‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ રિલીઝ થયાને ભલે ત્રણ દસકા વીતી ગયા હોય, પરંતુ આજે પણ તે ઇતિહાસ રચી રહી છે. આ સુપરડુપર હિટ ફિલ્મ મુંબઈના આઈકોનિક સિંગલ સ્ક્રીન થિયેટર મરાઠા મંદિરમાં આજે પણ શો ચાલુ છે.
1995માં 20 ઓક્ટોબરે રજૂ થયેલી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (ડીડીએલજે) આજે પણપણ યુવાનોના હૃદય જીતીને થિયેટરની બેઠકો ફુલ કરી રહી છે. એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મનોજ દેસાઈએ પણ જ્યાં સુધી દર્શકો આવે ત્યાં સુધી ફિલ્મનું સ્ક્રીનિંગ ચાલુ રાખવાની ખાતરી આપીને મરાઠા મંદિર થિયેટરને ભારતીય પ્રણયકથા અને સિનેમેટીક ઈતિહાસનું જીવંત સ્મારક બનાવી દીધું છે. 1952માં શરૂ થયેલા મરાઠા મંદિરમાં ‘મુગલ-એ-આઝમ’ અને ‘પાકીઝા’ જેવી ક્લાસિક ફિલ્મો પણ રજૂ થઈ હતી, પણ ‘ડીડીએલજે’એ તેને સાંસ્કૃતિક ધામ બનાવી દીધું છે એમ કહીએ તો પણ ખોટું નથી. થિયેટરના સવારના 11.30ના શોમાં રૂ. 30થી 50 જેટલા ઓછા દરની ટિકિટો સાથે સામાન્ય દિવસોમાં પણ 70થી 100 દર્શકો તેમજ શનિ-રવિવારે 300 કરતાં વધુ દર્શકો ફિલ્મ જોવા આવી રહ્યા છે, જેમાં દરેક પેઢી અને વર્ગોના લોકો સામેલ હોય છે. દેસાઈ યાદ કરે છે કે તેમણે વાર્તા, સંગીત અને કાસ્ટીંગના ઉત્કૃષ્ટ મિશ્રણને ધ્યાનમાં રાખીને ‘ડીડીએલજે’ની સફળતાની તેના રિલીઝ પહેલા જ આગાહી કરી હતી, અને તેમને આનંદ છે કે આ ફિલ્મે આવી જ યાદગાર સફળતા હાંસલ કરી છે.


