અવસાનની અફવાથી પરેશાન છે પ્રેમ ચોપરા

Friday 05th August 2022 06:40 EDT
 
 

પીઢ અભિનેતા પ્રેમ ચોપરા પોતાના અવસાનની અફવાથી હેરાન-પરેશાન છે. તેઓ પોતે અને પરિવારજનો ફોનના જવાબ આપીને કંટાળી ગયા છે. આ પછી પ્રેમ ચોપરાએ એક ઇન્ટરવ્યુ આપીને પોતે એકદમ સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું. 27મી જુલાઇએ સવારે 86 વર્ષીય પીઢ અભિનેતા પ્રેમ ચોપરાના નિધનની અફવા ચગી હતી. આ પછી તેમના ઘરે ફોનની ઘંટડીઓ રણકવા લાગી હતી. પરિણામે તેઓ અને તેમનો પરિવાર સ્પષ્ટતા કરી કરીને થાકી ગયો હોવાનું તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું.
અભિનેતાએ વધુમાં જણાવ્યું હતું કે, મારા નિધનની અફવા ચગાવીને કોણ આનંદ મેળવી રહ્યું છે તેની મને નવાઇ લાગે છે. સાવ નિરાધાર અને આવા દુઃખદ સમાચાર ફેલાવાનો મતલબ શું છે તે જ મને સમજાતું નથી. હું સાજોનરવો છું. સવારથી મારા સ્વાસ્થ્ય વિશે જાણવા લોકોના ફોન આવી રહ્યા છે. રાકેશ રોશને પણ મારા સ્વાથ્યના સમાચારથી ચિંતિત થઇને મને ફોન કર્યો હતો. ચાર મહિના પહેલા પણ મારા ખાસ મિત્ર જિતેન્દ્ર સાથે પણ આમ જ થયું હતું. આવી હરકતોને તરત જ રોકવાની જરૂર છે, તેમ પ્રેમ ચોપરાએ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તેમને અને તેમના પત્ની ઉમાને આ વરસના જાન્યુઆરી મહિનામાં કોરોનાએ સપાટામાં લીધા હતા. આ પછી તેમને મુંબઇની બાંદરાની હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી અને તેઓ સાજા થઇને ઘરે પાછા આવ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter