નવાઝુદ્દીનનો આક્રોશઃ ‘કુછ તો શરમ કરો’

Wednesday 28th April 2021 06:23 EDT
 
 

કોવિડ-૧૯ની બીજી લહેરમાં એક પછી એક બોલિવૂડ સેલિબ્રિટીઝ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. મુંબઈમાં લોકડાઉનને પગલે ફિલ્મ-ટીવી સિરિયલ-વેબસિરિઝના શૂટિંગ અટકી પડતાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરીને પેટીયું રળતા લાખો લોકો બેરોજગાર બન્યાં છે. જ્યારે બીજી તરફ બોલિવૂડની કેટલીક સેલિબ્રિટિઝ માલદિવ્સમાં ફૂલ ધમાલમસ્તી સાથે વેકેશન એન્જોય કરી છે. એટલું જ નહીં, તેઓ રોજેરોજ સોશ્યલ મીડિયા પર ગ્લેમરસ ફોટોગ્રાફ્સ-વીડિયો-માહિતી રજૂ કરીને જાણકારી આપી રહ્યા છે. આ મામલે નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાનો આક્રોશ વ્યકત કર્યો છે. માલદિવ્સમાં વેકેશન વેળાની ગ્લેમરસ તસવીરો શેર કરતા સેલિબ્રિટિઝને ‘કુછ તો શરમ કરો...’ કહીને આડે લીથે લીધા છે.
નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું હતું કે, ‘વિશ્વઆખું જ્યારે કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે બોલિવૂડની કેટલાક સેલિબ્રિટિઝ માલદિવ્સના ફોટો શેર કરી રહ્યા છે. અરે કુછ તો શરમ કરો... અહીંયા લોકો પાસે ખાવાના પૈસા નથી અને તમે માલદિવ્સમાં પૈસા ઉડાડી રહ્યા છો...’ નવાઝુદ્દીનની આ પ્રકારની કોમેન્ટના કારણે તે ચર્ચાનો વિષય બન્યો છે. સાથે સાથે જ માલદિવ્સમાં વેકેશન એન્જોય કરી રહેલાં સેલિબ્રિટિઝને લઈને વિવાદનો મધપૂડો છેડાયો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter