સુભાષકથાઃ અંતિમ અધ્યાય (ભાગ-૬)

હિટલરે કહ્યુંઃ ચંદ્ર બોઝ મારે જર્મનીને બેઠું કરવું છે, બાકી બધું ગો ટુ હેલ!

વિષ્ણુ પંડ્યા Wednesday 13th April 2016 07:24 EDT
 
 

ખુદ સુભાષ જ ત્યાં પહોંચી ગયા. આખી દાસ્તાન કહી... થોડી આશા બંધાઈ પણ વાત એટલી સરળ નહોતી.
કાબુલ પોલીસને ગંધ આવી ગઈ હતી કે આ ભગતરામ કોઈક એવી વ્યક્તિને લાવ્યો છે જેની પાછળ રહસ્યોનો પડછાયો છે.
પણ કાબુલ છોડીને જવું ક્યાં?
એટલે એક બીજી વ્યક્તિ મળી ગઈ. જાણે કે દેવતાએ દૂત મોકલ્યો. નામ ઉત્તમચંદ મલ્હોત્રા. રેડિયોની દુકાન ચલાવે છે. કાબુલનો જાણીતો વેપારી.
ભગતરામે જઈને ઓળખ આપી, ‘જેને બ્રિટિશરોએ ફાંસીની સજા ફરમાવેલી તે હરિકૃષ્ણનો હું નાનો ભાઈ.’
ભગતરામ તો તેમને હર્ષપૂર્વક ગળે વળગી પડ્યા. પછી ધીમા અવાજે વાત શરૂ થઈઃ સુભાષ બાબુ અહીં - કાબુલ -માં પહોંચી ગયા છે, ગુપ્તચર તંત્રની આંખમાં ધૂળ નાખીને. અત્યારે તેમના એલગિન રોડ પરના મકાનની આસપાસ ૬૨ ગુપ્તચરો આંટા મારે છે. કોલકોતા, મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, અમદાવાદ, લખનૌ સુધી તંત્ર તપાસ કરી રહી છે. દરેક બંદરગાહ તપાસ્યાં. વિમાની મથકો પર ચોકી પહેરો. પણ સુભાષ...
ઉત્તમચંદની આંખોમાં ચમક આવી ગઈ.
સુભાષ તેમને ઘરે ‘મહેમાન’ બન્યા. ખુદ અને નારાજ સ્તબ્ધ પત્ની પૂછપરછ કરવા માંડી. ‘આ કોને તમે ઘ માં લાવ્યા છો? પછી ઉત્તમચંદે નામ આપ્યું તો દોડીને સુભાષના ચરણોમાં. બિમારીના બિછાનેથી સુભાષની સારવાર કરીને તરોતાજા કરી દીધા. સુભાષ કહેઃ ‘મને મારાં ભાભી યાદ આવી ગયાં...’
સુભાષે શિદેઈનો હાથ પકડી લીધોઃ તમે પણ ઇશ્વરમાં માનો છો ને?
શિદેઈઃ હા, બિલકુલ. આવડું મોટું વિશ્વ તેના થકી તો ચાલે છે.
સુભાષઃ મને ય આવા દરેક વળાંકે અનુભવાયું કે ઇશ્વર છે. મારો પોતાનો ઇશ્વર છે અને તે જ ધર્મપથ બતાવે છે. અમારા વિવેકાનંદે કહ્યું હતું કે ‘શક્તિ અને સાહસ જ ધર્મ છે. દુર્બળતા અને કાયરતા પાપ છે. સ્વાધીનતા ધર્મ છે, પરાધીનતા એ પાપ!’ તેણે મને કાયમ હાથ પકડીને આગળ દોર્યો પછીની પરાક્રમ કથાના તો કેટલા બધા રંગધનુષ હતા!
કાબુલથી યાત્રા શરૂ થઈ.
૧૮ માર્ચ, ૧૯૪૧.
વાસંતી દિવસોમાં ભગતસિંહ - રાજગુરુ - સુખદેવનું સ્મરણ થઈ આવ્યું, ગાયું હતું બલિદાનના મારગે તે ત્રણેય ફૂટડા યુવાનોએ, ‘મેરા રંગ દે બસંતી ચોલા..’
ગાંધી તેમને બચાવી ના શક્યા. અસહકારી જેલવાસીઓ તો છૂટ્યા, ગાંધી - ઇરવિન કરારે ભગતસિંહની ફાંસીને રદ ના કરી.
અહીં યે લક્ષ્યની વચ્ચે કેટલા બધા અ-સંભવ પહાડ હતા.
દોઢ મહિના સુધી ઉત્તમચંદને ત્યાં રહેવું પડ્યું, ભગતરામને પાછા વાળ્યા. ઐતિહાસિક લાહોર થઈને કોલકાતા પહોંચ્યા. શરદબાબુને પાક્કી માહિતી આપી તો પરિવાર ખુશીનો માર્યો ઝૂમી ઊઠ્યો, ‘અમારો સુભાષ! જીવંત સુભાષ!!’
કાબુલમાં સુભાષ વિપ્લવી યોજના ઘડી ચૂક્યા હતા, છેક નેપાળ અને બર્મા સુધીની જાળ બિછાવવામાં આવી હતી. એક સંદેશો પણ પત્રિકારૂપે ફરતો થયો જેની નીચે લખ્યું હતુંઃ ‘From somewhere in Europe.’
યુરોપમાં?
ક્યાં?
બ્રિટિશ-અમેરિકી જાસૂસીતંત્ર ચારેતરફ શોધખોળ કરવા માંડ્યું હતું, ક્યાં છે આ રાજદ્રોહી વિપ્લવી? ક્યાં છે? કોર્ટે એલગિન માર્ગ પરના મકાનની કેટલીક જગ્યા જપ્ત કરવા યે આદેશ કર્યો.
૬ નવેમ્બર, ૧૯૪૧.
બર્લિનમાં એક નાની સરખી નિમંત્રણ-પત્રિકા વિતરિત થઈ, ભારતીયોને માટે. આમંત્રણ હતુંઃ સિનોર આર્લેડો મોજોટ્ટાનું.
આ સિનોર કોણ?
દુનિયાભરમાં સુભાષની શોધખોળ ચાલુ હતી એટલે બર્લિનમાં પણ આગની માફક વાત ફેલાઈ ગઈઃ આ સિનોર આર્લેંડો મોજોટ્ટા એ જ...
ખરેખર? એ જ સુભાષ?
કાબુલથી ઇટાલિયન પાસપોર્ટ પર સુભાષ નીકળ્યા અને મૌલવી ઝિયાઉદીનને પાછળ મૂકી દીધો! પાસપોર્ટમાં નામ સિનોર આર્લેંડો મેજોટ્ટાનું. કામ વાયરલેસ ઓપરેટરનું! આધિકારિક સરકારી વાયરલેસ ઓપરેટરને કોણ રોકે? હિન્દુકુશની પહાડીના ઊંચાનીચા રસ્તા, તાશ્કુરગાનની પર્વતમાળા, અફઘાનભૂમિનાં નગરો, મુસ્લિમ પાક. જગ્યા શરીફગાહ, અકાસ્સ અને પાટાકેસરનાં ભીષણ જંગલો... અને ત્યાંથી સમરકંદ!
સમરકંદ-બુખારા વિશે બચપણથી સુભાષે વાર્તા સંભળાવી હતી, એક શહેનશાહે રાજી થઈને, રાજસુંદરીના ગાલ પરના તલ માટે, સમરકંદ આપી દીધું હતું!
૨૦મીએ ટોર્મિઝ ત્યાંથી મોસ્કો. રશિયામાં ઘણા ભારતીય ક્રાંતિકો પહોંચ્યા અને નામશેષ થયા. બીજા વિશ્વયુદ્ધે તો તખતો બદલી નાખ્યો હતો. રશિયા-જર્મનીના કરાર તો હતા, પણ કાલ કોણે દીઠી છે?
એટલે જર્મન રાજદૂતને મળવાની તક સુભાષે મેળવી લીધી. ડો. વેલ્ગાર તેમની સાથે હતા.
આ જર્મન રાજદૂતનું નામે ય કેવું વિચિત્ર - Count vou derschulenburg. ગમે તે ઉચ્ચારણ કરો, ક્યાં તો ગલત થઈ જ જવાય.
તમામ વ્યવસ્થા તેણે કરી. મોસ્કોથી બર્લિન! ખરી કસોટી જ હવે હતી. વિયેનામાં સુભાષ મિત્ર ઓટ્ટો ઝેરેકે લખ્યું છેઃ ‘યુરોપ વિશે સુભાષની જાણકારી કોઈ પણ મૂળ યુરોપિયન કરતાં યે વધુ ઊંડી હતી. હા, તે કટ્ટર અંગ્રેજ-વિરોધી હતા. હું તેનો ક્યારેક વિરોધ કરતો તો તે હસી લેતા.. પણ મને ખબર છે કે આ માણસ એકદમ સ્પષ્ટ અને પ્રત્યક્ષવાદી હતા. તેમને માટે સૌથી મહત્ત્વનો પ્રશ્ન ભારતની સ્વતંત્રતાનો જ હતો. તેને માટે કયા રસ્તાને અપનાવવો તે રાતદિવસની મથામણ રહેતી.’
•••
સુભાષના ચહેરા પર એક તોફાની સ્મિત હતું. શિદેઈને લાગ્યું કે કંઈક નવી રસપ્રદ વાત કહેવા માગે છે.
‘કાબુલથી જેટલા જલદી નિકળી જવાય એવા એ દિવસો હતા. પછી શું થયું, જાણો છો શિદેઈ? ભગતરામ એક ડાકુને પકડી લાવ્યો! નામ યાકુબ ખાન. જેલમાંથી ભાગી છૂટેલો હત્યારો! હવે મોટી ધાડમાં સંડોવાયેલો છે એટલે લોકો તેનાં નામથી થરથરે. ભગતરામે તેને કહ્યું કે ભારતનો એક દેશભક્ત બંગાળી - તેને કાબુલની સરહદ પાર કરીને રશિયામાં પ્રવેશી જવું છે. એ કામ તું કરીશ?’
‘તેણે હા પાડી?’
‘હા. સાતસો અફઘાની નોટની માગણી કરી. તેમાંયે પહેલાં ૪૦૦ આપી દેવાના. ‘બાકીના હેમખેમ સરહદ પાર કરાવી દઉં પછી આપજો.’
તારીખ પણ નક્કી થઈ ગયેલી, ૨૪ ફેબ્રુઆરીની સવાર. ત્રણ જ મુસાફર - યાકુબખાન, ભગતરામ અને હું. પણ ત્યાં ઇટાલિયન રાજદૂતનો ગુપ્ત સંદેશો મળ્યોઃ સુભાષચંદ્રને લઈને મળવા આવો. બારમી માર્ચે આશા બંધાઈ. હાજી સાહેબ અને તેની જર્મન પત્ની કપડાંની દુકાન ચલાવતા હતા. ‘ઝિયાઉદીન’ને ‘સિનોર’માં બદલાવવા માટે પહેરવેશ નવો જોઈશે ને? રાતદિવસ મથીને તેમણે કપડાં તૈયાર કર્યો... તમને ખબર છે, તે દિવસે મેં શું લખ્યું હતું મારી દૈનંદિનીમાં?
‘શું? કોઈ પત્ર?’
‘ના. બે લેખ. એક ‘Gandhism in the light of Hegelian Dialectic. અને બીજો ‘to my country men.’ એ રાત ઇટાલિયન મિત્ર બની ગયેલા ક્રેસિનીના ‘ગેસ્ટરૂમ’માં વિતાવી, ને બીજા દિવસે મોટરકારમાં ત્રણ સાથીદારો.
અને બર્લિનમાં પહેલવેલી વ્યક્તિ મળી તે... ઓટ્ટો ઝેરેક!
૧૯૩૫માં સુભાષ વિયેના હતા ત્યારથી દોસ્તી. વિઠ્ઠલભાઈ પટેલ બન્નેને જુગલજોડી કહેતા. એક દિવસે સુભાષ પોતાના નિવાસેથી ગૂમ થઈ ગયા. ક્યાંય ના મળે! શોધખોળ આદરી પણ નિષ્ફળ! થોડાક દિવસ પછી અચાનક દરવાજે ડોરબેલ વાગી. ઓટ્ટોએ બારણું ખોલ્યું તો હસતા ચહેરે સુભાષ!
‘જાણે છે - ક્યાં હતો?’
‘અહીં વિયેનામાં તો નહીં જ.’
‘હા. બર્લિન પહોંચ્યો હતો.’
‘અરે, હેર હિટલરના ગઢમાં?’
‘હા. અને ખુદ હિટલરને મળી આવ્યો!’
‘અરે?’ ખરેખર?
એ અદ્ભુત મુલાકાત હતી. વિશ્વયુદ્ધમાં ‘મિત્ર દેશો’ના આંગણા સુધી પહોંચી જનાર, ઊંધા સ્વસ્તિષ્કના ધ્વજ સાથે પ્રજાને ‘મિલિટન્સી’માં ફેરવનાર, યહુદી પ્રત્યેની નફરત માટે કુખ્યાત હિટલરની સાથે ભારતના આ અ-જાણ દેશભક્તની મુલાકાત રોચક હતી. સમય પણ તે સમયે થંભી જઈને ઉત્સુકતાથી બન્નેને સાંભળી રહ્યો હતો!
‘મિસ્ટર ચંદ્ર, હું જર્મન પુનરુત્થાન માટે રાતદિવસ મહેનત કરી રહ્યો છું. બાકી દુનિયાની મને પરવા નથી. ગો ટુ હેલ. મારે જર્મનીને બેઠું કરવું છે...’ હિટલરે તીખા અવાજ સાથે જલદીથી કહ્યું, દુભાષિયો તેનો અનુવાદ કરી રહ્યો હતો.
‘કયા પ્રકારનું પુનરુત્થાન?’ સુભાષે પ્રશ્ન કર્યો. હિટલરે પોતાની વાત વિગતે કહી.
પહેલીવારની એ મુલાકાત એક ઉદિત દેશ નેતા સાથેની હતી. ભવિષ્યના ધુમ્મસમાં બીજી મુલાકાત શેષ હતી, જે સુભાષ-કથાના તેજસ્વી અધ્યાય સાથે જોડાયેલી રહી.
ઓટ્ટોએ લખ્યુંઃ
‘સુભાષ ત્યારથી માનતા રહ્યા કે હિટલર ભારતની સ્વતંત્રતા માટેના સંઘર્ષમાં કુદરતી સહજ સાથીદાર છે. પોતાના દેશની મુક્તિ માટે તે કોઈની યે સાથે હાથ મેળવવા તૈયાર છે. It is dreadtul but it must be done. It is our only way out. India must gain her Independence, cost what it may. British imperialism is most sin for india.
બીજી વારની જર્મની યાત્રા તો અગ્નિજ્વાળાના ખેલ સરખી બની ગઈ. ૬ એપ્રિલે જર્મન સરકારને પત્ર લખ્યો. જર્મન ગુપ્તચરો ફંફોસી રહ્યા હતા કે મિસ્ટર બોઝ બ્રિટિશ જાસુસ બનીને તો નથી આવ્યા ને! કલકત્તા, કાબુલ બધે તપાસ કરાઈ. બધેથી જવાબ મળ્યો, સુભાષચંદ્રની રાજકીય કારકિર્દી એકદમ ચોખ્ખી છે. આ નેતા માત્ર અને માત્ર આઝાદી માટે ઝઝુમે છે. તેમ કરવા માટે મિસ્ટર ગાંધી સાથે મતભેદ પણ રહ્યા અને બ્રિટિશરો સાથે સમજૂતિની માનસિકતાને લીધે તેણે રાષ્ટ્રીય અધ્યક્ષપદ છોડવું પડ્યું હતું.
અહીં યુરોપના આકાશ પર વિશ્વયુદ્ધનાં વાદળ છવાયાં. ગરજ્યાં, વરસ્યાં. બોમ્બ અને મિસાઇલ. યુદ્ધ જહાજ અને મશીનગન. લંડન પર બોમ્બ ઝીંકાયા. ઇંગ્લેન્ડની નૌકા સેનાને જર્મનીના નાનકડાં યુદ્ધ જહાજોએ પાયમાલ કરી મૂકી. બ્રિટિશ પ્રધાનમંડળ સ્તબ્ધ હતું, ભારે ફેરફાર કરવા પડ્યા. ૧૦ મે, ૧૯૪૦ ફ્રાન્સ પર જર્મન હુમલો થયો. ચેંબરલેનને લાગ્યું કે યુદ્ધનો મુકાબલો કરવો મારે વશ નથી. રાજીનામું આપ્યું. એક જ વર્ષમાં - ખુદ વિન્સ્ટન ચર્ચિલના જણાવ્યાનુસાર ૪૬,૦૦૦૦૦ ટનનાં યુદ્ધ-જહાજો ખલાસ થયાં. બેનિટો મુસોલિનીએ તો ક્યારનું કહી દીધું હતું કે મારે ગ્રીસ જોઈએ. અલ્બેનિયામાં લડાઈ ચાલી. ક્રીટ દ્વિપ હાથમાંથી ગયો. આફ્રિકામાં લડાઈ ચાલી. હિટલર-મુસોલિનીની મૈત્રીએ ‘મિત્ર દેશો’ના બહાવરાપણાને અતિ તરફ લાવીને મૂક્યું. ભારતના નેતાઓને કહી દેવામાં આવ્યુંઃ આઝાદીની વાત હમણાં છોડો. યુદ્ધમાં મદદ કરો. બાકીનું પછી સમજી લેશું!
કેટલાક બુદ્ધિમંતોએ વળી એવી દલીલ કરી કે ઇંગ્લેન્ડ લોકતંત્ર માટે લડી રહ્યું છે, તેને મદદ કરવી જોઈએ. એમ.એન. રોયે એવું કહ્યું, સામ્યવાદીઓએ રશિયા - ઇંગ્લેન્ડ - અમેરિકા - ફ્રાન્સની મૈત્રીને વધાવી લીધી. કોંગ્રેસના ઘણા બધા નેતાઓની દ્વિધા હતી, ‘જાયે તો જાયે કહાં...’ જનરલ રોમેલે ઇટાલીની સંગાથે સોમાલીલેન્ડમાં હાહાકાર મચાવ્યો. બ્રિટિશ સેના વિધિસર ભાગી છૂટી. આફ્રિકા પછી મધ્ય એશિયાનો વારો આવ્યો. ૧૯૪૧માં બ્રિટિશ સેના બસરા પહોંચી. ઇરાક, ઇરાન, સીરિયા, તુર્કી... બ્રિટિશરોને લાગતું હતું કે આ યુદ્ધ વિના આરો ઓવારો નથી. દુનિયામાં બ્રિટિશ સુરજ કદિ આથમતો નથી એવા અભિમાનનું કવચ વેરવિખેર થવા લાગ્યું છે....
સુભાષ આ પરિસ્થિતિના વાવાઝોડામાં ભારતમુક્તિના અવસરો ખોજવા લાગ્યા હતા. હજુ સુધી કશું હાથ લાગ્યું નહોતું, પણ રણસંગ્રામમાં હાર અને હતાશા કેવી? મુસોલિનીના જમાઈ કાંઉટ ચિયાનોને કાબુલમાં રાજદૂતે ગુપ્ત પરિપત્રથી સૂચિત કર્યા હતા કે કાબુલથી જે દેશ નેતાને ત્યાં મોકલ્યા છે તે અંગ્રેજ-વિરોધી ‘સ્વાધીન ભારત સરકાર’ સ્થાપે તે મહત્ત્વનું છે. ચિયાનોએ દાદ ન આપી એટલે રોમમાં જર્મન વિદેશ વિભાગના પશ્ચિમ સાથેના સંબંધોના નિષ્ણાત એડમ વોન ટ્રોટ ઝૂ સોલ્ઝ મળી ગયા!
આશાનો દરવાજો ખૂલ્યો.
ટ્રોટે સુભાષને બર્લિન મુલાકાતે બોલાવ્યા. હિટલર ઊંડે ખૂણે અંગ્રેજો પ્રત્યે કૂણું વલણ ધરાવતો હતો તેની માન્યતામાં ફરક કરવો મુશ્કેલ હતો. સુભાષે પહેલાં વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય ક્રાંતિકારોને જર્મનીએ કરેલી મદદની વાત સમજાવી. ભારત-જાપાન એશિયા એકત્રિત થાય તો જ બ્રિટિશ સામ્રાજ્યવાદની ઈમારતને ધ્વસ્ત કરી શકાય.
સુભાષ આ વાત બધે કરતા રહ્યા.
વાન ટ્રોટે તેમને મદદ કરી.
ટ્રોટે ‘સ્પેશિયલ ઇન્ડિયા ડિવિઝન’ ખોલ્યું, ડો. એલેકઝાંડર વર્થને તેની જવાબદારી સોંપવામાં આવી. ભારતની સમસ્યાઓનું સંશોધન - અભ્યાસ શરૂ થઈ ગયાં. એકલવીર સુભાષના પ્રયાસોનું આ પરિણામ હતું.
સુભાષચંદ્ર પાસે પ્રસ્તાવ આવ્યો, સ્વતંત્રતા - સંઘર્ષમાં સંગઠનનો.
તેમણે શરતો મુકી.
જર્મની શાસન દખલગીરી નહીં કરે. તાલીમ વર્ગો શરૂ કરાશે. આર્થિક મદદ જરૂર કરો, સ્વતંત્રતા પછી તમામ રકમ પાછી વાળીશું. અમે રેડિયો પર સક્રિય થશું. પ્રવચનો થશે. પત્રપત્રિકાઓ વિતરિત થશે. અમારું પોતાનું સ્વાધીન સંગઠન બનશે.
જર્મન શાસને સ્વીકાર કર્યો શરતોનો.
બર્લિનની જમીન પર આઝાદ હિન્દ સંઘ - Azad hind centre સ્થપાયું. જર્મનીમાં વસેલા ભારતીયોને આમંત્રિત કરાયા. નાંબિયાર, આબિદ હસન, ડો. મલ્લિક, ગુજરાતી એમ. આર. વ્યાસ સૌ આવ્યા. હબીબ-ઉર-રહેમાન, ગિરિજા મુખર્જી, કુસુમપાલ, ચૌધરી... આજે આમાના ઘણાં નામો અંધારામાં ખોવાઈ ગયાં છે પણ હતાશ-નિરાશ દિવસોમાં ભારતવાસી તેના રેડિયો પર સાંભળતોઃ ‘આઝાદ હિન્દ રેડિયો... બર્લિન. બંગાળીમાં સમાચાર આપે છે કુસુમ પાલ. ગુજરાતીમાં સમાચાર આપે છે એમ. આર. વ્યાસ... નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ સંઘને સ્વતંત્રતા-જંગ માટે સજ્જ થઈ જવા હાકલ કરી છે.’
સુભાષે જર્મન લશ્કરને જણાવ્યુંઃ તમે બ્રિટિશરો સામેના યુદ્ધમાં યુદ્ધકેદી સૈનિકો મેળવ્યા છે. તેમાનો મોટો ભાગ હિન્દી સૈનિકોનો છે. તેને કેદમુક્ત કરો, અમારી સાથે જોડાવા માટેનું વાતાવરણ બનાવો.
એમ થયું.
બર્લિનના ટિયારગર્ટ ઇલાકામાં મુખ્ય મથક ઊભું થયું.
જનરલ સ્મર્ટે યુદ્ધકેદીઓને સુભાષચંદ્રને સોંપ્યા. યુરોપમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ સહભાગી કાર્યકર્તા બની ગયા. ૬, સોફેન ટ્રાસમાં એક સમયે બ્રિટિશ રાજદૂત ભવન હતું. પછી જર્મન હાથમાં ગયું ત્યાં સુભાષચંદ્રનું સત્તાવાર નિવાસસ્થાન થયું. અજબ ગજબની ઉઠાપટક યુદ્ધના મોરચે અવિરત હતી. હિટલરે રશિયા સાથેની સમજૂતિ તોડી પાડી અને ૨૦૦૦ માઇલ સુધી રશિયામાં આક્રમણ કર્યું. ચર્ચિલે તુરંત રશિયાની મૈત્રીનો હાથ લંબાવ્યો. ‘હિટલરને હરાવવા માટે હું જહન્નમનો સાથ મેળવવા યે તૈયાર છું!’ બાલ્ટિકથી કાળા સમુદ્ર સુધી જર્મન બોમ્બ વર્ષા ચાલુ હતી. સેંકડો મોત, લાખ્ખોની હિજરત, ભડભડ સળગતાં મકાનો, યુદ્ધ વિમાનોથી આકાશનો બદલાયેલો મિજાજ. ઉત્તર પશ્ચિમે તો જર્મન સેનાપતિઓએ નકશામાં એક જ લક્ષ્ય રાખ્યુંઃ લેનિન ગ્રાન્ડ. બીજા મોરચે મોસ્કો. ત્રીજા મોરચે યુક્રેઇન. લિથુવાનિયા, લેટેવિયા અને રશિયાના કેટલાક ભૂભાગ જર્મનોએ કબજે કર્યા હતા. સ્તાલિનને ‘ફાધર લેંડ’ અને ‘કમ્યુનિઝમ’ને બદલે ‘માતૃભૂમિ રશિયા’ માટે લડવા પ્રજાજનો ને હાકલ કરવી પડી. ‘બુર્ઝવા’ ‘સર્વહારા’ ‘રિવોલ્યુશન’ ‘કેપિટાલિઝમ’ ‘એક્સપ્લોઇટેશન’ ‘બિરાદર - કોમરેડ’... બધું વોલ્ગા નદીમાં વહી ગયું, લડો... બસ, લડો... અંગ્રજોને સાથે રાખીને લડો, અમેરિકાનો સાથે હાથ મેળવીને લડો. ફ્રેન્ચ બુર્ઝવાને ય દોસ્ત બનાવો. શત્રુ છે માત્ર હિટલર અને નાઝીવાદ! (ક્રમશઃ)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter