ફિલ્મચાહકોના દિલો પર રાજ કરનાર ત્રણ દિગ્ગજ કલાકારોની અલવિદા

Tuesday 28th October 2025 12:14 EDT
 
 

‘મહાભારત’ ટીવી સિરિયલના ‘કર્ણ’ પંકજ ધીર, ‘અંગ્રેજો કે જમાને કે જેલર...’ અસરાની અને ‘ઇન્દ્રવદન સારાભાઇ’ સતીષ શાહની ચિરવિદાયથી ફિલ્મી ચાહકોએ આંચકો અનુભવ્યો છે.

•••

‘ઇન્દ્રવદન સારાભાઇ’ની આખરી એક્ઝિટ

ફિલ્મ અને ટેલિવિઝન ક્ષેત્રના જાણીતાં અભિનેતા અને મૂળ ગુજરાતી સતીષ શાહે શનિવારે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધાં છે. 74 વર્ષીય સતીષ શાહ છેલ્લાં કેટલાંક સમયથી કિડનીની બીમારીથી પીડાતાં હતાં. ભારતીય સિનેમાના મહાન કલાકાર તથા ઉત્કૃષ્ટ હાસ્ય અને ચારિત્ર્ય અભિનેતા અસરાનીના નિધનના શોકની કળ વળે તે પહેલાં જ સતીષ શાહની વિદાયથી ફિલ્મજગતે એક જ સપ્તાહમાં બે મહાન કલાકારો ગુમાવી દીધાં છે. બોલિવૂડની ઓલટાઈમ માસ્ટરપીસ ફિલ્મો પૈકીની એક ‘જાને ભી દો યારો’ હોય કે ટીવીની સિટકોમ ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’, નાના-મોટાં તમામ પરદે પોતાની અભિનય ક્ષમતા અને કોમેડીના ટાઈમિંગથી ચાહકોના હૃદયમાં અમીટ છાપ છોડનારા સતીષ શાહનો જન્મ મુંબઈમાં થયો હતો.
કચ્છના માંડવીના વતની
મૂળે કચ્છના માંડવીના સતીષ શાહે 1970માં હિન્દી ફિલ્મ ‘ભગવાન પરશુરામ’થી બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું. એ પછી તેમણે ‘શક્તિ’, ‘ઉમરાવજાન’, ‘મૈં હું ના’, ‘કલ હો ના હો’, ‘માલામાલ’, ‘હીરો હીરાલાલ’, ‘ઓમ શાંતિ ઓમ’ તથા ‘દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે...’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું હતું. શાહે 1972માં ડિઝાઈનર મધુ શાહ સાથે લગ્ન કર્યાં હતાં. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એફટીઆઈઆઈ)ના સ્નાતક એવા શાહે અમિતાભ બચ્ચનથી લઈને આમીર, સલમાન અને શાહરુખ ખાન સહિતના કલાકારો સાથે યાદગાર ફિલ્મો કરી હતી. દૂરદર્શનના સુવર્ણકાળ દરમિયાન ‘યહ જો હૈ જિંદગી’ અને ‘ફિલ્મી ચક્કર’ જેવી કોમેડી સીરિયલોમાં પોતાના આગવા અભિનય દ્વારા તેમણે દર્શકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. ‘યહ જો હૈ જિંદગી’ના 55 એપિસોડમાં તેમણે અલગ-અલગ 55 રોલ કર્યાં હતાં.
જોકે, ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’ સીરિયલમાં તેમણે ભજવેલા ઈન્દ્રવદન સારાભાઈના પાત્રએ તેમને અભૂતપૂર્વ સફળતા અપાવી હતી. તેમણે ‘કોમેડી સર્કસ’માં અર્ચના પૂરણ સિંહ સાથે જજ તરીકે પણ કામ કર્યું હતું. સતીષ શાહ સાથે 1997માં ‘જમાઈ રાજા’ નામની ટીવી સીરિયલ કરનારા અભિનેતા આર. માધવને તેમના નિધન અંગે શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ‘સતીષજી હવે સ્વર્ગમાં ભગવાનને પણ હસાવશે.’

•••

ભારતીય સિનેમામાં હાસ્યના એક યુગનો અંત 

ભારતીય સિનેમાના મહાન કલાકાર અને ઉત્કૃષ્ટ હાસ્ય અને ચારિત્ર્ય અભિનેતા ગોવર્ધન અસરાનીનું દિવાળીના સપરમા દિવસે 84 વર્ષની વયે નિધન થયું છે. પોતાના આગવા અભિનયથી આશરે પાંચ દસકા કરતાં વધુ વર્ષો સુધી દર્શકોનું મનોરંજન કરનારા અને ચાહકોમાં ‘અસરાની’ તરીકે જાણીતા અભિનેતાએ 300થી વધુ ફિલ્મોમાં પોતાના અભિયનના ઓજસ પાથર્યાં હતાં.
હિન્દી ઉપરાંત ગુજરાતી અને પંજાબી સહિતની ભાષાઓની ફિલ્મોમાં વિવિધ પાત્રોને જીવંત બનાવનારા અસરાનીને 1975માં રીલિઝ થયેલી ફિલ્મ ‘શોલે’માં તેમણે ભજવેલાં ‘જેલર’ના પાત્રએ અભૂતપૂર્વ લોકપ્રિયતા અપાવી હતી. હિન્દી સિનેરસિકોમાં ‘અંગ્રેજો કે જમાને કે જેલર’ તરીકે જ્યારે ગુજરાતી ફિલ્મી રસિયાઓના હૃદયમાં ‘અમદાવાદના રિક્ષાવાળા’ તરીકે અમીટ છાપ છોડનારા દિગ્ગજ અભિનેતાના નિધનથી ભારતીય સિનેમામાં હાસ્યના એક યુગનો અસ્ત થયો છે.
અસરાનીના મેનેજર બાબુભાઈ થીબાના જણાવ્યાં અનુસાર શ્વાસને લગતી સમસ્યાને લીધે તેમને ચાર દિવસથી જૂહુની એક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમણે 20ઓક્ટોબરે બપોરે અંતિમ શ્વાસ લીધાં હતાં. તેમની ઈચ્છા અનુસાર તેમના અંતિમ સંસ્કાર આ જ દિવસે સાંજે સાંતાક્રુઝ સ્થિત શાસ્ત્રી નગર સ્મશાનભૂમિમાં પરિવારજનો અને નજીકના લોકોની હાજરીમાં કરાયા હતા. અસરાનીને તેમની અંતિમ વિદાયનો અણસાર આવી ગયો હોય તેમણે આગલા દિવસે જ તેમના પત્ની સમક્ષ એવી લાગણી વ્યક્ત કરી હતી કે તેમના અવસાન બાદ કોઇ જાહેરાત કર્યા વગર પરિવારજનો અને અંગત સ્વજનોની હાજરીમાં જ અંતિમ સંસ્કાર સંપન્ન કરી નાંખવા. આથી તેમના પરિવારે અંતિમ સંસ્કાર બાદ જ તેમના અવસાનની જાહેરાત કરી હતી.
પાંચ દાયકાની સુદીર્ઘ ફિલ્મી કારકિર્દી દરમિયાન રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચનથી લઈને અક્ષય કુમાર તથા આમિર ખાન સહિતના ટોચના અભિનેતાઓ અને હૃષિકેશ મુખરજીથી લઈને રમેશ સિપ્પી અને પ્રિયદર્શન જેવા દિગ્દર્શકો સાથે કામ કરનારા અસરાનીએ 1967માં ‘હરે કાંચ કી ચૂડિયાં’ ફિલ્મથી હિન્દી સિનેજગતમાં પ્રવેશ કર્યો હતો.
પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
વરિષ્ઠ ફિલ્મ અભિનેતા ગોવર્ધન અસરાનીના નિધન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, એક બહુપ્રતિભાશાળી કલાકાર અને ઉમદા માનવી એવા અસરાનીજીએ પોતાની કળાથી દાયકાઓ સુધી વિવિધ પેઢીઓના જીવનમાં હાસ્ય રેલાવ્યું હતું. દુઃખની આ ક્ષણમાં તેમના પરિવાર અને ચાહકોને સાંત્વના પાઠવું છું.
અસરાનીની ફિલ્મોગ્રાફીઃ ‘હરે કાંચ કી ચૂડિયાં’, ‘ઉમંગ’, ‘સત્યકામ’, ‘ગુડ્ડી’, ‘મેરે અપને’, ‘પીયા કા ઘર’, ‘કોશિષ’, ‘સીતા ઔર ગીતા’, ‘બાવરચી’, ‘પરિચય’, ‘અનામિકા’, ‘અભિમાન’, ‘નમક હરામ’, ‘આપ કી કસમ’, ‘અજનબી’, ‘બિદાઈ’, ‘ચૂપકે ચૂપકે’, ‘શોલે’, ‘રફૂચક્કર’, ‘છોટી સી બાત’, ‘મિલી’, ‘બાલિકા વધુ’, ‘તપસ્યા’, ‘ચલા મુરારી હીરો બનને’ (ડિરેક્ટર), ‘આલાપ’, ‘બદલતે રિશ્તે’, ‘પતિ, પત્ની ઔર વો’, ‘સરગમ’, ‘એક હી ભૂલ’, ‘એક દૂજે કે લિયે’, ‘હેરાફેરી’, ‘માલામાલ વીકલી’, ‘ચૂપ ચૂપકે’, ‘ધમાલ’.
ગુજરાતી ફિલ્મો: ‘અમદાવાદનો રિક્ષાવાળો’, ‘સાત કેદી’, ‘સંસાર ચક્ર’, ‘પંખીનો માળો’, ‘જુગલ જોડી’, ‘મા-બાપ’, ‘છેલ છબીલો ગુજરાતી’, ‘મોટા ઘરની વહુ’, ‘પિયુ ગયો પરદેશ’, ‘વાયા વિરમગામ’, ‘પારકા પોતાના’, ‘ઘર ઘરની વાત’ તથા ‘નસીબદાર’ જેવી ગુજરાતી ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો હતો.

•••

‘મહાભારત’ના કર્ણ જિંદગી સામે જંગ હાર્યા

‘મહાભારત’ ટીવી સિરિયલમાં કર્ણની યાદગાર ભૂમિકા અદા કરી ચૂકેલા અભિનેતા પંકજ ધીરનું નિધન થયું છે. બી.આર. ચોપરાની ક્લાસિક ટીવી સિરીઝ ‘મહાભારત’માં કર્ણના પાત્રમાં તેમની ખૂબ પ્રશંસા થઈ હતી. તેઓ લાંબા સમયથી કેન્સરનો સામનો કરી રહ્યા હતા. મોટી સર્જરી કરાવ્યા પછી તેઓ 15 ઓક્ટોબરે જીવન સામેનો જંગ હારી ગયા છે. મુંબઈમાં વિલે પાર્લેના પવન હંસ ખાતે સાંજે તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. ફિલ્મ અભિનેતા સલમાન ખાન, ‘મહાભારત’ શ્રેણીના ઘણા દિગ્ગજ કલાકારો તેમની અંતિમવિધિમાં હાજર રહ્યા હતા.
પંકજ ધીરે 1970માં ‘પરવાના’ ફિલ્મમાં દિગ્દર્શક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પછી 1981માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પૂનમ’માં અભિનેતા તરીકે કામ કર્યું હતું. પરંતુ બી.આર. ચોપરાની ટીવી સિરીઝ ‘મહાભારત’થી તેમને મોટી ઓળખ મળી હતી. સિરીઝમાં તેમણે કર્ણનું પાત્ર નિભાવ્યું હતું. તે પછી તેઓ આજીવન ‘કર્ણ’ના નામે જ ઓળખાયા.
કર્ણના પાત્રમાં તેઓ એટલા લોકપ્રિય થયા હતા કે તેમના મંદિર પણ અનેક ઠેકાણે બનાવવામાં આવ્યા હતા. તેઓ સલમાનની ફિલ્મ ‘સનમ બેવફા’ અને શાહરુખ સાથે ફિલ્મ ‘બાદશાહ’માં પણ જોવા મળ્યા હતા. પંકજ ધીરના પુત્ર અભિનેતા નિકિતન ધીર પણ ફિલ્મોમાં કામ કરે છે. શાહરુખની ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’માં તેમણે થંગાબલીની ભૂમિકા અદા કરી હતી. પંકજ ધીરના પત્ની અનીતા ધીર ફિલ્મ ઉદ્યોગના જાણીતા કોસ્ચ્યુમ ડિઝાઈનર છે.

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter