ગ્લેમર, સાહસ અને શિષ્ટતાનું સંમિશ્રણ કહેવાય તેવાં અભિનેત્રી મુમતાઝ એક સમયે બોલીવૂડ પર રાજ કરતાં હતાં. સ્ક્રીન આઈકોન મુમતાઝ આજે મુમતાઝ મયૂર માધવાણી નામે પ્રસિદ્ધ છે. આ ટાઈમલેસ સ્ટાર કેન્સર સામે સંઘર્ષ કરીને બહાર આવ્યાં છે. તેમણે આ સમયગાળામાં કીમોથેરાપીના 6 સેશન્સ અને રેડિયોથેરાપીની 35 સારવાર કરાવી હતી. મુમતાઝે આ સંઘર્ષ વિશે એક જ વાક્યમાં કહી દીધું હતું કે,‘જો મારાં પતિ (મયૂર માધવાણી) મારી પડખે ન હોત તો કદાચ મારું મોત થઈ ગયું હોત....’
મુમતાઝે એક મુલાકાતમાં તેમની દંતકથા સમાન કારકિર્દી, પ્રેમ, લગ્ન, અને પતિ મયૂર માધવાણીના અવિરત સપોર્ટ સાથે કેન્સર સામે હિંમતભરી લડાઈ વિશે વાતો કરી હતી. મુમતાઝે યુગાન્ડાના પ્રસિદ્ધ બિઝનેસમેન મયૂર માધવાણી સાથે 1974માં લગ્ન કર્યાં હતાં, પરંતુ આ લગ્ન તત્કાળ થયાં ન હતાં. ફિલ્મ ઈન્ડસ્ટ્રીને વિદાય આપી શકાય તેટલો સમય તેમણે માધવાણી પાસે માગ્યો હતો. કમિટમેન્ટ્સ પૂરાં કરવાં, લીધેલી સાઈનિંગ એમાઉન્ટ્સ પરત કરવી અને લગભગ ચારથી પાંચ ફિલ્મને નકારવા સહિતના આ બે વર્ષ સુધી મયૂર માધવાણીએ ધીરજપૂર્વક રાહ જોઈ હતી.
મુમતાઝ કહે છે કે, ‘હાથમાં લીધેલી ફિલ્મ્સ પૂરી થાય ત્યાં સુધી મારાં પતિએ રાહ જોવી પડી હતી.... મૈંને કિતની પિક્ચરેં છોડ દી.’ એક સમયે પોતાની ફિલ્મી કારકિર્દીને જાળવી રાખવા શમ્મી કપૂર સાથે સંબંધોનો અંત લાવનારાં મુમતાઝે મયૂર માધવાણી સાથે લગ્ન કરવા કારકિર્દીને ઠોકર મારવામાં જરા પણ ખચકાટ રાખ્યો ન હતો.
1970ના દાયકામાં સૌથી નોંધપાત્ર અભિનેત્રીઓમાં એક મુમતાઝને જોકે મયૂર માધવાણી સાથે લગ્ન કરવાં માટે ફિલ્મ કારકિર્દી છોડવાનો જરા પણ અફસોસ નથી. તેમણે જિંદગીની પસંદગી કરવામાં દિલની વાત સાંભળી હતી. તેમના આનંદી લગ્નજીવનનું સ્મરણ કરવાં સાથે મુમતાઝ બને તેટલો વધુ સમય સાથે વીતાવી શકે તેવી ઈચ્છા રાખે છે. જોકે, માધવાણી ગ્રૂપના વિશાળ બિઝનેસ એમ્પાયરનો કાર્યભાર સંભાળતા મયૂર માધવાણીનું વ્યવસાય અને પ્રવાસનું શિડ્યુલ ભારે ટાઈટ રહે છે.
કેન્સર સામે લાંબો સંઘર્ષ
અગાઉના એક ઈન્ટર્વ્યૂમાં પણ મુમતાઝે કેન્સર સામેની હિંમતભરી લડાઈ અને તેમાંથી બહાર આવવામાં પતિ માધવાણીના અવિરત સપોર્ટે ભજવેલી મહત્ત્વની ભૂમિકા વિશે વાત કરી હતી. મુમતાઝે આ સમયગાળામાં 6 કીમોથેરાપી સેશન્સ અને રેડિયોથેરાપીની 35 સારવાર કરાવી હતી. મયૂરનો સંપૂર્ણ તબીબી પરીક્ષણોનો આગ્રહ અને તેમની સંવેદનશીલતાની તાકાતે મુમતાઝને હૈયાધારણ આપી હતી. તેમનું આરોગ્ય જળવાય તે માટે સર્જરી કરાવવાનું પ્રોત્સાહન પણ આપ્યું હતું. પ્રેમ અને મજાકથી તેઓ વાતાવરણ હળવું રાખતા અને મુમતાઝ લોકપ્રિય ટોલકી ઢીંગલી જેવાં દેખાતી હોવાની રમૂજ પણ કરતા હતા.