બસ હવે બહુ થયું... મામા-મામી સાથેની દુશ્મનીથી થાકી ગયો છે કૃષ્ણા

Saturday 09th October 2021 07:21 EDT
 
 

કોમેડિયન કૃષ્ણા અભિષેક મામા ગોવિંદા તથા મામી સુનીતા સાથેના ઝઘડાને કારણે અવારનવાર ચર્ચામાં આવતો રહે છે. છેલ્લાં ત્રણેક વર્ષથી તેમની વચ્ચે અણબનાવ છે. થોડાં સમય પહેલાં જ ગોવિંદા તથા સુનીતા 'ધ કપિલ શર્મા શો'માં આવ્યા હતા. આ એપિસોડમાં કૃષ્ણા જોવા મળ્યો નહોતો. આની પાછળનું કારણ એ છે કે સુનીતાએ અગાઉ જ કહી દીધું હતું કે તે જીવનમાં ક્યારેય કૃષ્ણાનો ચહેરો જોવા માગતી નથી. હવે કૃષ્ણાએ આ મામલે ફોડ પાડ્યો છે.
કૃષ્ણાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છેઃ 'મને ખ્યાલ છે કે મામીએ મારા વિશે ઘણી વાતો કરી છે અને તેનાથી મારા દીલને ઠેસ પહોંચી છે. જોકે, મને ખ્યાલ છે કે તેઓ ઘણાં જ ગુસ્સામાં છે, કારણ કે તે મને સૌથી વધારે પ્રેમ કરે છે. 'હું તેનો ચહેરો જોવા નથી માગતી', તેવી ફિલ્મી વાત બતાવે છે કે તેમને કઈ હદે આઘાત લાગ્યો છે અને ગુસ્સામાં છે. તમે જેને પ્રેમ કરતાં હો તેના પર જ ગુસ્સો કરતા હો છો. આ શબ્દ માત્ર ને માત્ર મા-બાપ બોલી શકે છે.'
કૃષ્ણાએ વધુમાં કહ્યું હતું, 'આઇ લવ યુ મામા તથા મામી... હું તેમની માફી માગું છું. મેં અનેકવાર પ્રયાસ કર્યો, પરંતુ તેમણે મને માફ કર્યો નથી. મને નથી ખબર કે તેઓ મને કેમ માફી આપવા તૈયાર નથી. અનેક ઇન્ટરવ્યૂમાં મેં કહ્યું કે અમે અમારી વચ્ચેના મતભેદ દૂરી કરી લેશું અને તેમણે પણ આ વાત કહી. જોકે, હજી પણ અમારી વચ્ચે અણબનાવ છે. મામા-મામી હું તમને ઘણો જ પ્રેમ કરું છું. તમારી આ દુશ્મની મને ઘણી જ હેરાન-પરેશાન કરે છે. હું અંદરથી દુઃખી છું. તેઓ મારા પેરેન્ટ્સ જેવા છે.'
કૃષ્ણા-ગોવિંદાનો શું છે વિવાદ?ઃ વર્ષ ૨૦૧૮માં કૃષ્ણાની પત્ની કાશ્મીરા શાહે સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ મૂકી હતી કે કેટલાક લોકો પૈસા માટે નાચે છે. આ મામલે સંદર્ભે સુનીતાએ કહ્યું હતું કે આ પોસ્ટ તેના પતિ ગોવિંદા વિરુદ્ધ કરવામાં આવી છે. આ પછી ગોવિંદા-સુનીતાએ કૃષ્ણા-કાશ્મીરા સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter