મહાન ફિલ્મ નિર્માતા અને નિર્દેશક શ્યામ બેનેગલનું 23 ડિસેમ્બરે મુંબઈમાં નિધન થયું છે. બેનેગલ લાંબા સમયથી કિડની સંબંધી બીમારીનો સામનો કરી રહ્યા હતા. તેમનાં પુત્રી પિયા બેનેગલે આ સમાચાર આપ્યા હતા. કુલભૂષણ ખરબંદા, નસીરુદ્દીન શાહ, દિવ્યા દત્તા, શબાના આઝમી, રજિત કપૂર, કુણાલ કપૂર અને અતુલ તિવારી સહિતની ફિલ્મજગતની હસ્તીઓ સાથે તેમણે 14 ડિસેમ્બરે જ 90મો જન્મદિવસ મનાવ્યો હતો (જૂઓ તસવીર). એ સમયે તેમણે ભવિષ્યની યોજનાઓની ચર્ચા કરતાં કહ્યું હતું કે એ ટાણે તેમણે ભવિષ્યની યોજનાઓની ચર્ચા કરતાં કહ્યું હતું કે હું બે-ત્રણ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું. એ સૌ એકબીજા કરતાં જુદા છે. કયો પ્રોજેક્ટ કરીશ, એ હજી નક્કી નથી. એ બધા મોટા પડદા માટે છે.
બેનેગલનો જન્મ 14 ડિસેમ્બર 1934ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તેમના પિતા શ્રીધર બી. બેનેગલ મૂળે કર્ણાટકના અને ફોટોગ્રાફર હતા. તેમનાથી પ્રેરાઈને બેનેગલને ફિલ્મો પ્રત્યે રુચિ જાગી. તેમણે માત્ર 12 વર્ષની વયે જ પિતાએ ભેટમાં આપેલા કેમેરાથી પહેલી ફિલ્મ બનાવી હતી. હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કર્યા પછી તેમણે હૈદરાબાદ ફિલ્મ સોસાયટીની સ્થાપના કરી હતી. અહીંથી જ તેમની સિનેમા સફર શરૂ થઈ. તેમની છેલ્લી ફિલ્મ 2023માં ‘મુજીબ: ધ મેકિંગ ઓફ અ નેશન’ હતી.
5 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર
શ્યામ બેનેગલને પાંચ-પાંચ વખત નેશનલ ફિલ્મ એવોર્ડની નવાજેશ થઇ હતી. વર્ષ 2005માં તેમને ભારતીય સિનેમાનું સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડ અર્પણ કરાયો હતો. વર્ષ 1976માં તેમને પદ્મશ્રી અને 1991માં પદ્મભૂષણથી સન્માનિત કરાયા હતા.
યાદગાર ફિલ્મોનું નિર્માણ
ફિલ્મ નિર્માણ ક્ષેત્રે આગવા અભિગમ માટે જાણીતા શ્યામ બેનેગલે ‘અંકુર’, ‘મંથન’, ‘ભૂમિકા’, ‘ત્રિકાલ’, ‘ઝુબૈદા’, ‘મંડી’, ‘નેતાજી સુભાષચન્દ્ર બોઝ: ધ ફરગોટન હીરો’, ‘વેલ ડન અબ્બા’ જેવી ફિલ્મો બનાવી હતી. આ ફિલ્મોમાં માત્ર ભારતીય સિનેમાને નવી ઓળખ જ નથી આપી, પણ સમાજના ગંભીર મુદ્દા પણ રજૂ કર્યા હતા. વર્ષ 2014માં તેમણે ‘સંવિધાન: ધ મેકિંગ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા’ સીરિઝ બનાવી હતી. વર્ષ 1988માં નેહરુના પુસ્તક ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ પર આધારિત ટીવી સિરિયલ ‘ભારત એક ખોજ’ સીરિયલનું છબિકાર વી. કે. મૂર્તિ સાથે મળીને તેમણે નિર્દેશન, લેખન કર્યું હતું.