પ્રિયંકા-નિકે દીકરીનું નામ પાડ્યું માલતી મેરી

Sunday 08th May 2022 06:44 EDT
 
 

અભિનેત્રી પ્રિયંકા ચોપરા સરોગસી દ્વારા એક પુત્રીની માતા બની હતી. અને હવે તેની દીકરીનું નામ સામે આવ્યું છે. અહેવાલ છે કે પ્રિયંકા તથા નિક જોનાસે દીકરીનું નામ માલતી મેરી ચોપરા જોનાસ રાખ્યું છે. દાવો તો એવો થયો છે કે બાળકીના બર્થ સર્ટિફિકેટમાંથી આ સ્ટાર કપલના સંતાનનું નામ જાણવા મળ્યું છે.
આ અહેવાલ આવતાં જ માલતી અને મેરી નામ વિશે લોકોમાં ઉત્સુકતા જાગી હતી. વાસ્તવમાં પ્રિયંકા અને નિકે દીકરીના નામમાં પૂર્વ અને પશ્ચિમ બંનેની સંસ્કૃતિને સમાવી છે. માલતી એક સુગંધી વેલનું નામ છે. તેનો એક અર્થ ચાંદની પણ થાય છે. બીજી તરફ લેટિનમાં મેરી શબ્દ એક સમુદ્રી તારા માટે વપરાય છે. સાથે સાથે બાઇબલમાં પણ મેરી નામનું આગવું મહત્ત્વ છે. વાત અહીં પૂરી નથી થતી. બાળકીના નામમાં તેની દાદી અને નાની બંનેના નામનો પણ સમાવેશ થાય છે. નિકની મમ્મીના નામમાં મેરી શબ્દ આવે છે. તો પ્રિયંકાની માતાનું નામ મધુમાલતી છે.
ઉલ્લેખનીય છે કે ૧૫મી જાન્યુઆરીએ આ બાળકીનો જન્મ થયો હતો. પ્રિમેચ્યોર ડિલિવરી હોવાથી શરૂમાં તેની વિશેષ તબીબી સંભાળ લેવી પડી હતી. પ્રિયંકા-નિકે તેઓ માતાપિતા બન્યા હોવાની વધામણી સોશિયલ મીડિયા પર આપી હતી. કેટલાક મહિનાઓ પહેલાં પ્રિયંકા-નિકના લગ્નજીવનમાં ખટરાગના સમાચાર પણ ફેલાયા હતા. જોકે આ બાળકીના જન્મ બાદ એ અફવાઓ શમી ગઇ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter