કાન ફિલ્મ ફેસ્ટિવલ 2025નું ભલે સમાપન થઇ ગયું હતું તેમાં જોવા મળેલા ભારતીય ફિલ્મઉદ્યોગના સિતારાઓ અને તેમની ફેશનની ચર્ચા હજુ પણ ચાલી રહી છે. ફિલ્મચાહકો આજે પણ તેમની ચર્ચા કરી રહ્યા છે. 78મા કાન ફેસ્ટિવલમાં ભારતનાં વીતેલા જમાનાના હીરોઈન શર્મિલા ટાગોર અને સિમી ગરેવાલે જાજરમાન હાજરી આપી હતી. (જૂઓ તસવીર 1) વિશ્વવિખ્યાત ફિલ્મ દિગ્દર્શક સત્યજીત રેની 1970ની કલાસિક ફિલ્મ ‘અરણ્યેર દિન રાત્રી’ના 4-કે વર્ઝનનો ફેસ્ટિવલમાં પ્રીમિયર યોજાયો હતો. શર્મિલા ટાગોરે ક્લાસિક ગોલ્ડન સારીમાં જાજરમાન એન્ટ્રી કરી હતી. તો સિમી ગરેવાલ ઇન્ડિયન કોર્ટર લેબલ કાર્લીયોનું ગાઉન પહેરીને આવ્યા હતા. (2) ઐશ્વર્યાએ માથે લાલચટ્ટાક સિંદૂર લગાવ્યું હતું અને ઓફવ્હાઇટ બનારસી સાડી સાથે કુંદન ચોકર અને રુબી સ્ટડેડ લેયર્ડ હાર પહેર્યો હતો. ઐશ્વર્યા લગભગ છેલ્લા 23 વર્ષથી આ ફેસ્ટિવલમાં નિયમિત હાજરી આપે છે. (3) આલિયા ભટ્ટે પહેલીવાર કાન ફેસ્ટિવલમાં હાજરી આપીને ચાહકોની આતુરતાનો અંત આણ્યો હતો. તેણે પહેલા દિવસે રેડ કાર્પેટ પર પીચ કલરના સુંદર વિન્ટેજ સ્ટાઇલ આઉટફ્ટિમાં પ્રવેશ કર્યો હતો. તો સમાપન દિવસે ગુચ્ચી બ્રાન્ડની ગોલ્ડન સાડી પહેરી હતી જેની ભારે ચર્ચા હતી. આ પોશાકમાં તે કોઈ રાજકુમારી જેવી દેખાતી હતી.
રેડ કાર્પેટ પર બે ગુજરાતી ચહેરા
કાન ફેસ્ટિવલમાં ગુજરાતની નારીશક્તિએ પણ વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એકમાત્ર કચ્છી એક્ટ્રેસ કોમલ ઠક્કરે સતત ત્રીજા વર્ષે ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. તો સુરતનાં ડિઝાઈનર ટીના રાંકાએ જાતે ડિઝાઈન કરેલા ડ્રેસ સાથે રેમ્પ વોક કરીને ભારતીય હસ્તકલાની ઝલક રજૂ કરી હતી. કોમલે અગાઉ વર્ષ 2022 અને 2023માં પણ કેન્સ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો અને આ ફેસ્ટિવલમાં ભાગ લેનાર ગુજરાતની પ્રથમ એક્ટ્રેસ તરીકે નામ નોંધાવ્યું હતું. કોમલ ઠક્કરે 2004માં મિસ કચ્છનો ખિતાબ જીત્યો હતો. 2011માં કોમલ ઠક્કરે સપોર્ટિંગ એક્ટર તરીકે ગુજરાતી ફિલ્મ ‘હૈયાના હેત જન્મોજનમના’થી કારકિર્દી શરૂ કરી હતી. ત્યારબાદ કોમલ ઠક્કરે અનેક ગુજરાતી ફિલ્મો તથા ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. સુરતનાં ફેશન ડિઝાઇનર ટીના રાંકાએ જાતે જ ડિઝાઈન કરેલો ડ્રેસ પહેરી રેડ કાર્પેટ વોક કરી હતી. હેન્ડીક્રાફ્ટની મદદથી બનાવેલો ડ્રેસ પહેરી રાંકાએ ભારતની વિવિધ સંસ્કૃતિઓની ઝલક રજૂ કરી હતી. રાજસ્થાનનાં વતની ટીના રાંકા 22 વર્ષથી પરિવાર સાથે સુરતમાં વસે છે.