આર્યનનો એનસીબીને સવાલ હતોઃ શું હું આને લાયક છું?

Monday 20th June 2022 12:20 EDT
 
 

શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને ક્રુઝ ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) દ્વારા ક્લીનચીટ તો મળી ગઈ છે, પણ કેસના પડઘા હજુ શમતા નથી. આ કેસમાં તેણે લગભગ 26 દિવસ સુધી જેલમાં રહેવું પડયું હતું. આ કેસમાં ક્લીનચીટ મળ્યા પછી આર્યનની તરફથી તો કોઈ નિવેદન આવ્યું નથી, પરંતુ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં એનસીબીના એક સિનિયર ઓફિસર સંજયસિંહે આર્યન ખાનની ધરપકડ અને જેલમાં તેના દ્વારા અપાયેલાં નિવેદનો વિશે જણાવ્યું છે. સંજયસિંહે કેસની તપાસ કરી રહી રહેલી SIT (સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ)નું નેતૃત્વ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે દીકરાની ચિંતામાં શાહરુખ ખાન રડી પડતો હતો. તેમણે કહ્યું હતું કે આર્યને મને જણાવ્યું હતું કે એજન્સી મારી સાથે ઇન્ટરનેશનલ ડ્રગ સ્મગલરની જેમ વર્તણૂક કરી રહી છે. મને એવી રીતે દર્શાવાઇ છે કે હું ડ્રગ્સ વેચું છું. શું આ આરોપ પાયાવિહોણા નથી? ક્રુઝમાંથી મારી પાસે કોઈ ડ્રગ્સ નહોતું મળ્યું, એમ છતાં મારી ધરપકડ કરવામાં આવી. આર્યને મને પૂછયું કે જ્યારે મારા વિરુદ્ધ કોઈ પુરાવા ન મળ્યા તો મને આટલા લાંબા સમય સુધી જેલમાં કેમ રાખવામાં આવ્યો? શું હું વાસ્તવમાં આને લાયક છું? સર, તમે ઘણું ખોટું કર્યું છે અને મારી ઈજ્જત ખરાબ કરી નાંખી છે.
સંજયસિંહે આગળ જણાવ્યું હતું કે આ કેસ દરમિયાન હું આર્યનની સાથે સાથે શાહરુખ ખાનની પણ સાથે હતો. તે દીકરાની મેન્ટલ અને ફિઝીકલ હેલ્થ વિશે ચિંતિત હતો. વાતચીત દરમિયાન શાહરુખની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. તેણે કહ્યું, અમને કોઈ ક્રિમિનલ અથવા મોન્સ્ટરની જેમ બતાવવામાં આવ્યા, જેઓ માત્ર સમાજને બરબાદ કરવા માટે ઘરની બહાર નીકળે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter