જેકલીનનાં સપનાંનો રાજકુમાર હતો મહાઠગ સુકેશ

Friday 23rd September 2022 09:08 EDT
 
 

મહાઠગ સુકેશ ચંદ્રશેખરના ખંડણી કરતૂતોની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (ઇઓડબ્લ્યુ)એ હવે અભિનેત્રી નોરા ફતેહીની પૂછપરછ કરી છે. અધિકારીઓએ તેને અને તેના સંબંધીઓને સુકેશ પાસેથી મળેલી ગિફટસ વિશે જાણકારી મેળવી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે જેકલીન ચંદ્રશેખર પ્રત્યે એટલો વિશ્વાસ ધરાવતી હતી કે તે તેને પોતાના સ્વપ્નનો પુરુષ કહેતી હતી અને તેની સાથે લગ્ન કરવાનું વિચારી રહી હતી જ્યારે નોરા તો સુકેશને મળી જ નહોતી. બંને વચ્ચે વોટ્સએપ મારફત જ વાત થઈ હતી.
પોલીસના મતે, જેકલીનની સમસ્યા વધી શકે છે કારણ કે તેને સુકેશના ગુનાહિત ઇતિહાસ વિશે જાણકારી હોવા છતાં તેણે સુકેશ સાથેના સંબંધો નહોતા તોડ્યા. જ્યારે નોરા ફતેહીને સુકેશના કરતૂત અંગે શંકા ગઈ ત્યારે તેણે સુકેશ સાથે સંપર્ક તોડી નાંખ્યો હતો. પોલીસે કહ્યું હતું કે પૂછપરછમાં સ્પષ્ટ થઈ ગયું છે કે નોરાના બનેવીએ બીએમડબ્લ્યૂ કાર રાખી હતી કારણ કે નોરાએ ગિફ્ટ લેવાનો ઇનકાર કર્યો હતો. પોલીસ નોરાને આ કેસમાં સાક્ષી બનાવી શકે છે.
પોલીસે નોરા અને તેના બનેવી બોબી ખાન તેમજ સુકેશની સાથી પિન્કી ઇરાનીને આમનેસામને બેસાડી પૂછપરછ કરી હતી. પિન્કીએ જ સુકેશના નિર્દેશ પર નોરાનો સંપર્ક કર્યો હતો. પોલીસ સૂત્રોના અનુસાર પિન્કીનો કોડવર્ડ એન્જલ હતો. તેણે નોરાને પોતાનો પરિચય એન્જલના નામે આપ્યો હતો. અધિકારીઓનું કહેવું છે કે નોરા હંમેશાં સુકેશની ઉપેક્ષા કરતી હતી કારણ કે તેણે વારંવાર પિન્કીના માધ્યમથી તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.
એડિશનલ પોલીસ કમિશનર રવિન્દર યાદવે કહ્યું હતું કે સુકેશે નોરાના બનેવીને 2021માં બીએમડબલ્યૂ આપી હતી. તપાસમાં ખૂલ્યું છે કે સુકેશ બોલિવૂડ અભિનેત્રીઓને પ્રભાવિત કરવાનો સતત પ્રયાસ કરતો, કારણ કે તેની પાસે ખૂબ સંપત્તિ હતી જે રકમ તેણે બળજબરીપૂર્વક વસૂલાત મારફત મેળવી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter