સુભાષકથાઃ અંતિમ અધ્યાય (ભાગ-૭)

સમુદ્રતટના પેટાળમાં, દુશ્મન વિમાનોની બાજનજર વચ્ચે સબમરીનની યાત્રા શરૂ થઈ...

વિષ્ણુ પંડ્યા Wednesday 20th April 2016 06:36 EDT
 
 

કસાનનો ક્યાં પાર હતો? રશિયામાં -
૬ લાખ સૈનિકો.
૫૦૦૦ ટેન્ક.
૭ હજાર તોપ
૪૦૦૦ હવાઈ યુદ્ધ જહાજ,
બધાંનો ખાત્મો.
કરોડો રૂપિયા બાંધેલો, નીપા નદી પરનો બંધ રશિયાએ જાતે જ ઊડાવી દીધો. એવું ના થયું હોત તો સમગ્ર રશિયામાં સ્વસ્તિકનો ધ્વજ ફરકતો હોત. લેનિનગ્રાદ પરના હુમલામાં લાલ સેના અને નાગરિકોએ સાથે મળીને ભીષણ સામનો કર્યો.
પોલેન્ડથી ફ્રાંસઃ જર્મન લશ્કરે આટલું બધું ખેદાન મેદાન કરીને વિજય કેમ મેળવ્યો હશે? જવાબ હજુ મળતો નથી, માત્ર વિશ્વયુદ્ધના મુકદ્દમાઓ ચાલે છે. પરાજિતોના આગેવાનોને વીણીવીણીને ફાંસીએ લટકાવાય છે. આજેય વિશ્વશાંતિની વાત કરવામાં આવે ત્યારે બે-પાંચ ભૂતાવળો પ્રસ્તુત કરી દેવાય છેઃ કન્સન્ટ્રેશન કેમ્પ, શ્રમ છાવણી. ગેસ-ચેમ્બર...
જર્મનીમાં આઝાદ હિન્દ સંઘે આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને ભારતીય સ્વતંત્રતા સંઘર્ષને વધુ ધારદાર બનાવી દીધો.
ઓક્ટોબરમાં - ભારત અને દુનિયાએ પહેલીવાર - સુભાષનો રણઘોષ રેડિયો પર સાંભળ્યોઃ આઝાદ હિન્દ રેડિયો. બર્લિન. મૈં સુભાષ બોલ રહા હું... આઇ એમ સુભાષ સ્પિકિંગ... દેશ સમગ્ર સ્પંદિત થઈ ગયો!
બીજી નવેમ્બરે આઝાદ હિન્દ સંઘનું બર્લિન અધિવેશન... ભારતથી ૬૦૦૦ માઇલ દૂર ‘જય હિન્દ’!નો પાંચજન્ય!
POW (Prisnors of War) હવે આઝાદ હિન્દ સેનાના ગૌરવાન્વિત સિપાહીમાં બદલાઈ ગયા! ડો. ગિરિજા મુખર્જીએ લખ્યું છેઃ inspite of the nationwide struggle for independence whice we carried from 1920 up to 1939, our indian soldiers seemed completly unattected nither Mahatma Gandhi nor jawaharlal was able to pierce through this indoctrination which the British had carefully fostered him. no one amongst our national leaders, except subhash Bose, had been able to win over the loyalty and respect of the Indian soldiers and convert them to the national cause. It was Subhash Bose's great contribution that he succeded where the other national leaders had failed.'
સાતમી ડિસેમ્બરે (૧૯૪૧) સુભાષ ગરજ્યા, દૂ...ર ભારત સુધી રેડિયો પર તે સંકલ્પ સંભળાવ્યોઃ દુશ્મનો ગમે તે કહે, હું મારું કર્તવ્ય બજાવી રહ્યો છું - ભારતની મુક્તિ મારું ધ્યેય છે. જે રીતે અંગ્રેજોને મેં અનેક રીતે સ્તબ્ધ બનાવ્યા છે, તેવી જ રીતે એક દિવસે હું તમારી વચ્ચે હોઈશ!
ભૂલી જાઓ જાતિ, સંપ્રદાયને! એકતા સાધો... જય હિન્દ!
આ સંબોધન પૂરું થયું કે દુનિયાભરમાં એક ઘોષણા કડાકાની જેમ ફરી વળીઃ જાપાને બ્રિટન - અમેરિકાની ખિલાફ જંગ જાહેર કરી દીધો છે!
બીજી ડિસેમ્બર, ૧૯૪૧. જાપાની પર્લ હાર્બર તરફ આગેકૂચ. અમેરિકનોને માટે એ મોટો આઘાત હતો. આઠમાંથી પાંચ બેટલ-શિપ, ત્રણ ડેસ્ટ્રોયર, ત્રણ હઝર, નૌસેનાના ૮૦ વિમાનો, ૯૭ હવાઈ જહાજો, ૨૨૬ સૈનિકોનાં મોત, ગૂમશુદા ૯૬૦ અને નૌ સૈનિકોમાંના ૯૬૦નાં મૃત્યુ... ૭ ડિસેમ્બર, ૧૯૪૧ પર્લ હાર્બર નામશેષ!
અમેરિકાએ પૂરી તાકાત સાથે સામનો તો કર્યો પણ જાપાનનો હાથ ઊંચો રહ્યો. અમેરિકાએ જાપાનની વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું, જર્મનીએ અમેરિકાની ખિલાફ. રણસંગ્રામ હવે અધિક ભીષણ બની ગયો.
જાપાને ઇન્ડોચીન થઈને થાઇલેન્ડના રસ્તે ગિલબર્ટ દ્વીપ અને સિંગાપુરમાં ‘પ્રિન્સ ઓફ વેલ્સ’, ‘રિપલ્સ’ જેવા બે મોટાં બ્રિટિશ ‘બેટલ શિપ’નો ખાત્મો કરાયો એક ૩૨ હજાર ટનનું, બીજું ૩૫ હજાર ટનનું, તોપગોળાથી સજ્જ જહાજ. એડમિરલ ટોમ ફિલિપ્સને માટે આ શરમજનક પરાજયની ઘટના રહી. તેનો અહંકાર કામ લાગ્યો નહીં, ન જાણે ક્યારે તેણે પોતે જળસમાધિ લીધી કે બોમ્બમારામાં માર્યા ગયા. એવું જ નસીબ કેપ્ટન જે. સી. લિચનું રહ્યું... અસંખ્ય સૈનિકોના શબ જહાજમાં દેખાયાં. લંડનમાં ચર્ચિલે ખેદ વ્યક્ત કર્યો, આપણી અદ્ભૂત સમુદ્ર-શક્તિને મોટી નુકસાની પહોંચી છે.
જાપાન છેક હોંગકોંગ સુધી પહોંચી ગયું. ફિલિપીન્સથી મલયના જંગલો સુધી રણયોદ્ધા જાપાનીને કોઈ તાકાત રોકી શકે તેમ નહોતી. પ્રથમ વિશ્વયુદ્ધની નામોશીનું કલંક મિટાવવા વિજયધ્વજની મહત્ત્વાકાંક્ષા જાપાનની તાકાત હતી, જર્મનીની યે.
મનિલા, કૌલાલંપુર, ન્યુગિની, દક્ષિણ બોર્નિયો, ઓમ્બિયાના, પિનાંગ...
અને ૧૬ ફેબ્રુઆરી, ૧૯૪૨. સિંગાપુર. જાપાનનો વિજય. બ્રિટિશરોની હાર. ૧૫૦૦૦ બ્રિટિશ સૈનિકો, ૧૩,૦૦૦ ઓસ્ટ્રેલિયન સૈનિકો, ભારતના ૪૫૦૦૦... બધા ‘મિત્ર રાષ્ટ્રો’ના સૈન્યના સિપાહી જાપાને કેદ કર્યા. ૮૦૦૦ ઘાયલ સૈનિકોને કબજે લેવાયા. બ્રિટિશરોના નામોશીભર્યા પરાજયની આ ઐતિહાસિક ઘટના હતી. ૩૦૦ તોપ, ૨૦૦૦ મશીનગન, ૫૦૦૦ રાઇફલ, ૨૦૦ ટેન્ક, ૧૦,૦૦૦ મોટર લોરી, ૨૦૦ મોટર સાઇકલ - અને ૧૦,૦૦૦ ટનનું એક યુદ્ધ જહાજ, ૫૦૦૦ ટનનાં ત્રણ ટેન્કર, નાના મોટાં જહાજો, દારુગોળો... બધું જાપાનના હાથમાં આવ્યું.
બીજા જ દિવસે ભારતીય યુદ્ધ સૈનિકોને કેપ્ટન મોહનસિંહના હાથમાં સોંપવામાં આવ્યા. ૧૯ ફેબ્રુઆરીએ બર્લિનથી સુભાષ ગરજ્યાઃ મારે બ્રિટિશ સામ્રાજ્યને ભારતમાંથી સમાપ્ત કરવું છે, તેને માટે ગમે તેની મદદ લેવા તૈયાર છું...
India for Indians...
Asia for Asians...
બે નારા આકાશ સુધી ગાજતા થયા. ‘ગદર’ના અનુભવી ક્રાંતિકારી રાસુદા પોતાના જેવા જ ગૃહત્યાગી રાષ્ટ્રભક્ત સુભાષની રાહ જોઈ રહ્યા હતા, ક્યારે તેઓ જર્મનીથી જાપાન આવે અને આઝાદ હિન્દ ફોજનું સુકાન સંભાળી લે...
- ક્યારે?
- અસંભવને સંભવમાં પલટાવવાનો સંકલ્પ-સૂર્ય હજુ તો ગાઢ અંધારનિશામાં છૂપાયેલો હતો... માહૌલ જ ખતરનાક હતો. જર્મનીથી જાપાન સુભાષ જે રસ્તે પહોંચે તેના પર મિત્ર દેશોનાં વિમાનો બાજનજર રાખીને બેઠાં હતાં. કોલકાતાથી છટકેલો આ બંગપુરુષ હવે કોઈ રીતે છટકી જાય એ સહ્ય નહોતું.
સુભાષ-જીવતા યા મરેલા.
બ્રિટિશ સૈન્યને એવો આદેશ હતો.
•••
શિદેઈ કહેઃ કહો ચંદ્ર બોઝ, દુનિયામાં અસંભવ એવું એ સાહસ કઈ રીતે સંપન્ન થયું?
સુભાષ વિશ્વયુદ્ધના દિવસો તરફ વળ્યા... અને તે યાદગાર - જીવલેણ બની શકે તેવા - સમુદ્ર પ્રવાસની વાત કહેવા લાગ્યા.
બેંગકોકમાં રાસબિહારી બોઝનાં નેતૃત્વમાં થયેલાં સંમેલને આશાનો એક જ્વલંત સૂર્ય સરજ્યો હતો. સૈનિકો સુભાષની રાહ જોઈ રહ્યા હતા.
પણ ત્યાં પહોંચવું કઈ રીતે?
બેનીતો મુસોલિની ઇટલીનો સ્વપ્નદૃષ્ટા. તેની ઇચ્છા એવી કે આ ‘ઇન્ડિયન વોરિયર’ ઇટલીમાં બેસીને કામ કરે. બંદી સૈનિકો તો અહીં પણ છે. રોમમાં સુભાષની સફર મહત્ત્વની બની ગઈ. વિદેશમંત્રી કાઉન્ટ રિચાનોને તે મળ્યા. ૫ માર્ચ તેમણે દુનિયાના બે સર્વસત્તાધીશમાંના એક બેનિતો મુસોલિનીની મુલાકાત લીધી. કુશળ યુદ્ધનેતા. રાજકીય વ્યૂહરચનામાં કાબેલ. પ્રજાની પીડાને પારખનાર અને વિશ્વ વિજેતાનું સપનું. ‘ફાંસીઝમ’ તેને માટે એક શબ્દ નહોતો, જીવંત અહેસાસ હતો. ધૂર્ત પશ્ચિમની સામે આના સિવાય બીજો વિકલ્પ નહોતો.
મળ્યા સુભાષ-મુસોલિની.
હિટલરને તાર ગયોઃ ‘ભારતીય સ્વતંત્રતાને માટે ત્રિપક્ષીય ઘોષણા વિશે મુસોલિનીએ સુભાષ સાથે સંમત થવું પડ્યું. શાલ્ઝબર્ગ - નિર્ણયને રદ કરીને તેણે જાહેરાત કરી અને તાર મોકલી દીધો.’
મુસોલિનીએ લખ્યુંઃ
‘સુભાષચંદ્ર તેમની આઝાદ સરકાર ગઠિત કરે તે બહુ જરૂરી છે.’
પણ પ્રચારમંત્રી ગોબેલ્સને લાગ્યું કે આ મુસોલિની ઉતાવળ કરી રહ્યો છે. સરકાર રચવા દેવી તો મુશ્કેલ છે.
સુભાષને આ અવરોધનો અંદાજ હતો. જાપાનમાં બર્લિન-રાજદૂત જનરલ ઓશીમાને એ દર સપ્તાહે મળતા હતા. ઓશીમાએ એક વાર પૂછયુંઃ તમે રાસબિહારીને જાણો છો?
સુભાષઃ રૂબરૂ નથી મળ્યો પણ મને તે જાણ છે કે લાંબા સમયથી ટોકિયોમાં ભારતીય સ્વતંત્રતા માટે સંઘર્ષરત છે. મને તેમના એક સૈનિક તરીકે લડવાની તક મળશે તો હું રાજી થઈશ. મને જલદીથી ટોકિયો મોકલવાની વ્યવસ્થા કરાવો.
૨૪ મે વળી પાછા હેર હિટલરને મળવાનું થયું. પ્રિય મિત્ર બની ગયેલા વોન ટ્રોટ તેમની સાથે હતા. દુભાષિયા બનવાનું યે તેમના નસીબે આવ્યું, કારણ કે હિટલર તો અંગ્રેજી ભાષા જ જાણતો નહોતો.
રિબેનટ્રોપ
હિમલર
કેપલર
હિટલર...
દરેક ક્ષણને વિસ્ફોટમાં બદલાવી દે તેવી એ મંત્રણા હતી.
હિટલર પાસે તેની પોતાની દલીલો હતી.
સુભાષ બોલી ઊઠ્યાઃ મારું આખું જીવન રાજનીતિમાં વીત્યું છે... મને ઉપદેશની જરૂર નથી.
મંત્રણાકારો સ્તબ્ધ. સન્નાટો. હમણા આ વિશ્વ વિજેતા કરડી નજરે, ઊભો થઈને ઉત્તેજનાભરી વાત કહી નાખશે. પણ વોન ટ્રેટ હોંશિયાર અને ચતુર માણસ. તે ઇચ્છતો હતો કે ચંદ્ર બોઝના પુરુષાર્થને નિષ્ફળ થવા દેવો જોઈએ નહીં. તેણે ભાષાને એવી રીતે બદલી નાખી કે હિટલર સુધી સાચી વાત પહોંચેય ખરી અને નારાજ પણ ન થાય! ભાષા અને ભાષાંતર, તમે ય કેવા કેવા અદ્ભુત વળાંક લાવી શકો છો!
લાંબી કશ્મકશ ચાલી. ‘મેન કામ્પ્ફ’ ‘મારી આત્મકથા’માં હિટલરે ભારત વિશે કરેલી ટિકાટિપ્પણી રદ કરાવી. જર્મન રાજદૂતોની મુલાકાતો યોજી. વોન ટ્રેટ સાથે રણનીતિ ઘડી. હિટલરને ય લાગ્યું કે ચંદ્ર બોઝના રક્તમાં ‘ભારત જ ભારત’ છે... તેમને આવા કપરા કાળમાં, ગમે તે રીતે, જાપાન પહોંચાડવા જોઈએ. રહસ્યમય છતાં ગુપ્ત અને સફળ ‘મિશન’ દ્વારા.
જનરલ યોશિમાને તાકિદે જાણ કરાઈઃ દિવસો વિતતા જાય છે... જાપાન મોરચે ઘણું બધું થઈ શકે તેમ છે. ચંદ્ર બોઝની સુરક્ષા થઈ શકે તેવી ખાતરી આપો તો તેમને મોકલવાની વ્યવસ્થા કરીએ.
વ્યવસ્થા નહીં, આયોજન.
‘સિક્રેટ મિશન.’
ચોથાથી પાંચમા માણસ સુધી વાત ન જાય તેવું આયોજન.
રાસબિહારીનો ય સંદેશો આવ્યોઃ સુભાષ તમે આવો... ૩૦ લાખ દેશવાસી ઇંતેજાર કરી રહ્યા છે. હું તો હવે શારીરિક રીતે બિમાર છું. જવાબદારી તમારા ખભા પર મૂકવી છે.
સુભાષે હિટલરને ય કહ્યુંઃ હથેળીમાં માથું મૂકીને હું કોલકાતાથી નિકળ્યો હતો. સેકન્ડના પાંચમા ભાગ જેટલી તમને આશા નહીં હોય સુરક્ષાની. પણ હું નિશ્ચિતપણે પહોંચીશ. કોઈ જાસૂસી તંત્ર મને પકડી નહીં શકે. ના, તમારું ‘ગેસ્ટાપો’ પણ નહીં!!
જોખમ અકલ્પનીય હતું.
બ્રિટિશ નૌકાસેના વધુ શક્તિશાળી હતી. ઇંગ્લિશ ચેનલ, ઉત્તરી સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર, એટલાન્ટિક... બધે તેનો દોરદમામ હતો. ત્યાંથી જર્મન જહાજ પાર કઈ રીતે થઈ શકે?
-તો પછી?
નક્કી થયું કે સબમરીનમાં પ્રવાસ ખેડવો! સુભાષની સાથે એક જ સાથીદાર હોય. દક્ષિણ આફ્રિકાના માડાગાસ્કર સુધીની જવાબદારી જર્મનીની, પછી જાપાનની.
આઠમી, ફેબ્રુઆરી, ૧૯૪૩.
બર્લિનના લેહર્ટાર વેનહફ રેલવે સ્ટેશનથી ક્રિયેલ રેલવે.
નવ ફેબ્રુઆરી. આબિદ હસન સુભાષની સાથે રહેશે. નામ્બિયાર ચૂપચાપ વિદાય આપશે. સ્ટેટ સેક્રેટરી કેપલર અને વિદેશ સચિવ અલેકઝાન્ડર સાથે વિદાયની જરીકેય તકલીફ ન પેદા થાય તે માટે હાજર રહેશે. કોનિંગ ટાવર પર સબમરીનમાં...
- પણ, ચેતવણીની નોંધ વારંવાર અપાઈ હતી.
રેલવે સ્ટેશન, હવાઈ મથક, સમુદ્ર તટ, બંદરગાહ, જહાજવાડો... બધે ગુપ્તચરોની જાળ છે.
અંગ્રેજોના અને અમેરિકનોના યુદ્ધ-જહાજો સમુદ્ર પર રાતદિવસ ચોકી કરતાં ઊડે છે. સ્કોટલેન્ડ યાર્ડના જાણીતા જાસૂસ અધિકારીઓ સર્વત્ર વેરાયેલા છે. ટોર્પિડો કે માઇનથી હુમલો થાય તો સબમરીનમાં વિસ્ફોટ થશે, જળસમાધી સિવાય કશું નહીં રહે. એક એક મિનિટનું આયોજન કરવાનું છે.
‘ગોડ સેવ સુભાષચંદ્ર બોઝ. આઇ પ્રે ટુ ગોડ... હી ઇઝ અવર ગ્રેટ ફ્રેન્ડ એન્ડ પેટ્રિયટ...’
આ હિટલરની નોંધના છેલ્લા - પણ સૌથી વધુ અમલીકરણ કરવાનો સંકેત દર્શાવતા - વાક્યો હતાં.
પહેલા બે વાર સબમરીન ઉપડવાનું મોકૂફ રખાયું. ત્રીજી વાર સૂચના અપાઈઃ
તૈયાર.
સુભાષચંદ્રે બધાની વિદાય લીધી.
હૃદયનો એક થડકાર બધાં ચૂકી ગયા હતા. વિશ્વયુદ્ધના ભીષણ સંગ્રામનાં વાદળ વચ્ચે સુભાષ આ સફરમાં જાપાન પહોંચશે?
પહોંચશે?
સુભાષે સૌની સાથે હાથ મેળવ્યાઃ વિદાય, મિત્રો... તમને ભૂલીશ નહીં... ફરી મળીશું... સબમરીનનાં પગથિયાં ઝડપથી ચડ્યા, પાછળ એકમાત્ર આબિદ હુસેન તેમના સાથીદાર તરીકે.
લો, સબમરીન સમુદ્રની ભીતરમાં પ્રવેશી ગઈ...
કેપ્ટન ડબલ્યુ. મુસેનબર્ગે પછીથી ઓસ્ટ્રિયાનાં અખબારમાં તે સંભવત સફરના સ્મરણો આપ્યાં હતાં. લખ્યું તેણેઃ સબમરીનમાં આ વીઆઇપી કોણ છે તે એકમાત્ર યુ-બોટનો કમાન્ડર જ જાણતો હતો. નોર્વેની પહાડીથી ઘેરાયેલું બંદરગાહ. એક દિવસ ત્યાં રોકાયાં. કહેવામાં આવ્યું કે આ બે એન્જિનિયરો છે. પછી ખબર પડી કે અરે, આ તો સુભાષચંદ્ર બોઝ છે!!
સમુદ્રની ભીતરમાં સબમરીનની ધીમી ગતિ હોય છે. કેપ્ટન મુસેનબર્ગ તો રાત-દિવસ એક પલકારો માર્યા વિના સદૈવ સૂચનાઓ આપી રહ્યા હતા. ચારે તરફ સમુદ્ર. ઉપર અને નીચે. સર્વત્ર જિંદગી કરતાં મોત નજીક રહેતું હતું. અનિશ્ચયની આ સફર બેટલશિપ, ડિસ્ટ્રોયર, કૃઝર, વિમાન, ડેપ્થચાર્જ, ટોર્પિડોની બાજ નજર વચ્ચેની હતી. ઇંગ્લેન્ડના અત્યંત શક્તિશાળી રડારથી છેક દૂર સુધીની કોઈ પણ હિલચાલની ખબર પડી જતી.
કેબિન પણ કેવી કષ્ટદાયક? ઊભા ન રહી શકાય એટલી જ જગ્યા... ‘મેન ફ્રોમ ઇમ્ફાલ’માં આબિદહસને લખ્યું છેઃ સોળ પાઉન્ડ વજન ઘટી જવા છતાં સુભાષ એકચિત્તે દક્ષિણ એશિયામાં સ્વાધીનતાનો નકશો દોરી રહ્યા હતા, રણનીતિનો મુસદ્દો તૈયાર કરતા હતા! ચહેરા પર વધી ગયેલી દાઢી, જર્મન નૌ-સેનાનો ગણવેશ, આંખે ચશ્મા, જર્મન ભાષામાં જ બોલચાલ... અહીં ક્યાં દિવસ-રાતનો કોઈ તફાવત હતો? અંધારામાં રોશની આપતા સામાન્ય દીવા. તે પણ દરેક સમયે નહીં. દુશ્મનનાં સંકેત મળતાંવેત અંધારું... સૂચન પર સૂચનઃ હેલો! ડિસ્ટ્રોયર ક્યાંક આસપાસ છે. નીચે ઉતરી જાવ... ચાલો, ખતરો નથી... ઉપર આવો... પણ સાવધાન રહો!
ફેબ્રુઆરી વિત્યો.
માર્ચ આવ્યો.
સુભાષને પળવાર જ સ્મરણ થયું, માર્ચ... વાસંતી મહિનો... એલગિન માર્ગ પર ઘાટીલાં મકાનમાં ભાભી ચંદનનું તિલક કરતાં, ગુલાબ વિખેરાતાં, વસંત-ગીત અને ઢોલકનો નાદ...
અને એ જ મહિનામાં ૧૯૩૧માં લાહોરની જેલમાં આકાશ સુધી પહોંચતો અવાજ ઊઠ્યોઃ ‘ઇન્કલાબ ઝિંદાબાદ!’.
પછી ફાંસીના તખ્તે જતી જુવાનીના હોઠ પર ગીત આવ્યુંઃ મેરા રંગ દે બસંતી ચોલા!
ગાંધી - અરવિન કરારમાં ગાંધી આ ત્રણેને - ભગતસિંહ, રાજગુરુ, સુખદેવને ફાંસીથી બચાવી લે તેવી ચારે તરફ માગણી ઊઠી. કાશ, ગાંધીએ બાકી તમામ આગ્રહો - સૂચનો - મંત્રણાઓને તોડી છોડીને લોર્ડ અરવિનને કહી દીધું હોતઃ આ યુવકોની ફાંસીની સજા પાછી ખેંચો. નહિતર...
પણ એવું બન્યું નહીં. નાના મોટા સત્યાગ્રહો કરનારા તો છૂટી ગયા... આ ત્રિપુટીને સપ્ત સિંધુના સ્મશાન તરફ જતાં રોકાવી શકાઈ નહીં.
(ક્રમશઃ)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter