(ગતાંકથી ચાલુ)
સાસુ આવ્યાં. હાથ-મોં ધોઈ મારી સામે બેઠાં. હળવે રહી ખત-ખબર પૂછી. પછી કહે: ‘તમારા આવવાનું કારણ તો જાણે જાણ્યું પણ મારા વેવાઈને મારો પતિયાર નથી? શા હાતર એ હંદેહા ને માણહ મોકલ્યા કરે છે?’
‘એટલા માટે કે તમારા ઉપકારના બોજા હેઠળ એમને ઝાઝા નથી દબાવું. તમારી ભલમનસાઈના એ ઓશિંગણ છે. પણ નાહકનો તમારે સગા દીકરા સંગાથ અંટસ વહોરવો એમને ઓછો રુચે છે. અમારી દીકરીએ છૂટાછેડાના ખત પર દસ્તખત કરી આપ્યા છે. વ્યવહાર પ્રમાણેય એનાથી અહીં ના રહેવાય. ને અમને એ ભારે નથી પડવાની. તમારા છોકરા (પૌત્ર) પર હક તમારો, મોટો થયે એને તેડાવી લેજો. સામાજિક રીતે અમારે વર્તવું પડે એટલે આવ્યો છું. અમારે એની ખાધા-ખોરાકીય નથી જોઈતી! તમે સમજો તો સારું!’
‘હું તો સમજેલી જ છું. ને મારી સમજણમાં જે ઊતર્યું એ મેં કર્યું છે. છો વીઘાં ભોંય છે. એમાંથી અર્ધી સુધાના નામે કરવાની છું. મોટો મારા કહ્યામાં છે. એની વહુમાં જરાય વહેરો-આંતરો નથી. જે કરું છું એમાં એ બેયનો પૂરો સાથ છે. હું જીવું છું ત્યાં લગી નાનાનો હવે અહીં પગ ના પડે. સુધા અહીં રહેશે તો મારી આંછ્ય માથે ને એના બાપને ઘેર એને જવું હોય તો હું આડો હાથ નથી દેવાની. બોલ્ય સુધા! શું કરવું છે તારે?’
‘તમે જ કહો કાકા! મારી મા કરતાં સવાયાં આ સાસુને છોડીને હું તમારી સાથે આવું? તમને યોગ્ય લાગતું હોય તો હું આવું!’
સુધાના સવાલે મને તળે-ઉપર કરી નાખ્યો.
‘તારાં સાસુની શોભા ને શાંતિ તો તું અહીં રહે એમાં જ છે બેટા!’
‘બસ ત્યારે એટલું મારી મા અને બાપુને સમજાવી દેજો!’ સુધા આંસુ લૂછતી લૂછતી અંદર જતી રહી. એની સાસુ બોલ્યાં:
‘એની દુ:ખતી રગ તમે દાબી સાયેબ. મારા વે’વાઈને કે’જો, ફારગતી મેં નથી કરી. મેં તો મારા છૈયા હંગાથનો છેડો ફાડી નાંછ્યો છે. મારા વે’વાઈ અમારો વે’વાર જાળવી રાખે. પેટની જણીની જેમ સુધાને નહીં સંભાળું ત્યાં લગી મારા જીવને જંપ નથી વળવાનો. એક દા’ડો તો એ અક્કર્મીની આંખો ઊઘડશે. મારું વેઠ્યું અકારથ નંઈ જાય!’
‘લ્યો સારું ત્યારે, હું હવે જાઉં. મારી જરૂર પડ્યે મને યાદ કરજો!’
‘ના રે! એમ શાના જાવ? બહુ વરહાંથી તમને હાંમે બેહાડીને જમાડવાની અબળખા હતી, હેંડી-ચાલીને આયા છો તે યાદ કર્યા વના! બહુ યાદ કર્યા છે તમને!’
‘એટલે? શું કહેવા માગો છો તમે? હું ના સમજ્યો!’
‘સાયેબ! તમને ચશ્માં આવ્યાં. પણ ચશ્માંની પાર ચહેરો વાંચતાં ના આવડ્યું. જરાક નજર માંડો તો મારા ભણી. કશી ઓળખ વર્તાય છે?’
ચક્ષુ ખોલતાં જ ચહેરો વાંચી લેવાની મગરૂબીવાળો હું ચીસ ખાઈ ગયો. પાકટ દેહ, પાકો રંગ, અધપાક્યા બાલ ને આયખા ના આયપતે ઓળવી લીધેલાં રૂપ-રંગ. ભૂતકાળની ભવાટવિમાં મારા મનડાએ ખાસ્સાં ચક્કર માર્યાં પણ મને કશા સગડ નહોતા સાંપડતા. મારી અસમંજસને પારખતાં એ હસી પડ્યાં: ‘તમારે ‘દાનો’ થવું હતું ને? તમે મોટા થાવ ત્યાં લગી મેં વાટ જોવાનું કહ્યું હતું એય ભૂલી ગયા?’
અચાનક મારા આગળા ઊઘડી ગયા. ‘ભાભી તમે? પન્નાભાભી તમે?’
‘હા. હવે હાચું બોલ્યા!’
ઘેરા વિસ્મયથી હું એમની સામે નીરખી રહ્યો. સુધાને રક્ષણનું કવચ ધરવાની એમની ખોળાધરી હું સમજી ચૂક્યો. મને એ નારીની ચરણરજ લેવાનો ઉમળકો થઈ આવ્યો. ભાવુક મારી આંખ જળજળાં થઈ ગઈ.
‘બહુ વરસે મળ્યા ભઈ તમે! નામ સાંભળતી’તી તમારું. પણ એ તમે જ હશો એવો વિશ્વાસ નહોતો બેસતો. આજે બેઠો.’
પૃચ્છાતુર નજરે હું એમને નિહાળી રહ્યો હતો એ પામી જતાં એમણે જ કહ્યું:
‘તમે મેલી ગયા એ પછી બીજે વરસે આ ઘર માંડ્યું. જીવતરમાં સુખ નહીં લખેલું તે બે દીકરા થયા પછી એ આઠમે જ વરસે દેવ થયા. એમને પાળી-પોષીને આ ઘર વસાવ્યું. પરણાયા-પજીઠ્યા. પણ નાનો કપાતર નીવડ્યો. ક્યાંક મારા ઘડતરમાં કે ક્યાંક મારા વેઠ્યામાં કશીક કસુર-કવણ રહી ગઈ હશે ભઈ! બાકી પહેલે આણે મને જે વીત્યું એ જીવતાં મારી આંછ્યો આગળ કોઈના પર વીતે એ મારાથી કેમનું વેઠ્યું જાય!
હું અવાક હતો. ને એમણે છોગું વાળ્યું:
‘તમે મોટા તો થયા. પણ મને દીધો હતો એ વાયદો ના પાળ્યો!’
‘પણ તમેય મારી વાટ જોવા ક્યાં રોકાયાં ભાભી?’
‘જોઈ... બહુ વાટ જોઈ! હજીય જોઉં છું. વાટ આંખથી નથી જોવાતી ભઈ! અંતરથી જોવાય છે!’
ને હું કંઈ કહું તે પહેલાં હરખને હેલ્લાળે ચડાવી બોલ્યાં:
‘સુધા! તારા કાકા મારા હગા દિયર છે બેટા! તું એમની પાસે બેસ્ય. આજે રસોઈ હું જ કરું છું!’ (સમાપ્ત)