સુભાષકથાઃ અંતિમ અધ્યાય (ભાગ-૮)

બે મહાનાયકો મળ્યા. બંને બંગાળી, બંને જલાવતન, બંનેનો સંકલ્પ એકસરખો, બંનેની જીવનસંગિની વિદેશી!

વિષ્ણુ પંડ્યા Wednesday 27th April 2016 06:28 EDT
 
આબિદ હસન, મુમતાઝ હુસૈન અને ભોસલે
 

સુભાષે તેમને શ્રદ્ધાંજલિ અર્પવા મહાધિવેશનમાં પ્રસ્તાવ મૂક્યો હતો. બીજી તરફ દાંડીકૂચે ચપટી મીઠામાંથી ચમત્કાર સર્જ્યો, દેશ આખો જાગી ઊઠ્યો...
સબમરીનના અંધારિયા પ્રવાસમાં આ બધું સ્મરણમાં ઉમેરાતું ગયું. સબમરીને રસ્તા ખોજવાના હતા, આગળ વધવાના. સુએઝ નહેરથી જવું જોખમી હતું એટલે એટલાન્ટિક તરફ વળવું પડ્યું. ત્યાં મળ્યો અમેરિકન જહાજોનો કાફલો. એક નહીં, એક સાથે ૨૦૦ જહાજ! આસપાસ બીજા યુદ્ધસજ્જ વાહનો. સબમરીન તેની વચ્ચે ફસાઈ ગઈ. હવે? માત્ર જંગ અને પછી એટલાન્ટિકમાં જળસમાધિ! દસ જ ફૂટ દૂર ફ્રેઇટર જહાજ આવી પહોંચ્યું હતું. સબમરીનના કુશળ વાહકે ભીતરમાં રસ્તો બદલ્યો, જહાજને એક ધક્કો યે લાગ્યો અને સબમરીન કુશળતાથી, પલટી ખાઈને, રસ્તો બદલી નાખ્યો! રેલિંગનો એક ભાગ જ તૂટી ગયો હતો... કેપ્ટને કહ્યુંઃ ‘They all could lesson from our destinguised guest Mr. chandra Bose, and his adjtant in facing a sudden crisis involving even death with manly composure...’
અને આબિદે તો લખ્યુંઃ આ કઈ માટીના ઘડાયા છે સુભાષ? જીવન-મૃત્યુના ઝોલાં વચ્ચે શાંતચિત્તે યોજનાનું આલેખન કરી રહ્યા હતા - સ્વતંત્રતા માટે કેટલા, કેવા મોરચા ખોલવાના છે તેનું!... I who had shivered with tear. but i was with a great man and my weakness was hidden away in shadaw of his greatness!
...પણ લક્ષ્યનું મિલન ક્યાં?
હજુ તો સબમરીન રસ્તા ખોજતી ખોજતી વિલંબિત બનીને આગળ વધી રહી હતી.
માર્ચ પછી એપ્રિલ.
બસ, માડાગાસ્કરના સમુદ્ર કિનારેથી ૪૦૦ માઇલ દૂરના સ્થાને પહોંચવાનું બને તો જોખમનો અરધો અધ્યાય પૂરો થયો ગણાય.
એપ્રિલનો મધ્ય સમય.
૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ સફરમાં જિંદગી પોતે જ જાણે અચલાયતન બની ગઈ હતી. ગતિનો સદંતર અભાવ. દુનિયાના વલણો-વહેણોથી કપાઈ ગયેલો સમય.
‘ઓહ! ક્યાં પહોંચ્યા આપણે?’
‘આફ્રિકાના દક્ષિણ કિનારે.’
‘પછી?’
‘કેપટાઉન.’
‘ત્યાંથી?’
‘કેપટાઉનથી ડરબન કિનારો. વચ્ચે એલિઝાબેથ બંદરગાહ પાસેથી પસાર થવું પડશે...’
સુભાષ આવા સમયે પણ હસી શકે છે. ‘બ્રિટિશ ક્વિન... બ્રિટિશ સૂર્ય ક્યાંય આથમતો નથી એવી આત્મતુષ્ટિને હવે મહેલમાં ભંડારી દેજો!’
ફરી એક વાર બ્રિટિશ કાર્ગોશિપથી અદ્ભૂત બચાવ થયો.
૨૦ એપ્રિલે પિનાંગથી એક જાપાની સબમરીન માડાગાસ્કર જવા રવાના થઈ ગયું હતું.
૨૯મીએ છેવટે સબમરીન માડાગાસ્કર પહોંચ્યું. કેપ્ટને ખુશી ભર્યા ચહેરે કેપ માથા પરથી ઉતારીને સમુદ્રમાં ચમકતા સૂર્યને સલામ કરી. ‘ધ ગોડ, યુ આર ગ્રેટ!’ કહ્યું અને હેર હિટલર તેમ જ રિબેન સ્ટ્રોટે જેમને ‘અત્યંત મહત્ત્વના મહેમાન’ ગણાવ્યા હતા એમની સાથે હસ્તધૂનન કર્યું. સુભાષ તેમની આંખોમાં તાકી રહ્યા. કેવા કેવા લોકોએ પોતાને વિષમ સંજોગોમાં મદદ કરી હતી, જીવનની પરવા કર્યા વિના! ભગતરામ, ઉત્તમચંદ મલ્હોત્રા, આબિદ હસન, વેન ટ્રોટ... અને આ અ-જાણ્યો જર્મન કેપ્ટન!’
સંવેદનાપૂર્વક એ ભેટી પડ્યા.
સબમરીન - ૧/૨૯નું માડાગાસ્કર બંદરે ઉતરાણ થયું. સમુદ્રમાં ત્યારે ભારે તોફાન હતું. જાપાનથી આવેલી સબમરીનનો કેપ્ટન ઈજુ અને જર્મન સબરમીનનો કેપ્ટન મુસેમબર્ગ... હજુ તો સમુદ્રમાં જ સાથે હતા, તોફાન શમી જાય પછી જ પાસે આવશે. વહેલી સવાર સુધી મોજાં પ્રચંડબળથી ઊછળતાં રહ્યાં... આકાશમાં વાદળ ઘેરાયેલાં હતાં. પવનનો વેગ ગમે તેને ઉથલાવી દે તેવો! ઇજુએ સંદેશ મોકલ્યો. ઉત્તર દિશામાં આગળ વધો. બપોર થઈ સમુદ્રી તોફાન શાંત થવાનું નામ જ નહોતું લેતું.
હવે?
૨૪ કલાક સમુદ્રમાં જ આપણે રહેવું પડશે. એકબીજાની નિકટ આવવાનું જોખમ નહીં ઊઠાવીએ. હિઝ એક્સલન્સી સુભાષચંદ્ર બોઝ આપણા માટે મહત્ત્વના છે.
૨૮ એપ્રિલ સવારે જર્મન સબમરીનમાંથી રબરની બોટમાં સુભાષ-આબિદ હસન બેઠાં. વચ્ચે શાર્ક માછલીઓએ ચોતરફી હૂમલો કર્યો! એકાદ કલાક બચાવ માટેનો ગજગ્રાહ ચાલ્યો.
છેવટે-
મેસી!
મેસી!!
ચંદ્ર બોઝ... ખાખા... ઉખા... સ્તૂઈ ની ઉયાગા હો... નો... ઈયાસૂઈ કાન ની ઓ આરે તા... બનજાઈ! બાનજી! ની... સાઈદાઈ...નો... ચૂઈ ઓ હાર ઉયારે તાઈ!... ચંદ્ર બોઝ ખાખાનો આન્કાચૂ ઉઆ ઉઆરે ઉઆરેની... ઇમુદાનેરારૈતા ગિયૂ દિયારે કારા કામી નો કાકેતે જિક્કો સારેતાઈ...
‘ઇશ્વરને ધન્યવાદ’!
મહામાન્ય સુભાષચંદ્ર બોઝ હમણા જ આપણી સબમરીન પર આવી પહોંચ્યા છે. અંતરના અભિનંદન! પરંતુ સાવધાન! કોઈ જોખમ ઊઠાવશો નહીં. યાદ રાખજો, મહામાન્ય બોઝની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી હવે આપણી છે. ઇશ્વરને પ્રાર્થના કે તમારી - હવે પછીની - યાત્રા સુખદ હો...’
જર્મનીથી જાપાનની સબમરીન. ક્ષણાર્ધમાં તો તે પણ ઝડપથી છૂમંતર થઈ ગઈ.
‘૨૮ એપ્રિલથી મારી એ સફર યુદ્ધકાલીન ઉત્તરાર્ધ હતો! અ-જાણ ભવિષ્યના અંધારમાં હું એકાદ ધ્રુવ તારક નિહાળતો. મારાં માતાજીએ બચપણમાં એ તારક દેખાડ્યો હતો. જિંદગીના આ ભયાવહ અને અનિશ્ચિત સમયે તે જ તારકે મારામાં આશાનું કિરણ પ્રકટાવ્યું...’
સુભાષ કહી રહ્યા હતા, શિદેઈ એક ચિત્તે સાંભળી રહ્યો હતો. તેને એશિયન શક્તિપુરુષ પ્રત્યે દરેક ક્ષણે અહોભાવ ઉમેરાતો જતો હતો.
‘પછીનો પ્રવાસ જાપાનીઝ સબમરીનમાં શરૂ થયો. કમાન્ડર ઇજુની જવાબદારી હતી કે પિનાંગ સુધી પહોંચવું. સુભાષનું એક ઓર નામાંતર! No. He is not chandra Bose. He is commandor Matzuda!
મૌલવી ઝિયાઉદીન.
સિનોર ઓર્લેન્ડો મેઝોટ્ટા.
અને હવે, કમાન્ડર માત્ઝુદા.
આ સબમરીનમાં જગ્યાની સાંકડમુક્ડ નહોતી. ખાવાપીવાની સારી વ્યવસ્થા. કેબિનમાં અવરજવરની મોકળાશ. જહાજની ઝીણામાં ઝીણી વિગતોની પૂછપરછ કરતા. આવનારા દિવસોમાં ‘યુદ્ધ’ વિના ક્યાં ચાલી શકવાનું હતું? દરેક બાબતની પૂરી જાણકારી જોઈએ ને?
‘ક્યાં પહોંચ્યા આપણે?’
‘મોરિશિયસ દ્વીપ પાસેથી પસાર થયાં.’
‘હવે?’
‘બસ, હિન્દ મહાસાગરમાં આગેકદમ. પિનાંગ અને ત્યાંથી જાપાન!’
સુભાષ ક્ષણવાર માટે રોમાંચિત થઈ ગયા. અપાર કષ્ટ પછી લક્ષ્ય તરફનો રસ્તો ખુલ્લો થયો હતો.
પણ સફરની સરળતા ક્યાં?
એપ્રિલ પછી મે.
પિનાંગથી થોડેક દૂર પહોંચતા સંદેશો મળ્યો મુખ્ય મથકેથીઃ ‘હેલો... ક્યાં સુધી પહોંચ્યા?’
‘બસ.’ કમાન્ડર ઈજુએ જવાબ પાઠવ્યોઃ બે દિવસ પછી બંદરગાહ પર પહોંચીશું.
ત્યાં વળી સંદેશઃ નો... નો... સીધા પિનાંગ શક્ય નથી.
‘કેમ?’
‘સાવધાની રાખવી પડશે... પિનાંગને બદલે સાવાન બંદરગાહનો રસ્તો પકડવામાં આવે...’
સુભાષ અત્યંત ખુશ હતા.
એક દીર્ઘ અજ્ઞાત કેદી જેવા દિવસો પૂરા થતા હતા. સબમરીનના પૂરા સ્ટાફને બોલાવીને કહ્યુંઃ આવો, સાથે બેસીને તસવીર લેવામાં આવે... તેમણે ખલીલ જિબ્રાનને ય યાદ કર્યા Then we left that sea to seek the greater sea!
સુભાષ અને સ્ટાફ. સંવેદનાની દુનિયા.
‘કોને ખબર હવે ક્યારે મળીશું? પણ તમે જાપાની મિત્રોએ જે ઉમેળકાથી મને સાચવ્યો તે ક્યારેય ભૂલી નહીં શકું... The voyage i had abroad this ship will eroke pleasant memories for the rest of my life. I believe that this will mark a milestone in our fight for victory and peace.’
વિજય અને શાંતિ.
પણ શાંત સુખ પૂર્વે રક્તરંજિત સંઘર્ષ.
૯ મે, ૧૯૪૩. સાવાન બંદરગાહ. જાપાની દૂતાવાસના યુદ્ધકીય સચિવ કર્નલ ઈયામામોતોએ ઉમળકાથી સ્વાગત કર્યું. મુરુતારો સોંડા અને ટાડામોટો નેગિસી, એક મહાનાયકનું સ્વાગત કરવામાં પોતાને દુનિયાના સૌથી મોટા સદ્ભાગી અનુભવી રહ્યા હતા!
ત્રણથી કોઈ ચોથું જાણતું જ નહોતું કે અરે, સુભાષ આવી પહોંચ્યા છે. જાપાની નૌકાદળના ગેસ્ટ હાઉસમાં રોકાયા. ૧૦ મે એ ખબર મળી. ચંદ્ર બોઝ, તૈયાર રહો. તમારી ટોકિયો મુલાકાતની તૈયારી થઈ ગઈ. ૧૧મીએ પ્રાતઃકાળથી સફર શરૂ. વાયા પિનાંગ, સાઇગોન, મનિલાવ, તાઇપ, હામામાત્સુ થઈને ટોકિયો. છ દિવસે ટોકિયો!
ઇમ્પીરિયલ હોટેલ.
અરે, બે મહાનાયકોનાં મિલનની આ તસવીર તો નિહાળો, જાણે બે તેજનક્ષત્રો ખૂલ્લાં - સ્વાતંત્ર્યાકાશે - મળી રહ્યાં છે! એક રાસબિહારી બોઝ અને બીજા સુભાષચંદ્ર બોઝ, બન્ને બંગાળી. બન્ને બોઝ, બન્ને ક્રાંતિકાર. બન્નેની જીવનસંગિની વિદેશી. બન્ને મહિલાઓનો અદ્ભૂત ત્યાગ.
અને બન્ને - પ્રથમવાર વિશાળ આઝાદ હિન્દ ફોજના મહાનાયક!
એ મુલાકાતની નોંધ જાપાની સાક્ષી કર્નલ ઇયામામોતોએ સાથીઓને સંભળાવી હતી. હેશિદાનાં પુસ્તક ‘નેતાજી સુભાષચંદ્ર બોઝ’માં તે જળાવાયેલી છે.
કહે છે આ જાપાની મહાનુભાવ.
‘I was charged with the task of introducing them. When I ushered Mr. Ras Bihari Bose into the room of Mr. Chanraa bose, they, both of whom had dedicated themselves to the independence of their fatherland since their younger days, shook hands and embraced each other. The drametic meeting apparently made their heart rise up in their throats. they were so deeply moved that they could not talk, After a while, they began to talk like old friends in our language, and i left them alone.’
સુભાષની આંખોમાં તો અવિરત યોદ્ધાની આખી જીવનકથા સળવળતી હતી. વીર વિપ્લવી રાસબિહારી બોઝ! ૧૯૧૨થી ૧૯૧૫નાં વર્ષોની અગનજ્વાળાનો નાયક. કેટલી બધી ઘટનાઓ! ૧૯૧૨મં લાટ સાહેબ લોર્ડ હાર્ડિંગ પર નવી દિલ્હીમાં બોમ્બ ફેંક્યો. ભારત વ્યાપી સેના-વિદ્રોહની યોજના કરી. ફાંસીના માચડે સાથીદારો ચડી ગયા, વસંત વિશ્વાસ. અમીરચંદ, બાલુમુકુન્દ, અવધ બિહારી, કર્તાર સિંહ, ઉત્તમ સિંહ, ઇસાર સિંહ, વીર સિંહ, રંગા સિંહ, બળવંત સિંહ. મૌલવી હાફિઝ અબ્દુલ્લા, બાબુરામ... પણ ન પકડાયા રાસબિહારી. જાપાનમાં તેમની - બ્રિટિશરોથી સુરક્ષા એક શક્તિ કન્યાએ કરી. યજમાન મિસ્ટર તોઆમાની મોટી પુત્રી તોસિકોએ. યુદ્ધ સમયની આ પ્રણયકથા જાણે! રાસબિહારી - તોસીકોનાં લગ્ન થયાં, રે દુર્ભાગ્ય! આઠ વર્ષનાં લગ્નજીવન પછી તેણે આંખ મીચી. તોસિકોની સ્મૃતિ સાથે રાસબિહારી ભારત સ્વાતંત્ર્યનો રણઘોષ કરતા રહ્યા. ભારતના જલાવતનોની એક દીર્ઘ પંક્તિ દૂર દેશાવરમાં છેલ્લા શ્વાસ સુધી લડતી રહી. મદનલાલ ધીંગરા, વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, લાલા હરદયાળ, પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા, તારકનાથ દાસ, અંબા પ્રસાદ સૂફી, સોહનલાલ પાઠક, છગન ખેરાજ વર્મા, કાસિમ ઇસ્માઇલ મનસૂર, વાસુદેવ બળવંત ફડકે, સ્વામી સત્યાનંદ પૂરી... અને બીજા અનેકોની વચ્ચે રાસબિહારી બોઝ. ટોકિયોમાં બેસીને તેમણે ઘણું લખ્યું. પુસ્તકો છપાયાં. ભારતીય સ્વાધીનતા સંઘની સ્થાપના કરી. ‘એશિયા ફોર એશિયન’નો નારો આપ્યો. હવે આઝાદ હિન્દ ફોજ.
એક દીપ સે જલે દૂસરા.
રાસબિહારીની તીવ્ર ઇચ્છા - સુકાન સુભાષ સંભાળી લે. આગળ વધે યુદ્ધભૂમિ પર. શાનદાર ‘ગદર’ની જ્વાળામાં બ્રિટિશ શાસન ભસ્મીભૂત થઈ જાય. રંગુનથી ઇમ્ફાલ અને ત્યાંથી બંગભૂમિ. દેશ આખો સિંહની જેમ જાગી ઊઠશેઃ ‘જય હિન્દ!’
શિદેઈએ અનુભવ્યું કે આ વિરામે સુભાષાના હોઠ રોકાઈ ગયા હતા. અંધારી રાતે રશિયન રોશનીના દિવા તળે સુભાષકથા જાણે કે હજુ અધૂરી જ રહી ગઈ હતી.
કેટકેટલા પડાવ હજુ બાકી હતા!
•••
રશિયન છાવણીઓમાં ભારે ચહલપહલ હતી.
ઘિલાઝી માલંગ!
બધા રશિયન અફસરો, ગુપ્તચરો અને સૈનિકોના હોઠ પર આ એક જ નામ હતું, એક અલગ લાગતી છાવણી તરફ આંગળી ચીંધીને સૌ કહેતાઃ અહીં સ્તાલિનના હુકમથી ઘિલાઝી માલંગને રાખવામાં આવ્યા છે. કોણ છે આ ઘિલાઝી? તેની કોઈનેય ખબર નથી. ભવ્ય દેહદૃષ્ટિ, સૈનિકી પોશાક, આંખો પર ચશ્મા, ચમકતી ટાલ અને મસ્તકની બે બાજુ પાંખા વાળ, તેજભરી નજર... લાગે છે તો કોઈ એશિયન મહાનુભાવ, પણ કોણ એ તો ‘રાજા સ્તાલિન’ જાણે! અને તેની સાથે આ બીજું કોણ?
હા, તે તો જાપાનીઝ લેફટનંટ જનરલ શિદેઈ. ચીફ ઓફ સ્ટાફ ઓફ ક્યાટુંગ આર્મી. પહેલાં બર્માના મોરચે હતો. અંગ્રેજોના દાંત ખાટા કરનારો વ્યૂહરચનાકાર. રશિયન - જર્મન - જાપાની - હિન્દી - અંગ્રેજી ભાષાનો જાણકાર. શિંક્યોથી આવેલા વિમાનમાં તે ઘિલાઝીને લાવ્યો છે.
સ્તાલિન તેની મૂછોમાં મુસકરાઈને યોજના ઘડી રહ્યો હતો. વિશ્વાસુ સેનાપતિઓ સાથે લાંબી ચર્ચા કર્યા પછી આ બન્નેને સાઇબીરિયાના ઓમાસ્કની છાવણીમાં રાખવામાં આવ્યા. તેમને મળવાનો સખત પ્રતિબંધ ફરમાવાયો હતો.
શિદેઈએ એક સવારે ચાના ટેબલ પર ધીમા અવાજે કહ્યુંઃ મિસ્ટર ચંદ્ર બોઝ, આ નવું વિચિત્ર નામ - ઘિલાઝી મલંગ-થી તમારાં મનમાં શું થાય છે?
સુભાષ ખડખડાટ હસી પડ્યાઃ ‘અમારી ફિલસૂફીમાં જન્માંતર અને નામાંતરનું ભારે મહત્ત્વ છે. શિદેઈ, બાળ જન્મ પછી તેનું નામકરણ ફોઈ જ કરે, એ તેનો અધિકાર! પછી પરિવાર બીજું લાડકું નામ રાખે. કન્યા હોય તો લગ્ન બાદ તેનું નામ બદલાઈ જાય. સંન્યસ્ત ધારણ કરનારનો તો કોઈ ભૂતકાળ જ રહેતો નથી.
શિદેઈઃ હા, જુઓને, તમારો અતીત ખંખોળવા યે કેટલી મથામણ કરવી પડી આ રશિયન ગુપ્તચરોને! સુભાષચંદ્ર બોઝ અમારા સૌ માટે બોલવામાં અઘરું એટલે તમે ‘ચંદ્ર બોઝ’! ભારતથી અંગ્રેજતંત્રને ઊંઘતું રાખીને સફર કરી તે મૌલવી ઝિયાઉદીન. પછી કાબૂલથી સિનોર ઓર્લેંડો મેઝોટ્ટા. વળી જર્મનીથી જાપાન માટે કમાન્ડર માત્ઝુદા... અને હવે આ ઘિલાઝી...!
સુભાષ કંઈ બોલ્યા નહીં. પછી ચાનો કપ ખાલી કરતાં કહેઃ ‘શિદેઈ, કંઈક કહેવું છે તમારે?’
શિદેઈ આશ્ચર્યસ્તબ્ધ! ‘તમે કઈ રીતે જાણી લીધું કે મારે કંઈક કહેવું છે?’
‘અમારે ત્યાં એક ભાવસામ્યની વિદ્યા છે. તમે તેને ટેલીપથી પણ કહી શકો. મિ. શિદેઈના મનોભાવ જાણવા મારા માટે અસંભવ નથી.’ હસીને તે બોલ્યા.
શિદેઈ કહેઃ બોઝ બાબુ, તમને નવાઈ લાગશે કે આ માણસ વળી ‘બાબુ’ શબ્દ-સંબોધન ક્યાંથી શીખી લાવ્યો? બસ, એજ સંધાને તમને મહત્ત્વની વાત કરવી હતી.
સુભાષઃ નિઃસંકોચ કહો, મિત્ર!
(ક્રમશઃ)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter