સુભાષકથાઃ અંતિમ અધ્યાય (ભાગ-૨૮)

ઓકરામાં જે દર્શાવાયું તે પ્રમાણિત કરે છે કે તે મૃતદેહ નેતાજીનો નહોતો

Wednesday 12th October 2016 06:48 EDT
 
 

અટલ બિહારી વાજપેયી સ્વયં વડા પ્રધાન ડો. મનમોહન સિંહને મળ્યા. તેમની સાથે ડો. મુરલી મનોહર જોશી પણ હતા. તેમણે જણાવ્યું કે તપાસનું કામ નિષ્ઠાપૂર્વક ચાલી રહ્યું છે તો પંચની મુદત વધારવામાં આવે.
૨૦૦૫માં પંચની મુદત વધારવાનો સરકારે નિર્ણય લીધો એટલે ૨૦-૩૦ સપ્ટેમ્બર, ૨૦૦૬ના દિવસોમાં રશિયાના પ્રવાસનું નક્કી કરવામાં આવ્યું. તપાસ પંચમાં ડો. પૂરબી રોય અને ‘પાયોનિયર’ના સંપાદક ઉદયન નામ્બુદ્રીને સામેલ કરાયા. મોસ્કો, ઓમ્સ્ક, ઇરકુત્સક, સેંટ પીટર્સબર્ગના અભિલેખાગારોની મુલાકાત લેવામાં આવી.
સાઇબિરિયામાં સોવિયેત સંઘના ‘કોન્સન્ટ્રેશન કેમ્પ’ની વિગતો મળી. બે મોટા ગ્રંથોમાં નેતાજી રશિયા આવ્યાનો કોઈ નિર્દેશ મળ્યો નહીં.
અધિકારીઓએ કહ્યુંઃ કેન્દ્રીય સ્થાનેથી તે વિગતો પ્રાપ્ત થઈ શકે.
કેન્દ્રીય એટલે લુંબ્યાંકા.
અરે, આ તો એલેકઝાંડર સોલ્ઝેનિત્સિને તેની બૃહદ કથા ‘ગુલાબ આર્કીપિલેગો’માં વર્ણવેલું ભીષણ કેદખાનું!
તપાસ પંચને સ્ટેટ આર્કાઇવ્ઝના સામાજિક-રાજકીય ઇતિહાસ વિભાગમાં જવાનું બન્યું. ત્યાં બે ફાઇલો હતી. એક નેતાજી વિશે, બીજી તેમના ભાઈ શરતચંદ્ર બોઝ વિશેની. ૧૯૪૨-૧૯૫૬ વચ્ચેના લેખો, નોંધો
વગેરે તેમાં હતાં... નામ્બુદ્રીએ પૂછયું કે રશિયાને બોઝ
વિશે આટલો બધો રસ કેમ પડ્યો કે તેની ફાઇલો તૈયાર કરાઈ હતી?
ડો. પૂરબી રોયે કેટલાક રશિયનોની પૂછપરછ કરી. પ્રો. બોરિસ સોખોલોવ - જે બીજાં વિશ્વયુદ્ધના નિષ્ણાત હતા - તેમણે કહ્યુંઃ જો ૧૯૪૫માં બોઝ ખરેખર રશિયા આવ્યા હતા તો તેમને માટે તે મોટું કાર્ય (ઓપરેશન) હતું - લગભગ એક મહિના જેટલું જો તેઓ આવ્યા હોય તો આર્કાઇવ્ઝ ઓફ સ્પેશિયલ સર્વિસિઝમાં તેની નોંધો જરૂર હોવી જોઈએ.
એક બીજા તજજ્ઞ પ્રા. ઇ. એન. કોમોરોવે ડો. પૂરબી રોયને માર્મિક રીતે કહ્યુંઃ ‘એમ માનીને ચાલવું જોઈએ કે નેતાજી રશિયામાં હતા અને તેમનું મૃત્યુ અહીં થયું.’
તેમનું વિધાન અર્થપૂર્ણ હતુંઃ ‘સોવિયેત રશિયા હંમેશા શરણાર્થી રહેલા દિગ્ગજો પ્રત્યે સન્માન રાખતું આવ્યું છે. જેમ કે સુકર્ણો. પણ એ નેહરુને પસંદ કરતા નહોતા. શક્ય છે કે સ્તાલિન સુભાષને પસંદ કરતા હતા...’
કોલેસનિકોવ ક્યાં હતા, જેમણે ‘રશિયામાં સુભાષ’ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો? પંચે તપાસ કરી. આ મહાનુભાવ રશિયામાં રહેતા નહોતા. તુર્કીમાં નિવાસી બની ગયા હતા... એ ન મળ્યા તે ન જ મળ્યા!
કોઈ એક તપાસ પંચ ખરેખરા અર્થમાં કેવું - કેટલું મહત્ત્વનું કામ કરવા, દિવસ-રાત એક કરીને હેતુ સુધી પહોંચવાનો મહા-પ્રયાસ કરે છે તેનું ઉદાહરણ મનોજકુમાર હતા. તેમના ત્રણ ભાગમાં લખાયેલા અહેવાલનો નિષ્કર્ષ ભારતમાં નેતાજીને ભૂલાવી દેવાની કોશિશ કરનારાઓને સંશોધનાત્મક પ્રત્યુત્તર બની રહ્યો.
પરિશિષ્ટો, મુલાકાતો, દસ્તાવેજો, સાક્ષીઓ, પ્રવાસોના આધારે તથ્ય સુધી પહોંચવાની તેમની મહેનત રંગ લાવી. સમર ગુહાનો આત્મા જ્યાં હોય ત્યાં રાજી થયો હશે, હરિ વિષ્ણુ કામથે ય સંતોષનો શ્વાસ લીધો હશે.
જસ્ટિસ મુખરજીનો નિષ્કર્ષ કંઈક આ પ્રકારનો હતોઃ
... જો ખરેખર તથ્ય સુધી પહોંચવું હોય તો પહેલાં વિમાન-દુર્ઘટના, તેમાં નેતાજીનું મૃત્યુ અને અંત્યેષ્ટિની કહાણી સમગ્ર રીતે તરાશવી પડે તેમ છે. માત્ર કેટલાક સાક્ષીઓએ પહેલાંના પંચો સમક્ષ કે અત્યારે જે કંઈ કહ્યું એટલાથી જ પાકો નિર્ણય બાંધી શકાય નહીં. હવે, માનો કે નેતાજીનું અવસાન ૧૮ ઓગસ્ટ, ૧૯૪૫ના વિમાન-અકસ્માતમાં થયું હતું એમ માની લેવામાં આવે તો તે વિશે જે સાક્ષીઓએ વાતો કરી છે તેને પહેલાં તપાસવી પડે. એક તો સંભાવનાનો અંદાજ અને બીજું ‘વ્યક્તિ ખોટું બોલી શકે પણ તે સમય નહીં,’ તેનો આધાર રાખવો જ રહ્યો.
નેતાજીનાં મૃત્યુ અને અંત્યેષ્ટિ માટે દસ્તાવેજો શું કહે છે? જો આધિકારિક દસ્તાવેજો જ ન મળે તો પછી સાક્ષીઓના અભિપ્રાયોનો કોઈ ખાસ અર્થ રહેતો નથી.
એટલું તો તદ્દન સ્પષ્ટ છે કે જાપાની સેનાની મદદ વિના નેતાજી ક્યાંય અદષ્ટ થઈ શકે તેમ નહોતા. એવો નિર્ણય પણ તેઓ લઈ શકે તેવા સંજોગો નહોતા.
શાહનવાઝ - ખોસલા સમિતિ તપાસ પંચના બયાનોમાં યે સ્પષ્ટ થાય છે કે જાપાન નેતાજીના પ્રયાસોમાં સંપૂર્ણ સહભાગી હતું નેતાજીને જાપાનમાંથી સુરક્ષા સાથે બહાર મોકલવા માટેની યોજના તૈયાર કરવામાં આવી હતી, તેમાં જાપાની સેના અને હબીર્બુર રહેમાન - બન્ને સામેલ હતા. નેતાજી સોવિયેત રશિયા જવા માગતા હતા.
નેતાજીના નામે - જે વ્યક્તિ અકસ્માતમાં મૃત્યુ પામ્યો તે - ઇચિરો ઓકુરા જાપાનીઝ સૈનિક હતો. ૧૯ ઓગસ્ટ, ૧૯૪૫ તેને હૃદયરોગનો હુમલો થતાં મૃત્યુ પામ્યો અને ૨૨ ઓગસ્ટે તેના અગ્નિસંસ્કાર કરાયા હતા. તેને જ ‘નેતાજીનાં અકસ્માતમાં મોત અને અંતિમ સંસ્કાર’ના સ્વરૂપે દુનિયા સમક્ષ પ્રસ્તુત કરી દેવાયાં! આવું જાપાન સરકારે એટલા માટે કર્યું કે નેતાજી સહીસલામત બહાર છટકી
જઈ શકે.
તાઇપેઇ મ્યુનિસિપલ બ્યુરોના કર્મચારીઓ આ યોજનાથી અજાણ હતા. તેમને માટે ઓકરા કે નેતાજી - કોનો મૃતદેહ છે એની જાણકારી નહોતી, એ જાપાની સેના અને હબીર્બુર રહેમાને કહ્યું તે પ્રમાણે વર્ત્યા.
જાપાની બૌદ્ધ રીતરસમ પ્રમાણે મૃતદેહને છેલ્લા અગ્નિ સંસ્કાર પૂર્વે ત્રણ દિવસ સુધી રાખવામાં આવે, પછી અગ્નિ સંસ્કાર કરવામાં આવે, તેમનાં અસ્થિ શોધીને રાખમાં સામેલ કરાય છે ઓકરામાં જે રીતે દર્શાવવામાં આવ્યું તે પ્રમાણિત કરે છે કે તે નેતાજીનો મૃતદેહ નહોતો.
આમાં હબીર્બુર રહેમાને મુખ્ય ભૂમિકા ભજવવાની હતી. તે પ્રમાણે તે વર્ત્યા. મૃતદેહની ફોટોગ્રાફી તો કરાઈ, પણ ચહેરાની નહીં!
રહેમાને એવું વર્ણન કર્યું કે વિમાન ઊંચે ઊડતાં સીધું જમીન પર પછડાયું. જો એમ હોય તો તેમાં રહેલા ૧૨-૧૩ મુસાફરોનાં મોત નિશ્ચિત હતાં. આ સ્થિતિમાં નેતાજી પેટ્રોલ ટેન્કની પાસે રહી શકે તે શક્ય જ નહોતું, પછી બચી જવાનો થોડા સમય માટે ય, સવાલ નહોતો. અને, રહેમાને - નેતાજી સાથેના આઝાદ ફોજના એકમાત્ર મુસાફરે - તેમની ફોજના અન્ય અફસરોને, બેંગકોક - ટોકિયો - સાઇગોનમાં માહિતી આપીને ઘટનાના ભાગીદાર કેમ ન બનાવ્યા? તે ખામોશ રહ્યા, તપાસ પંચોને ય એક જ વાત કરતા રહ્યા, કેમ કે જાપાનની બહાર નેતાજી ચાલ્યા જાય એ યોજનાનો તે મહત્ત્વપૂર્ણ ભાગ હતા.
એટલે જસ્ટિસ મુખરજીએ લખ્યુંઃ ‘તમામ પ્રમાણો અને તથ્યોની તપાસ કરતાં એટલું પ્રમાણિત થાય છે કે ૧૭ ઓગસ્ટ, ૧૯૪૫ના સાઇગોનથી વિમાની મુસાફરી કરી રહેલા નેતાજીએ મિત્ર રાષ્ટ્રોની આંખોમાં ધૂળ નાખીને છટકી ગયા હતા. આ હકીકતને છૂપાવવા માટે વિમાન - અકસ્માત, તેમાં નેતાજીનું મોત, અને તેમની અંત્યેષ્ટિની છદમ જાળ રચવામાં આવી. તેમાં બે તબીબો પણ સામેલ હતા તેમના કહેવા પ્રમાણે એસ. એ. અય્યરે અહેવાલ તૈયાર કર્યો તેને આઝાદ ફોજની માન્યતા મળી. આ ઘટના પછી નેતાજી રશિયા પહોંચ્યા કે નહીં તે વાતનું કોઈ પ્રમાણ ન હોવાથી તે વિશે ખુલાસો થઈ
શકે નહીં.’
મુખરજી તપાસ પંચનો અહેવાલ ૧૮ મે, ૨૦૦૬ના દિવસે ભારત સરકારે અસ્વીકૃત કર્યો. ‘બીજા ઘણા તપાસ પંચોના અહેવાલો સરકારે રદ કર્યા છે એ રીતે આમાં કરાયું છે. તેમાં નવું કશું નથી.’ આ શબ્દો સંસદમાં પ્રણવ મુખરજીએ કહ્યા હતા. ઘટનાનું કેન્દ્ર નેતાજી બંગાળી તપાસ કરનાર ન્યાયમૂર્તિ બંગાળી અને સરકાર તરફથી નામંજૂરી કરવાની જાહેરાત કરનાર પણ બંગાળી!! ૧૯૭૮માં ઘોષિત તપાસ પંચનો છેલ્લો પડાવ ૨૦૦૬માં અને તે પણ અસ્વીકારનો. મોરારજી દેસાઈની સરકાર તો દૃઢતાથી માની રહી હતી કે નેતાજીના મૃત્યુ વિશે કોઈ પ્રમાણ નથી. અગાઉના અહેવાલો શંકાના દાયરામાં છે. તપાસ થવી જ જોઈએ. હાઈ કોર્ટના ચુકાદામાં (૧૯૯૯) પણ આ જ માગણી કરવામાં આવી હતી. બીજી સરકાર આવી - જેના મુખ્ય પક્ષ કોંગ્રેસના જ જે ૧૯૩૭માં રાષ્ટ્રીય અધ્યક્ષ હતા તેમના મૃત્યુની - તપાસના અહેવાલને જ તે જ પક્ષે રદ્દ કરી નાંખ્યો. ચમત્કારો આજે ય બને છે! કે કૃતઘ્નતા યત્ર, તત્ર, સર્વત પ્રભાવી રહે છે? ૨૦૦૫માં મનમોહન સિંહ વડા પ્રધાનપદે હતા ત્યારે પણ સરકારી વકીલે પંચ સમક્ષ જણાવ્યું હતું કે નેતાજીનું મૃત્યુ જણાવાયું તે સ્થાને થયું નથી અને અમને તેના તાઈવાનમાં પ્રમાણો મળ્યાં છે.
તો પછી આવું કેમ બન્યું?
મુખરજી તપાસ પંચની અસ્વિકૃતિ પછી રુદ્રજ્યોતિ ભટ્ટાચાર્ય અને બીજા અદાલતના દરવાજે પહોંચ્યા ત્યારે સરકારે આપેલા નિવેદનમાં અમેરિકા-બ્રિટિશ ઈન્ટેલીજન્સના કેટલાક અહેવાલ ટાંકીને જણાવાયું કે નેતાજીનું મૃત્યુ વિમાની અકસ્માતમાં થયું હતું. તેની ખિલાફના કોઈ પ્રમાણ છે જ નહીં.
ખોસલા - શાહનવાઝ પંચને માની લેવાનો સરકારી અંદાજ તેમાં રહેલા વિરોધાભાસોની ચાડી ખાતો હતો. અરે, તે સાક્ષીઓની ગવાહીમાં જ કેવા બાકોરાં હતાં? તાકાહાશીએ કહ્યું કે વિમાન દુર્ઘટના પછી બળ્યાઝળ્યા નેતાજીને બચાવવાની મેં કોશિશ કરી, રહેમાને નહીં. નોનોગાકીએ કહ્યું કે અમે નેતાજીને બચાવવાનો પ્રયાસ કર્યો તો નાકામુરાનું કહેવું હતું કે એ કામ તો મેં એકલા એ જ કર્યું હતું!
છેક ૧૯૪૬માં બ્રિટિશ ઈન્ટેલિજન્સનો મુખિયા કર્નલ એન્ડર્સન એ જ ગૂંચવાડાના ઉકેલ માટે સક્રિય હતો કે નેતાજીના મૃત્યુનું ખરેખર પ્રમાણ અને પ્રમાણપત્ર જ ક્યાં છે?
કેન્દ્ર સરકારને નેતાજીના મૃત્યુની ખરેખરી તપાસમાં કોઈ દિલચશ્પી જ નહોતી તે પ્રમાણિત કરવા માટે ‘નેતાજી મિશન’ના પત્રકાર અનુજ ધરે અને તેમના મિત્રોએ લગાતાર પ્રયાસો કર્યાં. ઓસ્ટ્રેલિયા, અમેરિકા, બ્રિટન, તાઈવાની ફાઈલો, વિદેશ મંત્રાલય, વર્ગીકૃત ફાઈલો, ખુલ્લી કરવાની માગણી, સી.આઈ.એ.ના
કેટલાક દસ્તાવેજો. આ જહેમત થતી રહી. (ક્રમશઃ)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter