(ગુજરાતી સાહિત્યમાં ‘પન્નાભાભી’ નામની વાર્તા આગવું સ્થાન ધરાવે છે. આપણી ભાષાના શીર્ષ લેખક જોસેફ મેકવાનની કલમે લખાયેલી આ કૃતિ હકીકતમાં તો ચરિત્ર નિબંધ હતી, પણ ઉમાશંકર જોષી અને મનુભાઇ પંચોળી ‘દર્શક’ સહિતના દિગ્ગજ સર્જકોએ તેને વાર્તા ગણાવી. જેથી બાદમાં તે ‘પન્નાભાભી’ નામના વાર્તાસંગ્રહમાં સમાવિષ્ટ થઈ. આ વાતનો ‘પન્નાભાભી’ પુસ્તકની પ્રસ્તાવનામાં લેખક જોસેફ મેકવાને ખુદ ઉલ્લેખ કરેલો છે.)
મને ભાભીનો બહુ મોહ. પણ મારે મોટાભાઈ જ નહીં એટલે ભાભી આવે ક્યાંથી? ફળિયામાં નવી વહુઓ આવે. ગામહક્કે કે કુટુંબદાવે એમને ભાભી કહીએ, પણ...
‘હોળીને દહાડે, ભાભીને મેં ગુલાલ છાંટ્યો તો એણે સવાશેર ખજૂર લાવી દીધી’
‘હું તો રંગ લઈને ગયો તો ભાભીએ મને જ રંગી નાખ્યો’
‘આ આણે તો ભાભી મારે માટે રંગીન મોજડી લઈ આવી, એના બાપા રેલવેમાં નોકરી કરે છે.’
આવી-આવી રસિક વાતો સગી ભાભીઓવાળા ભાઈબંધો કરતા જાય ત્યારે મારું મન દૂણાયા કરે. કાશ! મારેય એક ભાભી હોત! આવી વેળા નાનપણમાં મરી ગયેલા મારા મોટાભાઈનું મોત મને ખૂબ સાલે. ભાભીના ઓરતા આ આયખામાં તો વણપૂર્યા જ રહી જવાના એવા નિસાસે દિલ દુભાયા કરે.
એ અરસામાં મુંબઈથી મોટાકાકાનો બાપુના નામે કાગળ આવ્યો: ગામડેથી વેવાઈએ બેચાર સમાચાર કહ્યા છે. ઈશ્વરાની વહુનું આણું તેડી લાવો. મૂરત જોવડાવી મહારાજને મોકલજો. દસેક દહાડાની રજા લઈ ઈશ્વરાને દેશમાં મોકલીએ છીએ.
આ ઈશ્વરો તે મારા મોટા પિતરાઈકાકાનો દીકરો. એનું બાળલગ્ન કરેલું. મુંબઈવાળા કાકાઓનો બધો વે’વાર મારા ઘેરથી જ ચાલે. હું તો ખુશખુશાલ થઈ ગયો. ચાલો આપણા ઘરેયે હવે આપણી જ કહેવાય એવી ભાભી તો આવવાની.
જે દિવસે મા’રાજ આણું લઈ આવવાના તે દિવસે મારો તો હરખ ના માય. મુંબઈથી આવેલી કાકાની દીકરી, હું અને નાની ફોઈ ઘડો પાણી ભરી, આણિયાત વહુને લેવા સામે ચાલ્યાં. ગાડી અગિયાર વાગે આવવાની, ને પછી ત્રણ ગાઉ સ્ટેશનથી ચાલતાં આવવાનું. નવી વહુને અતોલું ના લાગે, તરસ લાગી હોય તો ટાઢું જળ દેવાય; સૌથી વધુ તો એની સાથે આગવું હેત ગંઠાય એવા મનસૂબા!
અમે સ્ટેશન પહોંચીએ તે પહેલાં તો ગાડી આવી ગયેલી. આગળ મા’રાજ ચાલે ને પાછળ રેશમિયા બાંટમાં મઢાયેલી, ઘૂમટે આખુ મોઢું ઢાંકેલી, મજબૂત બાંધાની આણિયાત ભાભી ધીમે ધીમે ચાલે. મુંબઈથી આણેલાં ચંપલ એને તોછડાં પડેલાં તે પગે ડંખ્યા કરે અને એને વેદના દીધા કરે. લખલખતો તાપ શરૂ થયેલો ને એ ઉઘાડા પગે કેમની ચાલે!
એક આંબાના છાંયે અમે મેળાપ કર્યો. ફોઈએ એનાં દુ:ખણાં લીધાં. ‘જો આ તારી હગી નણંદ! મુંબઈથી આઈ છ. નં આ તારો દિયર!’
મેંદીમઢ્યા, ચૂડીઓભર્યા બે ગોરા ગોરા હાથ ઊંચા થયા. નમણી આંગળીઓએ ઘૂંઘટની કિનાર ગ્રહી. પટ ખૂલ્યો ને મારું નાનકડું અંતર આહ્લાદથી ભરપૂર થઈ ગયું. ભાભી હતી રૂપરૂપનો અંબાર, ટીલડીથી ઓપતું એનું ચંદનઅર્ચિત ગોરું-ગોરું ગોળમટોળ મુખડું અસ્સલ સોન સરીખું દીસતું હતું. હલામણ જેઠવાના ખેલમાં અમે રૂપાળી સોન જોયેલી. ભાભી એ સોનનેય સો વાર ટપી જાય એટલી દેખાવડી હતી.
‘મમઈમાં જ હમાય એવું રૂપ લેઈનં આઈ છો તું!’ ફોઈ ગણગણ્યાં ને મેં ઘડામાંથી પાણીનો લોટો ભરી એની સામે ધરી દીધો.
ફોઈ કહે - ‘ઊભો રે!’ ને મારા હાથમાંથી લોટો લઈ એમણે ભાભીને માથે ત્રણ વાર વાર્યો ને એ પાણી આંબાના થડમાં રેડી દીધું, ફરી મેં લોટો ભર્યો ને ભાભીને ધર્યો.
ઘૂમટાનો પટ માથે વાળી ભાભીએ બંને હાથ લંબાવ્યા. લોટાગાળે ચપસાયેલ મારા પહોંચા સોતા એમના બંને પંજા વીંટાયા ને મધૂરું મલપતાં મલપતાં એમણે ઠંડા પાણીના ઘૂંટ ભર્યા. એ હેતાળ સ્પર્શે મારા અંગેઅંગમાં ઝણઝણાટી રેલાઈ ગઈ ને બીજા હાથમાંનો માટીનો ઘડો છૂટી ગયો. ફડાક કરતો એ ફૂટ્યો.
તરસી ધરતીમાંથી અનેરી સુગંધ ઊઠી ને એના છંટકાવથી ભાભીનો નવોનકોર લાલ-લાલ બાંટ છંટાઈ ગયો. હું છોભીલો પડી ગયો, પણ ભાભી મઘમઘતું હસી પડ્યાં ને ફોઈ બોલી ઊઠ્યાં: ‘હેંડો શકન હારાં થયાં. વણબોટ્યો ઘડો ફૂટ્યો. તારું સુખેય એવું જ રહેવાનું. એમાં કોઈ ભાગ નહીં પડાવે.’
‘પણ ફોઈ, સુખના તો ભાગ સારા. મેં ચોથી ચોપડીમાં વાંચ્યું છે.’ ‘એ તો સંસારનું સુખ ભાઈ! હું તો અમારું બૈરાંનું સુખ કે’તી’તી. તને એ ના હમજાય!’
સાચું છે, મને એ નહોતું સમજાતું, પણ ભાભીની નવીનકોર સાડી બગડ્યાનો મને વસવસો હતો. મેં એ વ્યક્ત કરી જ દીધો. ‘મારી ભૂલે તમારી સાડી રગદોળાઈ ભાભી. ડાઘા નહીં જાય તો તમને મારા પર કઢાપો થવાનો.’
ભાભીનું હાસ્ય જરાય નંદવાયું નહોતું. એ બોલ્યાં: ‘આ તો ધૂળના છાંટા, હમણાં વેરાઈ જશે. ને ડાઘ નહીં જાય તો હું તમને હંમેશ યાદ રાખીશ કે આ મારા લાડકા દિયરના શીતળ જળની યાદગીરી છે.’
હું તો આભો બનીને એમના મુખડે પ્રસ્ફુટતી એ સ્નેહસભર વાણી સંભાળી જ રહ્યો. મનોમન હરખાયો. ‘ભાભી સુંદર તો છે જ. પણ ભણેલાંય છે. ગામડાગામમાં ત્યારે ભાગ્યે જ કોઈ સ્ત્રી ભણેલી હોતી!’ અમે ચાલ્યાં. પણ ફોઈ વળી વળીને પાછું જુએ. મને દોડાવીને એમણે આગળ જતા મા’રાજને ઊભા રાખ્યા ને પૂછ્યું: ‘તમે આણંદ સ્ટેશન તપાસ કરી’તી? ઈશ્વરો અજુય મમઈથી નથી આયો!’
મા’રાજે એક વાર નવોઢા ભાભી હાંમે જોયું, પછી ડોકું ધુણાવ્યું, ‘આવશે હેંડો, આજે નહીં તો કાલે!’
ગામમાં આ પહેલી સ્ત્રી હતી જે પહેલા આણે આવી હતી ને એનો ‘વર’ તેલ-ફુલેલ લગાવી વરણાગિયો થઈ એની આતુર નેણે વાટ નહોતો જોતો!
પહેલી વાર સાસરે આવતી નવવધૂને પાદરના મહાદેવે પગે લગાડાતી. પછી સગાંસંબંધી એવી સ્ત્રીઓ – જવાન છોકરીઓ વ્યંગ-કટાક્ષ કરતી એને ગામમાં લઈ આવતી.
ફળિયામાં અડીને જે સગો થતો હોય એના ઘેર એને બેસાડાતી. સાંજે વાજતેગાજતે એનું સામૈયું થતું. બનેલો-ઠનેલો વર એને લેવા આવતો. ફટાણાં ગાતી સ્ત્રીઓમાંથી વરની મોટી ભાભી થતી સ્ત્રી, નવી વહુને સૌભાગ્યનો ચાંલ્લો કરી ચોખા ચોડતી ને એના હાથમાં નાળિયેર પકડાવતી.
પછી વર-વહુ બેય સાથે ચાલતાં. ઘેર આવતાં સુધી જવાન છોકરીઓ ‘છોડી કોરો ઘડો ભરી લાય, તરસે મરીએ છીએ!’ ગાતી એને ઊછળી ઊછળીને ભાંડતી, ઘરની પરસાળે વરવહુનાં પાટબેસણાં થતાં. ઉંબરે નવી વહુ નાળિયેર વધેરતી અને એના પોતાના ઘરમાં પગલાં માંડતી. આમ આણામાંય લગનના જ લહાવા લેવાતા.
પણ પન્નાભાભીના ભાયગમાં આમાંનું કશું જ નહોતું નિર્માયું. એમનો નાવલિયો હજી નેવેજ નહોતો ચઢ્યો ત્યાં એમનું ફુલેકું કરવું કેમનું? એક આ પળે મને મારું નાનપણ શૂળની જેમ સાલેલું. ‘ભલે એવો એ ના આવ્યો, હેંડો એકલી ભાભીનું ફુલેકું ફરીએ!’ અધિકારભાવે મારાથી એમેય નહોતું કહેવાતું અને મન એક લલકે ચડ્યા કરતું હતું, જો પેલાની જગ્યાએ હું હોત...! અરે એમ ન હોત તોય જો હું ઉમ્મરલાયક હોત તો... ને ગામમાં ઘટી ગયેલી એક ઘટના મને દર્દ દીધા કરતી. (ક્રમશઃ)