નવલિકાઃ બર્થડે કાર્ડ

ટીના દોશી Tuesday 05th January 2021 04:35 EST
 
 

નીલમ સમસમી ગઈ. જે થવાનો ડર હતો એ જ થયું. છેલ્લાં ત્રણ વર્ષથી પોતે આનંદને પામવા મથી રહી હતી. એ ઘડી નજીક આવતી દેખાઈ ત્યાં જ કોણ જાણે આ અંજલિ ક્યાંથી ખાબકી અને આનંદને... મારા આનંદને આંચકી ગઈ. પોતાનાં સપનાંનો મહેલ કડડભૂસ થઇ ગયો. બીજ રોપ્યું પોતે ને ફળ ખાય કોઈ બીજું! ત્રણ વર્ષની મહેનત પર ક્ષણમાં પાણી ફરી વળ્યું. પણ પોતે એટલી સહેલાઈથી આનંદ અને અંજલિને એક નહીં થવા દે!
દીવાન એન્ડ દીવાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ હતી. તેનો માલિક હતો આનંદ દીવાન. નીલમ આનંદની સેક્રેટરી હતી. જોકે નીલમ ફર્મમાં જોડાઈ ત્યારે સામાન્ય કારકુનીનું કામ કરતી. આનંદના પિતા અમુલખરાય કંપનીનો વહીવટ સંભાળતા. આનંદ ક્યારેક જ આવતો. નીલમની આંખ ત્યારથી આનંદ પર ઠરેલી. સોહામણો ને દેખાવડો હતો આનંદ. આજે નહીં તો કાલે ફર્મ તો આનંદ જ સંભાળવાનો છે એવી એને ખબર હતી. એટલે જ આનંદ આવે ત્યારે એ કોઈ ને કોઈ બહાને એની નજર સામે આવતી. કોને ખબર કઈ ઘડીએ ઈશ્વર પ્રસન્ન થઈને તથાસ્તુ કહી દે અને પોતે વરદાનમાં આનંદને માંગી લે.
એક દિવસ અમુલખરાયે આનંદ સાથે નીલમની ઓળખાણ કરાવી. નીલમ સ્વપ્નના સાતમા આસમાનમાં વિહરવા લાગેલી. આનંદે ઔપચારિક સ્મિત માત્ર કર્યું એટલામાં તો નીલમના કાનમાં શરણાઈઓ ગુંજવા લાગેલી. નજર સામે સજાવેલો માંડવો દેખાયેલો. માંડવામાં વરરાજા અને નવવધૂનો હસ્તમેળાપ. ગુલાબી સાફા ને રેશમી શેરવાનીમાં સજ્જ વરરાજા આનંદ ને લાલ કિનારીવાળા સફેદ સિલ્કના પાનેતરમાં શોભતી દુલ્હન પોતે.
પણ હવે... પરિસ્થિતિ બદલાઈ હતી. વરરાજા તો આનંદ જ હતો, પણ લાલ ઘરચોળામાં સજ્જ દુલ્હનનો ચહેરો પોતાનો નહોતો. એ ચહેરો અંજલિનો હતો. નીલમની આંખોમાં અદેખાઈના તણખા ઝર્યા. ઈર્ષ્યાની રતાશ ફૂટી. આ અંજલિ ન હોત તો... પોતાનું સપનું સાકાર થવાની અણી
 પર જ હતું!
પોતાનું સપનું સાચું પડે એ માટે નીલમ કેટલાય સમયથી પ્રયત્ન કરી રહેલી. અમુલખરાય નિવૃત્ત થઇ ગયેલા અને આનંદે કંપનીનું કામ સંભાળી લીધું. નીલમની નિષ્ઠા જોઇને એને પોતાની સેક્રેટરી બનાવી દીધી, ત્યારે તો બધું હાથવેંતમાં જ જણાતું હતું. સતત આનંદના સાંનિધ્યમાં રહેવાનું થતું. એટલે પોતે થોડા જ દિવસોમાં આનંદનો ગમો-અણગમો, એની પસંદ-નાપસંદ બધું જ જાણી લીધેલું. આનંદ અંગેની ક્વીઝ રમાય તો જવાબ જીભને ટેરવે હોય એટલું બધું કંઠસ્થ થઇ ગયેલું.
નીલમ રાત્રે સૂતાં સૂતાં ગણિતના પાડા કે પછી ગુજરાતીના પાઠ પાકા કરતી હોય એમ મનોમન રટતી કે, આનંદનો ગમતો રંગ ગુલાબી, ગમતું ફૂલ ગુલાબ, મનપસંદ વાનગી પરોઠા ને પનીર પસંદ, એને ભાવતી મીઠાઈ મોહનથાળ, એને પસંદ પીણું ચાય કે કોલ્ડ કોફી પણ ચાલે... ને એને આ ગમે ને પેલું ગમે... એને આ ન ગમે ને પેલું ન ગમે... ખુદ આનંદને પોતાના અંગે ખબર નહીં હોય એટલું નીલમ જાણતી હતી. આનંદ નામની ધરીની આસપાસ એ ચકરાવો લીધા કરતી. કેન્દ્રમાં આનંદ ને વર્તુળમાં ગોળ ગોળ ઘૂમતી પોતે. આ પ્રકારની કલ્પનાઓમાં રાચવું નીલમને ખૂબ ગમતું. એણે એ જાણવાનો ક્યારેય પ્રયત્ન ન કર્યો કે જે પોતે વિચારે છે તે જ આનંદ પણ વિચારે છે કે નહીં!
નીલમ એ વિચારવા જ નહોતી માંગતી. એમાં શું વિચારવાનું! બધું સ્પષ્ટ જ તો છે. દેખાય તો છે. આનંદ એમનેમ ઓછો પોતાને ચા પીવા ચેમ્બરમાં બોલાવતો હશે! કોઈ ફાઈલ શોધવા નિમિત્તે કે બીજા કોઈ બહાને પોતાને બોલાવ્યા કરતો હોય છે, એ પોતે નથી સમજતી શું? ત્રણ દિવસ પહેલાં આનંદને ગમતા ગુલાબી રંગનો ડ્રેસ પહેરેલો ત્યારે એ કેવું જોઈ રહેલો. એણે નજરથી પ્રશંશાનાં પુષ્પો વેરેલાં. હા, એ ખરું કે આનંદે પોતાના મોઢેથી કોઈ એકરાર કર્યો નથી,
પણ એની આંખો બોલતી હોય છે, એનું શું? એટલું તો હું વાંચી જ શકું ને! કદાચ એ મને નાણી જોવા માંગતો હોય, તે ભલે નાણે! કદાચ મારી કસોટી કરતો હોય, તે ભલે કરે! આ ઈશ્ક નથી આસાન, એક આગનો દરિયો છે ને ડૂબીને પાર ઊતરવાનું છે! હું તો આવા સો આગના દરિયા ડૂબીને ઓળંગવા તૈયાર છું!
નીલમ ખયાલોમાં ખોવાઈ ગઈ. બધું કેટલું સરસ ગોઠવાઈ ગયેલું. એમાં આ અંજલિ ટપકી પડી. પોતે એનું શું બગાડ્યું હતું? કયા જનમનું વેર વાળતી હતી એ. કે પછી વેરની વસૂલાત કરતી હતી. કોને ખબર. પણ એને કારણે આનંદને જીતવાના પોતાના બધા પ્રયાસો પર પાણી ફરી વળ્યું. મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો. કિનારે આવેલી નૌકા ડૂબી ગઈ. પોતાના જીવનમાં જે ચંદ્ર ખીલવાનો હતો તે હવે થાળીમાંનો ચાંદ બની ગયો.
પોતાના પર જ ગુસ્સો આવ્યો નીલમને. કેટલી મૂર્ખ હતી પોતે. આનંદને સમજી ન શકી. અંજલિને પણ! અંજલિનું સ્મરણ કરતાં નીલમનું મોઢું કડવું થઇ ગયું. હજુ હમણાં તો મોંમાં બાસુંદીનો સ્વાદ હતો, આ કારેલાની કડવાશ ક્યાંથી આવી ગઈ? અંજલિ હજુ ત્રણ મહિના પહેલાં જ નોકરીમાં જોડાયેલી. પ્રમાણમાં શ્યામ. પણ કાળી નહીં. આંજણ આંજેલી આંખો. કમળલોચન સાથે સરખાવી શકાય એવી. પાતલડી પરમાર. મુઠ્ઠીમાં સમાય એવડી કમર કદાચ આને જ કહેતા હશે. નાકનકશો નમણો. પહેલી નજરે ગમી જાય એવી. પણ આનંદને પણ ગમી જશે એવી ક્યાં ખબર હતી? નહીંતર નોકરીમાં રાખત જ નહીં. આવી ત્યારે કેવી ભોળી દેખાતી હતી, પણ કેવી લુચ્ચી નીકળી! મારા આનંદને મારાથી દૂર કરી દીધો. હમણાં સુધી જે આનંદ સાવ નજીક હતો, તેની છબી ધૂંધળી થતાં થતાં આંખોથી સાવ ઓઝલ જ થઇ ગઈ અને પોતાને ખબર પણ ન પડી!
અને ખબર પડી પણ ક્યારે! જયારે મોડું થઇ ચૂક્યું હતું. ઘણું મોડું! છેલ્લા એક અઠવાડિયાથી આનંદ અને અંજલિ એક જ રંગનાં વસ્ત્રો પહેરીને આવતાં. આનંદ કાળું શર્ટ પહેરે તો અંજલિએ કાળી સાડી પહેરી હોય, આનંદે વાદળી કોટ પહેર્યો હોય તો અંજલિ એ જ રંગના ડ્રેસમાં હોય, આનંદ ગુલાબી બ્લેઝર પહેરે તો એ જ રંગનું ચૂડીદાર અંજલિએ પહેર્યું હોય... કંપનીમાં બધાંને ધ્યાને આવેલું, પણ પોતે કેમ એ જોઈ ન શકી. જોકે જોવા છતાં સ્વીકારી નહોતી શકી કે આનંદ અને અંજલિ વચ્ચે... મનમાં ય વાક્ય પૂરું ન કરી શકી નીલમ. યોગાનુયોગ ગણીને મનમાંથી અણગમતા વિચારને ખંખેરી નાખ્યો. આંખ બંધ કરી દીધી. પણ એમ આંખ બંધ કરે અંધારું થોડું થાય છે!
ખુદ આનંદે કહ્યું તોય પોતે માનવા ક્યાં તૈયાર હતી! નીલમની આંખે ઝળઝળિયાં આવ્યાં. આનંદે કહેલું, “નીલમ, તું તો મારી સેક્રેટરી છે. સાથે જ સારી મિત્ર પણ છે. એક કામ કહું તો કરીશ?”
“હા, હા.. કેમ નહીં!” કહેતી નીલમને આશા બંધાયેલી. પોતે જે સાંભળવા માંગે છે એવું જ કંઇ આનંદ કહેશે. પણ પોતાની આશા ઠગારી નીવડી. રણમાં તો મૃગજળ જ હોય, જળનાં સરોવર ન હોય!
આનંદે કહ્યું: “આજે અંજલિનો જન્મદિવસ છે. એટલે જ એણે રાજા લીધી છે. મને હમણાં જ ખબર પડી. પહેલાં ખબર પડી હોત તો હું જ પ્રેઝન્ટ લઇ આવત. પણ અત્યારે એ શક્ય નથી. તને તો ખબર જ છે કે મારી મહત્વની મિટિંગ આખો દિવસ ચાલશે. સાંજે અમે એટલે કે હું અને અંજલિ ડિનર લેવા બહાર જવાનાં છીએ. મારે એને ગિફ્ટ આપવી છે. તો તું લઇ આવને!”
“હું...’ અંજલિના પગ તળેની જમીન ખસી ગઈ. એને થયું કે દુનિયા આખી ગોળ ગોળ ઘૂમે છે ને પોતે ચક્કર ખાઈને પડી જશે.
“હા, હું બીજા કોઈને કહી શકું એમ નથી...” કહીને આનંદ બોલ્યો: “ઝવેરીબજારમાં ઝવેરાતનો શો રૂમ છે તે તો તેં જોયેલો જ છે. ત્યાંથી એક આકર્ષક હીરાની વીંટી લાવવાની છે. સાથે મારા નામનું એક બર્થડે કાર્ડ પણ મૂકી જ દેજે. છેલ્લી ઘડીએ વળી ભૂલાઈ જશે. વીંટી લઈને સીધી અહીં આવી જજે. હવે તું નીકળી જા.”
નીલમ ઊભી થઇ. અત્યાર સુધી દિલોજાનથી જે આનંદને ચાહ્યો હતો એ જ આ આનંદ હતો? અને અંજલિ! જે અંજલિને. પોતે કામ શીખવેલું એણે જ પોતાની પાસેથી આનંદને પડાવી લીધો! હે ઈશ્વર, આ ન્યાય નથી, અન્યાય છે! પોતાની સાથે થયેલા અન્યાયનો બદલો લેવો જ રહ્યો. એમ આસાનીથી આનંદને હાથમાંથી સરકી જવા દેવાય નહીં. મારો નહીં તો એનોય નહીં. અંજલિ... તને તો પાઠ ભણાવવો જ રહ્યો. તેં ઝેરી નાગણની પૂંછડી પર પગ મૂક્યો છે. તારે ડંખ ખાવો જ પડશે. નીલમના ચહેરા પર ક્રૂર સ્મિત રમી રહ્યું. એ અત્યારે ફેણ ચડાવેલી નાગણ જેવી જ દેખાતી હતી!
નીલમ રસ્તામાંથી એક બર્થડે કાર્ડ લઈને સીધી ઝવેરાતમાં ગઈ. આનંદ આ જ શો રૂમમાંથી ખરીદી કરતો. એટલે નીલમને પણ સહુ ઓળખતાં હતાં. ઝવેરીએ મખમલની દાબડીઓ ખોલીને વીંટીઓ દેખાડી. નીલમે એક સુંદર હીરાની વીંટી પસંદ કરી. પેક કરવા કહ્યું. સાથે પોતે લાવેલું બર્થડે કાર્ડ પણ મૂકવા કહ્યું. પછી વીંટીની દાબડી અને કાર્ડવાળી રેશમી વસ્ત્રની બટવા જેવી ઝોળી લઈને તુરંત ત્યાંથી નીકળી ગઈ.
રસ્તામાં જ અંજલિનું ઘર આવતું હતું. અંજલિ ગામડેથી આવેલી. એકલી જ રહેતી હતી એ નીલમને ખબર હતી. એ સીધી અંજલિને ઘેર ગઈ. અંજલિએ દરવાજો ખોલ્યો. નીલમને જોઇને આશ્ચર્ય વ્યક્ત કર્યું. અને પાણી લાવવા પીઠ ફેરવી ત્યાં તો નીલમે અંજલિના ગળામાં ટેલિફોનનો વાયર ગાળિયો બનાવીને વીંટાળી દીધો. અંજલિએ સામનો કરવાનો પ્રયત્ન કર્યો, પણ ગાળિયાની ભીંસ વધતી ચાલી. અંજલિનો શ્વાસ રુંધાવા લાગ્યો. બેત્રણ મિનિટ તરફડિયાં માર્યા પછી અંજલિ ઢળી પડી. નીલમે એની નાડી જોઈ. મોં પાસે હાથ રાખીને જોયું. અંજલિના શ્વાસોશ્વાસ બંધ થઇ ગયેલા. એ મૃત્યુ પામેલી. એ સાથે જ મનમાં વિચાર ઝબૂક્યો, હવે તો હું અને આનંદ... આનંદ અને હું!
નીલમે અંજલિના કમરામાં એક નજર કરી લીધી. પોતે અહીં આવ્યાનાં કોઈ નિશાન ન રહી જાય એની કાળજી રાખેલી. હં, કોઈ નિશાની નથી... એક સંતોષ સાથે નીલમ ત્યાંથી નીકળી ગઈ. સીધી ઓફિસે. નીલમ પહોંચી ને આનંદની મિટિંગ પણ પૂરી થઇ. નીલમે એને વીંટીવાળું પેકેટ આપ્યું. આનંદે વીંટી જોઈ. અત્યંત સુંદર હતી વીંટી. આનંદે નીલમનો આભાર માન્યો. પછી અચાનક યાદ આવ્યું હોય એમ પૂછી બેઠો: “અરે, આમાં બર્થડે કાર્ડ તો નથી. તું ભૂલી તો નથી ગઈને?”
નીલમ ચોંકી ગઈ. એના ચહેરાનો રંગ ઊડી ગયો. ઝવેરીને પોતે હાથોહાથ કાર્ડ આપેલું, એટલે એમણે તો મૂક્યું જ હશે. તો શું પોતે અંજલિના ઘરમાં... હા, કદાચ પેલા પેકેટમાંથી સરકી ગયું હોય એમ બને. પોલીસને તપાસમાં કાર્ડ મળી જ જશે. એટલે પોતે ત્યાં ગઈ હોવાનું અને અંજલિનું ખૂન કાર્યનું પણ સાબિત થઇ જશે. તો તો... પોતાનું આવી બનશે. નીલમને નજર સામે ફાંસીનો ફંદો ઝૂલતો દેખાયો. નીલમ થરથર કાંપવા લાગી. અરેરે, ઝનૂનમાં આવી જઈને પોતે ખૂન કરી નાંખ્યું!
“અરે, સાંભળે છે કે નહીં? હું તને પૂછી રહ્યો છું....” આનંદના અવાજે નીલમને ઢંઢોળી: “કાર્ડ લેવાનું રહી ગયું કે શું? પછી અંજલિને થશે કે...” નીલમને કાંઈ જ સંભળાતું નહોતું. આનંદ બોલ્યે જતો હતો, પણ નીલમ એકાએક રોઈ પડી. એ કહેવા લાગી કે, “મને માફ કરી દો. હું તમને પ્રેમ કરતી હતી, પણ તમે અંજલિ પ્રત્યે આકર્ષાયા એટલે મેં જ ઇર્ષ્યાના આવેગમાં આવીને અંજલિનું ખૂન કરી નાંખ્યું છે. એને ગળે વાયરનો ગાળિયો બનાવીને. પેલું કાર્ડ પણ ત્યાં જ પડી ગયું.” કહીને નીલમે ટૂંકમાં આખી વાત કરી.
આનંદ આશ્ચર્ય અને આઘાતથી નીલમને જોઈ રહ્યો. આ છોકરી પોતાની સેક્રેટરી હતી, પણ પોતે એને ઓળખી શક્યો નહોતો. આનંદે પોલીસને ફોન જોડ્યો. હકીકત બયાન કરી. થોડી જ વારમાં પોલીસ આવી પહોંચી. નીલમે ગુનાનો એકરાર કર્યો. પોલીસે હાથકડી લંબાવી, ત્યાં તો પેલા ઝવેરીનો માણસ આવી પહોંચ્યો. કહેવા લાગ્યો: “આ બર્થડે કાર્ડ પેકેટમાં મૂકવાનું હું ભૂલી ગયેલો. પણ અહીં પોલીસ...’ નીલમ ઘડીમાં કાર્ડને તો ઘડીમાં હાથકડીને ફાટી આંખે જોઈ રહી! ખાડો ખોદે એ પડે કહેણી અનુસાર પોતે ખોદેલા ખાડામાં એ પોતે જ ઊંધેમાથે પટકાઈ હતી! •


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter