પ્રિયંકા ચોપરા સાથે ફિલ્મ કરવી મારું સપનુંઃ મિસ વર્લ્ડ

Sunday 10th September 2023 12:08 EDT
 
 

મિસ વર્લ્ડ કેરોલિના બિલાવસ્કાએ પૂર્વ મિસ વર્લ્ડ અને ઈન્ટરનેશનલ પ્રિયંકા ચોપરા ફિલ્મ કરવાની તક મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. પોલેન્ડમાં જન્મેલી કેરોલિના તાજેતરમાં મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશનના ચેરપર્સન જૂલિયા મોરલે સાથે કાશ્મીરના પ્રવાસે ગઈ હતી, જ્યાં તેણે પ્રિયંકાને આઈકોન ગણાવી હતી. કેરોલિનાએ પ્રિયંકા અંગે જણાવ્યું હતું કે પ્રિયંકા અદભૂત મિસ વર્લ્ડ અને આઈકોન છે. આ સાથે તે ફિલ્મ સ્ટાર પણ છે. પ્રિયંકા માટે મારા મનમાં ઘણું સન્માન છે અને તેમની સાથે ફિલ્મમાં કામ કરવાની તક મળે તે મારું સપનું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2000માં પ્રિયંકાને મિસ વર્લ્ડનો ખિતાબ મળ્યો હતો.
કાશ્મીરની મુલાકાત અંગે વાત કરતાં કેરોલિનાએ અહીંની મહેમાનગતિને વખાણી હતી. કાશ્મીરના પરંપરાગત પહેરવેશ સાથે ફોટોગ્રાફ્સ પણ પડાવ્યા હતા. કાશ્મીરને દુનિયાના વિશેષ સ્થળ તરીકે ગણાવતાં કેરોલિનાએ ઉમેર્યું હતું કે, આ જગ્યા આટલી બધી સુંદર હશે તેની અપેક્ષા રાખી ન હતી. કાશ્મીરની બોટ, રંગબેરંગી બગીચા અને લોકો ખૂબ ગમ્યા હતા. આગામી મિસ વર્લ્ડ સ્પર્ધાના આયોજન માટે ભારતને શ્રેષ્ઠ ગણાવતા કેરોલિનાએ કહ્યું હતું કે, આ દેશ મહેમાનગતિ માટે જાણીતો છે. વૈવિધ્યતાથી ભરેલા આ દેશમાં લોકોના મન અને મૂલ્યો એક સમાન છે. ભારતીયોના માયાળુ સ્વભાવના કારણે અમે પોતાના ઘરે જ હોઈએ તેવું લાગે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter