ઓસ્કર માટે રામચરણનું અનુષ્ઠાન

Friday 03rd March 2023 08:25 EST
 
 

સાઉથનો સુપરસ્ટાર રામચરણ ઓસ્કર એવોર્ડ માટે અમેરિકા રવાના થઇ ગયો છે. હૈદરાબાદ એરપોર્ટ પર તે જોવા મળ્યો ત્યારે તેણે માથાથી પગ સુધી કાળા રંગના કપડા પહેર્યા હતા અને ઊઘાડા પગે હતો. આથી તેણે ઓસ્કર મેળવવા માટે વ્રત રાખ્યું હોવાની માન્યતા વ્યક્ત થઈ રહી છે. નેટિઝન્સના મતે રામચરણે ભગવાન સ્વામી અયપ્પાનું મહાવ્રત રાખ્યું છે. જે 41 દિવસ સુધી ચાલતું હોય છે અને તેમાં કઠિન નિયમોનું પાલન કરવું પડતું હોય છે. આ પહેલી વખત નથી કે રામચરણ આ વ્રત રાખ્યું હોય આ પહેલા પણ અભિનેતાએ ‘RRR’ની સફળતા માટે પણ વ્રત રાખ્યું હતું. થોડા દિવસ અગાઉ રામચરણ અને આનંદ મહિન્દ્રાનો ડાન્સ વીડિયો વાયરલ થયો હતો. જેમાં એકટર ઊઘાડા પગે અને કાળા પોશાક પહેરેલો જોવા મળતો હતો. રામચરણ દર વરસે 41 દિવસનું ભગવાન અયપ્પાનું આ મહાવ્રત રાખે છે. આ દરમિયાન કાળા વસ્ત્રો પરિધાન કરવાના હોય છે, તેમજ બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. પૂરા 41 દિવસ ઊઘાડા પગે રહેવાનું હોય છે. તેમજ જમીન પર જ નિંદ્રાધીન થવાનું હોય છે તથા સાત્વિક ભોજન લેવાનું હોય છે.
રામચરણ ઉપરાંત ‘RRR’ની બાકીની ટીમ પણ અમેરિકા ઓસ્કર એવોર્ડ સમારોહમાં હાજર રહેવા જઈ શકે છે. ‘RRR’ના ‘નાટુ નાટુ’ સોંગને ઓસ્કરમાં નોમિનેશન મળ્યું છે અને તેમને આ એવોર્ડ જીતવાની આશા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter