યું કે ‘ઇચિરો અકુરા’નું પ્રમાણપત્ર તો નેતાજીનાં મૃત્યુને છૂપાવી રાખવા માટેનો ખેલ હતો!
જસ્ટિસ મુખરજીએ તો બીજા અનેક સાક્ષીઓની પૂછપરછ કરી. નેતાજીને ઇચિરો ઓકુરા નામ આપીને તેમનું મૃત્યુ જાહેર કરાયું હોય તો તેની ખોજ જરૂરી હતી. ઓકુરાનો જન્મ ૯ એપ્રિલ, ૧૯૨૦ના થયો અને મૃત્યુ ૧૯ ઓગસ્ટ, ૧૯૪૫. આમાં સુભાષચંદ્ર બોઝની સાથે કોઈ ઘટનાનો સંયોગ દેખાતો નહોતો. શાહનવાઝ અને ખોસલાએ આ રહસ્યને વજુદ જ ન આપ્યું. ખોસલાએ તો એવું યે માની લીધું કે યુદ્ધકાલીન દસ્તાવેજો નષ્ટ થઈ ગયા હતા, યોશિમીનાં પ્રમાણપત્રનું યે એવું જ થયું હશે.
પણ વાત એમ નહોતી. દસ્તાવેજો તો જાપાનમાં સહીસલામત હતા. આ કંઈ ભારતની નોકરશાહી થોડી હતી, જેની ફાઇલો માત્ર ઉધઈનો ખોરાક બનતી રહે છે. સમર ગુહા, સુનીલકુમાર ગુપ્તાએ જાપાન જઈને આમાંના કેટલાક દસ્તાવેજો નજરે નિહાળ્યા, ચકાસ્યા અને માહિતી મેળવી હતી. એ વર્ષ ૧૯૭૩નું હતું, ૧૯૬૬માં પણ શક્ય બન્યું હતું. ૧૯૫૫નો અહેવાલ હતો કે એ દિવસ (૧૮ ઓગસ્ટ)ના કોઈ જ દસ્તાવેજમાં નેતાજીનાં મૃત્યુની જિકર નથી જસ્ટિસ મુખરજીએ યોશિમીના ખેલને રહસ્યમય ગણાવ્યો, ખોસલા તો તેને જ માન્ય કરીને નેતાજીનાં અવસાનની સાબિતી આપતા હતા!
નેતાજીનાં મૃત્યુનું ‘પ્રમાણપત્ર’ છેક ૧૯૮૮માં યોશિમીએ જાહેર કર્યું, અને તે પણ મૂળ પ્રત તો હતી જ નહીં. જસ્ટિસ મુખરજીએ પૂછયું તો કહ્યુંઃ ‘મને તેની ખાસ ખબર નથી.’ મુખરજીએ પોતાના અહેવાલમાં સ્પષ્ટ કર્યું કે યોશિમીએ જણાવેલું પ્રમાણપત્ર તદ્દન નકલી હતું.
તો પછી નેતાજી ક્યાં ગયા? અકસ્માતના દિવસના ધૂમ્મસમાં આ મહાનાયકનાં પગલાં કઇ તરફ દોરાયાં?
એ જાણવા પહેલો નિર્દેશ મળતો હતો. રશિયાની તપાસ.
જસ્ટિસ મુખરજીએ ભારત સરકારને જણાવ્યું કે વધુ તપાસ માટે પંચને રશિયા જવાની સુવિધા પૂરી પાડવી જોઈએ.
ઇ.સ. ૨૦૦૧
ઇ.સ. ૨૦૦૩
ઇ.સ. ૨૦૦૫...
વર્ષો વીતવા લાગ્યાં, સરકારની હા-ના ચાલતી રહી. વિદેશ વિભાગે તો પંચને જણાવી દીધું કે રશિયા પાસે કોઈ દસ્તાવેજો નથી. પંચની સમયાવધિ પૂરી થવા પર હતી. જસ્ટિસ મુખરજી ગૃહ પ્રધાન શિવરાજ પાટિલને મળ્યા. દેશના ગૃહ પ્રધાને - આ મોટા ગજાંના આયોગના અધ્યક્ષને - બેસવા ખુરશી પણ ન આપી! તેનાથી વિપરિત એવું કહ્યું કે તપાસ વધુ લંબાતી રહી છે તેમાં નાણાંની બરબાદી થાય છે.
અટલ બિહારી વાજપેયી સ્વયં વડા પ્રધાન ડો. મનમોહન સિંહને મળ્યા. તેમની સાથે ડો. મુરલી મનોહર જોશી પણ હતા. તેમણે જણાવ્યું કે તપાસનું કામ નિષ્ઠાપૂર્વક ચાલી રહ્યું છે તો પંચની મુદત વધારવામાં આવે.
(ક્રમશઃ)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter